ઈન્ટરવલ

જેના ટેબલમાંથી મચ્છર નીકળશે તેને નોકરીમાંથી હાંકી કાઢવાનો કમિશ્ાનરનો પરિપત્ર!

ફોકસ -ભરત વૈષ્ણવ

ટેબલ પર ખુરશી અને ખુરશી પર સ્ટુલ ગોઠવ્યા . ખુરશી અને સ્ટુલ ડગમગ થતા હતા. રાજુ રદી તેના પર ચડ્યો . પંખાના પાંખિયાને ચિપકેલા મચ્છરને જોઇને ખુન્નસથી બોલ્યો, એક મચ્છર કો દેખા તો ઐસા લગા જેસે આદમી કે શરીરસે ખુન ચુસનેવાલી મશીન! આમ કહી ગમે તે પંખાના પાંખિયા પર સ્ટ્રીટ ડોગની જેમ લપકયો. દવેના હાઇ જમ્પથબ ટેબલ, ખુરશી અને સ્ટુલનું બેલેન્સ ખોરવાયું . જન્માષ્ટમી પર દહીંહાંડી તોડવા માટે ગોવિંદાએ પિરામિડ બનાવ્યો હોય તેમાં ટોચ પરનો ગોવિંદા ગબડે એટલે બધા તાસના પત્તાની માફક જમીનદોસ્ત થાય તેમ ટેબલ, ખુરશી, સ્ટુલ અને રાજુ રદી નીચે પટકાયા !! કોણ કોના પર પડ્યું તે નક્કી કરવું મુશ્કેલ થઇ પડ્યું!! જો કે, રાજુના ચહેરા પર સ્મિત હતું. કેમ કે, તેણે બે મચ્છર મારી નાંખ્યા !! મહેકમ બ્રાંચને બે મચ્છરનો ખાત્મો બોલાવ્યાનો રિપોર્ટ કર્યો!! રાજુને ગર્લ ફ્રેન્ડ બ્રેકઅપ કરે અને મૂઢ માર વાગે તેમ પછડાટથી શરીર કળવા લાગ્યું!!

રાજુભાઇ કમિશનર સાહેબ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલના ટેન્ડરની ફાઇલ મંગાવે છે. આઇપીએસ યાને ઇન્ડિયન પ્યુન સર્વિસના સુનિલે કહ્યું. સુનિલના ડાબા ગાલના ઉપરના ભાગે મચ્છર બેસેલું. રાજુ રદીએ જોયું
સુનિલ બિલકુલ હલતો નહીં. હું તને સ્ટેચ્યુ કહું છું! રાજુએ સુનિલને હુકમ કર્યો. સુનિલ સ્થિર થઇ ગયો. રાજુએ તેને ફડાકો મારી દીધો. સુનિલ હચમચી ગયો.

સાહેબ મને કેમ લાફો માર્યો?? સુનિલે લાફો ખાધા પછી પણ વિનમ્રતા છોડી નહીં!!
સુનિલ,તારા ડાબા ગાલ પર મચ્છર બેસેલું. મેં મચ્છરના ગાલે લાફો ઝીંક્યો . કમબખ્ત મચ્છર મારા કરતા ઓવર સ્માર્ટ નીકળ્યું . મારો હાથ મચ્છરની બોચી પર પડે તે પહેલાં પ્રેમીપંખીડાની જેમ ઊડી ગયું!!! જયાં સુધી મારી ચેમ્બરમાંથી મચ્છરનું નિકંદન નહીં કાઢું ત્યાં સુધી કમિશનરની ચેમ્બરમાં પગ નહીં મુકુ!! રાજુએ રદીપ્રતિજ્ઞા જાહેર કરી. પાંજરાપોળ જેવી દાણાપીઠની ઓફિસ .લોક ભાષામાં કોઠી કે કોઠો કહેવાય. (અભિમન્યુએ વીંધેલા કોઠા તો સરળ હતા. મહાનગરપાલિકાના કોઠા વીંધવા તો મત્સ્યવેધ કરવા જેવું ડિફીકલ્ટ ગણાય. એકાદવાર આવકનો દાખલો, જન્મનો દાખલો, મરણનો દાખલો કે ઇવન પ્રોપર્ટી ટેકસ ભરવા જાવ તો એવા ફાંફા ચડી જાય કે જન્મવા કે મરવાનું માંડી વાળો. મિલકત વેરો ભરવાના બદલે મિલકત વેચી નાંખી ન રહેંગા બાંસ ન રહેંગી બાંસુરી જેવું કરવાની ખંજવાળ આવે!! ગાંધીજીએ કાગડા કૂતરાંના મોતે મરીશ પણ સ્વરાજય લીધા સિવાય પાછો નહી ફં તે પ્રતિજ્ઞા પાછળ પણ અનટોલ્ડ સ્ટોરી છે. સાબરમતી નદીના કિનારે આશ્રમ હોવાથી જુલાઈ મહીનામાં પુષ્કળ મચ્છર થતા હતા. બાપુ આઝાદી માટે અંગ્રેજોનું લોહી જ પીવાનું બાકી રાખ્યું હતું.,બાપુએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો.,અંગ્રેજોના સમર્થક મચ્છરો બાપુનું લોહી પીને અંગ્રેજો તરફ વફાદારી દાખવતા હતા!! મચ્છરોના ત્રાસથી બાપુ કંટાળી ગયેલા. એટલે કાગડા કૂતરાવાળી પ્રતિજ્ઞા લઇને આશ્રમથી ચાલતી પકડેલી!! તેવું કહેવાય છે!!
`ગુણ ગુણ ગુણ ગુણ’નો અવાજ સાંભળી રાજુ રદીના મગજનો ( રાજુ રદીને મગજ ?? વેઇટ વેઇટ ગિરધરલાલ. રાજુને મગજ છે તેનો શું પુરાવો ?? રાજુને કદી બ્રેઇન સ્ટ્રોક આવેલ છે??કારણ વગર ફેંકા ફેંક ના કરો ગિરધરલાલ ગરબડીયા !!!) બાટલો ફાટ્યો. રાજુને મચ્છરને છૂટું પેપરવેઇટ મારવાનું મન થયું!! રાજુને એ ખબર હતી કે ધરતી પર 3500થી પણ વધુ પ્રકારના મચ્છર છે, અને આ જીવ 20 કરોડ વર્ષ પહેલા ધરતી પર આવ્યા હતા. મચ્છર લોકોનો શ્વાસ પણ સૂંઘી શકે છે, પંચોતેર ફૂટ દૂરથી મચ્છર કાર્બન ડાયોકસાઇડ સૂંઘી લે છે. કોઈપણ મચ્છર પોતાના જન્મસ્થળથી એક માઇલ વિસ્તારમાં જ ઊડી શકે છે. મચ્છર એક વખત ડંખ મારીને 0.001થી 0.1 મિલિલીટર સુધી લોહી પીવે છે. મચ્છર પોતાના વજનથી આશરે 3 ગણુ વધારે વજન ચૂસે છે. મચ્છર આશરે 16 મિલિમીટર લાંબા અને 2.5 મિલીગ્રામ વજન ધરાવે છે.એક લાખ વીસ હજાર મચ્છર તમારા શરીરનું સંપૂર્ણ લોહી પી શકે છે.!!

રાજુભાઇ. ડીએમસી સાહેબ ફાઇલ ડિસ્કશન માટે અબી ને અબી બોલાવે છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના પીએ ચંદુ ચૌદસે ફોન પર રાજુને સૂચના આપી.

સાહેબને કહેજો કે મિસ્ટર રદી ઇમ્પોર્ટન્ટ કામમાં બિઝી છે! આમ કહી રાજુએ ફોન પટક્યો . કેવળ ફાઇલો ઊભી કરવી, ફાઇલ ચિતરવી, મંજૂર થયેલા હુકમો ઇસ્યુ કરવા એ જ કામ થોડાં ગણાય?? માખી મારવી, મચ્છર મસળવા એ પણ સર્વોચ્ચ અગ્રતાના યુદ્ધના ધોરણે કરવાના તાકીદના કામો છે!!
સાલ્લો., સાલ્લો એની જાતને શું સમજે છે?? આજ તો કાં તે નહીં કા હું નહીં!! રાજુ બબડ્યો.રાજુ રદી એસ્ટેટ ખાતામાં નોકરી કરે. કૂલરની ટાંકી , વોશબેસીન વગેરેમાં પુષ્કળ મચ્છર થાય! મચ્છરને લકઝુરિયસ બંગલા કરતાં પરિક્ષીતલાલની ચાલીમાં વધારે મજા આવે. ઓફ કોર્સ કરડવાની !! એને કયાં તમારી સાથે ડેટ પર જવું હોય?? કોર્પોરેટ ઓફિસ કરતા સરકારી કચેરી મચ્છરને મામાનું ઘર લાગે! દીવો બળે ત્યાં લગી ઓકે. દીવો બંધ ખાય કે બ્લડપાર્ટી શરૂ. તમારે પીવા માટે આબુ કે દીવદમણ જવું પડે. મચ્છરને લોહી પીવા દમણ ન જવું પડે. સરકાર દારૂબંધી કરે છે . પણ લોહી પીવાની બંધી કરે તો મચ્છર અને ઘરવાળી કમોતે મરી જાય!!!
સાહેબ ચાય ગરમ ગરમ ચાય કેન્ટિન બોય કપમાં છલકાતી
ચા કરતા પણ ઉત્સાહથી છલકતા અવાજે ચા ચા ના પોકાર કરતો વકરાની આશાએ આવ્યો.,આના જીવનમાં એવી કઇ મોટી ખુશી ટકોરા મારતી હશે કે આટલો ઉત્સાહી રહેતો હશે??

પંકજ એક મોટી પ્યાલી ભરી દે !! રાજુએ વીસ રૂપિયાની નોટ થમાવતા કહ્યું!!’
પંકજે થરમોસમાંથી કપમાં ચા ભરી. ચાના શોખીન મચ્છર કપની ઉપર બેસી ચામાં તેની સૂંઢ બોળી રહ્યા હતા . રાજુની નજર તેના પર પડી. વિપક્ષી નેતા પર ઇડી વિદ્યુતિક ગતિએ દરોડા પાડે તેમ રાજુ કપ પર વગર વોરંટે ત્રાટક્યો . રાજુના અનપેક્ષિત આક્રમણથી પંકજ ચમક્યો. ચાનો ભરેલો કપ કાગળના થોકડા પર ઢોળાયો !!
કહે છે કે જેના પર ચા ઢોળાઈ એ કાગળોમાં કચેરીમાં જેના ટેબલ કે ચેમ્બરમાં મચ્છર પકડાશે તેની સામે ડિસિપ્લીનરી એકશન લઇ રસ્તા પર અડ્ડો જમાવેલ ગાય-ભેંસની જેમ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે !! તે મતલબનો કમિશનરે કરેલ કાળમુખો છપ્પપગો છપ્પનિયા દુકાળ જેવો પ્રતાડનાયુકત પરિપત્ર પણ સામેલ હતો!!! કમિશનર પહેલાં એને નોકરીમાંથી કાઢો જેની ચેમ્બરમાં એક પણ મચ્છર ન હોય!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker