પ્રેમનું ફિલ્મી સ્વપ્ન: કલ્પનાઓમાં ખોવાઈ જવાનું સુખ

ઔર યે મૌસમ હંસીં…:દેવલ શાસ્ત્રી
પ્રેમની સુખદ કલ્પનાઓ મનુષ્યના જીવનમાં એક એવા જાદુ જેવી છે, જે વાસ્તવિકતાની દુનિયાથી દૂર લઈ જઈને મસ્ત મજાનું રોમેન્ટિક વિશ્વ બનાવે છે. આ કલ્પનાઓમાં આપણે પોતાના પાર્ટનર સાથે સુંદર ક્ષણો, અનંત વચનો અને રોમાન્ટિક સાહસો જીવીએ છીએ. ફિલ્મી પ્રેમની કલ્પનાઓએ આપણને રંગીન સપનાઓ જોતા શીખવ્યું છે.
ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ નો રાજ અને સિમરનનો પ્રેમ પરિવાર અને જાતજાતના અવરોધો પાર કરીને જીવે છે. આ કથાઓ આપણને યુરોપના પહાડો વચ્ચે પ્રેમની કલ્પનાઓની સફરે લઇ જાય છે. રોમેન્ટિક કલ્પનાઓ પાછળ મનોવિજ્ઞાન, સમાજ અને સાંસ્કૃતિક તત્ત્વોની મોટી ભૂમિકા છે. આપણે સજવાની કોશિશ કરતા કરતા સ્વપ્નમાં ખોવાઈ જવાની મજા માનવાની છે.
પ્રેમની રંગીન કલ્પનાઓમાં જાતજાતના કલર ભાવનાઓને આકાર આપે છે અને તેને વધુ આનંદમય બનાવે છે. વેલેન્ટાઈનમાં લાલ અને ગુલાબી કલર રોમાન્સ અને લાગણી વ્યક્ત કરવામાં મદદ કરે છે, જ્યારે વસંતમાં લીલો અને પીળો તાજગી લાવે છે. આ રંગો મનોવિજ્ઞાનિક રીતે કલ્પનાને સુખદ બનાવે છે, પરંતુ વધુ પડતી કલ્પનાઓ વાસ્તવિક જીવનને અસર કરી શકે છે, તેથી જીવનમાં સંતુલન જરૂરી છે.
તાજેતરના એક અભ્યાસમાં જોવા મળ્યું કે રોમાન્ટિક કોમેડીઝ જોવાથી લોકોની અપેક્ષાઓ વધે છે અને પ્રેમમાં તમામ અવરોધ આસાનીથી પાર થઈ જાય છે. રોમાન્ટિક કોમેડીઝ જોવાથી લોકોની અપેક્ષાઓ વધે છે અને પ્રેમમાં તમામ અવરોધો આસાનીથી પાર થઈ જાય છે. સિનેમા આપણને વર્તમાન વાસ્તવિકતાથી દૂર લઈ જઈને એક કલ્પિત વિશ્વમાં મુકે છે, જ્યાં પ્રેમ હંમેશાં વિજયી થાય છે.
સાહિત્ય પણ લગભગ એ જ માર્ગ પર હોય છે, સાહિત્ય વાચકને પોતાની કલ્પનાઓમાં વાર્તા બનાવવા દે છે, જેમાં રોમાન્સ નોવેલ્સમાં પ્રેમને તીવ્ર અને આદર્શ બતાવવામાં આવે છે. રોમિયો એન્ડ જુલિયટમાં શેક્સપિયરે પ્રેમને દુ:ખદ બતાવ્યો છે,જે વાચકોને તેમની કલ્પનાઓમાં ‘અમર પ્રેમ’નું સ્વપ્ન જોવા પ્રેરે છે. વાચકો પ્રેમને એક મહાન બલિદાન તરીકે કલ્પના કરે છે. સાહિત્ય અને સિનેમા કલ્પનાઓને સર્જનાત્મક બનાવે છે, પરંતુ તે એવું વ્યસન બની જાય છે જેમાં નકારાત્મક બાબતનો સ્વીકાર કરી શકતા નથી. પ્રેમની આત્મહત્યાઓમાં આ પણ એક કારણ હોઈ શકે છે.
મનોવિજ્ઞાનિકો અનુસાર રોમાન્સની કલ્પનાઓ ભાવનાત્મક જરૂરિયાતોને પૂરી કરે છે. જ્યારે વાસ્તવિક જીવનમાં એકલતા, તણાવ અથવા નિરાશા હોય ત્યારે મન પ્રેમના સ્વપ્નમાં જઈને આરામ મેળવે છે. હાર્વર્ડના 2010ના અભ્યાસમાં 2200થી વધુ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો,જેમાં જોવા મળ્યું કે માણસનું મન દિવસમાં 46.9 ટકા સમય કલ્પનાઓમાં ભટકે છે અને તેમાંથી મોટા ભાગની કલ્પનાઓ પ્રેમ અને સંબંધો વિશે હોય છે. આ કલ્પનાઓ મગજમાં ડોપામીન અને સેરોટોનિન જેવા ખુશીના કેમિકલ્સ વધારે છે, જે વાસ્તવિક પ્રેમ જેવી અનુભૂતિ આપે છે.
ધર્મ પ્રેમની કલ્પનાઓને આકાર કરવાની છૂટ સાથે તેને નિયંત્રણમાં રાખવાનો ફાયદો પણ કરી આપે છે. ધાર્મિક વાતાવરણમાં મોટા થયેલા લોકો તેમની પ્રેમની કલ્પનાઓમાં પવિત્રતા, વફાદારી અથવા દૈવી પ્રેમ જેવા ધાર્મિક મૂલ્યનો સમાવેશ કરે છે. કેટલાક ધર્મોમાં પ્રેમને પાપ અથવા વાસના તરીકે જોવામાં આવે છે, જેથી કલ્પનાઓમાં અપરાધભાવ ઊભો કરે છે. ક્યારેક શિક્ષણમાં મળતી જાણકારી વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે તફાવત સમજવામાં મદદ કરે છે. સામાજિક મૂલ્યોને કેવી રીતે ભૂલી શકાય? સમાજ પ્રેમની કલ્પનાઓને સૌથી વધુ અસર કરે છે કારણ કે તે પ્રેમના આદર્શો નક્કી કરે છે.
માણસને રોમાન્સના સ્વપ્ન જોતા કોણ રોકી શકે છે? પ્રેમની કલ્પનામાં રાચતી વ્યક્તિને સૌથી મોટો તેનો પરિવાર જ દુશ્મન લાગતો હોય છે. પરિવાર સુખદ રોમેન્ટિક કલ્પનાઓમાં સીધી અસર કરે છે કારણ કે તે પ્રથમ વાતાવરણ છે જ્યાં બાળપણથી કલ્પનાઓ વિકસે છે. પરિવારના વિચારો અને ઉછેર વ્યક્તિની કલ્પનાઓની સીમાઓ નક્કી કરે છે.
જો પરિવાર ધાર્મિક અથવા કડક હોય તો વ્યક્તિની રોમેન્ટિક કલ્પનાઓને મર્યાદિત થઇ જતી જોવા મળે છે. મુક્ત વાતાવરણમાં તેને પ્રોત્સાહન મળે છે. ઘણા પરિવારમાં વાર્તાઓ કહેવાની આદત હોય તો બાળકોની કલ્પનાઓ વધુ સર્જનાત્મક બને છે, પરંતુ કેટલાક પરિવારોમાં કલ્પનાઓને ‘સમયનો વ્યય’ માનીને રોકવામાં આવે છે.
આજકાલ સોશ્યલ મીડિયાના યુગમાં વ્યક્તિની વિચારધારા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણી આસપાસની વિચારધારાઓ જેમ કે રાજકીય, સામાજિક અથવા ધાર્મિક વિચારો વગેરે કલ્પનાઓને ફિલ્ટર કરે છે અને તેમાં ચોક્કસ વિષય લાવે છે. જો વ્યક્તિની વિચારધારા રૂઢિચુસ્ત હોય તો કલ્પનાઓમાં પરંપરાગત મૂલ્યો વધુ આવે છે, જ્યારે ઉદાર વિચારધારામાં સ્વતંત્રતા અને નવા અનુભવોની કલ્પના થાય છે એવું કેટલાક અભ્યાસોમાં માનવામાં આવે છે.
છેવટે, પ્રેમની સુખદ કલ્પનાઓ આપણા મનને એક સુંદર સ્વપ્ન જોવામાં મદદ કરે છે. જ્યારે જીવનમાં તણાવ, એકલતા કે થોડી નિરાશા આવે ત્યારે મન પોતાની જાતે જ એક રોમેન્ટિક ફિલ્મ બનાવી લે છે. આ ફિલ્મમાં લાલ ગુલાબ ખીલે છે, વસંતના વાયરા વહે છે અને પ્રિય વ્યક્તિ તમારી બાજુમાં હોય છે.
આવી બધી કલ્પનાઓમાં ફિલ્મોના રોમાન્ટિક સીન, વેલેન્ટાઈનના લાલ-ગુલાબી રંગો અને રૂમી-શામ્સ જેવા પ્રેમના ઊંડા શબ્દો બધું મળીને દિલને ખુશી આપે છે. હા, અહીં એક વાત યાદ રાખવી કે કલ્પના ખૂબ જ સુંદર છે, પરંતુ સાચો પ્રેમ ત્યારે જ જન્મે છે જ્યારે આપણે તેને વાસ્તવિક જીવનમાં થોડું ઘણું સમજીને, સમય આપીને, ધીરજ રાખીને જીવીએ. તેથી કલ્પનામાં ભલે થોડું ખોવાઈ જાઓ પણ વાસ્તવિકતામાં પ્રેમને એક તક આપજો. કારણ કે સાચું સુખ ત્યાં જ છે, જ્યાં કલ્પના અને વાસ્તવિક જીવન એકબીજાને મળીને એક સુંદર રોમેન્ટિક કથાનું સર્જન કરે છે.


