મગજ મંથનઃ ડિજિટલ લત: માનવીય સંબંધોનો અંત | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

મગજ મંથનઃ ડિજિટલ લત: માનવીય સંબંધોનો અંત

  • વિઠ્ઠલ વઘાસિયા

21મી સદી ટેકનોલોજી અને ડિજિટલ યુગની સદી કહેવાય છે. આજે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા આપણા જીવનના અભિન્ન અંગ બની ગયા છે. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ માનવ જીવનને સરળ, સુવિધાસભર અને ઝડપથી આગળ વધારનારો છે, પરંતુ દુર્ભાગ્યે, તેના અતિરેક ઉપયોગને કારણે ‘ડિજિટલ લત’ જેવી સમસ્યા ઝડપથી વિકસી રહી છે. આ લત માનવીય સંબંધોને ખોખલા બનાવી રહી છે. ધીમે ધીમે પરિવાર, સમાજ અને માનવ જીવનનાં મૂળભૂત મૂલ્યોને નષ્ટ કરી રહી છે.

આ ડિજિટલ લત શું છે?

કોઈપણ વસ્તુનો મર્યાદિત ઉપયોગ લાભદાયી છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ હાનિકારક છે. મોબાઈલ, ગેમ્સ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ, ચેટિંગ અને ઓનલાઈન ગેમિંગમાં અતિશય સમય પસાર કરવો, તેના વિના અશાંતિ અનુભવવી અને જીવનની અન્ય જરૂરી પ્રવૃત્તિઓની અવગણના કરવી તેને જ ‘ડિજિટલ લત’ કહેવાય.

દિવસની શરૂઆત મોબાઈલની સ્ક્રીનથી થાય અને દિવસનો અસ્ત પણ મોબાઈલ સાથે થાય છે આજે… પરિવાર સાથે બેસીને ભોજન કરતા સમયે પણ આંખો મોબાઈલ પર જ રહે.

મિત્રતા, રમતો, વાચન કે સામાજિક વાતચીતમાં રસ ઓછો થઈ જાય. આવી પરિસ્થિતિઓ દર્શાવે છે કે વ્યક્તિ ડિજિટલ લતનો શિકાર થઈ રહ્યો છે.

ડિજિટલ લતનાં પરિણામ…

1) માનવીય સંબંધોનું વિસર્જન: માનવ જીવનનું સૌંદર્ય સંબંધોમાં છે, પરંતુ આજે સંબંધો ધીમે ધીમે ‘ઓનલાઈન’ થઈ રહ્યા છે. પરિવાર સાથે વાત કરવાની જગ્યા પર મેસેજ ફોરવર્ડ થવા લાગ્યા છે. મમ્મી જ્યારે બાળકને જમવા માટે નીચે બોલાવે ત્યારે બાળક ઉપરથી મમ્મીને એવો મેસેજ કરે છે કે, ‘જમવામાં શું બનાવ્યું છે? ફોટો શેર કર પછી નીચે આવું…!’

મિત્રતા હવે હૃદયથી નહીં, પરંતુ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામના ‘લાઈક’ અને ‘કોમેન્ટ’થી માપવામાં આવે છે.

દાંપત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચેનો સંવાદ ઘટી રહ્યો છે, કારણ કે સમય મોટાભાગે મોબાઈલ પર જ વીતે છે. બાળકો અને માતા-પિતાની વચ્ચેની લાગણીસભર વાતચીત ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.

2) માનસિક અસર: ડિજિટલ લત માનસિક સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે. સતત સ્ક્રીન સામે રહેવાના કારણે ચિંતા, એકલતા અને નિરાશા વધે છે. લાઈક-કોમેન્ટ પર આધારિત જીવનશૈલી આત્મવિશ્વાસને નષ્ટ કરે છે.
સામાજિક તુલના (Social Comparison)થી ઈર્ષા, ડિપ્રેશન અને અસંતોષ વધે છે.

3) શારીરિક અસર: આંખોની તકલીફ, માથાનો દુખાવો, ઊંઘનો અભાવ, કમર-પીઠની સમસ્યાઓ. બાળકોમાં શારીરિક રમતો ઘટી રહી છે, જેના કારણે સ્થૂળતા અને બીમારીઓ વધી રહી છે. મોડે સુધી મોબાઈલ વાપરવાને કારણે શરીરની પ્રાકૃતિક ઘડિયાળ બગડી રહી છે.

4) શૈક્ષણિક-વ્યવસાયિક નુકસાન: વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં વધારે સમય મોબાઈલ કે ગેમમાં વેડફે છે. એકાગ્રતા ઘટે છે, યાદશક્તિ નબળી પડે છે. કાર્યસ્થળ પર પણ કાર્યક્ષમતા ઘટે છે, કારણ કે મન સતત ફોનની સૂચનાઓમાં ફસાયેલું રહે છે.

આ બધા ઉપરાંત…

*પરિવારમાં અંતર-પહેલાં સાંજે આખો પરિવાર ભેગો બેસીને વાતચીત કરતો, હવે દરેક સભ્ય પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહે છે.

*મિત્રતા વર્ચ્યુઅલ બની ગઈ છે- હવે મિત્રો સાથેની મુલાકાતની જગ્યાએ વીડિયો કોલ કે ઓનલાઈન ચેટિંગ જ મિત્રતાનો આધાર બની ગયું છે.

  • સંસ્કારનો અભાવ- બાળકો વાલીઓ સાથે સમય ન વિતાવે, વાલીઓ પણ બાળકો સાથે વાત કરતાં વધારે મોબાઈલમાં વ્યસ્ત રહે છે. પરિણામે સંસ્કાર, માનવતા અને લાગણીઓ ધીમે ધીમે ઓગળી રહી છે.
  • દાંપત્ય સંબંધોમાં તણાવ-દંપતી વચ્ચેના મતભેદો અને અવગણનાનું એક મોટું કારણ ડિજિટલ લત બની ગયું છે.

ઉદાહરણો: ઘણી વાર જોવા મળે છે કે માતા-પિતા બાળકને ખવડાવવા માટે મોબાઈલ પર કાર્ટૂન કે ગીત મૂકી દે છે. એથી બાળક ખોરાક તો ખાઈ લે છે, પણ સંવાદ અને લાગણીનો પુલ બંધાતો નથી. બાળક સ્વાદ ઓળખતા શીખતું નથી એટલું જ નહીં બલકે ઓવર ઈટીંગની પણ ખબર રહેતી નથી.

ડિજિટલ લતમાંથી બહાર આવવા શું કરવું?:

ડિજિટલ ડિટોક્સ (Digital Detox) દરરોજ ચોક્કસ સમય માટે મોબાઈલ-ઈન્ટરનેટથી દૂર રહો. પરિવાર સાથે સમય વિતાવો, પુસ્તકો વાંચો, પ્રકૃતિ વિહાર કરો.

  • પરિવારમાં નિયમો બનાવો

ભોજન સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવો. રાત્રે સૂતા પહેલાં એક કલાક ફોન બંધ રાખવો. પરિવાર સાથે દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વાતચીત કરવી.

  • વૈકલ્પિક પ્રવૃત્તિઓ જેવી કે

રમતગમત, સંગીત, ચિત્રકામ, બાગબગીચા, વાંચન જેવી પ્રવૃત્તિઓમાં રસ વિકસાવવો.

જાગૃતિ શાળાઓ, કોલેજો અને સમાજમાં ડિજિટલ લતના જોખમો અંગે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.

ટૂંકમાં એક વાત યાદ રાખવી જોઈએ માનવીય સંબંધો જ જીવનની સાચી સંપત્તિ છે. જો આપણે ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ કરી, પરિવાર અને સમાજ સાથે જીવંત સંબંધ જાળવીશું તો જ સાચા અર્થમાં જીવન સફળ અને સુખી બની રહેશે.

આપણ વાંચો:  કચ્છી ચોવકઃ બોરડીનો કાંટો એક ઊભો એક આડો!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button