ઈન્ટરવલ

રાંધણ ગેસનો ભાવવધારો: સરકારની અણઆવડતનો બોજ લોકો પર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને વધુ એક કડવો ડોઝ આપીને રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દીધા. મોદી સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે અને રાંધણ ગેસનો ભાવવધારો માત્ર સામાન્ય સિલિન્ડર પર જ નહીં પણ ઉજજવલા યોજનાના લાભાર્થીઓને પણ લાગુ પડવાનો છે એ જોતાં મધ્યમ વર્ગ અને ગરીબ બંનેને મોદી સરકારે મોંઘવારીનો ફટકો માર્યો છે.

આ ભાવવધારો તાત્કાલિક અસરથી અમલી પણ બનાવી દેવાયો છે. તેના કારણે પહેલાં ઉજજવલા ગેસ સિલિન્ડર 503 રૂપિયામાં મળતો હતો એ હવે 553 રૂપિયામાં મળશે. ઉજજવલા યોજના સિવાયના રાંધણ ગેસ લેતા ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધારીને 853 રૂપિયા કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધાર્યા એ પહેલાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પણ બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરેલી. તેના કારણે સૌને લાગેલું કે, પેટ્રોલ-ડીઝલ બે રૂપિયા મોંઘું થઈ ગયું પણ આ જાહેરાતના અડધા કલાક પછી જાહેરાત કરાઈ કે, પેટ્રોલ ડીઝલનો ભાવવધારો ઓઈલ કંપનીઓ ઉઠાવશે તેથી ભાવ નહીં વધે.

અત્યાર સુધી કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર 19.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 15.80 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વસૂલ કરતી હતી. આ વધારા પછી, પેટ્રોલ પર પ્રતિ લિટર 21.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 17.80 રૂપિયા ડ્યૂટી લાગશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધારીને લોકોને રાહત આપતાં હોય એવું ચિત્ર ઉભું કર્યું પણ વાસ્તવમાં આ જાહેરાત મોદી સરકારની ખોરી દાનતનો વધુ એક પુરાવો છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં સરકાર મોંઘવારીથી પિડાતી પ્રજાને થોડીક રાહત આપી શકે તેમ હતીં પણ તેના બદલે સરકારને પોતાની તિજોરી ભરવામાં અને લોકોને ખંખેરવામાં રસ છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઓટો સેક્ટર પર ટેરિફ, ટ્રમ્પ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં…

ક્રૂડ ઓઇલ ચાર વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે એ જોતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા જોઈએ. ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 12 ટકા ઘટ્યું હતું. સોમવારે પણ બ્રેન્ટ ક્રૂડ 4 ટકા ઘટીને 64 ડોલરની નીચે આવી ગયું છે. ક્રુડના ભાવમાં થયેલા 16 ટકા ઘટાડાને જોતાં મોદી સરકાર ધારે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પાંચેક રૂપિયાનો ઘટાડો કરી શકે તેમ હતીં પણ તેના બદલે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારીને ભાવઘટાડાનો લાભ કોને આપવાના બદલે પોતાની તિજોરી ભરવામાં કરી લીધો.

આ એક્સાઈઝ ડ્યૂટી હવે ઘટવાની નથી એ જોતાં ભવિષ્યમાં ક્રૂડના ભાવ વધે ત્યારે ફભાવવધારા માટે તૈયાર રહેવું પડશે. હરદીપ પુરીએ અત્યારે ગાજર લટકાવ્યું છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે પણ ક્યારે ઘટાડો થશે એ કહ્યું નથી. ખાલી એટલું કહી દીધું કે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઘટાડો થતો રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

કેન્દ્ર સરકારે પહેલાં પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી ત્યારે એવી સ્પષ્ટતા નહોતી કરી કે, આ એક્સાઈઝ વધારાનો બોજ સામાન્ય લોકો પર નહીં આવે અને પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે. અડધા કલાક પછી સ્પષ્ટતા કરાઈ કે, વધેલી એક્સાઇઝ ડ્યૂટી ઓઈલ કંપનીઓએ તેમની કમાણીમાંથી ચૂકવવી પડશે અને ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને સામાન્ય લોકો પાસેથી આ કરવધારો વસૂલ કરશે નહીં.

આ સંદર્ભમાં એક બહુ સરસ કાર્ટૂન છપાયું છે કે જેમાં એક નેતા સરકારે અડધા કલાક પછી કરાયેલી જાહેરાતનું બોર્ડ પકડીને ઊભા છે અને બીજા નેતાને કહે છે કે, કોઈએ યાદ દેવડાવ્યું હશે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી માથે છે! મતલબ કે, ચૂંટણી માથે છે એટલે અત્યારે તમારા-મારા ખિસ્સામાંથી એક્સાઈઝમાં કરાયેલો વધારો વસૂલ નહીં થાય. બિહાર વિધાનસભાની ચૂંટણી છેક નવેમ્બરમાં છે એ જોતાં સરકાર ખરેખર આ રીતે વિચારતી હોય તો કમ સે કમ છ-સાત મહિના સુધી પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો નહીં ઝિકાય. બલકે ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે એ જોતાં ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે પણ આ ઘટાડાના લાભ નજીકના ભવિષ્યમાં મળે એવી આશા રાખવા જેવી નથી. નવેમ્બરમાં બિહારમાં ચૂંટણી આવે તેના એકાદ મહિના પહેલાં ભાવ ઘટી શકે એ જોતાં હજુ છ મહિના લગી તો આ જ ભાવ રહેશે એવું લાગે છે.

જો કે તેના બદલે ઊલટું પણ થઈ શકે કેમ કે ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાનો ડોલર સામે વિનિમય દર, કર, પેટ્રોલ-ડીઝલનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બીજી બાબતોને ધ્યાનમાં રાખીને દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: મસૂદની વાત સાચી, 10 દિવસ માંસ નહીં ખાવાથી ઘસાઈ નથી જવાના

મોદી સરકારની અણઆવડતના કારણે ડોલર સામે રૂપિયો તૂટતો જ જાય છે ને હજુ વધારે તૂટવાનો ખતરો છે કેમ કે ડોનલ્ડ ટ્રમ્પના ટૅરિફ 9 એપ્રિલથી અમલી બનવાના છે. ટ્રમ્પના ટરિફે શેરબજારને તો રફેદફે કરી જ નાંખ્યું છે ને હવે રૂપિયાનો વારો પણ આવશે એવું લાગે છે. આ સંજોગોમાં ક્રૂડના ભાવ ઘટે તો પણ રૂપિયો તૂટે એટલે ઓઈલ કંપનીઓએ ડોલર લેવા વધારે રૂપિયા ખર્ચવા પડે તેમાં પડતર કિંમત વધે ને પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય એવું બને.

પેટ્રોલ-ડીઝલના ભાવનું શું થશે તેની ખબર થોડાક દિવસોમાં પડશે પણ અત્યારે તો રાંધણ ગેસ મોંઘો થઈ ગયો છે. આ ભાવવધારો મોદી સરકારમાં સંવેદના નથી ને અર્થતંત્રને સાચવવાની આવડત નથી તેનો વધુ એક પુરાવો છે. સામાન્ય લોકો મોંઘવારીના કારણે પહેલેથી પરેશાન છે ત્યારે રાંધણ ગેસનો ભાવવધારો પડતા પર પાટુ છે. ભક્તજનોને 50 રૂપિયા વધારે નથી લાગતા પણ ગરીબ-મધ્યમ વર્ગ માટે આ રકમ મોટી છે. ગરીબો માટે તો આખા પરિવારનું એક ટંકનું ભોજન છે. ને સવાલ પચાસ રૂપિયા કે સો રૂપિયાનો પણ નથી, સવાલ સંવેદનાનો છે. તમારી અણઆવડતનો બોજ સામાન્ય લોકો પર નાંખો એ સંવેદનહીનતા જ કહેવાય.

આ ભાવવધારો પણ એવા સમયે કરાયો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ તૂટી રહ્યા છે. ભારત પાસે પણ ગેસનો જંગી જથ્થો છે એ જોતાં ભાવવધારો કરવાની જરૂર જ નહોતી છતાં ભાવવધારો કરીને સામાન્ય લોકોની કમર તોડી નંખાઈ કેમ કે સરકારમાં બેઠેલા લોકોમાં ટ્રમ્પના ટૅરિફના કારણે પડનારી અસરોને ખાળવાની તાકાત નથી. એ ગતાગમ પડતી નથી એટલે સામાન્ય લોકોને ખંખેરી લેવાયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button