રમૂજી સવાલના મનમોજી જવાબ

- દર્શન ભાવસાર
રહેમ નજર કેવી હોય?
વહેમ ના પડે એવી.
નજરના જામ છલકાવનાર ક્યાં જતાં હશે?
જયાં પોતાનો જામ છલકાતો કોઈ જોઈ શકે ત્યા!
ઉતાવળે આંબા નહીં તો શું પાકે?
બાવળ..!
ખોટા સરનામા પર કંકોતરી મોકલી દેવાય તો?
ચાંદલાની ખોટ જાય.
કયા કયા બાજ ઊડી ના શકે?
ચાલબાજ અને ફાંદેબાજ…
આગાહી ખોટી પડે તો શું થાય?
નિરાંત…
હનીમૂન માટે ક્યાં જવું સારું?
જ્યાં ડિવોર્સના બીજ ન વવાય ત્યાં….
વિદેશમાં અમુક યુગલ છૂટાછેડા કેમ ઉજવતા હશે?
પોતાની ભૂલ જાહેરમાં કબૂલી લેવા માટે !
છૂટાછેડાના ગીત કેમ સંભળાતા નથી?
ધીમા સ્વરે છૂટા છૂટા ગવાતા હોય છે એથી !
ફોઈને નામ પાડવાનો ચાન્સ ના મળે તો?
ફુઆને રિસાઈ જવાનું બહાનું મળી જાય…
ચેકઆઉટ અને ગેટઆઉટ માં ફરક શું?
ચેકઆઉટ ચાર્જ ચૂકવીને થાય …ગેટઆઉટ સાવ મફ્તમાં ! .
ઝાઝા હાથ રળિયામણાં.. અને એકલે હાથ?
સાવ અકળામણા…
મંદિરમાં ઘંટના બદલે ડોર બેલ મુકાય તો?
‘ડોન્ટ ડિસ્ટર્બ મી’ નું બોર્ડ પણ લાગી જાય.
મેકઅપ – વસ્ત્ર પરિધાન કરતી સ્ત્રીને પહેલાં કોણ જુએ?
અરીસો…
વરરાજા પગપાળા પરણવા જાય તો?
તો જાનના બદલે પગપાળા સંઘ બની જાય.
મહિલાને માઠું ક્યારે લાગે?
કોઈ આન્ટી કહીને બોલાવે ત્યારે માઠું જ નહીં-વસમું પણ લાગી જાય!
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા: ડબલા સર્વિસના ડબ્બા ગૂલ



