ઔર યે મૌસમ હંસીં: બીજી ઓકટોબર ગાંધી જયંતી ના અવસરે… યુવાનો આજે પણ બાપુ પાછળ દીવાના કેમ છે…? | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં: બીજી ઓકટોબર ગાંધી જયંતી ના અવસરે… યુવાનો આજે પણ બાપુ પાછળ દીવાના કેમ છે…?

– દેવલ શાસ્ત્રી

વડોદરાથી લગભગ ચાલીસ -પચાસ કિલોમીટર દૂર બોરસદ તાલુકામાં કંકાપુરા નામનું ગામ છે. આ ગામમાં દાંડીયાત્રા દરમિયાન મહાત્મા ગાંધી 19 માર્ચના દિવસે આવ્યા હતા. સરદાર પટેલ અને નહેરુ પણ એ જ અરસામાં અહીં આવ્યા હતા.

દાંડીમાર્ગને હેરિટેજ માર્ગ બનાવીને કુદરતી વાતાવરણમાં હાલમાં સરકારે ગેસ્ટહાઉસ બનાવ્યું છે. આ ગેસ્ટહાઉસમાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને અનેક વિદેશી યુવક – યુવતીઓ દાંડીમાર્ગ પર માર્ચ મહિનામાં યાત્રા કરવા આવે છે. કોઈ રિક્ષા ચલાવીને, કોઈ ચાલતા આવે છે તો કોઈ સાઇકલ લઈને દાંડીયાત્રાની અનુભૂતિ કરે છે.

આપણે ત્યાં યુવાનો વોટ્સઅપ પર બેફામ લખવામાં ડૂબ્યા છે ત્યારે દુનિયાભરના પ્રવાસીઓ ગાંધીની સુગંધ પામવા અહીં આવતા રહે છે.

મને એક સ્થાનિક મિત્રએ કહ્યું હતું કે માર્ચ મહિનામાં એક વિદેશી યુવાન અમદાવાદથી દાંડી સુધી ચાલતો નીકળ્યો હતો. માર્ગમાં આપણા લોકો એને બળજબરીથી પોતાની કારમાં લિફ્ટ આપે. આ વિદેશી યુવાન મન રાખવા બેસી જાય પછી જે સ્થળથી બેસાડ્યો હોય ત્યાં પાછો જાય અને ફરીથી ચાલવાનું શરૂ કરે. સોશ્યલ મીડિયા થકી ભારતીય યુવાનોમાં ગાંધીજી માટે અલગ ઇમેજ બનાવવામાં આવતી હોય છે. આમ છતાં આપણા દેશમાં લાખો યુવાનો ગાંધીજીના ચાહકો છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં…: પ્રકૃતિની દેવી: અપ્સરાઓની કેવી છે દુનિયા…

આજ ગામના એક વડીલ શ્રદ્ધાળુએ મને કહ્યું હતું કે બાપુ મહીનદીના કિનારા પર આવ્યા અને મારા બાપા કહેતા હતા કે મહીસાગરે બાપુને મારગ કરી દીધો હતો, બાપુ માણહ નો’તા, પણ મોટા સંત હતા દાંડી માર્ગની જ વાત નીકળી છે તો દુનિયાભરમાં ચાલીસ કરતાં વધુ દેશોમાં ગાંધીમાર્ગ છે. ગાંધીની વારસો માત્ર ભારત સુધી મર્યાદિત નથી. તે વિશ્વના દરેક ખૂણે ફેલાયેલો છે. હાલમાં 84 કરતાં વધુ દેશોમાં 110થી વધુ ગાંધીની પ્રતિમાઓ છે, જે એમના અહિંસા અને શાંતિના સંદેશને જીવંત રાખે છે. ઉદાહરણ તરીકે, લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં 2015માં સ્થાપિત ગાંધીની પ્રતિમા, જે બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ એમની લડતને યાદ કરાવે છે. આ પ્રતિમા પર ગાંધી ધોતી અને લાઠી સાથે દર્શાવાયા છે.

અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં, ઇન્ડિયન એમ્બસી સામેની પ્રતિમા 1930ના મીઠાના સત્યાગ્રહને પ્રતીકાત્મક પ્રતિમા છે. એમની તસ્વીરો તેમ જ ચરખો અને લેખોનાં પુસ્તકો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એકલા ફ્રાન્સમાં 10 કરતાં વધુ માર્ગ ગાંધીજીને સમર્પિત કરવામાં આવ્યા છે. અમેરિકા, જાપાન, ઇજિપ્ત જેવા દેશોમાં મહત્ત્વના માર્ગ મહાત્માજીના નામ પર છે.

ન્યૂયોર્કના યુનિયન સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા એવા સ્થળે – જગા પર છે, જ્યાં યુવાનો વાજબી આંદોલન કરે છે.

વિશ્વવિખ્યાત મોબાઈલ બ્રાન્ડ ‘આઈફોન’ તેના પ્રારંભિક સમયમાં વૈશ્વિક બ્રાન્ડ બનવા માટે વિશ્વની વિભૂતિઓ સાથે માર્કેટિંગ કર્યું હતું. ‘આઈફોન’ને વૈશ્વિક બનાવવા માટે મહાત્મા ગાંધીની કેટલીક તસવીરો સાથે વશ્વભરમાં પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : જિંદગીના રંગના આલિંગનની કવિતા: સૂર્યાસ્ત…

અમેરિકાની વાત નીકળી છે તો અમેરિકામાં કાળા- ધોળાનો ભેદભાવ દૂર કરવા માર્ટિન લ્યુથર કિંગે આંદોલન કર્યું હતું. મહાત્મા ગાંધીના અસહકાર અને અહિંસાના સિદ્ધાંત સાથે થયેલા આંદોલનથી અત્યંત પ્રભાવિત માર્ટિન લ્યુથર કિંગે અમેરિકામાં ક્રાંતિનો ઝંડો ફરકાવ્યો હતો. ભારતીયોને અમેરિકાના સમાન નાગરિક અધિકાર અને સ્વતંત્રતા પસંદ છે એના પાયામાં આપણા ગાંધીબાપુ છે. ફિલિપાઇન્સ સહિત દુનિયાના અનેક દેશમાં થયેલી ક્રાંતિના મૂળિયાં આપણા બાપુના વિચારોમાં છે. બરાક ઓબામાની સેનેટ ઓફિસની દીવાલ પર ગાંધીની તસ્વીર ઝુલતી હતી.

ગાંધીજીએ ભારતીય પરંપરામાં સામાન્ય જનને આકર્ષવા માટે નવા પ્રયોગ કર્યા હતા જે આજ પર્યંત ચાલુ છે. એમના દરેક કાર્યક્રમ, આશ્રમની દૈનિક પ્રવૃત્તિઓ અને જાહેર સભાઓની શરૂઆત પ્રાર્થનાથી કરવાની પરંપરા સ્થાપી. આ પ્રાર્થનાઓ હિંદુ ધર્મના ભજનો, ગીતા પાઠ, રામધૂન અને અન્ય ધર્મોના પવિત્ર ગ્રંથોના પાઠ પર આધારિત હતી.

મહાત્મા ગાંધીના સાબરમતી અને સેવાગ્રામ આશ્રમમાં અનેક પરંપરાઓ ભારતીય લોકજીવનમાંથી આવી હતી. આશ્રમમાં સાદગી, સ્વચ્છતા, સાદું જીવન અને બ્રહ્મચર્ય જેવી વાતો વણાયેલી હતી. સ્વરોજગારી માટે ખાદી અને સ્થાનિક ઉત્પાદન પર ભાર આપવા સાથે ગાંધીજીએ નૈસર્ગિક ઉપચારના પ્રસાર માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. ગાંધી વિચારમાં જ ઋગ્વેદ પરંપરાનું સત્યની શોધનું સૂત્ર આવી જાય છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : દાદર- પ્રાચીન યુગના રહસ્યોથી આધુનિક વૈભવ સુધીની શૈલી

જન્મે વડોદરાના ગાંધીવાદી તેમ જ કૃષ્ણભક્ત રેહાનાબહેન તૈયબજીએ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. મહાત્મા ગાંધીની ઉપવાસ પછી તબિયત અત્યંત કથળેલી હતી. મહાત્મા પથારીવશ હતા. અત્યંત અશક્ત બાપુ સરખું બોલી પણ શકતા હતા નહીં. રેહાનાબહેન લખે છે કે પોતે બાપુની ખબર કાઢવા ગયા. દૂરથી બાપુને વંદન કર્યા પણ બાપુએ એમને નજીક બોલાવ્યા. રેહાનાબહેનના ઘરે એક સમયે 40 કરતાં વધુ નોકર હતા. સાદાઈથી રહેવાની બાપુ તરફ સલાહ મળતા નોકરોને રુખસદ આપવામાં આવી. રેહાનાબહેનને નજીક બોલાવીને બાપુએ સવાલ પૂછ્યો હતો કે નોકરીમાંથી છુટા કર્યા પછી કોઈ નોકર ભૂખે મરતા નથીને? રસોયાને પગાર આપો છો ને?’ અત્યંત ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં બાપુના હૈયે છૂટા કરવામાં આવેલા નોકરોની ચિંતા હતી.

ગાંધીજીનો ભત્રીજો પ્રભુદાસ ગાંધી આફ્રિકામાં એમની સાથે હતાં. એમણે પોતાના પુસ્તક ‘દક્ષિણ આફ્રિકનો સત્યાગ્રહમાં’ લખ્યું હતું કે એમનું બાળપણ ફિનિક્સ આશ્રમમાં વિતેલું. પ્રભુદાસ ખાદીવિદ્યામાં ખૂબ સમર્થ, પગેથી ગતિ આપી બે હાથે સૂતર કાંતવા માટેનો રેંટિયો એમણે શોધેલો. ખાદીના ઉપયોગની સમજ જેમની પાસેથી મળી હતી એવા વડીલ મગનલાલ પ્રત્યે ભક્તિ વ્યક્ત કરવા રેંટિયાનું નામ જ ‘મગન રેંટિયો’ કરી દીધું. ચંપારણ સત્યાગ્રહ વખતે સામાન્ય લોકોને ખાદી કાંતવાની સમજ આપવાની જવાબદારી પ્રભુદાસ ગાંધીને સોંપવામાં આવી હતી. તે વખતના નેતાઓ માટે આ સત્યાગ્રહ આંદોલન એક નવા પ્રકારની લડત હતી…

ધ એન્ડ:

ગાંધીજીની લડત દક્ષિણ આફ્રિકામાં લગભગ પૂરી થવા આવી. જનરલ સ્મટ્સ સાથે 16 ફેબ્રુઆરી,1914ના રોજ કાચું સમાધાન થયું અને બરાબર પાંચ મહીના પછી એટલે કે 18 જુલાઈ, 1914ના રોજ ગાંધીજીએ કાયમી રીતે ભારત તરફ પ્રયાણ કર્યું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button