ઔર યે મૌસમ હંસીં… : દાદર- પ્રાચીન યુગના રહસ્યોથી આધુનિક વૈભવ સુધીની શૈલી

- દેવલ શાસ્ત્રી
કલ્પના કરો કે તમે એક જાદુઈ પુલ પર ચડી રહ્યા છો, જ્યાં દરેક પગલું તમને સુખની નદી ઉપરથી પસાર કરે છે. આ પુલ ધરતીને સ્વર્ગ સાથે જોડે છે અને જીવનના સંઘર્ષમાંથી સર્વોત્તમ વૈભવ તરફ લઇ જાય છે. સુખની કલ્પનાને સ્વપ્નનાં આકાશમાં લઇ જતા આ પુલનું નામ છે ‘દાદર’….
દાદર એટલે કે દાદરાનાં પગથિયાં માત્ર પથ્થર અને ધાતુના ટુકડા નથી, પરંતુ માનવ સભ્યતાના હૃદયના ધબકારા પણ છે.
ભારતીયોના ઇતિહાસનો અભ્યાસ કરશો તો દાદર કે દાદરાનું મહત્ત્વ ઘણું વધારે છે. આપણા સિનેમાની અસંખ્ય કથાઓ દાદરને લીધે આગળ વધી છે. સંજય ભણશાલીની દેવદાસમાં પારો દાદર પર દોડે છે અને નીચે તરફ ભાગે છે, પારોની દાદર પરની જોખમી દોડ પ્રેમની તીવ્રતા બતાવવામાં કોઈ કચાશ રાખતી નથી. ‘હમ દિલ દે ચુકે સનમ’ની નંદિનીના રૂમ સુધી જવા માટેના દાદર કથામાં સુખદ અને દુ:ખદ વળાંકો બનાવવા માટે મૂક પાત્ર જેવો રોલ કરે છે તો ‘હમ આપ કે હે કોન’ જેવી સીધી સાદી કથામાં કોઈ ટ્વિસ્ટ નથી, પણ કથાને રોચક બનાવવા ફિલ્મનું એક પાત્ર રેણુકા શહાણે દાદર પરથી ગબડી જાય છે ને મૃત્યુ પામે છે. આખી ફિલ્મમાં કોઈ વિલન હોય તો એ દાદર છે. ભારતીય અસંખ્ય સિરિયલો અને ફિલ્મોમાં પ્રેગ્નેન્ટ લેડીના બાળકને મારી નાખવું હોય તો દાદરના દ્રશ્યનો ભરપૂર ઉપયોગ થયો છે. હીરોગિરી કરીને વિલનને ક્રૂરતાપૂર્વક ફટકારવામાં દાદરે કોઈ કચાશ રાખી નથી.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : અંત:અસ્તિ પ્રારંભ: અંત એ જ નવી શરૂઆત છે…
સમાજ અને સિનેમામાં દાદર અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા દર્શાવે છે. ધનિકોના મહેલોમાં વિશાળ, ડબલ સ્પાઇરલ દાદર બતાવીને એમની શક્તિ અને વૈભવ દર્શાવાય છે. હિન્દી સિનેમામાં દાદર માત્ર એક આર્કિટેક્ચરલ તત્ત્વ નથી, પરંતુ તે સ્ટોરીને આગળ વધારવા, પાત્રોની ભાવનાઓ દર્શાવવા અને ડ્રામા તત્ત્વ ઉમેરવા માટે વપરાય છે. વૈભવ દર્શાવવા પેલેસ જેવા ઘરમાં દાદર બે ભાગમાં વહેંચાય છે જે દાદરની ગ્રાન્ડ ડિઝાઇન છે. ગ્રામ્ય વિસ્તારોમાં સીધા દાદર હતા, આજે જોઈએ તો લાગે કે આ દાદર પર એ લોકો કેવી રીતે દિવસ-રાત ચડઉતર કરતા હશે.
ભારતીય પરંપરામાં દાદરનો ઇતિહાસ છેક સિંધુ ઘાટીની સભ્યતા પહેલાથી જોડાયેલો છે, જ્યાં પાણી અને વિશ્રામ માટે વાવ બનાવવામાં આવતી હતી. બાકી દાદરની પૌરાણિક કથા અદ્ભુત છે. લગભગ 8,000 વર્ષ પહેલાં જ્યારે માનવીઓ પથ્થરના હથિયારો વાપરતા હતા અને જંગલી પ્રાણીઓથી બચવા માટે ઊંચા સ્થળો શોધતા હતા. માનવજાતે અસ્તિત્વ બચાવવા કુદરતી પર્વતીય પગથિયાંથી પ્રેરિત થઈને પ્રથમ દાદર બનાવ્યા. ભારતની જરૂરિયાત પાણી અને ઠંડક હતી. આપણે નીચેની તરફ વધવા માટે દાદર બનાવ્યા. આ દાદરની વિશેષતા એ હતી કે આઠ દશ પગથિયાં પછી આરામ કરવા માટે નાનકડા ચોક જેવી જગા રાખવામાં આવતી હતી.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : નાસદીય સૂત્ર: સનાતન ધર્મની વૈજ્ઞાનિક વિચારધારા
ભારતીય પરંપરામાં કેટલીય વાવમાં ચારે તરફ મળીને ત્રણ હજાર કરતાં વધુ પગથિયાં છે. આ પગથિયાં પર દર્શનશાસ્ત્ર સમજાવતા સ્થાપત્યનો અલગ ક્લાસ છે. કંઈ કેટલા કારણોસર વડવાઓના અભ્યાસ થકી દાદરનું વાસ્તુશાસ્ત્ર વિકસ્યું છે, જ્યાં એક અભ્યાસ મુજબ દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી સકારાત્મક ઊર્જા વહેતી રહે. એક કારણ એવું પણ હોઈ શકે કે વીજળી વગરની એ દુનિયામાં સૂર્ય આથમતો હોય ત્યારે દાદર પર ચડવા ઉતરવા હળવું અજવાળું કામ લાગી શકે. વિશ્વમાં દાદર રક્ષણ અને કાર્યક્ષમતા માટે હતા, ભારતમાં તે પાણીના સ્ત્રોત અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હતા. દાદર બનાવવા એ યુગમાં પથ્થર અને સેન્ડસ્ટોન વાપરવા સાથે ઇન્ડસ વેલી (સિંધુ ખીણ)માં માટીની ઇંટો વાપરવામાં આવી હતી. સરવાળે ભારતે વિશ્વના લગભગ બધા જ સ્રોતનો ઉપયોગ કરીને અનેક ડિઝાઇનના દાદર બનાવ્યા છે.
આધુનિક આર્કિટેક્ચરમાં દાદરને ઘરને વૈભવી દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. આજકાલ ફ્લોટિંગ દાદર બનાવવામાં આવે છે, જેમાં દીવાલથી અલગ રાખીને હવામાં તરતા લાગે એવા બનાવવામાં આવે છે, જે પ્રકાશ અને જગ્યાને વધારે છે. મિનિમલિસ્ટ ડિઝાઇનમાં ગ્લાસ અને સ્ટીલ વપરાય છે, જે ઘરને આધુનિક અને આકર્ષક બનાવે છે. ભારતીય આર્કિટેક્ચરમાં વર્નાક્યુલર અને આધુનિક મિશ્રણથી દાદરને વાસ્તુ અનુસાર બનાવીને ઘરને વૈભવી બનાવવામાં આવે છે, જેમાં માર્બલ અને વુડના કોમ્બિનેશનનો ઉપયોગ થાય છે.
સરેરાશ ભારતીય ઘરો, વૈભવી હોટલ, પેલેસ સહિત જ્યાં પણ ધ્યાનથી અભ્યાસ કરશો તો તમને દાદરની અસંખ્ય સ્ટાઇલ જોવા મળશે. વિશ્વભરમાં આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સ દાદરને ફોકલ પોઇન્ટ તરીકે ઓળખે છે. દાદર ઘરમાં પ્રવેશતા જ ધ્યાન આકર્ષે છે અને તેને રિચ લુક આપે છે. વારાણસી જેવા શહેરમાં બસો પાંચસો વર્ષોથી પેઢી દર પેઢી એક જ સ્થળમાં વસવાટને કારણે સાંકળી ગલીમાં નાના પ્લોટમાં પાંચ માળના ઘર બનતા ગયા. નાનકડી જગામાં ઉપરના માળમાં જવા માટે દાદરની યુનિક ડિઝાઇન કરવાની જરૂર પડી છે એનો અભ્યાસ કરવા દેશવિદેશથી આર્કીટેક આવતા હોય છે. આમ તો સીધા અથવા એલ શેપમાં દાદર સરેરાશ ભારતીયોના ઘરોમાં જોવા મળે છે. કયારેક યુ શેપમાં દાદર હોય છે પણ એક થાંભલાનો ઉપયોગ કરીને સ્પાઇરલ ટાઈપના નજાકત દાદર પર હીરોઈનને ડાન્સ કરતાં જોઈ છે.
આજકાલ ઘરોમાં દાદરનું મહત્ત્વ વધવા લાગ્યું છે, દાદર મોંઘા મટિરિયલ સાથે એવી રીતે બનાવવામાં આવે છે કે મુલાકાતીનું પહેલું ધ્યાન દાદર પર જાય અને સમૃદ્ધિનો ખ્યાલ આવે. દાદરની રિચનેસ વધારવા ત્યાં અનલિમિટેડ બજેટ સાથે લાઈટનું પરફેક્ટ પ્લાનિંગ કરવામાં છે. આમ પણ દાદર પ્રકાશિત વિસ્તારમાં જ હોવો જોઈએ.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… કોર્પોરેટ્સમાં SWOT એનાલિસિસ આઉટડેટેડ થઇ ગયું છે?
હવેથી જ્યારે કોઈનાં ઘરના દાદર પર ચડો ત્યારે યાદ રાખજો કે ઇતિહાસનાં પાનાં ઊથલાવી રહ્યા છો…. દાદર સાથેના સંસ્મરણોને યાદ કરશો તો તે તમને હસાવશે, વિચારતા કરશે. સરવાળે દાદર પણ માનવ જીવન જેવા છે, ક્યારેક જોખમી તો ક્યારેક વૈભવી.
ધ એન્ડ :
ફિલ્મ ‘તેરે ઘર કે સામને’માં દેવ આનંદ નૂતનનું કૂતુબ મિનારનાં સર્પાકાર દાદરનાં પગથિયાં પરનું પેલું રોમેન્ટિક ગીત (દિલ કા ભંવર કરે પુકાર..) પણ કેમ ભૂલાય?!