મગજ મંથનઃ `ઓરા’ એટલે શું …?

વિઠ્ઠલ વઘાસિયા
જે દૃશ્ય નથી, પરંતુ અનુભવાય છે. જેને સ્પર્શી ના શકાય, પરંતુ જીવનને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. એ છે મનુષ્યની ઓરા… મનુષ્યની આભા. માણસનું શરીર દેહ માત્ર નથી. દેહ એટલે તો હાડકાં, રક્ત, માંસ અને ચામડીનું બનેલું એક શરીર. પણ આ શરીરમાં વસેલું છે મન, ભાવના, વિચાર, સંવેદના અને આત્મા. આ બધું મળીને મનુષ્યના શરીર આસપાસ જે સૂક્ષ્મ તેજસ્વી ઊર્જા ક્ષેત્ર બને છે, તેને `ઓરા’ કહેવામાં આવે છે.
જે રીતે દીવાની આજુબાજુ હળવું પ્રકાશ મંડળ દેખાય છે, એમ જ દરેક માનવકાયાને એક પ્રકાશ કવચ ઘેરી રાખે છે. આ પ્રકાશ કવચ જેટલું શુદ્ધ, તેજસ્વી અને સંતુલિત હોય, એટલું માણસનું જીવન પણ ઉજાસમય અને સુખમય બને છે.
*ઓરાની પરિભાષા શું?
જયારે શરીરમાં પ્રાણ શક્તિ વહે છે અને આ પ્રાણ શક્તિ મન અને આત્માના સંસ્કારોની સાથે જોડાય છે. બસ, ત્યાંથી જન્મે છે આભા. બીજી રીતે કહીએ તો, ઓરા એ આપણા વિચાર, ભાવના અને સ્વભાવનું પ્રતિબિંબ છે. જેમના વિચારો શુદ્ધ છે, જેમનું મન નિર્મળ છે, જેમના હૃદયમાં કણા વસે છે તેવા લોકોની ઓરા દૂરથી જ સકારાત્મક લાગે છે. તેમની પાસે જતાં આપણું મન શાંત થઈ જાય, તેમની સાથે રહેતાં આનંદ થાય.
આપણને એમ લાગે કે એવા માણસ પાસે ગયો કે મન પરનો ભાર ઊતરી ગયો. આ કોઈ જાદુ નથી, આ છે, આભાનું આકર્ષણ. વિપરીત સ્થિતિમાં જ્યાં ક્રોધ છે, ઈર્ષા છે, અહંકાર છે, ત્યાં ઓરા અસ્પષ્ટ થઈ જાય છે. આ છે ઊર્જાનો પ્રભાવ.
- ઓરાના રંગ અને તેનો અર્થ:
પુરાતન યોગશાસ્ત્ર કહે છે કે ઓરાને અલગ-અલગ રંગ હોય છે : - વાદળી (Blue) શાંતિ અને સંતુલન
- લીલો (Green) કરુણા અને ઉપચાર
- પીળો (Yellow) બુદ્ધિ અને સર્જનાત્મકતા
- લાલ (Red) ચેતના અને શક્તિ
- જાંબલી (Violet) આધ્યાત્મિકતા અને ભક્તિ
- સફેદ (White) પવિત્રતા અને દિવ્ય ચેતના
-અને હા જેના મનમાં દુ:ખ, તણાવ, ક્રોધ અને નકારાત્મક ભાવના વધુ હોય, તેમની ઓરામાં ડાર્ક ગ્રે અથવા કાળી છાયા પણ દેખાય છે.
ઓરાને શું અસર કરે છે?
આભા કોઈ ચમત્કાર નથી. તે આપણા દૈનિક જીવનની આદતોથી બને છે, જેમકે…
વિચાર:
સતત સારા વિચારો ઓરાને તેજસ્વી બનાવે છે. ખોટા વિચારો ઓરાને કમજોર બનાવે છે.
આહાર:
સાત્ત્વિક અને શુદ્ધ ભોજન, શરીર તથા મનને હળવું રાખે છે. વધારે પડતાં મસાલા, દારૂ, નશો ઊર્જાને અસ્થિર કરે છે.
સંગત:
જેમના સંગમાં જઈએ છીએ, તેમનો સ્વભાવ, તેમનું વક્તવ્ય, તેમનું વલણ આપણું આંતરિક સ્વરૂપ ઘડે છે.
પર્યાવરણ:
મંદિર, પ્રકૃતિ, સૂર્યપ્રકાશ, મૌન આભાને શુદ્ધ કરે છે. ઝઘડો, ઉચાટ, અપ શબ્દો અને નકારાત્મક વાતાવરણ આભાને ઝાંખી કરે છે.
સાધના:
ધ્યાન, પ્રાણાયામ, જપ આભાનું સશક્તીકરણ કરે છે.
ઓરા તથા સ્વાસ્થ્ય:
આધુનિક વિજ્ઞાન આજે કહે છે રોગ શરીરમાં દેખાય તે પહેલાં, તે ઊર્જા ક્ષેત્રમાં ઊપજતો હોય છે. જો મનમાં સતત તણાવ રહે, તો ઓરા કમજોર થાય. અને કમજોર ઓરા પછી શરીર પર અસર કરે. તેથી ડોકટરો પણ આજે કહે છે સ્ટે્રસ ઈઝ ધ ટ ઓફ ઑલ ડિસીઝ… નિરાશાજનક મન શરીરને બીમાર કરી શકે છે…જ્યારે આનંદી અને ઉત્સાહી મન શરીરને ઝડપી સ્વસ્થ કરી શકે છે. એટલે કે માનસિક આરોગ્ય અને ઓરા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
ઓરા સ-બળ કરવાની કેટલીક રીત:
1 ) દરરોજ 10 મિનિટ ઊંડો શ્વાસ લેવો જોઈએ. (અનુલોમ-વિલોમ, પ્રાણાયામ)
2) 10 મિનિટ મૌન અને ધ્યાન કરો. મનને સાફ કરો.
3) સાત્ત્વિક આહાર લેવો જોઈએ. ફળ, પાણી, તાજું ભોજન જીવનમાં હળવાપણું લાવે છે.
4) સારા સંગનો આશ્રય રાખવો. હસીએ, રમીએ, પ્રેમથી જીવીએ.
5) સેવા, કણા, નિસ્વાર્થ સેવા ઓરાને સૌથી ઝડપથી પ્રકાશિત કરે છે.
6) પ્રકૃતિ સાથે જોડાણ રાખવું. રોજ થોડો સમય વૃક્ષો પાસે અથવા ખૂલ્લા આકાશ નીચે વિતાવો.
એક નાનું ઉદાહરણ:
ધારો કે તમે ગુસ્સામાં છો અને એ સમયે કોઈ વ્યક્તિ સામે આવે. ભલે તમે બોલો પણ નહીં, પણ સામેવાળો અનુભવ કરી લે છે કે તમારી અંદર આગ છે. આવું કોણ સૂચવે …અભિવ્યક્તિ કોણ આપે છે? જવાબ છે : ઓરા.
બીજી તરફ, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ હેતાળ શિક્ષક સામે આવે અને તેમનું મૌન પણ હૃદયને શાંતિ આપી જાય આ પણ ઓરા.
ઉપસંહાર:
આભા બહારથી બનાવવાની વસ્તુ નથી.
તેલ, સુગંધ, પ્રસાધન, દેખાવ આ બધું શરીરનો શણગાર છે. પણ ઓરા આત્માનો શણગાર છે. ઓરા તેજસ્વી બનશે જ્યારે: વિચાર શુદ્ધ હશે, હૃદય કણાથી ભરેલું હશે, શબ્દ મીઠા હશે, જીવનમાં સેવા હશે અને મનમાં હું' નહિ,અમે’ હશે….!
જગતને પ્રકાશ આપતા પહેલા, પોતાના અંતરનો દીવો પ્રગટાવવો પડે. જ્યારે પોતાનું અંતર પ્રજ્વલિત થાય છે, ત્યારે જીવન ખુદ દીપાવલી બની જાય છે.



