નસીબ ચમકતા હૈ તો ફર્શ ફાડ કે દેતા હૈ…

અજબ ગજબની દુનિયા: હેન્રી શાસ્ત્રી
અણધાર્યો અધધ લાભ થાય એ માટે ‘ભગવાન દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’ એમ કહેવાય છે. જોકે, પોર્ટુગલ વેપારીઓએ વિકસાવેલા ચીનના પ્રશાસન પ્રદેશની ઓળખ ધરાવતા મકાઉમાં એક એવી ઘટના બની છે જે જાણ્યા પછી ભાષાપ્રેમીઓને ‘નસીબ ચમકતા હૈ તો ફર્શ ફાડ કે દેતા હૈ’ એવી કહેવત બનાવવાનું મન થઈ શકે છે. ટુરિઝમ માટે જાણીતા મકાઉમાં અનેક વૈભવી હોટેલો છે. એમાંની એક ‘ગ્રાન્ડ એમ્પરર’ નામની હોટેલને ‘જાગીને જોઉં તો મશરૂની તળાઈમાં સૂતી હોય’ એવું આજકાલ લાગવા માંડ્યું હતું.
વાત એમ છે કે આ 20 વર્ષ પહેલા બંધાયેલી આલીશાન હોટેલની લોબીની ફરશ (મૂળ અરબી શબ્દ ફર્શ) પર સોનાની ઈંટ (ગોલ્ડ બ્રિક્સ) પાથરવામાં આવી હતી. એ સમયે ‘ગોલ્ડન પાથવે’ (સોનેરી સડક) ધરાવતી હોટેલ તરીકે એની ખ્યાતિ હતી. હોટેલની લોબીની ફર્શ પર કાચની નીચે સોનાની ઈંટો આંખનું આંજણ હતી.આ વૈભવનો એહસાસ કરવા દુનિયાભરના સહેલાણીઓ આવતા હતા.
જોકે, વધી ગયેલા ભૌગોલિક-રાજકીય ટેંશનને કારણે સોનાના ભાવમાં ઘોડાપૂર આવ્યું છે. એટલે ગ્રાહકોએ બહુ વૈભવ માણી લીધો હવે આપણો વારો છે એવો નિર્ધાર કરી હોટેલ મેનેજમેન્ટ દ્વારા સોનાની ઈંટો વેચી સોનાનો સૂરજ જોવાનો નિર્ણય લેવાયો અને 79 કિલો સોનાની ઈંટો વેચી 117 કરોડ ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. આ વેચાણથી હોટેલની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત થશે અને ગ્રાહકોને અનેક નવી અને મનભાવન વર્લ્ડ ક્લાસ સર્વિસ આપી શકશે એવું માનવામાં આવી રહ્યું છે. આ વાંચ્યા પછી જો તમને ‘શોભાને શું વળગે ભૂર, સોનું વેચે એ શૂર’ એવું કહેવાનું મન થાય તો એ તમારો હક છે.
મનસ્વી વિચારથી યમરાજને આમંત્રણ
વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચે ક્યારેક અત્યંત પાતળી રેખા હોય છે. કઈ બાબતને વિજ્ઞાન ગણવી અને કોને શ્રદ્ધાનું લેબલ મારવું એ અંગત બાબત છે. જોકે, ક્યારેક કોઈ સમજણનું ખોટું અર્થઘટન વિનાશને નોતરું આપી શકે છે. ચીનના પ્રખ્યાત શહેર શાંઘાઈમાં રહેતી મહિલાની કથા આ બાબત સામે આંગળી ચીંધી ગંભીર રીતે વિચાર કરવા પ્રેરે એવી જરૂર છે.
શાંઘાઈમાં રહેતી મહિલાની તબિયત નરમગરમ રહેતી હતી અને નસીબ પણ સાથ નહોતું આપી રહ્યું.
સમસ્યાના નિવારણ માટે મેડમે શોર્ટકટ વાપરી ફેંગશુઈ માસ્ટરને ઘરના વાસ્તુશાસ્ત્રની ચકાસણી કરવા બોલાવ્યો. એ મહાશયે ‘શોધી કાઢ્યું’ કે મહિલાની સોસાયટીની બહાર બેસાડવામાં આવેલા ટ્રાફિક મિરરનો કાચ એના ઘરની દિશા તરફ હોવાથી અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ‘બૂરી નજર’ દૂર કરવા મહિલાએ વગર વિચાર્યે ફેંગશુઈ અનુસાર એ ટ્રાફિક મિરરની દિશા બદલાવી નાખી.
જોકે, ઘરને ‘બૂરી નજર’થી બચાવવાની આ તરકીબ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ. ટ્રાફિક મિરરની ગેરહાજરીને કારણે એકબીજાની કાર ન દેખાતા એક્સિડેન્ટ થયા અને હાહાકાર મચી ગયો. હકીકતનો ખ્યાલ આવતા એ વિસ્તારની પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીએ બીજો મિરર એવી રીતે બેસાડ્યો કે મહિલાના ઘરની તરફ ન રહે અને કારચાલકોને પણ વાહનો દેખાય. જોકે, મહિલાનો માઠો વખત યથાવત રહ્યો અને ફરી તેણે મિરરની દિશા બદલી નાખી અને ફરી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.
અંતે પોલીસને બોલાવાવમાં આવી અને ઓફિસરે મહિલાને ચેતવણી આપી કે ખબરદાર, જો હવે આ મિરરને હાથ લગાડ્યો છે તો… અને મિરરને સિમેન્ટના વપરાશથી જડબેસલાક ફિટ કરી દીધો. મહિલા પણ સાનમાં સમજી ગઈ અને પ્રારબ્ધને બદલે પુરુષાર્થ પર ફોકસ કરી રહી છે. ટેક્નોલોજીમાં હેરત પમાડતા અનેક ઉદાહરણ પૂરા પાડતા ચીનમાં આવી ઘટના પણ બને છે એ જાણ્યા પછી ‘કુછ ભી હો સકતા હૈ’ પરનો વિશ્વાસ દ્રઢ બને છે, ખરું ને!
21 વર્ષે લગ્ન, 42 વર્ષે અફેર અને 97 વર્ષે બીજાં લગ્નની ઈચ્છા
સિંગાપોરની અદાલતમાં અજબ દુનિયાની ગજબ વાત જેવો કેસ આવ્યો અને અદાલતે આપેલો ચુકાદો પણ કેસ દાખલ કરનારે ધાર્યો નહીં હોય એવો ગજબનાક આવ્યો. ‘દિલ કા મામલા’ની ગજબનાક સ્ટોરી અનુસાર એક યુવકે 1950માં 21 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા અને ત્રણ પુત્રનો પિતા બન્યો. ‘દિલ તો બચ્ચા હૈ’ની કહેણી અનુસાર લગ્નનાં 21 વર્ષ પછી 42 વર્ષની ઉંમરે ભાઈસાહેબને પોતાની સેક્રેટરી સાથે અફેર થઈ ગયો. બંનેના અનૈતિક સંબંધથી એક સંતાનનો જન્મ થયો.
પતિના વ્યભિચારની જાણ થવા છતાં પત્નીએ આંખ આડા કાન કર્યા અને મૃત્યુપર્યંત (2014) તકરાર વિના પતિ સાથે રહી.
પત્નીના મૃત્યુ બાદ એકલતા દૂર કરવા પતિએ સેક્રેટરીને સાથે રહેવા બોલાવી લીધી. પરિવારમાં હોહા થઈ જતા અને વાત વણસી ગઈ હોવાનો ખ્યાલ આવતા ભાઈસાહેબે 2021માં 92 વર્ષની ઉંમરે સેક્રેટરી સાથે સાત ફેરા ફરી લેવાનું નક્કી કર્યું. સંપત્તિમાં ભાગ પડશે એ કારણસર કે અન્ય કોઈ કારણે બીજા નંબરના દીકરાએ ફેમિલી કોર્ટમાં દાવો દાખલ કરી પિતાશ્રીને કાનૂની રીતે અક્ષમ જાહેર કરવા વિનંતી કરી. દીકરાની દલીલ હતી કે 2017માં પડી ગયા બાદ ડેડી ડિમેન્શિયાથી પીડાતા હોવાથી તેઓ જાતે નિર્ણય લેવા સક્ષમ નથી અને તેમની પ્રેમિકા તેમનો ગેરલાભ લઈ રહી છે.
આ કેસથી વિફરેલા પિતાશ્રીએ વીલમાંથી બીજા નંબરના દીકરા અને પૌત્રના નામ કઢાવી નાખ્યા અને સામો ખટલો દાખલ કરી 38 લાખ સિંગાપોર ડૉલર (આશરે 26 કરોડ રૂપિયા) અને કંપનીના એસેટ પાછા માગ્યા. એટલું જ નહીં, પૌત્રને ઘર ખાલી કરાવવાની પણ માંગણી કરી. તબીબી તપાસમાં 97 વર્ષના વડીલને થોડી તકલીફ હોવાની જાણ થઈ, પણ મેરેજ કે પ્રોપર્ટી અંગે નિર્ણયો લેવા માટે એકદમ સજ્જ હોવાનું નિદાન થયું.
ન્યાયમૂર્તિએ એક વાત પર ધ્યાન દોર્યું કે 2017માં ડેડી પડી જવાને કારણે અસમર્થ હોવાનો દાવો કરનારા પુત્રએ બે વર્ષ પછી 2019માં પિતાશ્રીને કંપનીના સીઈઓ બનાવવા મંજૂરી આપી હતી. મહિલા સામેના આક્ષેપો પણ અદાલતે ફગાવી દીધા છે. જોકે, હવે મોટા દીકરાએ અપીલ ફાઈલ કરી હોવાથી પુનર્લગ્નની શરણાઈના સૂર માટે વડીલે રાહ જોવી પડશે.
અજીબ દાસ્તાં હૈ યે…
શમ્મી કપૂરના સ્ટેપ્સ પરનું દિલ ડોલાવી દેતું ‘તીસરી મંઝિલ’નું ગીત ‘આ જા આ જા, મૈં હૂં પ્યાર તેરા’ હોય કે ‘યાદોં કી બારાત’નું સેન્સ્યુઅસ ઝીનત અમાનનું સ્ટાઈલિશ ‘ચુરા લિયા હૈ જો તુમને દિલ કો’ હોય, બંને ગીતના પ્રારંભમાં ગિટારના સૂર દિલના દરિયામાં ડૂબકી મારવા મજબૂર કરે છે. ગિટારના સૂર કેમ બહુ મીઠા લાગે છે એનું એક નવુંનક્કોર કારણ એ છે કે રોશોગુલ્લા, ચમચમ અને સંદેસ જેવી મીઠાઈ માટે પ્રખ્યાત બંગાળના એક ખોબલા જેવડા ગામમાં દેશની 60 ટકા ગિટારનું ઉત્પાદન થાય છે.
બંગાળના લોકસંગીતમાં અને વિશેષ કરીને બાઉલ ગીતોમાં એકતારાની વિશિષ્ટ હાજરી હોય છે. જોકે, સમય જતા એકતારાનો વિકાસ થયો અને આજે છ તારની ગિટારનો જમાનો ચાલે છે. પશ્ચિમ બંગાળમાં ઠેકઠેકાણે ગિટાર બનાવતી ફેકટરીઓ જોવા મળે છે અને એમાં ઉત્તર 24 પરગણામાં આવેલું શ્યામનગર ‘ગિટાર ગામ’ની ખ્યાતિ ધરાવે છે.
આધ્યાત્મ અને ફૂટબોલ સાથે અનોખો નાતો ધરાવતું આ ગામ લાકડું વહેરવાનો અવાજ અને ગિટારના તારના ઝણકાર એમ બે વિશિષ્ટ ધ્વનિ માટે નામના ધરાવે છે. શ્યામનગરમાં કુશળ કારીગરોની વસતિ વધુ હોવાથી અહીં મહત્તમ ગિટાર તૈયાર થાય છે અને ભારતભરમાં જ નહીં, એની ભૂતાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશમાં નિકાસ પણ થાય છે. ‘અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ…’
લ્યો કરો વાત
ઘણા પુરુષોને કપાળ પર મોટો લાલચટાક કંકુનો ચાંદલો કરતી મહિલા સુંદર અને મોહક લાગે છે. બંગાળની સ્ત્રીઓમાં જોવા મળતી આ સુંદર પ્રથા આવતા મહિને આકાશમાં પણ જોવા મળશે. ના, સુનિતા વિલિયમ્સ પછી વધુ એક ભારતીય સન્નારી અવકાશમાં જવાની તૈયારીમાં નથી. ત્રીજી માર્ચે ચાંદામામા પેલા કંકુના ચાંલ્લા જેવા લાલમલાલ દેખાવાના છે. ‘ખૂન કા મામલા’ જેવી પણ કોઈ વાત નથી.
વાત એમ છે કે એ દિવસે હોળી છે ને પૂર્ણ ચંદ્રગ્રહણ પણ છે. લગભગ 58 મિનિટ સુધી ચાંદામામા લાલઘૂમ ચહેરા સાથે પૃથ્વી પરના ભાણેજો સામે તાકી રહેશે. સામાન્યપણે મામાના દીદાર ભાણેજરાઓના ચહેરા હસુ હસુ કરી આનંદિત કરી દેતા હોય છે.
જોકે, ત્રીજી માર્ચે મામાનો લાલઘૂમ ચહેરો જોઈ એ ગુસ્સે ભરાણા છે કે એમને ઈજા થઈ છે એવું નથી. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જવાને કારણે દાદાનો પ્રકાશ સીધો મામાના ઘર સુધી ન પહોંચી શકવાને કારણે ચંદ્ર લાલચટક દેખાય છે, જેને વિજ્ઞાન ‘બ્લડ મૂન’ તરીકે ઓળખે છે.


