રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
ગુજરાતી મ્યુઝિક બેન્ડ બને તો?
* …તો એજ રાબેતા મુજબના દુહા, છંદ, રાસ, ભજન જ ગાજે…
ફ્લાવર -શોની જેમ વેજીટેબલ કે ફ્રૂટ- શો કેમ થતા નથી?
* કેમ વળી…શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટમાં રોજ શો અને સેલિંગ થાય જ છેને?!
શિયાળામાં ક્યારેક તાપ ને ક્યારેક ઝાપટાં…એને શું કહેવાય?
* મોસમી કોકટેલ.
ઉપર જવાનો રસ્તો ક્યાંથી નીકળે?
* અલબત્ત, નીચેથી….
રામ માટે રામબાણ તો લક્ષ્મણ માટે શું?
* લક્ષ્મણ રેખા.
સુખનાં કેટલાં નામ હશે?
* શાશ્વત સુખ-પરમ સુખ-તન સુખ- મન સુખ ને ધન સુખ….
ચરમસીમાની જેમ શરમસીમા કોને નડે?
* નફ્ફટને તો ન જ નડે…
રુદ્રાક્ષમાં દ્રાક્ષ હોય ખરી?
* જો ગુલાબજાંબુમાં ગુલાબ હોય તો રુદ્રાક્ષમાં ય ખરી …
ઉદાસ અને બિનધાસ્ત વચ્ચે ફરક શું?
* મેકઅપ બિફોર અને આફ્ટર જેટલો….
આજના સમયમાં તાજમહલ કે હવામહલ કેમ નથી બનતા?
* ‘ઈડી’ અને ‘આઈટી’ને તો ઓળખો છોને? એટલે.
આશીર્વાદ ક્યારે સાચા પડે?
* આપણું ધાર્યું થાય ત્યારે.
પ્રાર્થના શું આપે?
* પ્રભુની પ્રાર્થના હોય તો એ તમારું ઈચ્છિત આપે ને પત્નીનું નામ પ્રાર્થના હોય તો પોતાનું ધાર્યું આપે…
શરતો લાગુ કેમ હોય છે?
* એ ‘ચાલુ’ નથી હોતી એટલે એને ‘લાગુ’ કરવી પડે છે…
બેસણાંમાં સફેદ કપડાં કેમ ?
* મેચિંગની માથાકૂટ નહીં …