ઈન્ટરવલ

કેરોલિના રીપર પ્રકરણ-૨૭

સ્લિંગ બેગ ખોલી તો ગોડબોલેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ

પ્રફુલ શાહ

એટીએસ ઑફિસે જવા નીકળ્યા બાદ પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીની દુનિયા ઘણી બદલાઈ જવાની હતી

મોહનકાકુના ફોનથી કિરણ વિચારમાં પડી ગઈ. દીપકભાઈ અને રોમા થોડો સમય કેમ શાંતિ રાખતા નથી. પપ્પા સાજા થઈને ઑફિસે જવા માંડે પછી મારે ક્યાં ઑફિસે જવું જ છે? કદાચ આ બન્ને

ઑફિસ, કંપની અને ધંધાના હિતમાં વિચારતા પણ હોય, પરંતુ મોહનકાકુ તો પપ્પાની આજ્ઞાનું જ નહિ ઈચ્છાનું ય અક્ષરસ: પાલન કર્યા વગર નહિ રહે.

આવા વિચારો સાથે કિરણ આઈ.સી.યુ.માં ગઈ એને જોઈને રાજાબાબુની આંખમાં ચમક આવી ગઈ. “સારું થયું તું આવી ગઈ બેટા.

“તબિયત કેવી છે આપની?

“ઠીક હતી પણ તું આવી તો વધુ સારી થઈ ગઈ. બેસ નિરાંતે બેટા.

કિરણ બેઠી અને તેનું ધ્યાન ગયું કે ગ્લાસ હજી પૂરેપૂરો ભરેલો પડ્યો છે. તેણે ગ્લાસ ઊંચકીને રાજાબાબુ સામે જોયું. રાજાબાબુ એકદમ સ્વબચાવ પર ઊતરી આવ્યા. અહીંની બધી નર્સ સાવ નકામી

છે. અડધો કલાક પહેલા કીધું કે ગ્લાસ લઈ જાવ અહીંથી પણ માને કોણ?

“પપ્પા, દૂધ પી લેવાના હો તો હું બેસું નહિતર નીકળું હું?

રાજાબાબુએ તરત ગ્લાસ ખાલી કરી નાખ્યો. “બસ મારી માં? સાચું કહું તો તું મારી મોટી બા જેવી છો અસલ.

“પપ્પા વધુ ન બોલો તો સારું.
“બેટા, ઑફિસમાં કંઈ પણ નવી પહેલમાં તને ન સમજાય તો એમાં આગળ વધતી નહિ. મૂંઝવણ હોય તો મોહનકાકુ છે જ. તમે બન્ને સહમત થાઓ એમાં જ આગળ વધજો. એ સિવાય ગમે તેવી

માગણી, દબાણ ઑફરને ઠુકરાવી દેજો. તને સમજાય છે ને મારી વાત?
૦ ૦ ૦
રોમાએ દીપક સાથે વાત કર્યા બાદ એક-એક મુદ્દા નોટપેડ પર ટપકાવ્યા. “તું ભૂલી ન જા એટલે નોંધી લઈએ. પપ્પા ક્યારે પૂરેપૂરા સાજા થાય. ઑફિસે આવવાનું શરૂ કરે એ આપણે જાણતા નથી.

વળી, આકાશભાઈની કોરી ખાતી ફિકરને લીધે તેઓ કામકાજમાં કેટલું ધ્યાન આપી શકે એ પણ સ્પષ્ટ નથી. આ સંજોગોમાં આપણે બે બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, એક કંપની પર પ્રેશર વધે,

ભલે થોડું કામચલાઉ નુકસાન થાય આના માટે શું કરવું એ ગંભીરતાથી વિચારવાનું બે, કિરણભાભીને ધંધાનો લેશમાત્ર અનુભવ નથી કે નથી કોઈ બિઝનેસ સ્કૂલની ડિગ્રી અને પપ્પાને વધુ પડતી

વ્હાલી થઈને કે કંપનીમાં આપણે માથે બેસે તે ન જ ચાલે. એના વરે એટલે કે મોટા ભાઈએ પણ ડિરેક્ટર તરીકેની તગડી ફી લેવા સિવાય કંપની માટે કંઈ કર્યું નથી. એટલે કિરણભાભી ઑફિસમાં

ઘૂસી ન જાય એના પગલા વિશે સતત વિચારવાનું.
“રોમા તારા મુદ્દા બધા સાચા છે. પણ પપ્પાની ઈચ્છા અને સૂચનાનું શું?
“એની ફિકર છોડ. પહેલા કિરણભાભી ઑફિસે તો આવે પછી એ થોડી વાતેવાતે પપ્પાને પૂછવા જવાની છે. આપણે બન્ને સતત ઑફિસમાં એમને ભીડવતા રહીશું. ખૂબ મજા આવશે. સાચું કહું તો

એની ઝાઝી ફિકર કરવાની જરૂર નથી. તેને ખબર છે કે આપણા મસાલાના મલાઈદાર ધંધામાં એ શું છે?
“ના, તું જ કહી દે.
“ભોલર મરચું છે ભોલર…
દીપક હસી પડ્યો. “ઓહ, એટલે કે કેપ્સીકમ ન સ્વાદ, ન પ્રભાવ. તીખાશ તો જરાય નહિ. સાવ જ ફિક્કુ.
બન્ને એકમેકને તાળી આપીને હસી પડ્યા, રોમાએ જાહેરાત કરી, “હવે થશે ભોલર વિરુદ્ધ લવિગિંયાનો જંગ
૦ ૦ ૦
મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જની કેબિનમાં પોલીસ ઈન્સ્પેકટર પ્રશાંત ગોડબોલે અને સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામી બેઠાં હતાં.
“વૃંદા હોટલ પ્યોર લવના બ્લાસ્ટ્સ કેસ વિશે કંઈ વિશેષ અપડેટ સાંભળ્યા?
“સર, મહારાષ્ટ્રમાંના મિસિંગ પર્સનની યાદીમાંથી ફોન પર સંપર્ક કરીએ છીએ. હવે માંડ દશ-બાર નામ બાકી રહ્યાં છે. કદાચ અમુક લોકો ઘરે જણાવ્યા વગર નીકળ્યા હોય એવું શક્ય છે. સર,

એટીએસ પાસે ઘણી જાણકારી હશે. એમની વિચારસરણી, મશીનરી, પહોંચ અને સત્તા ગજબનાક હોય છે ને?
“સાચી વાત વૃંદા.
“સર, અલીબાગના એટીએસના હેડ બત્રા સાહેબ કેવાક માણસ છે?
“એકદમ સુપર્બ.
“મન થાય છે કે એકવાર એમને મળવું જોઈએ.
“અચ્છા? બોલીને ગોડબોલેએ મોબાઈલ ફોન ઉપાડ્યો. એક નંબર ડાયલ કર્યો. “ગુડ મોર્નિંગ બત્રા સર. આપ સે કબ મિલ સકતા હું?… જી ખાસ કામ નહિ હૈ મગર હમારે થાને કી વૃંદા સ્વામી આપ

સે મિલના ચાહતી હૈ… જી… જી… જયહિન્દ.
વૃંદા એકદમ અવાચક થઈ ગઈ. “સર, અત્યારે એમને ક્યાં હેરાન કરવા?
“અરે તમે ઈચ્છા વ્યક્ત કરીને મેં પૂરી કરી તો પહેલા થેન્કસ તો કહી દો મને, પછી બીજી વાત…
જો કે આ બન્ને એટીએસની ઑફિસે જવા નીકળશે. પછી બન્નેની દુનિયા ઘણી બદલાઈ જવાની હતી.
૦ ૦ ૦
‘મહારાષ્ટ્ર આજ’નો સાંજનો એક્સક્લુઝિવ શૉ શરૂ થયો. અનીતા દેશપાંડે એકદમ આક્રમક મિજાજમાં હતી. કદાચ આ આક્રમણ વધુ નિખરી આવે એટલે તેણે નહિવત મેકઅપ કર્યો હતો. કાયમ

પોતાની સાથે રાખતું છૂપા ટેપરેકોર્ડરવાળું સફેદ પર્સ બાજુમાં જ પડ્યું હતું એના પર નજર ફેરવીને અનીતા આગ ઓકવા માંડી.

“નમસ્તે મિત્રો, આપને સાચી માહિતી એક્સક્લુઝિવ સ્કુપ પહોંચાડવા એ અમારી ફરજ છે. આનાથી ઘણાંના પેટમાં તેલ રેડાય છે પણ અમને એની જરાય પરવા નથી. અમારી સામે શામ, દામ, દંડ,

ભેદની કુટિલ રમત થતી રહે છે. ‘મહારાષ્ટ્ર આજ’નો અને મારો અવાજ બંધ કરવા માટે અમને લાંચ આપવાનો પ્રયાસ થયો છે. માત્ર બોલવાથી કંઈ સાબિત થતું નથી, બરાબરને? તો રજૂ કરીએ

છીએ પુરાવા આ જુઓ….
અનીતા દેશપાંડેનો ચહેરો જમણી બાજુ ઉપર ઈન્સેટમાં જતો રહ્યો ને એક વીડિયો શરૂ થઈ ગયો. એમાં નીચે તારીખ અને સમય દેખાતા હતા. થોડીવારમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન વિશ્ર્વનાથ

આચરેકર દેખાયા પછી એના વીડિયો અને ઑડિયો દેખાવા-સંભળાવા માંડ્યા.

“મની અને ટાઈમ… સરસ… આ રહ્યા પાંચ લાખ… આ તો શુકન છે… બસ તમે ચુપ રહો કાં હું કહું એટલું બોલતા રહો, આવા શુકન મળતા રહેશે… હું તો સંબંધ બાંધવા માગું છું… આપને ફાયદો,

આપની ચેનલને ફાયદો અને મને પણ ફાયદો… હું ચૂપચાપ આવા શુકન આપતો રહીશ… મતદાન અગાઉ આવા વધુ શુકનના પેકેટ મળી જશે, કબૂલ?
‘મહારાષ્ટ્ર આજ’ના ટ્વિટર એકાઉન્ટ પર સ્ટિંગનો ફૂલ વીડિયો અપલોડ કરી દેવાથી એને તરત વાયરલ બનાવી દેવાની યંત્રણા જોશભેર ચાલુ થઈ ગઈ.
૦ ૦ ૦
મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રશાંત ગોડબોલે અલીબાગ ભણી જતી જીપ હંકારતી વખતે વિચારી રહ્યો હતો કે પોતે શા માટે એટીએસના પરમવીર બત્રાને મળવા જઈ રહ્યો છે? વૃંદા સ્વામીની

ઈચ્છા છે એટલે? અને આ અગાઉ ક્યા સબ-ઈન્સ્પેકટરની આવી ઈચ્છા તેણે પૂરી કરી? બાજુમાં બેઠેલી વૃંદા સ્વામી સાઈડના રિઅર-વ્યુ મિરરમાં વાળની લટ સરખી કરતી વખતે અવઢવમાં પડી ગઈ

કે બેઝિકલી ગોડબોલે સર ખૂબ સારા માણસ છે એટલે મારી ઈચ્છા પૂરી કરે છે કે માત્ર મારી ઈચ્છા છે એટલે અલીબાગ લઈ જઈ રહ્યાં છે? એમને મારામાં વિશેષ રસ હશે ખરો? ના, ના એવું કંઈ ન

હોય. હું વધુ પડતું વિચારું છું. ત્યાં જ વૃંદાના ફોનની ઘંટડી વાગી પણ તેણે ફોન કટ કરીને મેસેજ આપ્યો. ‘સર સાથે છું પછી વાત કરીએ.

પછી ગોડબોલેના ખયાલોને ખંખેરી નાખવા વૃંદાને માથાને ઝાટકો આપ્યો. આ જોઈને ગોડબોલેએ કાર સાઈડમાં ઊભી રાખી દીધી. એ જ સમયે ડાબી બાજુના કાચા રસ્તા પરથી આવતી એક બાઈક

તેમની જીપ સાથે અથડાઈ ગઈ. બાઈકસવાર ગડથોલિયું ખાઈને પડી ગયો કદાચ એને સાધરણ વાગ્યું હશે, પરંતુ ઊભા થઈને જોયું કે પોતે પોલીસની જીપને ટક્કર મારી છે એટલે તેણે બાઈક

ઉપાડી સ્ટાર્ટ કરીને ઊંધી દિશામાં ભગાવી મૂકી.

પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીને આ એકદમ વિચિત્ર લાગ્યું. બન્નેએ બહાર આવીને જોયું તો બાઈક પડી હતી એ જગ્યાથી થોડી દૂર એક સ્લિંગ બેગ જોઈ એ બાઈક સવારની જ હતી. ગોડબોલેએ

તરત નજીકના પોલીસ ચેક નાકાને સૂચના આપી કે કાળા કલરની બાઈક ચેક કરો, એના પર જીન્સ-ટી શર્ટમાં યુવાન હશે. દેખાય તો તુરંત અટકાયતમાં લઈને મને જાણ કરો.
નજીક જઈને સ્લિંગ બેગ ખોલી તો ગોડબોલેની આંખ ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. અંદર બે રિવોલ્વર હતી.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button