કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે! | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે!

  • નિલેશ વાઘેલા

ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોનો સુખદ ઉકેલ મૃગજળની માફક નજીક જણાય છે, પરંતુ ફરી દૂર ઠેલાઇ જાય છે! તઘલખી ટ્રમ્પ ક્યારે શું ઊંબાડિયું કરશે, એનો જબાવ તો કદાચ બ્રહ્મા પાસે જ હોઇ શકે! હવે પહેલી ઓગસ્ટે વળી નવો ધડાકો શું થશે, એનો ઇંતઝાર છે. ‘ભારત પર ટ્રમ્પનો ઊભરાતો પ્રેમ વાંરવાર છલકે છે!’ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે ત્યાંથી માંડીને બ્રિક્સ દેશની સદસ્યતા સુધી ટ્રમ્પને ભારત પ્રત્યે અનેક બાબતે દાઝ છે અને તેણે એ દાઝ વારંવાર વ્યક્ત પણ કરી છે.

અમેરિકા સાથેની કથિત ટ્રેડ ટશનમાં કૃષિ અને ડેરી ક્ષેત્રોને લગતી બાબત મુખ્ય છે, અમેરિકા તેના ખેડૂતોને લાભ આપવા માટે બજાર પ્રવેશ પર ભાર મૂકી રહ્યું છે, જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે એક મુખ્ય રાજકીય આધાર છે. આ તરફ ભારત પણ પોતાના ખેડૂતોને સસ્તી આયાતથી બચાવવા માટે છૂટછાટો આપવામાં ખચકાટ અનુભવી રહ્યું છે.

આ રીતે જોઇએ તો અન્ય બાબતો ઉપરાંત બંને દેશ વચ્ચે ખેડૂતો માટે ખેંચતાણ થઇ રહી છે. બંને નેતા પોતાની મસમોટી વોટબેન્કના હિત માટે સોદાબાજી કરી રહ્યાં છે! ભારતે વિશ્ર્વ વ્યાપાર સંગઠનમાં ટ્રમ્પે લીધેલા અને જાહેર કરેલા નિર્ણયો સામે ફરિયાદ પણ નોંધાવી છે. જોકે, અમેરિકા ભારત પર અનેક પ્રકારે દબાણ લાવી રહ્યું છે. પાકિસ્તાન જેવા નાપાક દેશને અબજો ડોલરની લોન અપાવવા પાછળ પણ ટ્રમ્પની ભારતને સુપર પાવર બનવામાં આડખીલી ઊભી કરવાની બદ્દાનતની ઝલક જોવા મળે છે. એક ઉપલબ્ધ માહિતી અનુસાર ભારત કૃષિ ઉત્પાદનો પરની જકાતમાં છૂટછાટ આપવા સંદર્ભે કડક વલણ અપનાવી રહ્યું હોવાથી વેપાર વાટાઘાટો અવરોધાઇ રહી છે. અગાઉ જણાવ્યા અનુસાર આ સવાલ વોટ બેન્કનો છે, જે ભારત તેમ જ અમેરિકા બંને માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત પોતાના ખેડૂતોના મત ગુમાવવા નથી માગતું, જ્યારે અમેરિકા તેના ખેડૂતોને પ્રોત્સાહન આપી રાજી કરવા માટે તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો પર આયાત જકાત ઘટાડવા દબાણ કરી રહ્યું છે.

અમેરિકન ખેડૂતો, એક પ્રભાવશાળી રાજકીય જૂથ

ટ્રમ્પ શાણો વેપારી અને પહોંચેલો રાજકારણી છે. અહીં નોંધવું રહ્યું કે અમેરિકામાં ખેડૂતો રાજકીય રીતે શક્તિશાળી વર્ગ છે. આ તરફ ભારત તેના ખેડૂતોને ઓછી કિંમતના અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનોના મારથી બચાવવા માટે આ માલ પર ટેરિફ છૂટછાટ આપવાનો પ્રતિકાર કરી રહ્યું છે. અમેરિકાના સસ્તા ઉત્પાદનો ભારતમાં ખડકાય તો ભારતીય બજારમાં કિંમતોમાં ભારે ઘટાડો થઈ શકે અને જેનાથી ગ્રાહકોને કદાચ તાત્કાલિક લાભ થાય, પરંતુ ભારતીય ખેડૂતોને ભારે નુકસાન થઇ શકે છે.

એક ટોચના રાજકીય વિશ્ર્લેષકે કહ્યું હતું કે, વેપાર વાટાઘાટો ભાગ્યે જ ફક્ત અર્થશા આધારિત હોય છે. મોટેભાગે આવી વાટાઘાટો સ્થાનિક રાજકીય આવશ્યકતાઓ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી હોય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ યુએસ-ભારત વેપાર વાટાઘાટોમાં અમેરિકન ખેડૂતોનું હિત મોખરા સ્થાને છે, કારણ કે આ વર્ગનું રાજકીય વેઇટેજ ખૂબ વધારે છે. આ જ કારણસર ગ્રામીણ અમેરિકાના મજબૂત સમર્થનને કારણે ચૂંટાયેલા ટ્રમ્પે વેપાર નીતિમાં અમેરિકાના કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિતોને પ્રાથમિકતા આપી છે. અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારતમાં વધુ બજાર પ્રવેશ માટે તેમના વહીવટીતંત્રનો પ્રયાસ ફક્ત આર્થિક વ્યૂહરચના નથી. આ શક્તિશાળી ફાર્મ લોબીના પ્રભાવથી આકાર પામેલું એક ગણતરીપૂર્વકનું રાજકીય પગલું છે.

ટ્રમ્પના રાજકીય વિજયમાં ખેડૂતોના ટેકાની ભૂમિકા મહત્ત્વની

અમેરિકન ખેડૂતો, ખાસ કરીને મિડવેસ્ટના ખેડૂતો, એક પ્રચંડ રાજકીય બળનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ટ્રમ્પના રાજકીય પાયાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેમણે 2016 અને 2020ની ચૂંટણીમાં તેમને ભારે ટેકો આપ્યો હતો. વેપાર અને ગ્રામીણ વિકાસ પર રાષ્ટ્રીય વાતચીતને આકાર આપવામાં આ પ્રદેશોનો નોંધપાત્ર પ્રભાવ છે.

અમેરિકાની ખેતી-આધારિત કાઉન્ટીઓએ ગયા વર્ષની ચૂંટણીમાં સૌથી વધુ, સરેરાશ 77.7 ટકા મતદાનથી ટ્રમ્પને ભારે સમર્થન આપ્યું હતું. ટ્રમ્પે ખેતી-આધારિત કાઉન્ટીઓમાં પોતાનો ટેકો વધાર્યો એટલું જ નહીં, પરંતુ તેમાંથી 100થી વધુ કાઉન્ટીઓએ તેમને ઓછામાં ઓછા 80 ટકા મત સાથે તેમને ટેકો આપ્યો હતો.

માર્ચમાં કોંગ્રેસ સમક્ષ આપેલા ભાષણમાં, ટ્રમ્પે કહ્યું હતું કે તેમની નવી વેપાર નીતિઓ ‘અમેરિકન ખેડૂતો માટે ઉત્તમ રહેશે’, તેમ છતાં તેમણે સ્વીકાર્યું હતું કે ‘થોડો સમયગાળો ગોઠવણનો હોઈ શકે છે.’ ટ્રમ્પે કહ્યું, આપણા ખેડૂતોના હરિયાળા દિવસો આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ખેડૂતો સ્થાનિક રીતે વધુ વેચાણ કરીને કોઈપણ નુકસાનની ભરપાઈ કરી શકે છે. અને કોઈ એમની સાથે સ્પર્ધા નહીં કરી શકશે!

અમેરિકન ખેડૂતો નિકાસ પર વધુ નિર્ભર

વર્ષોથી, સ્થાનિક ઉત્પાદનમાં વૃદ્ધિ અને બદલાતી વપરાશ પેટર્નને કારણે અમેરિકન ખેડૂતો નિકાસ પર વધુને વધુ નિર્ભર બન્યા છે. આયોવા, વિસ્કોન્સિન અને નેબ્રાસ્કા જેવા મુખ્ય કૃષિ રાજ્યો સોયાબીન, મકાઈ, ડેરી અને માંસ જેવી ચીજવસ્તુઓ માટે વિદેશી બજારો પર ભારે આધાર રાખે છે.

આ કારણસર, કૃષિ નિકાસને વેગ આપતા નવા અથવા વિસ્તૃત વેપાર સોદાઓ મેળવવાથી આ રાજ્યોના આર્થિક હિત અને ટ્રમ્પના રાજકીય હિત બંનેને સીધો લાભ મળે. ટ્રમ્પના પાછલા કાર્યકાળ દરમિયાન, ખેડૂતોને સરકારી ચૂકવણી ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્રે તેમના ટેરિફ યુદ્ધોથી થયેલા નાણાકીય નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોને રોકડ રકમ આપી હતી.

ભારત પોતાના ખેડૂતો વિશે ચિંતિત

ભારતના પોતાના રાજકીય અને આર્થિક વિચારો અને લક્ષ્યમાં, સ્થાનિક ખેડૂતોનું રક્ષણ કરવું, ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન કરવું અને વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવાનો સમાવેશ થાય છે. આ લક્ષ્યો અને આદર્શને કૃષિ અને ડેરી ઉત્પાદનો પરની આયાત જકાતમાં છૂટછાટો માટેની અમેરિકન માગણીથી પારાવાર નુકસાન થઇ શકે છે. કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રો ભારતની 3.9 ટ્રિલિયન અર્થવ્યવસ્થામાં માત્ર 16 ટકા ફાળો આપે છે, પરંતુ દેશની 1.4 અબજ વસ્તીના લગભગ અડધા ભાગને આધાર આપે છે, ટકાવી રાખે છે. ભારતમાં પણ ખેડૂતો સૌથી શક્તિશાળી મતદાન જૂથ રહ્યા હોવાથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ચાર વર્ષ પહેલાં વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ભાગ્યે જ પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

આપણ વાંચો:  અજબ ગજબની દુનિયા

યુનાઇટેડ સ્ટેટ્સમાંથી સસ્તી આયાતથી સ્થાનિક ભાવમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી વિપક્ષને સરકાર પર હુમલો કરવાની નવી તક મળશેે. નવી દિલ્હીએ પરંપરાગત રીતે કૃષિને અન્ય રાષ્ટ્રો સાથેના મુક્ત વેપાર કરારોથી દૂર રાખ્યું છે.
યુએસને બજાર ઍક્સેસ આપવામાં આવે તો, ભારતને અન્ય વેપાર ભાગીદારો પણ સમાન છૂટછાટો આપવા માટે દબાણ કરી શકે છે. ભારતીય ખેડૂત સરેરાશ ફક્ત 1.08 હેક્ટર જમીન ધરાવે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્રમાણ 187 હેક્ટર જેટલું છે. ડેરી ક્ષેત્રમાં, ભારતમાં સરેરાશ ધણનું કદ પ્રતિ ખેડૂત બેથી ત્રણ પશુઓનું છે, જ્યારે યુએસમાં ખૂબ જ મોટું 100થી 200 કે વધુ પશુઓનું હોય છે. આ તફાવત નાના ભારતીય ખેડૂતો માટે તેમના યુએસ સમકક્ષો સાથે સ્પર્ધા કરવાનું મુશ્કેલ બનાવે છે.

અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે કે તે ડેરી, મરઘાં, મકાઈ, સોયાબીન, ચોખા, ઘઉં, ઇથેનોલ, સાઇટ્રસ ફળો, બદામ, પેક્ધસ, સફરજન, દ્રાક્ષ, તૈયાર પીચ, ચોકલેટ, કૂકીઝ અને ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈસ સહિત અમેરિકન ઉત્પાદનોની વિશાળ શ્રેણી માટે તેના બજારોના દરવાજા ખોલી નાંખે. જ્યારે ભારત યુએસ ડ્રાયફ્રૂટ્સ અને સફરજનને વધુ પ્રવેશ આપવા તૈયાર છે, અને મકાઈ, સોયાબીન, ઘઉં અને ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવાનું ટાળી રહ્યું છે. ભારત જિનેટીક્સને મંજૂરી આપતું નથી. હવે જોઇએ આગળ શું થશે. વાટાઘાટો હજું ચાલુ છે, પિકચર અભી બાકી હૈ…!

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button