આ તો સ્કેમ છેઃ ફિરોઝ ગાંધીએ મુંદડા કૌભાંડ પર સસરાજીની સરકારને ભીંસમાં લીધી

પ્રફુલ શાહ
કોલકાતાના હરિદાસ મુંદડાના કૌભાંડને ઉઘાડું પાડનારા ફિરોઝ ગાંધી વિશે ઘણું જાણવું જરૂરી છે કારણ કે બદઈરાદાપૂર્વક એમની સામે વ્હોટ્અપ યુનિવર્સિટી ઘણી ખોટી માહિતી ફેલાવતી રહે છે.
મુંબઈના ખેતવાડી વિસ્તારમાં રહેતા પારસી પરિવારના જહાંગીર ફિરદુન ગાંધી અને રતિમાઈના તેઓ પુત્ર. નાટકવાલા ભવનમાં રહેતા જહાંગીર કિલિક નિકાસન કંપનીમાં નોકરી કરતા હતા. ભરૂચથી આવીને મુંબઈમાં નોકરી કરતા હતા. ભરૂચથી આવીને મુંબઈમાં સ્થાયી થયેલા પરિવારમાં પાંચ સંતાન. ફિરોઝ ઉપરાંત બે દીકરા દોરાબ અને ફરીદુ અને બે દીકરી તહેમીના અને આલુ (દસ્તુર). પિતાના અવસાન બાદ ફિરોઝ પોતાની માતા સાથે અલાહાબાદમાં અપરિણીત માસી ડૉ. શિરિન સાથે રહેવા જતા રહ્યા હતા.
શરૂઆતમાં ફિરોઝ વિદ્યા મંદિર સ્કૂલમાં ભણ્યા. પછી બ્રિટિશ સ્ટાફ ધરાવતી પ્રચા પ્રયાગરાજની કૉલેજમાં જોડાયા. 1935માં લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં ગયા હતા. આ અગાઉ કૉંગ્રેસના સ્વાતંત્ર્ય સૈનિકોની બાળકોની પાંખ ‘વાનર સેના’માં સામેલ થયા હતા. પછી તેઓ આનંદ ભવનમાં ઘણો સમય વિતાવવા માંડ્યા અને નહેરુ પરિવારની નિકટ આવવાનો મોકો મળ્યો. એ સમયે મહાત્મા ગાંધીના માનમાં તેમણે પોતાની મૂળ અટક ધાંડી (Gandy) બદલીને ગાંધી કરી હતી.
આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ ભારતનું પ્રથમ સત્તાવાર મોટું કૌભાંડ LIC થકી થયું હતું!
1930માં તેમણે લાલબહાદુર શાસ્ત્રી સાથે જેલવાસ ભોગવ્યો. પછી ફૈઝાબાદમાં 19 મહિના કારાવાસમાં રહ્યા. 1922 અને 1923માં જવાહરલાલ નહેરુ સાથે કામ કરતી વખતે બે વખત જેલમાં ગયા હતા. આ દિવસો દરમિયાન તેઓ નહેરુ કુટુંબ અને ખાસ તો જવાહરલાલનાં પત્ની અને ઈન્દિરાનાં મર્મા કમલા નહેરુની નિકટ આવી ગયા હતા. 1934માં કમલાજીની સારવાર ભોપાલના ટીબી સેનેટેરિયમમાં સાથે ગયા હતા. કમલાજીએ 1936માં અંતિમ શ્ર્વાસ લીધા ત્યારે પરિવારજનો ઉપરાંત ફિરોઝ પણ હાજર હતા. પછી ફિરોઝ અને ઈંદિરા ઈંગ્લેન્ડમાં નિકટ આવ્યા અને 1942ના માર્ચના લગ્નબંધનમાં જોડાયાં.
પરંતુ લગ્ન આ વાંચવા જેટલા આસાન નહોતા. હકીકતમાં આ સંબંધની શરૂઆતમાં બીજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં રોપાયા હતા. અલાહાબાદની ગવર્નમેન્ટ કૉલેજ બહાર કમલા નહેરુ અન્ય કૉંગ્રેસી મહિલા કાર્યકરો સાથે ધરણા પર બેઠાં હતાં. ત્યારે ફિરોઝ આ કૉલેજમાં ભણતા હતા. તેઓ કૉલેજની ભીંત પર બેઠા-બેઠા ધરણાને નિહાળી રહ્યા હતા. અચાનક ભારે ગરમીને લીધે કમલા નહેરુ બેહોશ થઈ ગયા. આ જોઈને ફિરોઝ ભીંત પરથી કૂદીને અન્ય વિદ્યાર્થીઓની મદદથી કમલાજીને એક વૃક્ષ નીચે લઈ ગયા. પાણી મગાવીને એમના માથા પર ભીનું કપડું મૂક્યું. એમના ચહેરા પર હાથ પંખાથી હવા નાખવા માંડયા. તેઓ હોંશમાં આવ્યાં ત્યારે આનંદભવન લઈ ગયા.
આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ સાઈકલ કૌભાંડમાં થઈ પહેલી વાર દોષિતને સજા
કમલા નહેરુ પછી ફિરોઝની ઓળખાણ ઈંદિરા સાથે થઈ. જે લગ્નમાં પરિણમી. હકીકતમાં નહેરુને આ સંબંધ જરાય મંજૂર નહોતો પરંતુ ગાંધીજીના મનાવવાથી તેઓ તૈયાર થઈ ગયા હતા. નહેરુએ કદાચ દિલથી ક્યારેય ફિરોઝને સ્વીકાર્યા નહોતા. ઈંદિરા – ફિરોઝ વચ્ચે ય ચણભણની કાનાફુસી વચ્ચે 1952માં અને 1957માં ફિરોઝ ગાંધીની રાયબરેલીની ચૂંટણીના પ્રચારની કમાન ઈંદિરાજીએ સંભાળી હતી.
ફિરોઝને નજીકથી ઓળખનારા કહેતા હતા કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાથી આ પારસી ભાયડો કયાં કંઈ પણ ખરાબ કે ખોટું થાય તો સહન કરી શકતો નહોતો. આથી નાના-મોટા મુદ્દે નહેરુ સરકારને સંસદમાં ઊભડક રાખતા ફિરોઝ ગાંધીએ 1958માં મુંદડા કૌભાંડને પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી હતી.
આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ અસ્તિત્વ ન ધરાવતું એરપોર્ટ વેચ્યું 2.42 કરોડ ડૉલરમાં!
સંસદમાં ફિરોઝ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં આરોપ મૂકયો હતો કે મુંદડા કંપનીઓમાં રોકાણ કરવા માટે એલ.આઈ.સી. પર નાણાં પ્રધાન ટી. ટી. કૃષ્ણમ્માચારી અને નાણાં સચિવ એચ. એમ. પટેલ દબાણ લાવ્યા હતા. એ સમયે કૃષ્ણમ્માચારીએ ફિરોઝ ગાંધીની હાંસી ઉડાડતા જવાબ આપ્યો હતો કે આ આર્થિક બાબત છે જેમાં તમને ખબર ન પડે. આનાથી ઉશ્કેરાયેલા ફિરોઝ ગાંધીએ પોતાના આરોપના સમર્થનમાં પુરાવા રજૂ કર્યાં અને સરકાર બેકફૂટ પર જવા લાચાર થઈ ગઈ.
વિપક્ષોએ આ મામલાને ખૂબ ગજાવ્યો. શાસક પક્ષના સાંસદે જ સરકાર પર તોપગોળો છોડયો હતો. સંસદ ઉપરાંત અખબારોમાંય સરકાર પર પસ્તાળ પડવા માંડી. અત્યાર સુધીની ‘લગભગ સ્વચ્છ’ કૉંગ્રેસી સરકાર પર મોટું આળ આવ્યું હતું આ સંજોગોમાં વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ નાછૂટકે એક નિર્ણાયક પગલું ભરવું પડ્યું. (ક્રમશ:)