કવર સ્ટોરીઃ ડંખીલા ડ્રેગન પર કેટલો ભરોસો કરાય?
રીક ટ્રોઇકા-2: દુશ્મન સાથે દોસ્તી કેટલી વાજબી?

- નિલેશ વાઘેલા
અમેરિકાએે ટેરિફ વોર વધુ વકરાવીને રશિયા, ભારત અને ચીનના રિક ટ્રોઇકા એટલે કે ત્રણની ત્રિપુટીના કનસેપ્ટને પુનર્જીવિત કર્યો અને આ ત્રિપુટીની આર્થિક ક્ષમતા કેટલી છે, તેમ જ સંસાધનની દૃષ્ટિએ કેવી સંપન્નતા છે તે અંગે આપણે પાછલા અંકમાં વાત કરી હતી. ભારત પર રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીની પનલ્ટી પેટે 25 ટકાની વધારાની ટેરિફ ફટકારીને ટ્રમ્પે વાસ્તવમાં જાતે જ પોતાનો પગ કૂહાડા પર પછાડ્યો હોવાનું ભાન કદાચ થયું હોવાથી તે ફરીથી ભારત સાથેની મિત્રતાની વાત કરવા માંડ્યા છે!
આપણે પાછલા અંકના લેખમાંથી મુખ્ય મુદ્દો થોડો દોહરાવીએ તો અમેરિકાના પ્રેસિડેન્ટની ટ્રમ્પની મૂર્ખતાપૂર્ણ વિદેશી નીતિ અને તેમાં પણ અન્ય તમામ દેશને છોડીને ભારતને લક્ષ્યાંક બનાવવાની હિણી આક્રમકતાને કારણે ભારતે, જેના તરફ જોવાનું પણ મન ના હોય એવા શત્રુ રાષ્ટ્ર ચીન તરફ નાછૂટકે નજર માંડવાનો સમય આવ્યો છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટ દરમિયાન ચીન અને ભારત વચ્ચેના સંવાદ, બાહ્ય દૃષ્ટિએ એવું ચિત્ર ઊભું કરે છે કે બંને દેશ હવે મિત્રતાની દિશામાં આગળ વધી રહ્યા છે.
નોંધવું રહ્યું કે એકત્રિત ધોરણે એસસીઓ વિશ્ર્વની વસ્તીના લગભગ ચાલીસ ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે, જેનું સંયુક્ત જીડીપી 26.8 ટ્રિલિયન ડોલર જેટલું થાય છે. આ જૂથ નોંધપાત્ર ઊર્જા ભંડાર અને વ્યૂહાત્મક સંસાધનો ધરાવે છે, જે તેને પ્રાદેશિક સહયોગ માટે એક મુખ્ય પ્લેટફોર્મ અને પશ્ચિમી નેતૃત્વ હેઠળની પહેલોના પ્રતિસંતુલન તરીકે સ્થાન આપે છે.
સામૂહિક રીતે, રશિયા, ભારત અને ચીન 53.9 ટ્રિલિયન ડોલરના જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વૈશ્ર્વિક આર્થિક ઉત્પાદનનો આશરે 33 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ દેશોની સંયુક્ત નિકાસ પાંચ ટ્રિલિયન ડોલરથી વધુ છે અને તેમની પાસે લગભગ 4.7 ટ્રિલિયન ડોલરની વિદેશી હૂંડિયામણ અનામત છે.
જોકે, મિલિયન ડોલર ક્વેશ્ર્ચન એ છે કે આપણે ચીન પર કેટલો ભરોસો કરી શકીએ? આપણાં ભૂતકાળના અનુભવ સારા નથી. પરિસ્થિતિ સપાટી પર દેખાય છે. તેના કરતાં વધુ જટિલ છે. ભારત, પોતાના હિતોની વિરુદ્ધ વારંવાર કાર્ય કરનારા ચીન સાથેના ભૂતકાળને અવગણી શકે નહીં અથવા ચીન પર સંપૂર્ણ વિશ્ર્વાસ પણ કરી શકે નહીં! હવે ચીન પર ભારત આંધળો વિશ્વાસ કેમ ના રાખી શકે એ જોઇએ:-
એક વર્ષથી વધુ સમયથી, ભારત અને ચીન તેમના દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા અને સંઘર્ષનું જોખમ ઘટાડવા માટે સતત રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે. જો કે, આ વાટાઘાટો ચાલુ હોવા છતાં, ખાસ કરીને, વણઉકેલાયેલા સરહદ વિવાદ સહિતના મૂળભૂત તફાવતો યથાવત્ છે.
વર્ષ 2020માં ચીની ઘૂસણખોરીની ઘટના બાદ, ઓક્ટોબર 2024માં, બંને દેશોએ લદાખમાં લશ્કરી ગતિરોધને ઓછો કરવા માટે આંશિક સમજૂતી કરી હતી. આમ છતાં ગલવાન અથડામણના લગભગ પાંચ વર્ષ પછી પણ ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર 50,000થી 60,000 સૈનિકો તહેનાત રાખવા પડે છે.
સરહદ મુદ્દો ગાઢ સંબંધોમાં એક મોટો અવરોધ છે. ભારત એ વાસ્તવિકતાને અવગણી શકે નહીં કે ચીને દાયકાઓથી અક્સાઇ ચીનમાં 43,000 ચોરસ કિલોમીટરથી વધુ ભારતીય પ્રદેશ પર કબજો કર્યો છે, ડ્રેગન લદાખ અને અરુણાચલ પ્રદેશ પર ભારતના સાર્વભૌમત્વનો વિવાદ કરે છે અને પાકિસ્તાનને રાજદ્વારી, લશ્કરી અને વ્યૂહાત્મક રીતે ટેકો આપવાનું ચાલુ રાખે છે.
ભારત-ચીન સીમા વિવાદ પર 24મા રાઉન્ડની વાટાઘાટો 19 ઓગસ્ટ, 2025ના રોજ નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની આગેવાની હેઠળ યોજાઈ હતી. નોંધવું રહ્યું કે, ભારતની મુલાકાત બાદ, વાંગ યીએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો, જેમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે બીજીંગ, નવી દિલ્હી સુધી પોતાનું પ્રભુત્વ ફેલાવી રહ્યું છે, છતાં તે તેના પરંપરાગત સાથી, એટલે કે પાકિસ્તાનને બાજુ પર રાખતું નથી.
22 એપ્રિલ, 2025ના રોજ પહલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે સાતમી મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ લશ્કરી કવાયત દરમિયાન, પાકિસ્તાને ભારતીય લક્ષ્યો સામે ચીની બનાવટના શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો અને આખુ જગત જાણે છે કે પાકિસ્તાન માત્ર મ્હોરું હતું, ચીને પરોક્ષ રીતે ભારત સામે યુદ્ધ કર્યું હતું.
ઓપરેશન સિંદૂર સમયે શત્રુ પાકિસ્તાન માટે શસ્ત્રો અને તમામ સહાય પૂરી પાડનાર તૂર્કી સાથે પણ ચીન સંબંધો વિકસાવી રહ્યું છે. આ ઘટનાઓ ભારતના પ્રાદેશિક સુરક્ષા વાતાવરણની જટિલતાને રેખાંકિત કરવા સાથે ડે્રગન સાથેના સંબંધો સાથે સંકળાયેલી ઊંડા ભૂરાજકીય ગૂંચવણો પ્રદર્શિત કરે છે.
સરવાળે ભારતીય નીતિ ઘડવૈયાઓએ ભૂરાજનીતિ અને વેપાર યુદ્ધોના વધતા જતા અસ્થિર મિશ્ર વાતાવરણ વચ્ચે પોતાના હિતોનું શ્રેષ્ઠ રીતે રક્ષણ કેવી રીતે કરવું તે કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું પડશે. આ સંદર્ભે ઇતિહાસ મહત્ત્વપૂર્ણ ચેતવણીઓ આપે છે.
જેમ કે, 1962નો સરહદ સંઘર્ષ, 1963ની શક્સગામ પ્રદેશ સોંપણી, 2020ની ગલવાન ખીણ અથડામણ અને 2022માં વાંગ યીને મોદી સાથે મળવાનો કરેલો ઇનકાર, આ બધા સંપૂર્ણ ચકાસણી વિના વિશ્વાસ કરવાના જોખમોને જાહેર કરે છે.
ડ્રેગનની એકપક્ષીય કાર્યવાહીઓ ભારતવિરોધી જ રહી છે, જેમ કે યારલુંગ ઝાંગપો પરનો મેગા ડેમ, બ્રહ્મપુત્રમાં પાણીના પ્રવાહને જોખમમાં મૂકે છે; સંશોધનની આડમાં ચીની સર્વેક્ષણ જહાજો શ્રીલંકા અને માલદીવમાંથી ભારત પર નજર રાખે છે.
ભારત 1963ને ભૂલી શક્યું નથી, જ્યારે પાકિસ્તાને ગેરકાયદેસર કબજા હેઠળના ભારતીય પ્રદેશનો એક ભાગ શક્સગામ વેલી ચીનને સોંપી દીધો હતો, જે આજે પણ ચીનના નિયંત્રણ હેઠળ છે. આવા ઐતિહાસિક દાખલાઓ છેતરપિંડીથી વાતચીતને અલગ કરવી અપવાદરૂપે મુશ્કેલ બનાવે છે.
2024ના અંતમાં મંજૂર થયેલ અને સદીના પ્રોજેક્ટ તરીકે ઓળખાવાતો બ્રહ્મપુત્ર ડેમ વિશ્ર્વનો સૌથી મોટો હાઇડ્રોપાવર ડેમ છે, જેનો અંદાજિત ખર્ચ 167 અબજ યુએસ ડોલર છે. ચીનમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ ભારત તેને એક વ્યૂહાત્મક હથિયાર તરીકે જુએ છે, જે સંભવિત ઇકોલોજીકલ, ખાદ્ય સુરક્ષા અને ભૂરાજકીય જોખમો ઊભા કરી શકે છે.
આપણ વાંચો: શરદ જોશી સ્પીકિંગઃ મધ્યમ વર્ગની મહામૂડી-કેઝ્યુઅલ રજાની કશમકશ!