અજબ ગજબની દુનિયા | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

મુલાયમ પીંછાનો માલેતુજાર ભાવ નવ ગ્રામના પચીસ લાખ રૂપિયા!

28 હજાર 365 ડૉલર એક વાર, 28 હજાર 365 ડૉલર બે વાર, 28 હજાર 365 ડૉલર ત્રણ એક વાર…
કર્તાહર્તાએ લિલામી હથોડો પછાડ્યો અને અનેક આંખના ડોળા બહાર આવી ગયા. કારણ એવું હતું કે પંખીના એક મુલાયમ પીંછાની લિલામી કિંમત હતી આશરે 25 લાખ રૂપિયા…! ‘મુઘલ – એ-આઝમ’ માં પ્રેમના સાગરમાં ગળાડૂબ સલીમ અનારકલીના ચહેરા પર મુલાયમ પીંછું ફેરવે છે ત્યારે એ અમૂલ્ય બની ગયું હતું એવું જ કંઈક અહીં આ લિલામીમાં જોવા મળ્યું.

જાણવાની વાત એ છે કે લિલામ થયેલા પીંછા સાથે કોઈ પ્રણયકથા નહીં, બલ્કે પંખીકથા જોડાયેલી છે. આ પીંછું ઓસ્ટ્રેલિયાના પાડોશી દેશ ન્યૂઝીલેન્ડના મૂળ રહેવાસી માવરી લોકો સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નાતો ધરાવે છે. માવરી સમુદાયના મુખિયાના સરના તાજ પર હુયા નામના પંખીના પીંછા શોભાયમાન રહેતા હતા.

આપણ વાંચો: અજબ ગજબની દુનિયા!

યુરોપિયન ન્યુઝીલેન્ડમાં વસવાટ કરતા થયા ત્યારે હુયા ભાગ્યે જ જોવા મળતું હતું. કોઈ કારણસર યુરોપિયન લોકોને એનું ઘેલું લાગતા અલાયદી ચીજવસ્તુ એકઠી કરવાનો શોખ ધરાવતા તેમજ ફેશન બિઝનેસના લોકોની નજર બગડી અને એમના ‘પાપે’ પંખી લુપ્ત થઈ ગયું.

અલબત્ત, એના પીંછા માટે શોખીનો માગ્યા પૈસા આપવા તત્પર હોય છે એટલે જ્યારે પીછાંના ઓક્શનની ઘોષણા થઈ ત્યારે એના 3 હજાર ડૉલર તો સહેજે ઊપજશે એવી ધારણા હતી. જોકે, એ ધારણા સાવ જ ખોટી પડી અને મુલાયમ પીંછાના માલેતુજાર લાગે એવા અધધ 28 હજારથી વધુ ડૉલર ઉપજ્યા. ‘હાજર હુયા લાખનું, લુપ્ત હુયા લાખોનું’ કહેવત બનાવવી પડે એવો ઘાટ થયો.

આપણ વાંચો: અજબ ગજબની દુનિયા

જીવન ચલને કા નામ, પૈસે મિલે સુબહ-ઓ-શામ

ગુજરાતી ચલચિત્ર ‘કુલવધૂ’ માટે બરકત વિરાણી ‘બેફામ’એ એક ગીત લખ્યું હતું ‘ચાલતો રહેજે’. અલબત્ત, એમાં જીવનની ફિલસૂફીનું વર્ણન છે. આજે ‘ચાલતો રહેજે’ મંત્ર સ્વાસ્થ્ય માટે અને ‘દોડતો રહેજે’ અર્થ ઉપાર્જનના મંત્રો છે.

અમેરિકાની એક બેંકે અપનાવેલા નુસખા અનુસાર ચાલવાના પૈસા મળી શકે છે. ‘ફટનેસ બેંક’ તરીકે ઓળખાતી બેંક દ્વારા એક સ્કીમ રજૂ કરવામાં આવી છે, જેમાં ખાતેદારો જેટલા વધુ ડગલાં ભરશે, ટૂંકમાં જેટલું ચાલે એટલા એને વધુ પૈસા મળે. બેંકે ’સ્ટેપ ટ્રેકર’ નામની એપ બનાવી છે, જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરતાં તરત તમારું શારીરિક ચાલચલન દૈનિક ધોરણે રેકોર્ડ કરી લેશે. ટેન્શનમાં આવી ગયા? માત્ર પગે ચાલ્યા એ જ રેકોર્ડ થશે, ઓકે?!

ડાઉનલોડ કરેલી એપ્લિકેશન ચાલવા ઉપરાંત રનિંગ, સ્વિમિંગ, સાઈકલિંગ તેમજ વ્હિલચેર જેવી વિવિધ શારીરિક ગતિવિધિઓ દરમિયાન તમે કેટલા ડગલાં ભર્યા એની ગણતરી રાખશે. આ પગલાંને આધારે બેંકમાં પડેલી તમારી મૂડી પર વ્યાજની રકમ નક્કી થશે. ઉદાહરણ તરીકે જો તમે રોજના 12 હજાર 500 પગલાં ચાલ્યા તો 4.75 ટકા વ્યાજ મળશે. જો તમે 10 હજાર ડગલાં ચાલ્યા અને 15 વાર ડેબિટ કાર્ડ સ્વાઈપ કર્યા તો 5.25 ટકા વ્યાજ મળશે.

અમેરિકામાં મળતું આ સર્વોચ્ચ વ્યાજ છે. અલબત્ત, ‘કંડિશન્સ એપ્લાય’ જેવી શરતો સુધ્ધાં છે. પણ એટલું તો નક્કી કે શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી આર્થિક લાભ પણ આપવામાં આવી રહ્યો છે. હવે એવું નહીં માની બેસતા કે ફાસ્ટમ ફાસ્ટ ચાલીએ એટલે જલદી જલદી પૈસા મળી જાય…

આપણ વાંચો: અજબ ગજબની દુનિયા

ત્રણ મીંડાંમાંથી પાંચ મીંડાં: પ્રારબ્ધ નહીં, પુરુષાર્થ

પુરુષાર્થ ચડે કે પ્રારબ્ધ? એ મુદ્દાને લઈને થતી ચર્ચાનો કોઈ અંત નથી. અલબત્ત, સફળતાના એવરેસ્ટ પર બિરાજમાન લોકોનો અભ્યાસ કરીએ ત્યારે પુરુષાર્થનું પલડું ખાસ્સું નમેલું નજરે પડે છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં પુરુષાર્થ પ્રખર હોવાની દલીલને પુષ્ટિ મળે છે. 2016માં મામૂલી કહી શકાય એવા 5 હજાર રૂપિયાના સ્ટાઈપેન્ડથી શરૂઆત કર્યા પછી 2017માં પર્મનન્ટ નોકરી મળતા ભાઈસાહેબ મહિને દાડે 22 હજારનો પગાર મળવા લાગ્યો. આજે આઠ વર્ષ પછી એ જ ઓફિસમાં આ કર્મચારી દર મહિને 2.2 લાખ રૂપિયાનો માસિક પગાર મેળવે છે.

લોકો તો સફળતાની સીડી ચડતા હોય છે, આ મહાશયને શું લિફ્ટ મળી ગઈ એવો સવાલ અનેક લોકોને થયો. કોઈએ તો ત્રણ મીંડાંવાળો પગાર પાંચ મીંડાંવાળો (હજારમાંથી લાખમાં) કઈ રીતે થયો એ જાણવાની ઉત્સુકતા પણ દેખાડી. ભાઈસાહેબે જવાબ આપ્યો છે કે ‘મારી પાસે કોઈ ટેકનિકલ નોલેજ નથી. શરૂઆતનાં વર્ષોમાં નવું નવું કામ શીખતો ગયો. 22 હજારથી 40 હજાર સુધી પ્રગતિ કરી.

હું નવશીખ્યો હતો અને કઈ દિશામાં આગળ વધવું એ અંગે મગજમાં કોઈ સ્પષ્ટતા સુધ્ધાં નહોતી, પણ પછી ખૂબ મહેનત કરી ઘડિયાળ સામે જોયા વગર કામ કર્યું. નવું નવું કામ શીખતો ગયો અને આજે દર મહિને મને 2.2 લાખ પગાર મળે છે. આ કોઈ નસીબના ખેલ નથી, નિરંતર કોશિશ-મહેનતનું ફળ છે.’ પુરુષાર્થ કરવાથી કારકિર્દીની ગાડી પહેલા ગિયરમાંથી ચોથા ગિયરમાં સડસડાટ દોડવા લાગે છે.

બે બદામડીના બર્ગરના બાદશાહી ઠાઠ

1775માં ફ્રાંસમાં પાંઉના ભાવ આસમાની થઈ જતા ગરીબ જનતા પાસે સામાન્ય બ્રેડ ખરીદવા ના પૈસા નથી એ વ્યથા રાજા લૂઈ-16માની રાણી મેરી એન્તોઇનેત સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે રાણી સાહેબાએ ‘તો તેમને કેક ખાવા કહો’ એવું કહ્યું હોવાની વાત ચગાવવામાં આવી હતી. આપણે અહીં રાણી અને કેકના વિધાનની ખરાઈ-ખોટાઈમાં નથી પડવું.

વાત છે પહોંચમાં રહેતી વસ્તુ પહોંચ બહાર થઈ એની છે. ડાન્સ અને ફૂટબોલ માટે જાણીતા યુરોપિયન દેશ સ્પેનમાં બ્રેડની સેન્ડવિચનો એક પ્રકાર એવા બર્ગરનો બાદશાહી ઠાઠ અનેક લોકોને ચકિત કરી રહ્યો છે. રેસ્ટોરાંના મેનુમાં બર્ગરના ભાવ સાવ સામાન્ય માણસને પરવડે એવા હોય છે. ખિસ્સામાં ખણખણતા ન હોય ત્યારે મામૂલી રકમ ખર્ચી બર્ગરનો આનંદ લઈ શકાય છે.

જોકે, સ્પેનની એક રેસ્ટોરાંએ ’વિશ્વના સૌથી મોંઘા બર્ગર’ની જાહેરાત કરતા લોકો ચોંકી ગયા છે. આ બર્ગર પહોંચ બહારનું છે. આઠ વર્ષના સંશોધન અને વિવિધ પ્રયોગો-અજમાયશ પછી આ અનોખું બર્ગર તૈયાર થઈ શક્યું છે. એમાં ઉમેરવામાં આવતી સામગ્રી અંગે ગુપ્તતા રાખવામાં આવી છે, પણ એનો ભાવ (9450 યુરો, આશરે 9 લાખ 60 હજાર રૂપિયા) જાણ્યા પછી એની રેસીપી સિક્રેટ કેમ રાખવામાં આવે છે એ સમજાય છે.

‘લક્ઝરી પહોંચ બહાર હોવી જોઈએ’ એ માન્યતામાંથી આ બર્ગરનો જન્મ થયો છે. બહુ ઓછા લોકોને પોસાય એવો આ ભાવ છે, પણ એ ખર્ચવાની તમારી હેસિયત હોય તો પણ તમે રેસ્ટોરાંમાં જઈ એ ખાઈ નથી શકતા, કારણ કે રેસ્ટોરાં તરફથી તમને આમંત્રણ મળે તો જ તમે આ બાદશાહી બર્ગર આરોગી શકો છો.

મજાની વાત છે કે આમંત્રણ માટેની યોગ્યતા શું છે એ પણ કોઈને ખબર નથી. જો તમે સિલેક્ટ થયા તો રેસ્ટોરાંના પ્રાઈવેટ રૂમમાં અન્ય કેટલાક નસીબવંતા ગ્રાહકો સાથે તમને બેસાડી આ અલાયદું બર્ગર અને એક વિશિષ્ટ પ્રકારનું સૂપ પીરસવામાં આવે છે. સૂપના પૈસા અલગ છે કે નહીં એની જાણકારી નથી. જોકે, બર્ગર માટે આવી જંગી રકમ ખરીદવા તૈયાર થયેલી વ્યક્તિ માટે સૂપના દામ ગૌણ જ કહેવાય.

લ્યો કરો વાત!

દક્ષિણ અમેરિકાના ચિલીના રણ વિસ્તારમાં ‘હેન્ડ ઓફ ધ ડેઝર્ટ’ (રણનો પંજો) નામે ઓળખાતા 36 ફૂટ ઊંચા પંજાના બાંધકામનો પ્રારંભ 1992માં થયો હતો. અહીં સહેલાણીઓ ઉત્સુકતાથી આવે છે. પહેલી નજરે લોકો થાપ ખાઈ જાય છે અને બે ઘડી માટે આ અનોખા સ્મારકને મૃગજળ માની લે છે. કોઈ રાક્ષસી કદની વ્યક્તિ રેતીમાં ખૂંપી રહી છે અને મદદ માટે હાથ લંબાવી રહી છે એવો એહસાસ થાય છે.

જોકે, ધ્યાનથી જોતા એ ‘હેન્ડ ઓફ ધ ડેઝર્ટ’ ભ્રમણા નહીં પણ વાસ્તવિકતા હોવાનો ખ્યાલ આવે છે. રેતીના વિશાળ પટમાં ચાર આંગળી અને અંગૂઠાવાળા પંજા સાથે શેકહેન્ડ કરવાની ઈચ્છા થાય છે. આ સ્મારક એકલતા અને પીડા જેવી માનવીય સંવેદનાનું પ્રતીક માનવામાં આવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button