મગજ મંથન : આશાવાદી વ્યક્તિ કયારેય સંજોગો સામે હાર સ્વીકારતો નથી

- વિઠ્ઠલ વઘાસિયા
આશાવાદ એટલે જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો, ભવિષ્ય પ્રત્યે શ્રદ્ધા રાખવી અને દરેક સંજોગોમાં શ્રેષ્ઠની અપેક્ષા રાખવી…
આશાવાદ એ માત્ર મનોભાવ નથી, પણ એ તો જીવવાનું સૂત્ર છે. જીવનમાં સુખ – દુ:ખ, સફળતા – નિષ્ફળતા, હાર-જીત બધું આવે છે, પણ જે વ્યક્તિ આશાવાદી હોય છે તે સંજોગો સામે હાર સ્વીકારતો નથી.
‘આશા’ શબ્દનો અર્થ છે-અપેક્ષા, ભવિષ્યમાં શ્રેષ્ઠ થવાની ધારણા. જ્યારે કોઈ કાર્ય શક્ય છે કે નહીં તે નક્કી ન હોય ત્યારે પણ ‘સારું જ થશે’ એવી લાગણી રાખવી એ આશાવાદ છે. આ માન્યતા મનુષ્યને મુશ્કેલીઓમાં પણ ધીરજ રાખવા, હિંમતથી આગળ વધવા અને પ્રયત્નશીલ રહેવા પ્રેરિત કરે છે.
આશાવાદી વ્યક્તિનું મન હંમેશાં શાંત, સ્થિર અને ઉત્સાહથી ભરેલું હોય છે. એ વ્યક્તિ નાના દુ:ખમાં તૂટી પડતો નથી. વિપરીત સંજોગોમાં પણ આશાવાદી વ્યક્તિ પાસે મજબૂત માનસિકતાની ઢાલ હોય છે. મનોવિજ્ઞાનના અહેવાલો પણ કહે છે કે જે લોકો આશાવાદી હોય છે, એમનું આરોગ્ય પણ સારું રહે છે અને એ લાંબુ જીવે છે.
આશાવાદ વિશ્વાસમાં પેદા થાય છે. જયારે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ કરે છે-જીવન પર વિશ્વાસ રાખે છે ત્યારે એ આશાવાદી બની શકે છે. જેમ કે, કોઈ વિદ્યાર્થી નાપાસ થાય છે ત્યારે એ કહે કે, ‘હું હવે પાસ નહીં થઈ શકું.’ તો એ નિરાશાવાદી વિદ્યાર્થી છે, પણ જે વિદ્યાર્થી એમ કહે કે, ‘ભલે હું આ પરીક્ષામાં સફળ ન થયો, પરંતુ આગળની પરીક્ષામાં જરૂર સફળ થઈશ.’ તો એ આશાવાદી છે.
આમ જોઈએ તો આશાવાદ એટલે સકારાત્મક વિચારોનો સમૂહ. જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે સકારાત્મક વિચાર જરૂરી છે. જે વ્યક્તિને આત્મવિશ્વાસ તો આપે જ છે, પણ સાથે સાથે નિષ્ફળતાને પણ શીખ માટેનો અવસર બનાવે છે.
એક દર્દી વૃદ્ધાવસ્થામાં કેન્સરથી પીડાતો હતો. એણે સકારાત્મક દ્રષ્ટિથી સારવાર લીધી. પોતાના મનોબળથી એ સારો થઈ ગયો. એમના ડોક્ટરે કહ્યું કે, તમે જીવવાની ઈચ્છાને કારણે જીવી રહ્યા છો.
સકારાત્મક વિચાર વ્યવસાય ક્ષેત્રે પણ સફળતા અપાવે છે. જેટલા પણ મોટા ઉદ્યોગપતિઓ છે એમણે જીવનના અનેક ચઢાવ ઉતાર જોયા છે, પણ તેમના જુસ્સા અને દૃઢ માન્યતાથી એમણે સફળતા પ્રાપ્ત કરી છે. સ્ટીવ જોબ્સને જ્યારે પોતાની કંપનીમાંથી કાઢી મુકાયા ત્યારે પણ એણે હાર ન માની અને પુન: ‘એપલ’ કંપનીમાં આવી વિશ્વને નવી દિશા આપી. ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ખૂબ જ સામાન્ય પૃષ્ઠ ભૂમિમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. પોતાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો.
બાળપણમાં નાનાં નાનાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેમ છતાં નિષ્ઠા, મહેનત સાથે સકારાત્મક વિચારથી પોતે એરોસ્પેસ વિજ્ઞાનમાં યોગદાન આપ્યું અને ભારતના રાષ્ટ્રપતિ બન્યા.
સકારાત્મક માન્યતા વિકસાવવાની રીત:
દૈનિક સ્વમંથન કરવું. જીવનમાં જે મળ્યું છે તેના માટે હંમેશાં આભારી રહેવું. આશાવાદી લોકોનો સંગાથ રાખો. નકારાત્મક વાતોથી હંમેશાં દૂર રહેવું. મેળવેલી સફળતાને વારંવાર વાગોળવી. નિષ્ફળતા કે મુશ્કેલીમાં કોઈને કોઈ શીખ જોવી. સકારાત્મક માન્યતા એ કોઈ સાધન નથી કે જે બહારથી મળે,એ તો આપણા આંતરિક વિશ્વની સ્થિતિ છે.
1950ના અરસામાં અમેરિકાના ડૉ.કર્ટ રીચ્ટરે ઉંદરો પર એક વિચિત્ર પ્રયોગ કર્યો. પાણીમાં નાખેલા ઉંદરો ડૂબે તે પહેલાં કેટલા સમય સુધી તરી શકે છે એ સમય ચકાસવા માટે તેમણે એક પાણી ભરેલા ટબમાં કેટલાક ઉંદરો નાખી દીધા પછી એમણે જોયું કર્યું કે સરેરાશ પંદર મિનિટ સુધી હાથ- પગ ચલાવ્યા પછી ધીમે ધીમે ઉંદરોએ હાર સ્વીકારી લીધી અને ડૂબવા લાગ્યા. પ્રયોગના ભાગરૂપે ઉંદરો ડૂબે એ પહેલાં જ તેમને પાણીની બહાર કાઢી લેવામાં આવ્યા, કપડાંથી કોરા કરવામાં આવ્યા અને એમને આરામ આપવામાં આવ્યો. થોડા સમય પછી એ જ ઉંદરોને ફરી એકવાર પાણીમાં નાખવામાં આવ્યા. બીજા રાઉન્ડમાં પણ એમની તરવાની ક્ષમતા અને ડૂબતાં પહેલાંનો સમય નોંધવામાં આવ્યો..
તમને શું લાગે છે? કેટલા સમય સુધી એ તરી શક્યા હશે? જાણીને નવાઈ લાગશે કે 60 કલાક સુધી એ તરી શક્યા હતા.! આ બીજા રાઉન્ડમાં ઉંદરો એટલા માટે લાંબા સમય સુધી ટકી શક્યા કારણ કે એમને ભરોસો હતો કે એ ડૂબવા લાગશે ત્યારે નક્કી કોઈ આવીને તેમને બચાવી લેશે… આ ‘કોઈ બચાવી લેશે’ એવી આશા, માન્યતાને કારણે ઉંદર નિશ્ર્ચિતં થઈ ગયા અને પોતાની પૂરી ક્ષમતાથી તરતા રહેવાના પ્રયત્નમાં લાગી ગયા. સાઈકો – બાયોલોજિસ્ટ ડૉ.કર્ટ રીચ્ટરનો આ પ્રયોગ ‘ધ હોપ એક્સપેરિમેન્ટ’ તરીકે ઓળખાય છે.
સકારાત્મક દ્રષ્ટિકોણ હશે તો જીવનમાં દરેક ક્ષેત્રે આપણે ઉજાસ અને શક્તિનો અનુભવ કરી શકીશું.
કવિ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે :
Faith is the bird that feels the light when the down is still dark
અર્થાત્ આશાવાદ એ છે કે અંધકારમાં પણ પ્રકાશનો અનુભવ કરવો.
આપણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ