ઈન્ટરવલ

ભાગ્યવિધાતા

ટૂંકી વાર્તા -ઈન્દુ પંડ્યા

ફ્લાઈટ ઊપડવાની તૈયારી હતી. શિલ્પા એની સીટ પાસે આવી ત્યારે વિન્ડોસીટ પર બીજાને બેઠેલા જોઈને એર હોસ્ટેસને ઈશારાથી બોલાવી. એર હોસ્ટેસે પેલા માણસને કહ્યું, ‘પ્લીઝ સર, આપ એ સીટ ખાલી કરી આપો. એ સીટ મેડમની છે.’

ગોગલ્સ પહેરેલા એ પેસેન્જરે ઓહ! યસ. કહી સીટ ખાલી કરી કે શિલ્પા ત્યાં બેઠી. બાજુની સીટ પર પેલા માણસે બેઠક લીધી. ગોગલ્સ કાઢીને ખિસ્સામાં મૂક્યા. શિલ્પાને ચહેરો જાણીતો લાગ્યો, ત્યાં તો પેલાએ જ કહ્યું: ‘અરે શિલ્પુ, તું?’

શિલ્પા હસીને બોલી: ‘હા અનુ. કેટલાં વર્ષે મળ્યાં ખરું?’

પછી તો બંને કૉલેજ વખતના અતીતને ફરી તાજો કરતાં હતાં. અનુરાગે પૂછ્યું: શું કરે છે તું? રહેવાનું હજી ત્યાં જ છે? મારો મતલબ કે ઘર, કુટુંબ, બાળકો??

શિલ્પા બોલી: ‘અનુરાગ તું હજીય પહેલાંની જેમ ઉતાવળો. એકસાથે કેટલા સવાલો પૂછ્યા?’

કૉફીની ચૂસકી લેતાં શિલ્પાએ ટૂંકમાં વાત કરી: પપ્પાને એટેક આવી ગયો. તેમનું મૃત્યુ થયું, ચિરાગ ત્યારે આઈ.આઈ.ટી.ના લાસ્ટ યરમાં હતો. પપ્પા ચાલુ સર્વિસે જ અવસાન પામ્યા. એની જગ્યાએ મને બેન્કમાં નોકરી મળી. ચિરાગ અને ભાભી હાલ દિલ્હી રહે છે. મમ્મી અમદાવાદમાં મારી સાથે રહે છે. હજીય રાણીપવાળા ઘરમાં રહીએ છીએ. પંદર દિવસની ટ્રેનિંગમાં જવાનું હતું એથી મમ્મીને દિલ્હી મૂકવા ગઈ હતી. મેં મારી વાત કરી. તું તારી વાત કર.’

અનુરાગ થોડી વાર મૌન જ રહ્યો. એને દસ વર્ષ પહેલાંની યાદ આવી….

એ શિલ્પાને લઈને એને ઘરે ગયો હતો. ઘર વિશાળ મહેલ જેવું હતું. અનુરાગની માએ કીમતી કપડાં-ઘરેણાં પહેર્યાં હતાં. અનુરાગે એના ભાઈ વિશાલ અને પિતાને શિલ્પાની ઓળખાણ કરાવી, પરંતુ તેઓ હલ્લો કહીને કારમાં ફેકટરી પર જવા રવાના થયા. એની ભાભી પણ કીમતી સાડી અને ઘરેણાંથી લદાયેલી હતી.

અનુરાગ બોલ્યો: ‘શિલ્પુ, તું મમ્મી અને ભાભી સાથે બેસ ત્યાં હું જરા ચેન્જ કરીને આવું છું.’ વિશાલ અને અનુરાગ બન્ને વચ્ચે ખાસ્સો દસેક વર્ષનો ગાળો હતો.

અનુરાગની માતા બોલી: ‘તો તું છે શિલ્પા જે મારા દીકરા પર મેજિક કરીને અમારા ઘરમાં ઘૂસવા વિચારે છે, પણ અમારા ઘરમાં જે વૈભવ છે એમાં રહેવાની તારી હેસિયત છે? રોજ ત્રણ વખત અનુ કપડાં બદલે છે. એની એક જોડીની કિંમત જ પાંચ હજાર હોય છે. એને અલગ કાર છે. શું તારા પિતા અમારી જાનનું ભવ્ય સ્વાગત કરી શકશે? અમારા પરિવારની રીત રસમ અપનાવી શકશે?
શિલ્પા બોલી: ‘મા, મારા પિતા તો નોકરિયાત છે.’

અનુરાગની માતા મોં મચકોડીને બોલી: ‘તો પછી મારા દીકરાને ભોળવવાની તારી હિંમત કેમ થઈ? અનુરાગને મળવાની કોશિશ ન કરતી.’

અનુરાગ ફ્રેશ થઈને બહાર આવે એની રાહ જોવાનો કોઈ અર્થ ન હતો. શિલ્પા ત્યાંથી નીકળી ગઈ.

‘આજકાલ કરતાં દસ વર્ષ વીતી ગયાં. અનુ, તું ખુશ છે ને? શિલ્પાએ કહ્યું.’

ફિક્કું હસવાનો પ્રયાસ કરતાં અનુરાગ બોલ્યો: ‘હા, શિલ્પુ બહુ ખુશ છું. તું તો ઘરેથી ચાલી ગઈ, પરંતુ પછી મારી મુસીબતોનો દોર શરૂ થયો. મા-બાપને બે કુટુંબ વચ્ચેય પ્રોફેશનલ સંબંધ જોડવો હતો. પરસ્પર બિઝનેસ રિલેશન્સ જળવાઈ રહે. શેઠ મનોહરલાલજીની દીકરી ઘરનાને પસંદ પડી અને પરણાવી દીધો. નિશા થોડા દિવસ તો નોર્મલ બનીને રહી, પરંતુ પછી એક દિવસ અચાનક સવારના પહોરમાં નિશા ચીસો પાડવા માંડી. ચીજવસ્તુના ઘા કરવા માંડી. એના કપડાં ફાડતી હતી. ઘરનાને બોલાવ્યાં ત્યાં સુધીમાં નિશા માત્ર ચણિયા-બ્લાઉઝ પહેરીને આમ તેમ દોડતી હતી. ડૉક્ટરને બોલાવ્યા. ચારેક જણે એને પકડી રાખી અને ઘેનનું ઈન્જેકશન આપ્યું પછી એ શાંત થઈ. થોડીવારમાં પથારીમાં ઘસઘસાટ ઊંઘી ગઈ.’

ડૉક્ટરનું નિદાન થયું. નિશાને ફીટનું દરદ હતું. બચપણમાં એના પર બળજબરીનો પ્રયાસ થયો હતો. ત્યારથી એ માનસિક રોગનો ભોગ બની હતી. ઘરનાએ એ વાત છુપાવી હતી એની હરકતોથી હું તંગ આવી ગયો હતો. માતાપિતા પણ પસ્તાતાં હતાં. પૈસાને મહત્ત્વ આપીને સંબંધ બાંધ્યાં પણ દીકરાની જિંદગી બરબાદ થવામાં વડીલો નિમિત્તે બન્યા હતા. પણ હવે કશુંયે વળે તેમ ન હતું કેમ કે એ માતા બનવાની હતી.

નિશાના પિતાએ પણ વિવેકથી વાત વાળી લીધી. ‘ભઈ, લગ્ન પછી દીકરીનું ઘર ગણાય, પિયર નહીં. નિશા પુત્રીની માતા બની પણ એને જ્યાં પોતાના દિનદશાનું ભાન ન હોય એ બાળકીની સંભાળ ક્યાંથી લઈ શકે? એના માટે એક બાઈ રાખી આયાના ખોળામાં જ એ ઉછરતી હતી.

પાંચ વરસની થઈ એટલે એને પંચગની બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરી દીધી. પણ નિશાને ફિટનું દરદ જેમનું તેમ હતું. હું બિઝનેસ ટૂર પર જવાનો હતો એથી નિશાને થોડા દિવસ પિયર જવા
સમજાવી, પરંતુ એ જવા તૈયાર ન થઈ. મેં એને સમજાવી કે ત્યાં થોડા દિવસ હવાફેર કરી આવ. વળતાં હું આવીને તને લઈ જઈશ, ત્યારે માની.

પરંતુ વળતાં એને અમદાવાદ સીધા જ ઘરે આવવા માટે ફોન પર મેસેજ મળ્યો. ઘેર આવ્યો ત્યારે માણસોની ભીડ હતી. મોટા હોલમાં નિશાને બરફની પાટ પર સૂવડાવી હતી. મુન્ની સામે દોડી.:
‘પપ્પા, જુઓને મમ્મી બોલતી નથી. બરફ પર સૂતી છે. એને ઠંડી લાગી જશે.’

ઘરનાએ એને એ વાત કરી. પિયરમાં સીડી ઉતરતી વખતે સમતોલપણુ ગુમાવતાં ઓ ગબડી પડી અને માથામાં સખત વાગ્યું. બ્રેઈન હેમરેજ થવાથી મૃત્યુ થયું.

‘ઓહ! અનુ, તારે કેટલી યાતનામાંથી પસાર થવું પડ્યું.’

શિલ્પાએ કહ્યું.

‘અને તું? વિના વાંકે એકલા રહેવાની સજા ભોગવી રહી છે. તે કેમ લગ્ન કર્યાં નહીં?’

‘બસ – ઈચ્છા જ ન થઈ’ શિલ્પા બોલી.

અમદાવાદ આવી ગયું. અનુરાગે કહ્યું, ‘શિલ્પુ તને વાંધો ન હોય તો ચાલ, તને ઘર સુધી ઉતારી દઉં. મારી ગાડી તો આવી જ હશે.’ શિલ્પાને એના ઘેર ઉતારીને અનુરાગ રવાના થયો.

થોડા દિવસ બાદ શિલ્પાનાં મમ્મી આવી ગયાં. એથી શિલ્પાને થોડી રાહત થઈ. મમ્મીના હાથની ગરમાગરમ ચા અને સાંજની રસોઈ તૈયાર મળતી હતી. એક દિવસ સાંજે ડોરબેલ રણકી ઊઠી.
શિલ્પાએ બારણું ખોલ્યું તો સામે અનુરાગ અને એની માતા ઊભાં હતાં. શિલ્પા સ્તબ્ધ બની ગઈ! અનુરાગે કહ્યું, ‘શિલ્પુ, અંદર આવવાનું નહીં કહે?’

શિલ્પા સ્વસ્થ થઈ ગઈ. એ બારણા પાસેથી ખસી ગઈ અને બોલી: ‘આવો.’

શિલ્પાની માતા બહાર આવ્યાં – ‘આવો.’ અનુરાગ પગે લાગ્યો પછી બોલ્યો: ‘ આન્ટી, આ મારા મમ્મી છે અને મને તો ઓળખ્યા ને? અનુરાગ;
શિલ્પા પાણીના ગ્લાસ લાવી પછી બોલી: ‘ઠંડું ચાલશે કે ગરમ લાવું?’

ત્યાં જ અનુરાગ બોલ્યો: ‘શિલ્પુ, ચાલ બહાર કંઈક ઠંડું પીશું. આન્ટી અમે બહાર જઈએ?

અનુરાગની માતા બોલી: ‘શિલ્પા બેટી, મને ક્ષમા કરી દે. એ વખતે આંગણે આવેલી લક્ષ્મીને મેં પાછી કાઢી પણ આજ મારા દીકરા માટે સામે ચાલીને માંગું લઈને આવી છું. તમતમારે બેય બહાર જઈ આવો. શિલ્પુ, તારાં મમ્મીને હું બન્ને ચા બનાવીને પી લઈશું.’

શિલ્પાની માતા જોતી જ રહી! દીકરી માટે સામે ચાલીને સારા ઘર-વરની વાત આવી. ભગવાન જે કરે એ સારા માટે – મોડું પણ સારું મળ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button