મગજ મંથનઃ AI-કૃત્રિમ બુદ્ધિમત્તા એ માનવ બુદ્ધિનું પ્રતિબિંબ છે…

વિઠ્ઠલ વઘાસિયા
આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે.
જે રીતે વીજળી, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન માનવ જીવનમાં ક્રાંતિ લાવ્યા એ જ રીતે આજે એક નવી શક્તિ સમગ્ર વિશ્વને બદલી રહી છે – તે છે કૃત્રિમ બુદ્ધિમત્તા, એટલે કે AI – Artificial Intelligence.
પ્રારંભ:
AI એટલે એવું મશીન કે સિસ્ટમ, જે માણસની જેમ વિચારશે, શીખશે અને નિર્ણય લેશે. અર્થાત્ મશીનમાં માનવી જેવી બુદ્ધિનો સંચાર. એક સમય હતો, જ્યારે કમ્પ્યુટર ફક્ત ગણતરી માટે હતું. આજે એ વિચાર કરવા અને પ્રશ્નોના જવાબ આપવા લાગ્યું છે. જે પ્રશ્નોનો જવાબ આપણે ગૂગલમાં શોધીએ છીએ, તે પણ AIની શક્તિથી શક્ય બને છે.
આ રીતે AI એ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી લીધો છે.
AIના સકારાત્મક પાસાં
1) શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ:
આજે AIનાં કારણે શિક્ષણ વધુ સ્માર્ટ અને વ્યક્તિગત બન્યું છે. વિદ્યાર્થીની સમજણ મુજબ અભ્યાસક્રમ તૈયાર થઈ શકે છે, ચેટબોટ્સ અથવા ChatGPT જેવા સાધનો તાત્કાલિક પ્રશ્નોના જવાબ આપે છે અને શિક્ષકોને પણ દરેક બાળકની પ્રગતિ જાણવામાં સહાય મળે છે અર્થાત્ AI શિક્ષણને વધુ જીવંત અને અસરકારક બનાવી રહ્યું છે.
2) આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ:
હવે ડોક્ટર માત્ર માનવીય અનુભવ પર નહિ, પણ AI આધારિત ડેટા એનાલિસિસથી રોગની ઓળખ કરી શકે છે. કેન્સર કે હૃદયરોગના પ્રારંભિક ચિહ્નો શોધવામાં AI મોટી ભૂમિકા ભજવે છે. રોબોટિક સર્જરી વધુ ચોક્સાઈ લાવે છે, અને દવાઓના સંશોધનમાં સમય બચે છે.
3) ઉદ્યોગ અને અર્થતંત્ર:
ફેક્ટરીઓમાં મશીનો હવે માનવી જેવી બુદ્ધિથી કામ કરે છે. ઉત્પાદન ઝડપથી થાય છે- ગુણવત્તા વધે છે – ખર્ચ ઘટે છે. AI આધારિત ડેટા વિશ્ર્લેષણથી માર્કેટિંગ, બેન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્ર વધુ સક્ષમ બન્યાં છે.
4) કૃષિ ક્ષેત્રે પરિવર્તન:
ખેડૂતો હવે જમીનની હાલત, હવામાનનો અંદાજ અને પાકની સ્થિતિ જાણે છે. ડ્રોન અને સેન્સર દ્વારા પાકની દેખરેખ રાખે છે. AIના આધારે યોગ્ય ખાતર, પાણી અને અન્ય બાબતે સમયસર નિર્ણય લઈ શકે છે. પરિણામે ઉપજ વધે છે અને નુકસાન ઘટે છે.
5) સુરક્ષા અને સંચાલન:
શહેરોના ટ્રાફિક, સાયબર સુરક્ષા, ગુનાખોરીની પેટર્ન વગેરે બધું AI સંભાળે છે. આ અર્થમાં સમાજ વધુ વ્યવસ્થિત બની રહ્યો છે.
6) સર્જનાત્મક ક્ષેત્રોમાં સહયોગ:
આજકાલ AI સંગીત રચે છે, ચિત્ર દોરે છે, કવિતા લખે છે. અન્ય શબ્દોમાં કહીએ તો તે માનવીની કલ્પનાશક્તિને નવી દિશા આપે છે.
- હવે વાત કરીએ AIના નકારાત્મક પરિબળોની: જ્યાં પ્રકાશ હોય છે, ત્યાં છાયા પણ હોય છે. તે જ રીતે, AIની કેટલીક નકારાત્મક અસરો પણ ચિંતાજનક છે.
1) રોજગારીનું જોખમ:
AIના કારણે અનેક કામ મશીનો કરે છે.
ફેક્ટરીઓમાં, બેન્કોમાં, ટ્રાન્સપોર્ટમાં માનવીની જરૂરિયાત ઘટી રહી છે. આથી લાખો લોકોને રોજગારી ગુમાવવાનો ભય છે. ખાસ કરીને મધ્યમ વર્ગ માટે આ મોટો પડકાર છે.
2) માનવીય મૂલ્યોમાં ઘટાડો:
AI પાસે જ્ઞાન છે, પણ વેદના-સંવેદના-ભાવના નથી. તે પ્રેમ, સહાનુભૂતિ કે માનવતા સમજી શકતું નથી. જો માણસ બધું મશીન પર છોડે, તો ધીમે ધીમે માનવીય સંબંધો ઠંડા પડી જશે. માણસ પોતાના વિચારો અને વિચારશક્તિ ગુમાવી શકે છે.
3) માહિતીની સુરક્ષા:
AI માટે સૌથી મોટું ઇંધણ છે – ડેટા. પણ જો એ ડેટાનો ખોટો ઉપયોગ થાય તો વ્યક્તિગત માહિતી ખતરામાં પડે છે. ‘ડિપફેક’ ટેકનોલોજી દ્વારા ખોટા વીડિયો બનાવી FAKE NEWS – ખોટી ખબર ફેલાવી શકાય છે, જે સમાજ માટે અત્યંત જોખમી છે.
4) અસમાનતા અને નિયંત્રણનો ખતરો:
AIના સંશોધનનો મોટો ભાગ ધનિક દેશો અને મોટી કંપનીઓના હાથમાં છે. તેથી ટેકનોલોજીનો લાભ થોડા લોકો સુધી મર્યાદિત રહી શકે છે તેથી ગરીબ-ધનિક વચ્ચેનું અંતર વધી શકે છે.
5) નૈતિકતા ને પૂર્વગ્રહ:
AIના નિર્ણય એલ્ગોરિધમ પર આધારિત હોય છે, જે માણસે બનાવેલા છે. જો તેમાં ભેદભાવ હશે, તો તે ખોટા અને અન્યાયી નિર્ણયો આપી શકે છે, જેમકે ભરતીમાં કે ક્રિમિનલ રેકોર્ડમાં કોઈ એક જૂથ વિરુદ્ધ પૂર્વગ્રહ.
6) માનવીય નિયંત્રણ ગુમાવવાનો ભય:
કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે જો AI પોતાની જાતે વિચારવા અને નિર્ણય લેવાની ક્ષમતા ક્રમશ : મેળવશે તો તે માનવજાતને પાછળ મૂકી શકે છે.
આમ ‘સુપર ઇન્ટેલિજન્ટ’ AI માનવ માટે ખતરનાક સાબિત થઈ શકે છે માટે AI પર માનવીય નિયંત્રણ જાળવવું અત્યંત આવશ્યક છે. સંતુલન જાળવવાની જરૂર છે.
AI એક ચમત્કાર છે, પણ ચમત્કારને જો સમજણ વગર વાપરશો, તો તે ખતરનાક બને છે. તેના ઉપયોગમાં નૈતિકતા, જવાબદારી અને માનવતા હોવી જરૂરી છે. સરકારોએ કાયદા ઘડવા જોઈએ, શિક્ષણમાં ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ શીખવવો જોઈએ. દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે AI આપણા માટે છે, આપણે AI માટે નહીં.
ટૂંકમાં…
કૃત્રિમ બુદ્ધિમત્તા એ માનવ બુદ્ધિનું પ્રતિબિંબ છે. તે આપણું જીવન સરળ બનાવી શકે છે, પરંતુ જો અંધ વિશ્વાસ અને લોભ સાથે તેનો ઉપયોગ કરીએ તો તે વિનાશ તરફ દોરી શકે છે. જો આપણે સમજદારીથી, જવાબદારીથી અને માનવીય ભાવના સાથે તેનો ઉપયોગ કરીએ તો નિશ્ચિતપણે AI માનવજાત માટે આશીર્વાદ સાબિત થશે.



