
ભરત ભારદ્વાજ
ભારતમાં કહેવાતા હિંદુવાદીઓ બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલમાં રમવા નહીં દેવાય એ મુદ્દે ફૂલાઈને ફાળકો થઈને ફરી રહ્યા છે ત્યારે બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હત્યાઓનો સિલસિલો અવિરત ચાલુ છે. આ ક્રમમાં બાંગ્લાદેશના નરસિંદી જિલ્લામાં સોમવારે રાત્રે હિન્દુ દુકાનદાર શરત ચક્રવર્તી મણિને હેવાનોએ પતાવી દીધો તો બીજી તરફ ઝેનાઇદહ જિલ્લાના કાલીગંજ વિસ્તારમાં 44 વર્ષની એક હિન્દુ વિધવા પર પાશવી ગેંગ રેપ કરાયો. છેલ્લા 18 દિવસમાં આ છઠ્ઠા હિંદુની હત્યા કરાઈ છે તેના પરથી જ હિંદુઓની ત્યાં શું હાલત છે તેનો અંદાજ લગાવી લેજો.
40 વર્ષના શરત ચક્રવર્તી મણિ પોતાની કરિયાણાની દુકાન પર હતા ત્યારે હુમલાખોરો દુકાનમાં ઘૂસી ગયા અને શરતને ધારદાર હથિયારોથી રહેંસી નાખી ફરાર થઈ ગયા. શરતની હત્યા વખતે દુકાનમાં ભીડ હતી પણ કોઈ શરતને બચાવવા આગળ જ ના આવ્યું. તેના પરથી સ્પષ્ટ છે કે, હુમલાખોરોનો લોકોમાં ખોફ છે. જાહેરમાં એક વેપારીની હત્યા કરાય ને કોઈ બચાવવા આગળ ના આવે તેના પરથી એ પણ સ્પષ્ટ છે કે, બાંગ્લાદેશમાં સાવ જંગલ રાજ છે અને હિંદુઓ ભગવાન ભરોસે નહીં પણ પોતાના ભરોસે જ છે.
કાલીગંજની ઘટના પણ અત્યંત આઘાતજનક છે કેમ કે ચાર બળાત્કારીઓએ ઘરમાં ઘૂસીને હિંદુ મહિલાને હવસનો શિકાર બનાવી. આ હવસખોરો પણ સ્થાનિક લોકો જ છે. હિંદુ વિધવાએ બે વર્ષ પહેલાં જ ગામમાં એક ઘર અને જમીન ખરીદ્યાં હતાં. મહિલા વિધવા હોવાથી તેની કનડગત એ વખતથી જ શરૂ થઈ ગયેલી પણ શનિવારે સાંજે હવસખોરો છાકટા થઈને ઘરમાં જ ઘૂસી ગયા. એ વખતે મહિલાને મળવા સંબંધીઓ આવ્યા હતા. શાહીન અને હસન નામના હવસખોરોએ બળજબરીથી ઘરમાં ઘૂસીને સંબંધીઓને એક રૂમમાં પૂરી દીધા અને વિધવાને બીજા રૂમમાં લઈ જઈને વારાફરતી બળાત્કાર કર્યો. એ પછી બીજા બે હવસખોરો આવ્યા અને તેમણે પણ કુકર્મ કરીને મોં કાળું કર્યું.
હેવાનોને ગેંગરેપથી સંતોષ નહીં થયો હોય એટલે વિધવાના મોમાં કપડાં ઠૂંસીને ઝાડ સાથે બાંધીને ફટકારી અને તેના વાળ પણ કાપી નાખ્યા. હવસખોરોએ તેના સંબંધીઓને પણ ઝાડ સાથે બાંધીને તેમને પણ માર્યા અને પછી જતા રહ્યા. અધમૂઈ થઈ ગયેલી વિધવા અને તેના સંબંધીઓને કોઈએ છોડાવ્યા પછી તેમણે ફોન કર્યાં એટલે આવી પહોંચેલાં બીજાં સગાંએ સંબંધીઓ અને વિધવાને હોસ્પિટલમાં ખસેડ્યાં.
હવસખોરોના અત્યાચારો અને મારથી વિધવા તો ગંભીર હાલતમાં હતી અને સંબંધીઓ ફફડેલાં હતાં પણ ડોક્ટર ભલો માણસ હતો એટલે તેમણે પોલીસ બોલાવી લીધી. પોલીસ પહેલાં તો ફરિયાદ નોંધવાના બદલે ભીનું સંકેલી લેવા માગતી હતી પણ ડોક્ટરના કડક વલણ પછી પોલીસે ફરિયાદ નોંધી. વિધવા ચારેય હવસખોરોને ઓળખતી હતી તેથી તેણે બધાનાં નામ આપી દીધાં પણ પોલીસે હજુ લગી એકને જ પકડ્યો છે. બીજા ત્રણ હવસખોરો ક્યારે પકડાશે એ ખબર નથી.
બાંગ્લાદેશમાં ગયા વરસે શેખ હસીના સામે બળવો થયો ત્યારથી હિંદુઓ પર હુમલા, અત્યાચાર અને હત્યાઓનો સિલસિલો ચાલે છે. વચ્ચે થોડો સમય શાંતિ રહી હતી પણ ગયા મહિને હળાહળ ભારત વિરોધી અને હિંદુ વિરોધી શરીફ ઉસ્માન બિન હાડી પર હુમલો થયો પછી ફરી હિંદુઓને નિશાન બનાવીને હુમવા શરૂ કરી દેવાયા. 18 ડિસેમ્બરે હાડી 6 દિવસ લગી મોત સામે ઝઝૂમ્યા પછી સિંગાપોરની હોસ્પિટલમાં ગુજરી ગયો પછી તો હત્યાઓ અને બળાત્કારોનો સિલસિલો જ શરૂ થઈ ગયો. હિંદુઓને શોધી શોધીને જાહેરમાં ગોળીએ દેવાથી માંડીને સળગાવીને મોતને ઘાટ ઉતારવા સુધીના કાંડ એ પછી થયા છે.
હાડી ગુજરી ગયો એ પછીના 18 દિવસમાં જ 6 હિંદુની હત્યા સત્તાવાર રીતે થઈ છે. ખાનગીમાં કેટલાંને પતાવી દેવાયા હશે ને કેટલી હિંદુ બહેન-દીકરીઓને હવસનો શિકાર બનાવાઈ હશે એ તો ખબર જ નથી. કટ્ટરવાદી રાજકીય કાર્યકરો આ હુમલા કરાવી રહ્યા છે તેથી ડરનાં માર્યાં ઘણાં લોકો તો ફરિયાદ પણ નથી કરાવતાં. આ સંજોગોમાં મોતનો આંકડો ઘણો વધારે હોઈ શકે છે અને બીજા અત્યાચારોનો તો હિસાબ જ ના થાય એવી હાલત છે.
અત્યાચારો અને હત્યાઓ વચ્ચે બાંગ્લાદેશમાં હિંદુઓ ફફડીને જીવી રહ્યા છે ત્યારે ભારત કે ભારતના હિંદુઓ બાંગ્લાદેશી હિંદુઓને બચાવવા કશું કરી રહ્યાં નથી એ હકીકત છે. નથી ભારતની કહેવાતી હિંદુવાદી સરકાર બાંગ્લાદેશી હિંદુઓેને બચાવવા કશું કરી રહી કે નથી કહેવાતાં હિંદુવાદી સંગઠનો કશું કરી રહ્યાં. એ લોકો ખાલી ચિંતા વ્યક્ત કર્યા કરે છે ને ફિફાં ખાંડીને પોતે કશુંક કરી રહ્યા છે એવો સંતોષ માને છે. બાંગ્લાદેશી કટ્ટરવાદીઓ દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંક હિંદુઓને નિશાન બનાવીને આપણી સરકાર ને કહેવાતાં હિંદુવાદી સંગઠનોની ખુલ્લેઆમ મજાક ઉડાવી રહ્યા છે પણ આ લોકોનું લોહી ઉકળતું જ નથી.
શરમજનક વાત એ છે કે, આ દેશના સો કરોડ હિંદુઓ પણ ચૂપ છે. શાહરૂખ ખાને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલની 2026ની સીઝન માટે કોલકાત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની ટીમ માટે ખરીદ્યો એ બદલ શાહરૂખ ખાનને દેશદ્રોહી ઠેરવવવામાં આ દેશના હિંદુઓની મર્દાનગી જાગી ગયેલી ને પાછી સૂઈ ગઈ. આ મર્દાનગી પણ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ પોસ્ટ કરવા પૂરતી જ જાગેલી. બાંગ્લાદેશમાં મરી રહેલા પોતાના હિંદુ ભાઈઓ કે હવસનો શિકાર બની રહેલી હિંદુ બહેન-દીકરીઓ માટે આપણી સરકાર શું કરી રહી છે એવો સવાલ કરવાની પણ તેમનામાં હિંમત નથી.
એક બાંગ્લાદેશી ક્રિકેટરને આઈપીએલમાં નહીં રહેવા દઈને મર્દાનગી અનુભવનારા હિંદુવાદીઓ બાંગ્લાદેશ સાથે આપણો વ્યાપાર ચાલુ છે એ મુદ્દે ચૂપ છે, બાંગ્લાદેશ સાથેના રાજદ્વારી સંબંધો ચાલુ છે એ મુદ્દે ચૂપ છે ને બાંગ્લાદેશની આખી ક્રિકેટ ટીમ ભારતમાં આવતા મહિને જ આવવાની છે એ મુદ્દે પણ ચૂપ છે. શાહરૂખ મુસ્તફિઝુર રહેમાનને ખરીદે તો દેશદ્રોહી થઈ ગયો ને બીસીસીઆઈ આખી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમને નોંતરીને પરોણાગત કરવાની છે તો એ લોકો દેશભક્ત?
આ દેશના હિંદુઓએ બેવડાં ધોરણો છોડીને મરદ બનવાની જરૂર છે, ભક્તિભાવ છોડીને દુનિયાના બીજા દેશોમાં રહેતાં હિંદુ ભાઈ-બહેનોની ચિંતા કરવાની જરૂર છે. ઈઝરાયલ ટચૂકડો દેશ છે પણ આખી દુનિયામાં ક્યાંય પણ યહૂદીઓને કશું થાય તો ઈઝરાયલની સરકારે તરત એક્શનમાં આવવું જ પડે છે કેમ કે સરકાર ચૂપ બેસીને તમાશો જોયા કરે તો ઈઝરાયલમાં રહેતા યહૂદીઓ સરકારની હાલત ખરાબ કરી નાંખે.
હિંદુઓમાં આવો મર્દાના મિજાજ નહીં આવે ત્યાં લગી બાંગ્લાદેશમાં હિંદુઓ મરતા રહેશે, પાકિસ્તાનમાં મરતા રહેશે ને બીજે પણ મરતા રહેશે કેમ કે સરકાર તો કશું કરતી નથી ને હિંદુત્વનાં ઠેકેદાર બની બેઠેલાં સંગઠનોમાં મર્દાનગી નથી. પેલેસ્ટાઈનમાં મુસ્લિમો મર્યાં તેમાં તો આખી દુનિયામાં ઈઝરાયલ અત્યાચારો કરે છે એવી કાગારોળ મચી ગયેલી ને હિંદુવાદી સંગઠનો બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને મુદ્દે ભારતમાં પણ અવાજ ઉઠાવતા નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: હિંદુઓની હત્યાઓ રોકવા બાંગ્લાદેશને ચમકારો બતાવવો પડે



