પ્રાસંગિકઃ ભારતના બન્કર બસ્ટર મિસાઈલ ચીન-પાકિસ્તાન માટે કેવી રીતે ખોફનાક? | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

પ્રાસંગિકઃ ભારતના બન્કર બસ્ટર મિસાઈલ ચીન-પાકિસ્તાન માટે કેવી રીતે ખોફનાક?

ભારતે હજુ સુધી સંતાડી રાખેલાં આવાં અનેક વેપન્સ જયારે ધાર્યો ઉપયોગ કરશે ત્યારે આખી દુનિયા દંગ રહી જશે

અમૂલ દવે

હાલમાં પાકિસ્તાન સામેના `ઓપરેશન સિંદૂર’માં આપણાં હાઈપરસોનિક મિસાઈલ્સે હાહાકાર મચાવી દીધો. આ મિસાઈલે પાકિસ્તાનના હવાઈમથકોની એર ડિફેન્સ સિસ્ટમનો બહુ બૂરી રીતે ધ્વંશ કરી નાખી. આજે આખું મિલિટરી વિશ્વ રશિયાના સહયોગથી ભારતે તૈયાર કરેલા આ મિસાઈલનો મહિમા ગાય છે. દુનિયાના 15 દેશે તો ભારત પાસેથી આ મિસાઈલ ખરીદવાની તૈયારી દર્શાવી છે.

હવે ભારતે એવું જ બીજું વેપન તૈયાર કર્યું છે, જેનાથી આખી દુનિયામાં ભારતનો ડંકો વાગી ગયો છે. ભારતનું આ નવા શસ્ત્ર ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન સામે તારણ અને મારણનું કામ કરશે. ભારત તેની સ્વદેશી બન્કર બસ્ટર મિસાઈલ વિકસાવી રહી છે. આ મિસાઈલ પૃથ્વીના ભૂગર્ભમાં રહેલા બન્કર કે અણુમથકનો નાશ કરવા માટે સક્ષમ હશે.

ભારતને તેની પ્રેરણા ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાંથી મળી હતી. અમેરિકાએ ઇરાનના જમીનની નીચે રહેલા અણુમથકોનો નાશ કરવા માટે તેના બી-ટુ સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર-ટુનો ઉપયોગ કરીને 14,000 કિલોના બોમ્બનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આવા એક બોમ્બની કિમત બે કરોડ ડૉલર (170 કરોડ રૂપિયા) છે.! અમેરિકાના બોમ્બરની કિમત બે અબજ ડૉલર (અંદાજે 17,086 કરોડ રૂપિયા) છે.

ભારત પાસે રડારમાં ન ઝડપાય એવા સ્ટીલ્થ વિમાન કે બોમ્બર બનાવવાની ટેકનોલોજી નથી. ભારતને બોમ્બર અને તેના બોમ્બ બનાવવાનું પરવડે નહીં. આથી ભારતે આવાં મિસાઈલ બનાવવાનું નક્કી કર્યું. આનો કાયર્ક્રમ આમ તો 2000માં જ શરૂ થયો હતો.

આ પણ વાંચો…પ્રાસંગિક : હિન્દુ મંદિરો માટે લડી રહ્યા છે આપણા બે બૌદ્ધ પાડોશી દેશ…

હાલમાં જ પાકિસ્તાનના લશ્કરના વડા મુનીરે ભારતને અણુયુદ્ધ કરવાની અને અડધા વિશ્વને ઉડાવી દેવાની ધમકી અમેરિકાની ધરતી પરથી આપી હતી. આવી ધમકીને પોકળ બનાવવામાં ભારતનું નવું પરંપરાગત મિસાઈલ ઘણું ઉપયોગી સાબિત થશે.

ભારતે તેના આંતરખંડીય મિસાઈલ અગ્નિ-પાંચને આવા મિસાઈલમાં ફેરવવાનું બીડું ઉપાડ્યું છે. આ મિસાઈલની રેન્જ 7,000 કિલોમીટરથી વધારે છે. આ ત્રણ તબક્કાવાળી સોલિડ ઈંધણ વાપરતી મિસાઈલ છે. તે વિશ્વની ઝડપી મિસાઈલમાંની એક છે. તેની ઝડપ એક કલાક દીઠ 29,400 કિલોમીટર છે.

ભારતની ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અગ્નિ-પાંચના બસ્ટર આવૃત્તિ માટે કામ કરી રહ્યું છે. આ સુધારેલું મિસાઈલ 80-100 મીટર ઊંડું જઈ શકે છે. તે 7,500 કિલોના પરંપરાગત વોરહેડનું વહન કરી શકે છે. અમેરિકાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફાહન અણુમથકો પર હુમલો કરવા બન્કર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ભારતે મિસાઈલ આધારિત ડિલિવરી સિસ્ટમ પસંદ કરી છે, કારણ કે તે કરકસરવાળી, વધુ ઝડપી અને વધુ ફ્લેક્સિબલ-લવચીક છે.

આપણા અગ્નિ-પાંચ’ના નવા અવતારની રેન્જ 2500 કિલોમીટર હશે. તે પરંપરાગત બન્કર બસ્ટર વોરહેડનું વહન કરી શકશે.આ મિસાઈલ હાઈપરસોનિકની ગતિએ આક્રમણ કરશે. તેને અન્ય કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ અટકાવી નહીં શકે.ડીઆરડીઓ’એ આના બે નવા અવતાર બનાવ્યા છે. એકમાં તેમાં રહેલા વોરહેડ વડે સપાટી પરના લક્ષ્યને ભેદી શકશે. બીજો અવતાર ઊંડા બન્કર, મિસાઈલ સિલો અને કમાન્ડ સેન્ટરને ફૂંકી મારવાની ક્ષમતા ધરાવશે. ભારત આના વડે પાકિસ્તાનની કરાના ટેકરી કે ચીનના હોતાનમાં રહેલા અણુમથક પર હુમલો કરી શકશે.

ભારતની મિસાઈલ પરંપરાગત હથિયારમાં આવે છે એટલે ભારત અણુ હથિયારોનો પહેલો ઉપયોગ ન કરવાના તેના સિદ્ધાંતને અનુરૂપ છે. વોરહેડનું વજન વધારે હોવાથી મિસાઈલની રેન્જ અડધી થઈ ગઈ છે. ભારતનું એવું એક મિસાઈલ દુશ્મનના આખા હવાઈમથકનો નાશ કરી શકે છે. અમેરિકાનું બોમ્બર 30,000 પાઉન્ડનો બોમ્બ ફેંકી શકે છે. જોકે આવા બોમ્બરને એર ડિફેન્સ સિસ્ટમ પકડીને ટાર્ગેટ કરી શકે, બીજી તરફ, ભારતની મિસાઈલ એટલી ઝડપી છે કે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ તેને અટકાવી ન શકે. આ મિસાઈલ દુશ્મનનાં લક્ષ્યોને આગોતરી રીતે ભેદી શકે.

આ મિસાઈલને લીધે પાકિસ્તાનનાં બધાં ક્ષેત્રો અને ચીનના પા ભાગના ક્ષેત્ર કવર થાય છે. પાકિસ્તાનમાં તો આ મિસાઈલ અંગે ડર પેસી ગયો છે. ભારત હવે પાકિસ્તાનના અણુમમથકોને ચોકસાઈપૂર્વક ઊડાવી શકે છે. ભારતે આવા અનેક વેપન્સ સંતાડી રાખ્યા છે, જેનો એ ધાર્યો ઉપયોગ કરશે ત્યારે આખી દુનિયા દંગ થઈ થશે.

આ પણ વાંચો…માનસ મંથનઃ આજે કળિયુગમાં પ્રાસંગિક હોય એવાં ક્યાં વ્રત રાખી શકાય?

Amul Dave

પત્રકારત્વમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે રમતગમત, રાજકારણ, ધર્મ, જ્યોતિષ ઈત્યાદિ વિષય પર લોકપ્રિય કટાર લખી છે. રાજકારણ તેમનો મનગમતો વિષય છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમની હથોટી છે.

સંબંધિત લેખો

Back to top button