મગજ મંથનઃ શિક્ષણની આધારશિલા: શિક્ષક-વિદ્યાર્થીના ઉષ્માપૂર્ણ માનવ સંબંધ

- વિઠ્ઠલ વઘાસિયા
શિક્ષણક્ષેત્રે વર્ગ વ્યવહારને અસર કરતું એક મહત્ત્વનું પરિબળ માનવીય સંબંધ છે. શિક્ષણમાં આચાર્ય-શિક્ષક, શિક્ષક-વિદ્યાર્થી, શિક્ષક-વાલી, વિદ્યાર્થી-વિદ્યાર્થી, શિક્ષક-શિક્ષક, આચાર્ય-વાલી વચ્ચેના ઉષ્માપૂર્ણ વ્યવહાર દ્વારા શાળામાં ઊભું થતું તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ એટલે માનવીય સંબંધ.
શાળાકીય કક્ષાએ આચાર્ય એક કુશળ નેતા છે. એમણે પોતાની સાથે રહેલા શિક્ષક ગણને કુશળ નેતૃત્વ પૂરું પાડવાનું છે. આ નેતૃત્વની સફળતાની આધારશિલા ઉષ્માપૂર્ણ માનવ સંબંધો છે. આથી કાર્યસિદ્ધિ માટે શિક્ષકોનો સહકાર મેળવવો પડે છે. એમને અભિપ્રેરણા પૂરી પાડવી પડે છે અને એમની કાર્યકુશળતા કે કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય તેવા પ્રયાસો કરવા પડે છે. આ તો જ શક્ય બને કે જ્યારે આચાર્ય અને સહકાર્યકરો વચ્ચેના સંબંધો સુમેળભર્યા હોય.
શાળામાં જેમ આચાર્ય કેન્દ્રસ્થાને હોય છે, તેમ શાળાનું બીજું મહત્ત્વનું અંગ શાળાના શિક્ષક છે. આચાર્યની શૈક્ષણિક ફિલસૂફીને વાસ્તવિક ધોરણે અમલમાં મૂકવાનું કામ શાળાના શિક્ષકો કરે છે. આથી શિક્ષકોની શિક્ષણ પ્રત્યેની દૃષ્ટિ, વિચારો, ક્ષમતા અને અભિગમની અસર શાળાના વિદ્યાર્થીઓ ઉપર પડે છે. આમ શિક્ષકો એ શાળાનું શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરવામાં નિર્ણાયક પરિબળ બની રહે છે.
શિક્ષકોની વ્યવસાયિક સજજતા એમની ફરજો પ્રત્યે એમને સભાન બનાવે છે. દૃષ્ટિવાન શિક્ષક સમગ્ર શિક્ષણ તંત્રમાં પ્રાણવાન ભૂમિકા ભજવી શકે છે. શાળાના આચાર્ય, બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઉષ્માપૂર્ણ સંબંધો વિકસાવી શાળા અને સમાજ વચ્ચે અતૂટ સંબંધ સ્થાપિત કરી શકે છે.
શિક્ષકનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓને એમના વ્યક્તિત્વમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થીઓ શિક્ષકની વાણી-એમની જીવનશૈલીનું-વેશ-પરિધાનનું, આચાર-વિચારનું અનુકરણ કરીને સાથે સાથે તાદાત્મય અનુભવે છે. શિક્ષકના ઉચ્ચ ચારિત્ર્ય અને નૈતિક ગુણોનો પ્રભાવ વિદ્યાર્થીઓ પર પડે છે. તેના આચાર અને વિચારમાં સમાનતા હોવી જોઈએ. તેણે પોતાના માનવીય ગુણોથી વિદ્યાર્થીઓને ગુણસંપન્ન બનાવવાના છે.
શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય કર્મચારીઓ અને વાલીઓ સાથે સહાનુભૂતિભર્યાં વર્તન-વ્યવહાર રાખવાં જોઈએ. વિદ્યાર્થીઓ-વાલીઓની સમસ્યાઓ તરફ સહાનુભૂતિભર્યું વલણ રાખી એમની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ.
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના તંદુરસ્ત વ્યવહાર પર બીજી અગત્ય ધરાવતો સંબંધ વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે રહેલો છે. સામાન્ય રીતે શાળામાં અમુક વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રિય હોય છે જ્યારે અમુક વિદ્યાર્થીઓ પ્રિય હોતા નથી. આવા સમયે તે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ તંદુરસ્ત રહેવો મુશ્કેલ બને છે.
તેથી વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય પર તેની વિપરીત અસર જોવા મળે છે. માટે જો શિક્ષક દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી સાથે તાદાત્મય કેળવાય, એકબીજાને મદદરૂપ થવાથી થતા ફાયદાને પ્રેરણાત્મક રીતે સમજાવવામાં આવે તો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધનું તંદુરસ્ત વાતાવરણ નિર્માણ થઈ શકે.
શિક્ષકમાં સામાજિક સભાનતા હોવી જોઈએ. એ સામાજિક ઈજનેર છે તેથી સમાજનું પરિવર્તન કરનાર સામાજિકતા એણે વિકસાવવી રહી. બાળક સમાજનો ઉપયોગી સભ્ય અને ઉત્સાહી નાગરિક બને તે માટે બાળકમાં એમણે સામાજિક ગુણોનું સિંચન કરવાનું છે.
જે શિક્ષક સમાજથી અળગો રહી માત્ર પોતાના અહમના કોચલામાં પુરાઈ રહે છે અને સમાજને ઉપયોગી બનતો નથી તે ક્યારેય સમાજની અપેક્ષાઓ કે આકાંક્ષાઓને તૃપ્ત કરી શકતો નથી. ક્યારેક એમનો જિદ્દી સ્વભાવ સમાજમાં અવરોધક બને છે માટે માનસિક સંતુલન જાળવીને, મિલનસાર સ્વભાવ વડે સમાજના સૌ વર્ગનાં દિલ તેણે જીતી લેવાં જોઈએ..
આ બધું થાય તો શાળા-પરિવારના સભ્યોમાં આત્મવિશ્વાસ અને સમૂહભાવનાનું વાતાવરણ સર્જાય શકે…
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા