આ તો સ્કેમ છેઃ યાદ રખના કિ નામ હૈ ડૉ. જયંતી ધર્મા તેજા… | મુંબઈ સમાચાર

આ તો સ્કેમ છેઃ યાદ રખના કિ નામ હૈ ડૉ. જયંતી ધર્મા તેજા…

પ્રફુલ શાહ

નીરવ મોદી, વિજય માલ્યા, સંજીવ ચાવલા (ક્રિકેટ બુકી), સંગીતકાર શ્રવણના સાથી નદીમ સૈફી, ડ્રગ લોર્ડ ઈકબાલ મિરચી, આતંકવાદના આરોપી હનિફ પટેલ, એન.આર.આઈ. યુગલ આરતી ધીર અને કવલ રાયઝાદા બાળ-યૌન શોષક રેમંડ વાર્લે… આ બધા ભારતીય છે, જેમણે ખોટું, ખરાબ અને કાયદા વિરોધી કર્યું કાં એવા આરોપ મુકાયા. અને ભારતથી ભાગીને તેમણે લંડન વહાલું કર્યું. આપણે અહીં એના પૂર્વસૂરી એવા ડૉ. જયંતી ધર્મા તેજાની વાત કરીશું.

જયંતીનો જન્મ બ્રહ્મો સમાજમાં. પરિવારને સ્વાતંત્ર્ય સૈનિકો સાથે ગાઢ સંબંધ. તેમના દાવા મુજબ મહાત્મા ગાંધીજીએ જ એને ‘ધર્મા’ તરીકે બોલાવવાનું શરૂ કર્યું હતું. 1922માં જન્મેલાં જયંતીની હાઈટ છ ફૂટ ચાર ઈંચ. એકદમ સમૃદ્ધ, તેજસ્વી અને બૌદ્ધિક લાગે. જેને મળે એ પ્રભાવિત થયા વગર ન રહે. એસ્ટ્રોફિઝિક્સ (નક્ષત્ર ભૌતિક-રસાયણ વિજ્ઞાન)માં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. જયંતી પર વિશ્ર્વાસ મૂકીએ તો તેણે પરમાણુ યુગના પ્રણેતા એન્રિકો ફેરમી સાથે કામ કર્યું હતું. એટલું જ નહીં મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને ‘એટમ બૉમ્બના જનક’ જે. રોબર્ટ ઓપનહેઇમર સાથે સમય વીતાવ્યો હતો. સાથે જ જીનિવા સ્થિત યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ઑફ ન્યુક્લિયર રિસર્ચ ખાતે વિઝિટિંગ સાયન્ટીસ્ટ પણ હતા. રિયલી ઇમ્પ્રેસિવ ને?

જયંતી તેજાના પરિવારે બહેરામપુર (જ્યાં એનો જન્મ થયો હતો) પર પુસ્તિકા પ્રગટ કરાવી હતી. જેમાં સુપુત્રની સિદ્ધિઓ વર્ણવી હતી. આ સિદ્ધિમાં ગ્લાસ ફાઈબર અને સ્ટીલ શીટ્સ બનાવવાની નવી પદ્ધતિની પેટન્ટ જયંતી તેજાએ મેળવ્યાનો ઉલ્લેખ કરાયો હતો.

આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ ફિરોઝ ગાંધીએ મુંદડા કૌભાંડ પર સસરાજીની સરકારને ભીંસમાં લીધી

પરંતુ એક ઇન્ટરવ્યૂમાં થયેલી નોંધ જયંતી તેજાએ સજળ નયને કહ્યું હતું કે હું કમાઈ કમાઈને કંટાળી ગયો હતો અને દેશ માટે કંઈક કરી છૂટવાની ઇચ્છા પ્રબળ બની રહી હતી.

ટૂંકમાં, ડૉ. જયંતી ધર્મા તેજામાં દેશપ્રેમ જાગ્યો અને વતન વાપસી થઈ. જો કે ભવિષ્યમાં આ માણસ જ અદાલતમાં જુબાની આપવાનો હતો, ‘1948 બાદ હું ભારતમાં રહ્યો જ નથી. અહીં જયંતી શિપિંગ કંપની શરૂ કર્યા બાદ પણ મારું ઘર તો ફ્રાંસમાં જ હતું. હા, વરસે સરેરાશ 40 વાર ભારત અવરજવર રહેતી હતી.’

ડૉ. જયંતી ધર્મા તેજા પર શેનો ખટલો થયો હતો, શા માટે અને કેમ આવું નિવેદન આપવું પડ્યું? આ સવાલો જ મુખ્ય આકર્ષણ છે અથવા આંચકો છે. જો કે ડૉ. જયંતી તેજા પોતાને ભારતીય ગણાવે કે એન.આર.આઈ. પણ ભારતની એ વખતની સરકારને એમનામાં અપાર શ્રદ્ધા હતી, ભારોભાર વિશ્ર્વાસ હતો. કંઈ બાબતમાં? કે આ ડૉ. જયંતી તેજા જ ભારતીય જહાજ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી શકે! વેરી ગુડ. આ વિશ્ર્વાસના બીજ કેવી રીતે વવાયા અને એમાંથી કૌભાંડનું વટવૃક્ષ કેવી રીતે ઊગી નીકળ્યું એ દાસ્તાને જ આ માણસને ઈતિહાસમાં સ્થાન આપ્યું પણ નકારાત્મક કારણોસર. આ બધું જાણવા થોડા વિગતમાં ઊતરવું પડશે. ડૉ. જયંતી ધર્મા તેજા વિશે જેટલું વધુ વાંચીએ, સંશોધન કરીએ એટલો વધુ એ એક કોયડો લાગે, કોઈ લોકકથાનું પાત્ર લાગે. આવો તેજસ્વી, સફળ અને પરદેશમાં રહેતો માણસ ભારત શા માટે પાછો આવ્યો અને રાજકીય માંધાતાઓની નજીક શા માટે ગયો? અથવા કેવી રીતે ગયો એનો ઘટનાક્રમ રસપ્રદ અને રોમાંચક છે.

આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ ભારતનું પ્રથમ સત્તાવાર મોટું કૌભાંડ LIC થકી થયું હતું!

આની શરૂઆત થઈ 1960માં. માજી સંસદસભ્ય અને સ્વાતંત્ર્ય સૈનિક મોસાલીકાંતિ તિરુમલા (લોકસભા બેઠક કાકીનાડા, આંધ્ર પ્રદેશ-મુદત 1946થી 1950) એ યોજેલી પાર્ટીના આમંત્રિતોમાં એક હતા આંધ્રના યુવાન ડૉ. જયંતી તેજા. પાર્ટીમાં કાનાફુસી થતી હતી કે ડૉ. તેજા પરદેશમાં વિજ્ઞાની તરીકેની ઉજ્જવળ કારકિર્દી છોડીને તાજેતરમાં ભારત પાછા ફર્યા છે હો.

આ પાર્ટીમાં પ્રધાનો, સંસદસભ્યો, વિધાનસભ્યો અને કૉંગ્રેસના નામવંતો ઉપસ્થિત હતા. કોઈકને થયું કે આવા તેજસ્વી, શહેરી અને આધુનિક યુવાનની વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત કરાવવી જોઈએ.

બસ, આ એક મુલાકાત-ઓળખાણ ડૉ. તેજાનું જીવન બદલી નાખવાની હતી. સારા માટે કે ખરાબ માટે એનો જવાબ તો માત્ર સમય પાસે જ હતો. બે દિવસ બાદ ખુદ વડા પ્રધાને જ એમ. તિરુમલાને ડૉ. તેજા વિશે પૂછપરછ કરી. તિરુમલાએ સ્પષ્ટ અને ટૂંકો જવાબ આપ્યો: ‘હું એ તેજા પરિવારને ઓળખું છું: એ સારો, તેજસ્વી અને કાબેલ યુવાન છે.’

વડા પ્રધાન માટે આટલા શબ્દો પૂરતા હતા. આને પગલે ભારતમાં એક મોટા કૌભાંડનો જન્મ થવાનો હતો, જે દેશ-વિદેશ ગજવવાનું હતું. (ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button