શરદ જોશી સ્પીકિંગ : ભરપૂર પૂર ને સરકારના સૂર : મેઘા બરસે લોકો તરસે….

- સંજય છેલ
જ્યારે પણ પૂર આવે એટલે સરકાર તરફથી નિવેદનો આવે છે. આટલાં વર્ષોથી આ નિવેદનો જ તો છે જે કોઇ મોટા પથ્થર કે પહાડની જેમ અડગ ઊભા રહીને પૂરને આવતાં રોકે છે… તો હવે મારું નિવેદન એ છે કે પૂરની સમસ્યાનો દૂરગામી અર્થાત્ લાંબા ગાળાનો અને કાયમી ઉકેલ લાવવો જોઈએ.
આ લાંબા ગાળાનો ઉપાય શું છે? આ ઉપાય કેટલો મોડો થશે અને આવનારી કઈ સદીમાં એનો ઉકેલ આવશે? આ પ્રશ્ન પૂછાય એ પહેલાં તો પૂરનાં પાણી ઊતરવા માંડે છે અને એવામાં પછી પાછી નવી સમસ્યાઓ ઊભી થઇ જાય છે. જ્યાં સુધી પાછું પૂર આવે, ત્યાં સુધીમાં લોકો પાછલાં પૂરની સમસ્યાને ભૂલી જાય છે.
આપણા દેશમાં બધાં રાજ્યો એમની સમસ્યાઓથી ન્યૂઝની ચમકમાં આવે છે, જ્યારે કેન્દ્ર સરકાર એમનાં નિવેદનોથી! ભગવાન બંનેને સમાન તક આપે છે. આપણા દેશમાં લોકોનો સ્વભાવ એવો છે કે જ્યાં સુધી એમને દાંતમાં દુ:ખાવો નહીં થાય ત્યાં સુધી પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતા રહે છે એટલે પેટમાં દુ:ખાવાની સમસ્યાનો ઉકેલ દાંતનો દુ:ખાવો બની જાય છે.
પૂરની સમસ્યા આવે ત્યારે એવું નિવેદન કરવામાં આવે છે કે- ‘આપણે હવે લાંબા ગાળાના પગલાં લેવા જોઈએ.’
હું ઘણી વખત વિચારું છું કે આ લાંબા ગાળાના પગલાં એક્ઝૈટલી શું છે? એ કેટલાં લાંબા છે અને એ ક્યારે આપણી નજીક આવશે? જો આ સમસ્યાનો ઉપાય છે તો એને કેમ કરવામાં આવતો નથી? સમસ્યાઓનો ઉકેલ માણસ કરશે કે પછી એ પણ કોઇ કુદરતી શક્તિઓ જ કરશે?
ભગવાન કે કુદરત પાસે પૂરની સમસ્યાનો ઉકેલ છે ‘દુકાળ’. બહુ વરસાદ નથી જોઈતો? તો ચલો, ઓછો વરસાદ લો, પણ કેન્દ્ર સરકાર પાસે એવા કયા લાંબા ગાળાના ઉપાયો છે? જે સરકાર આજે નહીં તો આવતી કાલે કરશે? હમણાં જે પૂર આવ્યા ત્યાર પછી નહીં તો આવતા વર્ષે પૂર આવે એ પછી તો ચોક્ક્સ કરશે જ, એવું આપણે માની લઈએ. બિચારી કેન્દ્ર સરકાર પૂરની સમસ્યાનો ઉકેલ લાવવા માગે છે, પણ એટલા માટે નથી લાવી શકતી કારણ કે એ ઉકેલ લાંબા ગાળાના છે!
કદાચ લાંબા ગાળાનો ઉકેલ એ છે કે જે બધી નદીઓમાં પૂર આવે છે એને વીસ ફૂટ જેટલી ઊંડી કરવામાં આવે જેથી પૂરનું વધારાનું પાણી બહાર જ ન આવે અને અંદર નદીમાં જ પડી રહે. બીજો ઉકેલ એ પણ હોય શકે કે નદીઓને લાંબી કરવામાં આવે જેથી પૂરનું વધારાનું પાણી લાંબા અંતર સુધી ફેલાય, પણ પહોળાઈમાં નહીં… ત્રીજો ઉકેલ એ પણ હોય શકે કે નદીઓની સમાંતર જ બીજી નવી નદીઓ બનાવવામાં આવે જેથી પૂરના સમયે વધેલા પાણીને બીજી નદીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે…! કદાચ એક લાંબા ગાળાનો ઉકેલ એ પણ હોય શકે કે બધી નદીઓને બે માળની એટલે કે ડબલડેકર કરવામાં આવે! જેથી વધારાનું પાણી બીજા માળેથી કાઢી નાખવામાં આવે. એક વહીવટી પદ્ધતિ એ પણ હોય શકે કે જે નદીઓ તોફાની છે અને એમાં કાયમ પૂરની સંભાવના છે, એ બધી નદીઓને તરત જ ટૂંકા માર્ગે દરિયા તરફ વાળી નાખવામાં આવે…
મને લાગે છે કે એક કમિટીએ બેસીને નદીઓના બધા રસ્તાઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ. એવું હોવું જોઈએ કે વરસાદમાં વધારે પૂર આવતું હોય એવી નદીઓના ઉદગમ સ્થાન પર જ પ્રતિબંધ લગાડી દેવો જોઈએ અથવા તો દેશમાં પાણીનાં ગોદામ હોવા જોઈએ, જેથી બરફ સ્ટોક કરી શકાય જે દુકાળ અને ગરમીમાં કામ આવે. રેલવેમાં વેગનોની વ્યવસ્થા હોવી જોઈએ, જે પૂરવાળા વિસ્તારોમાંથી તરત પાણી ભરી દુકાળવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડી શકે અથવા તો પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોમાં પાણી પીવાની ક્ષમતા વધારવામાં આવે. લોકોમાં એવો પ્રચાર કરવો જોઈએ કે લોકો વધારે પાણી પીને પૂરની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરે…
મને ઘણી વાર વિચાર આવે કે પૂરની સમસ્યાનો એવો કયો કાયમી અને લાંબા ગાળાનો ઉપાય છે જે દાયકાઓથી ક્યારેય શરૂ જ નથી થઈ શકતો? બસ, કાયમ એવું જ થાય કે પૂર આવે એટલે કેન્દ્ર-રાજ્ય સરકારો તરફથી એમનું એ જ એક નિવેદન આવી જાય!
ખરેખર તો દર વરસે માત્ર નિવેદનનાં જ જે પૂર આવે છે જે અટકતા જ નથી!
આપણ વાંચો: કચ્છી ચોવક: શણગારો તો બાવળ પણ શોભે!