કવર સ્ટોરી : જોખમી આટાપાટા એફએન્ડઓના વિનાશક ખેલામાં ૯૩ ટકા સટોડિયાની ખાનાખરાબી
-નિલેશ વાઘેલા
જગવિખ્યાત ગ્લોબલ ઇન્વેસ્ટર વોરેન બફેટે (ઉચ્ચારણ બફે) ફ્યુચર્સ એન્ડ ઓપ્શન (એફએન્ડઓ)ને બેધારી તલવાર અને સામૂહિક સંહારના હથિયાર ગણાવે છે અને રિટેલ રોકાણકારોને તો એનાથી દૂર જ રહેવાની સલાહ આપે છે. આ વાત ખૂબ જ જાણીતી અને સર્વસ્વીકાર્ય હોવા છતાં રોકાણકારો વધુ અને ઝડપી કમાઇ લેવાની લાલચના સંકજામાંથી મુક્ત થઇ શકતા નથી અને અંતે હણાઇ જાય છે!
તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતીય રોકાણકારોના સંદર્ભમાં આ ખુવારીની વાત સાચી સાબિત થઇ છે. પાછલાં ત્રણ નાણાકીય વર્ષમાં ૧.૧૩ કરોડ યુનિક ઈન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સે એફએન્ડઓ સેગમેન્ટમાં કુલ ૧.૮૧ લાખ કરોડ રૂપિયાની ખોટ સહન કરી છે. જોકે હાર્યો જુગારી બમણું રમે એવા તાલે આમાંના ૭૫ ટકા કરતા વધુ ટ્રેડર્સે એફએન્ડઓમાં ધોવાઇ ગયા બાદ પણ ટ્રેડિંગ ચાલુ રાખ્યું હતું.
જો તમારે ધનવર્ષાનો અનુભવ કરવો હોય તો, શેરબજારમાં એફએન્ડઓ ટ્રેડિંગ કરીને બહુ કમાણી કરી ઘનના ઢગલા કરી શકાય છે, તેવો ભ્રામક પ્રચાર કેટલાક લોકો કરતા હોય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. શેરબજારની નિયામક ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના એક અભ્યાસ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ વચ્ચે એફએન્ડઓમાં જેમણે સટ્ટાબાજી કરી હતી, તેમાંના ૯૩ ટકા વ્યક્તિગત ટ્રેડર્સે નાણાં ગુમાવ્યાં છે.
નોંધવું રહ્યું કે સેબીએ અગાઉ પણ, એકાદ બે મહિના પહેલા આ જ પ્રકારનો અભ્યાસ હાથ ધર્યો હતો અને તેના પરિણામો પણ લગભગ આવા જ હોવાથી હવે બજાર નિયામક ટૂંક સમયમાં જ આ બાબતે વધુ પગલાં જાહેર કરવાની તૈયારીમાં છે. મુંબઇ સમાચારની ક્વર સ્ટોરીમાં આ અંગેનો લેખ પણ પ્રકાશિત કરાયો હતો.
સેબીના તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાછલા ત્રણ નાણાકીય વર્ષમાં ૧.૧૩ કરોડ યુનિક ઈન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સે એફએન્ડઓ સેગમેન્ટમાં કુલ ૧.૮૧ લાખ કરોડ રૂપિયાની ખોટ સહન કરી હતી. આનો અર્થ એ થયો કે એફએન્ડઓ સેગમેન્ટમાં પ્રત્યેક દસમાંથી નવ વ્યક્તિને નુકસાન જાય છે અને માંડ એકાદ ટ્રેડર કમાણી કરી શકે છે.
આથી જ કદાચ જાણીતા રોકાણકાર વોરેન બફેટે એફએન્ડઓને સામૂહિક સંહારના હથિયાર ગણાવ્યા છે. અહીં મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિગત રોકાણકારોએ એફએન્ડઓમાં ભારે ખોટ સહન કરી છે ત્યારે એફઆઇઆઇ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ અને પ્રોપ્રાઈટરી ટ્રેડર્સે નફો કર્યો છે. એક અંદાજ અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૫૬,૦૦૦ કરોડનો નફો ઘરભેગો કર્યો છે!
ઉપરોક્ત અભ્યાસ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪ વચ્ચે ૧.૧૩ કરોડ યુનિક ઈન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સે લાખો કરોડ રૂપિયાની ખોટ સહન કરી છે. ત્રણ વર્ષનો ડેટા જોવામાં આવે તો માત્ર ૭.૨ ટકા વ્યક્તિગત એફએન્ડઓ ટ્રેડર્સ નફો કરી શક્યા હતા અને તેમાં પણ ટ્રાન્ઝેક્શન કોસ્ટને એડજસ્ટ કરવામાં આવે તો ફક્ત એક ટકા લોકો એવા હતા જેમને એક લાખ રૂપિયા કરતા વધારે નફો થયો હતો.
માત્ર એકલા નાણાકીય વર્ષ ૨૦૨૪માં જ વ્યક્તિગત ટ્રેડર્સે એફએન્ડઓમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની તોતિંગ ચોખ્ખી ખોટ સહન કરી હતી. ત્રણ વર્ષનું પરફોર્મન્સ જોવામાં આવે તો એક કરોડ ટ્રેડર્સને એફએન્ડઓમાં સરેરાશ બે લાખ રૂપિયા કરતા વધારે ખોટ ગઈ હતી, જે કુલ વ્યક્તિગત ટ્રેડર્સના ૯૨.૮ ટકા થાય છે.
ખોટ નોંધાવનારાઓમાં ટોચના ૩.૫ ટકામાં લગભગ ચાર લાખ ટ્રેડર્સ આવે છે અને તેમણે ત્રણ વર્ષના ગાળામાં સરેરાશ ૨૮ લાખ રૂપિયાનું નુકસાન સહન કર્યું હોવાનું સેબીનો અભ્યાસ જણાવે છે.
દરમિયાન, નાણા મંત્રાલયે અગાઉ જ વૈશ્ર્વિક શેરબજારોમાં સંભવિત કરેક્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે ચેતવણી આપી છે કે શેરબજારમાં આવેલા એકતરફી બુલ રન અને સૌથી મહત્ત્વનું કે ઓવરવેલ્યુએશનને કારણે આગામી સમયમાં બજારોમાં કડાકો આવી શકે છે અને આ કરેક્શનની અસર સમગ્ર વિશ્ર્વમાં જોવા મળી શકે છે. નાણા મંત્રાલયે ઓગસ્ટની માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું છે કે કેટલાક દેશોમાં તાજેતરની મોનિટરી પોલિસી સંબંધિત જાહેરાતોને કારણે શેરબજારમાં તેજી છે અને હવે કરેક્શનની શક્યતા વધી ગઈ છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો જોખમ વધશે તો તેની અસર વૈશ્ર્વિક સ્તરે જોવા મળશે. હકીકતમાં, વિકસિત દેશોમાં પણ મંદીની આશંકા તોળાઈ રહી છે. ભૌગોલિક રાજકીય સંઘર્ષો, વ્યાજદરમાં કાપના વૈશ્ર્વિક ચક્રની શરૂઆત વગેરેને કારણે મુશ્કેલીઓ વધુ વધી શકે છે.
મંત્રાલયે સ્થાનિક અર્થતંત્રમાં પડકારો તરફ પણ ધ્યાન દોર્યું અને કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવ અને કૃષિ ઉત્પાદન પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, નાણા મંત્રાલયનું કહેવું છે કે જો હવામાનની ગંભીર અસર નહીં થાય તો ગ્રામીણ વિસ્તારોમાં આવક અને માગમાં મજબૂતી આવી શકે છે.
અહેવાલ અનુસાર કેટલાક ક્ષેત્રોમાં દબાણના પ્રારંભિક સંકેતો પણ જોવા મળી રહ્યાં છે, જેમ કે પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો અને તેની ઇન્વેન્ટરીમાં વધારો થવો આમાંનું જ એક લક્ષણ છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં શહેરોમાં એફએમસીજી વેચાણમાં પણ મંદી જોવા મળી હતી.
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એટલે શું?
એફએન્ડઓ એટલે કે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એ ડેરિવેટિવ્ઝ સાધનો છે અને તેમાં ટ્રેડર્સ પૂર્વનિર્ધારિત ભાવે અંડરલાઈંગ એસેટ્સ (શેરો) ખરીદે છે. એફએન્ડઓમાં ટ્રેડિંગ કરવું એ બહુ ખતરનાક હોય છે અને ઘણા રિટેલ રોકાણકારોએ તેમાં પોતાની મૂડી ગુમાવી છે.
ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં સેબીએ એક ક્ધસલ્ટેશન પેપરમાં ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં સટ્ટો રોકવા માટે કેટલાક શોર્ટ ટર્મ પગલાંની જાહેરાત કરી હતી. તેમાં મલ્ટિપલ કોન્ટ્રાક્ટ એક્સપાયરીને નિયંત્રિત કરવા, ઓપ્શન કોન્ટ્રાક્ટની સાઈઝ વધારવી અને પોઝિશન લિમિટના ઈન્ટ્રાડે મોનિટરિંગનો સમાવેશ થાય છે.
સેબી ટૂંક સમયમાં ઓફએન્ડઓ સેગમેન્ટના નિયમો કડક બનાવશે
કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબી દ્વારા રોકાણકારોના રક્ષણને વધારવાના પ્રયાસરૂપે, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટ અંગે ખૂબ જ ટૂંક સમયમાં નવાં પગલાં જાહેર કરવાની તૈયારીમાં હોવાનું રેગ્યુલેટરના સંપૂર્ણ સમયના સભ્ય અશ્ર્વની ભાટિયાએ જણાવ્યું હતું.
નિયમનકારે તાજેતરમાં તેના ક્ધસલ્ટેશન પેપરમાં, ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટેના નિયમોને કડક બનાવવા માટે સાત પગલાં સૂચવ્યા છે, જેમાં લઘુત્તમ કોન્ટ્રાક્ટના કદમાં સુધારો કરવો અને પોઝિશન લિમિટનું ઇન્ટ્રા-ડે મોનિટરિંગ, સ્ટ્રાઇક પ્રાઇસનું સુતાર્કિકીકરણ, એક્સપાઇરીના દિવસે કેલેન્ડર સ્પ્રેડના લાભની નાબૂદી અને નિકટના કોન્ટ્રેક્ટના એકસપાઇરી માર્જિનમાં વધારાનો સમાવેશ હતો.
બજાર નિયામક માને છે કે, જો અમલ કરવામાં આવે તો, આ પગલાં જોખમ વ્યવસ્થાપન સુધારવામાં અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પારદર્શિતા વધારવામાં મદદ કરશે. તેના ક્ધસલ્ટેશન પેપરમાં, રેગ્યુલેટરે બજાર વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે લઘુત્તમ કોન્ટ્રાક્ટના કદમાં બે તબક્કામાં સુધારો કરવાનું સૂચન કર્યું હતું.
પ્રથમ તબક્કામાં, પરિચય સમયે લઘુત્તમ કરાર મૂલ્ય રૂ. ૧૫ લાખ અને રૂ. ૨૦ લાખની વચ્ચે હોવું જોઈએ. છ મહિના પછી, બીજા તબક્કે લઘુત્તમ મૂલ્ય વધારીને રૂ. ૨૦ લાખ અને રૂ. ૩૦ લાખની વચ્ચે કરાશે. 5 લાખથી ૧૦ લાખ રૂપિયાનો વર્તમાન લઘુત્તમ કોન્ટ્રાક્ટ છેલ્લે ૨૦૧૫માં નક્કી કરવામાં આવ્યો હતો.