140 કરોડની આઝાદી : ઓય હોય… કૈસા દેસ હૈ મેરા!

- શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ
ભારતની આઝાદીને ઘણાં વર્ષ વીતી ગયા. વીતી ગયાં તો વીતી ગયાં. એમાં આપણે શું કરી શકીએ ને કોઈ કરી પણ શું શકે? આટલા વર્ષે પણ દેશ એવો જ છે ને એવો જ રહેશે…જે ભારતીય વિદેશમાં નથી રહેતા એ લોકો, અહીં ભારતમાં જ રહે છે ને એવા લોકોની સંખ્યા ઓછી નથી. જો આપણે દેશને આગળ ના લઈ જઈ શકીએ તો ઓછામાં ઓછું દેશની વસતિને તો આગળ વધારી જ શકીએ ને?!
આઝાદીનાં આટલાં વર્ષોમાં દેશમાં મોટા-મોટા નેતાઓ થઈ ગયા. જ્યારે મોટા-મોટા નેતાઓ નહીં થવાયું ત્યારે આપણે નાના-નાના નેતા પેદા કર્યા. એ નાના-નાના નેતાઓએ બીજા નાના-નાના નેતાઓ પેદા કર્યા. આ રીતે આપણો દેશ નેતાઓની બાબતમાં તો કમસે કમ આત્મનિર્ભર થઈ ગયો છે.
જો તમારી પાસે કોઈ કામ નહીં હોય તો તમે શહેરના નેતા બની શકો છો ને જો ખોટાં કામ કરવા માગો છો તો ચોક્ક્સ નેતા બનો જ!
નેતા બનવા માટેના દરવાજા હંમેશાં બધા માટે ખુલ્લા છે. જે શહેરમાં કલાકારો વધારે હોય છે ત્યાં નાટક મંડળીઓની સંખ્યા વધી જાય છે. એ જ રીતે દેશમાં નેતાઓની સંખ્યા વધારે હોય છે, ત્યાં રાજકીય પક્ષો ઘણા વધી જાય છે.
અંતે આ રાજકીય પક્ષો છે શું? ‘લોકશાહીની ટ્રેનનાં ડબ્બા.’ ટ્રેન વધી રહી છે તેમ તેમ ડબ્બાઓ પણ વધી રહ્યા છે અને જેમ સુપરફાસ્ટ ટ્રેનનાં ડબ્બાઓ જુદા જુદા હોવા છતાં એકબીજા સાથે જોડાયેલા હોય છે એવી જ રીતે લોકશાહીની ટ્રેનના ડબ્બા જુદા-જુદા હોવા છતાં જોડાયેલા છે. તમે ઈચ્છો તો કોઈપણ પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાય શકો છો. બધી બેઠક નરમ છે અને બધાં જ ડબ્બા એરકન્ડિશન છે. એન્જોય!
આઝાદીનાં આટલાં વર્ષોમાં આપણે ઝાડ કાપ્યાં અને એમાંથી ખુરશીઓ બનાવી! હવે આપણે ઝાડ નીચે નથી બેસતા. આપણે ઝાડમાંથી બનાવેલી ખુરશીઓ પર બેસીએ છીએ, જેથી કરીને આપણે બીજા વધારે ઝાડ કાપવાનો ઓર્ડર આપી શકીએ!
નેતાઓએ જ્યારે-જ્યારે કહ્યું- ‘વૃક્ષો વાવવામાં આવશે ’ ત્યારે -ત્યારે એને કાપવામાં આવ્યાં છે. જ્યાં સુધી ઝાડ કાપવામાં નહીં આવે ત્યાં સુધી જગ્યા ખાલી નહીં થાય તો પછી નવાં વૃક્ષો વાવશું ક્યાં?
દેશની ધરતી ખરેખર મહાન છે. જેટલું અનાજ પેદા કરે છે એનાથી વધારે તો એને ખાવાવાળા પેદા કરે છે! આપણે વિદેશથી અન્ન મગાવતા રહ્યા. ખાતા રહ્યા, પચાવતા રહ્યા. વિદેશી અનાજ અને દેશી ચૂરણે પેટનું સંતુલન જાળવી રાખ્યુ છે. આઝાદી પછી આ દેશને પહેલીવાર કિચન ને બેડરૂમનું મહત્ત્વ સમજાયું. ખાવા ને સૂવા માટે આપણે મકાન બનાવ્યા અને મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટરોનો સમુદાય તૈયાર કર્યો. આજે દેશના અનેક લોકોને પોતાના તકિયા, ગાદલાં ને એરકંડિશનો પર ગર્વ છે, એમને લાગે છે કે એ સુખી છે તો આખો દેશ પણ સુખી છે.
આઝાદીનાં આટલાં વર્ષોમાં માણસ સસ્તો અને ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ. શરીર સસ્તું અને કપડા મોંઘા થઈ ગયા. ઘરેણાઓની કિંમત શરીર કરતાં વધારે થઈ ગઇ. હોદ્દાનું માન માણસ કરતાં વધારે થઈ ગયું. ઘરમાં પત્ની રહે છે, પરંતુ આંખમાં હીરોઈન. અગાઉ ગુલામ ભારતમાં યુવાન એની મંગેતરનાં સપનાં જોતો હતો, પરંતુ આઝાદ ભારતમાં યુવાન હોટલના રૂમમાં કોલગર્લને બોલાવી લે છે.
1948થી આપણી બહાદુરીની વાર્તા એ છે કે ગાંધીજીને ગોળી મારીને ચાલ્યા હતા તે ઈન્દિરા ગાંધીને ગોળી મારવા સુધી પહોંચી ગયા… નિ:શસ્ત્ર બૂઢા માણસથી શરૂઆત કરી હતી, જે નિ:શસ્ત્ર બૂઢી સ્ત્રીને મારવાથી પૂરી થઈ.
આઝાદીનાં આટલાં વર્ષોમાં, જ્યાં સુધી પશ્ર્ચિમના દેશોની ફેશન નહીં કરીએ ત્યાં સુધી આપણે સુંદરતા જોઈ શકતા નથી. જ્યાં સુધી પશ્ર્ચિમના દેશોની ધૂન નહીં હોય, આપણને સંગીત સારું નથી લાગતું. આપણે આપણા દેશની જમીન પર ઊભા છે, પરંતુ આપણું આકાશ પારકું છે. આપણું શરીર શહેર છે, તો આત્મા ન્યુયોર્ક છે. આટલાં વર્ષોમાં આપણી ઔદ્યોગિક પ્રગતિની ઓળખ એ જ છે કે આપણે ગંગા, જમુના નદીઓને ગંદી કરી નાખી છે. રસ્તાઓ ખરાબ છે, પરંતુ એના પર જે કાર ચાલી રહી છે એ સુંદર છે. ગલીમાં કાદવ છે, પરંતુ પેન્ટ ચકાચક છે.
મારું ઘર સારું છેને? પછી દેશ જેવો પણ હોય!
આઝાદીનાં આટલાં વર્ષોમાં ખિસ્સાઓ ખાલી થતા રહ્યા અને વાળ વધતા ગયા. દેશ મજબૂત થયો હોય કે ના થયો હોય, જાતિઓ મજબૂત થઈ છે. દેશમાં દૂધ પૂરું મળે ના મળે, શરાબ માટે કોઈ ફરિયાદ રહી નથી. ‘બાગોં મેં બહાર હૈ’- જેવી સ્થિતિ છે. દેશમાં પૂર આવ્યાં, દુકાળ પડ્યો, લોકો ભૂખે મર્યા પણ લગ્ન પ્રસંગમાં મોટી મોટી પાર્ટીઓ થઈ. આઝાદી બાદ, નવા રસ્તાઓ બની ગયા, જે જ્યાં જવા માગતો ન હતો એ ત્યાં પહોંચી ગયો. અહિંયાનો માલ ત્યાં ગયો. સ્મગલિંગમાં તેજી આવી. ટ્રેનથી, ટેલિફોનથી, પોસ્ટથી, (મોબાઈલથી, ઈન્ટરનેટ) વગેરેથી આખો દેશ અંદરોઅંદર જોડાય ગયો. મટકા કે સટ્ટાનો નંબર મુંબઈમાં ખૂલે છે અને આખા દેશને ખબર પડી જાય છે.
દેશની એકતાનો આનાથી વધુ પુરાવો આપણી પાસે નથી! જે નિરાશ હતો એ ફૂટપાથ પર રખડતો રહ્યો. જે મહત્ત્વાકાંક્ષી હતો, એ વિદેશ જતો રહ્યો. જેને જ્યારે તક મળી, એ ફોરેન જતો રહ્યો. એમના બદલામાં ટૂરિસ્ટ આવ્યા. એમાં હિપ્પીઓ આવ્યા.
હિપ્પીઓની લાજ ભારતીય હેન્ડીક્રાફ્ટથી ઢંકાયેલી રહી! અરે, આપણી કોમેડી પણ ટીવી પર કમર્શિયલ બની ગઇ. ચમચાગિરી, આપણો ધર્મ બની ગયો ને ગુસ્સો નકલી મુખવટો… કવિઓ સરસ કવિતાઓ લખવા માંડ્યા અને દહેજ ન મળવા પર લોકો વહુઓને સળગાવવા લાગ્યા.
ખરેખર દેશે ઘણી પ્રગતિ કરી છે! દેશની દીવાલો પર જાહેરાતો ચોંટી ગઈ. આખો દેશ સુંદર સ્ત્રીઓની જાહેરાતોથી ઢંકાય ગયો. દરેક ફોટામાં દેખાતી સુંદર છોકરીએ અમને ટગરટગર જોયું, જો કે ફોટાની સુંદર છોકરીએ આપણી સામે ક્યારેય જોયું નથી!
‘ગરીબી હટાવો’નો નારો લઇને નીકળ્યા હતાં ને બધાં માલ બનાવવામાં મચી પડ્યા. ચલો, જેમ આટલાં વર્ષો વીતી ગયા એમ જ આવનારાં વર્ષો પણ વીતી જશે. સત્ય ને અસત્યનો, આદર્શ ને લાંચનો, બલિદાન ને ઢોંગનો, સેવા ને સ્વાર્થનો, ચોરી ને દાનનો, જે કમાલનો કોકટેલ આપણે આ દેશમાં તૈયાર કર્યો છે… એ આપણને આગળ જઇને બહુ જલસા કરાવશે, બાપુ!
જરા રાહ તો જુઓ!
(ચોખવટ: મૂળ લેખ 1984ની આસપાસનો છે)
આપણ વાંચો: અપની આઝાદી કો હમ હરગીજ મીટા સકતે નહીં…