ઈન્ટરવલ

તસવીરની આરપાર : વાંકાનેર છે સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ

  • ભાટી એન.

સૌરાષ્ટ્રમાં મસ્તમજાનું ઝાલાવાડ આવેલું છે, તેમાં ‘વાંકાનેર’ ઝાલા રાજવીઓનું રજવાડું આવેલ છે, જે ઈ. સ. 1605માં રાજશ્રી સરતાનજી હળવદથી આવ્યા ને ‘વાંકાનેર’ રાજ્યની સ્થાપના કરી. વાંકાનેરનો ભૂપ્રદેશ પર્વતીય છે! પથ્થરની અહીં ખાણ હતી, વાંકાનેર રાજ્યની સ્થાપના સરતાનજીએ કરેલ ત્યારે વાંકાનેરનાં સૂફિસંતોનાં આશીર્વાદ લઈ તેની સૂચના મુજબ વાંકાનેર વસાવેલ જે મચ્છુ કાંઠે વસેલું છે.

‘મચ્છુ કાંઠો ને મોરબી વચ્ચમાં વાંકાનેર, ઈ’ નર પટાધર નીપજે, ઈ’ પાણી હુંદો ફેર.’

પતાળિયો નદી ને મચ્છુ નદીના સંગમકિનારે વસેલું વાંકાનેર જીયા શાહબાવાનાં કલાત્મક મિનારા ને નાગાબાવાનું મંદિર આવેલું. અહીં શ્રાવણ વદ 10નો નાગાબાવાનો મેળો ભરાય છે. મેળો માણવા આવનારા તેના પ્રસાદ તરીકે જલેબી અને ભજિયાં અચૂક આરોગે છે! વાંકાનેર મોરબી જિલ્લાનો મોટામાં મોટો તાલુકો છે. વાંકાનેર પંથકમાં સિરામિકને લગતી માટી વિપુલ પ્રમાણમાં સાંપડી રહે છે. તેના કારણે લખલૂટ ગ્લેઝ ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગ ધમધમે છે! જ્યાં જુઓ ત્યાં ગ્લેઝ ટાઇલ્સ માતબર પ્રમાણમાં બને છે. અત્યાધુનિક સાધનોથી ગ્લેઝ ટાઇલ્સ બને છે, તેમ જ ડુંગરાળ પ્રદેશ હોવાથી ગૌપાલક માલધારી ભરવાડો ગાયના દૂધનો માવો બનાવવામાં માહિર છે. ગૌપાલક બહેનો આમ તો અભણ હોય છે! પણ તેની કોઠાસૂઝ કાબિલે તારીફ ગણી શકાય. માવો આ અભણ બહેનો બનાવે, પણ માવાની ગોટી જોતાં મોંમાં પાણી આવી જાય, વાંકાનેરમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું માવાબજાર ભરાય છે! અહીંનો માવો ગુજરાત, મહારાષ્ટ્ર (મુંબઈ) સુધી જાય છે. આ માવામાંથી ગુલાબજાંબુ, પેંડા, ગોલા, કુલફી, ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ બને છે. આ માવો વેચવા મોટે ભાગે ગૌપાલક બહેનો જ આવે છે. તે અભણ હોય છે તેમ છતાં ઘરનું સંચાલન બખૂબી કરે છે.

1907માં મહારાજા અમરસિંહજીને ત્યાં રાજકુંવરનો જન્મ થયો. આ જ વર્ષે ‘રણજિત વિલાસ પેલેસ’નું ખાતમુહૂર્ત જામનગરના રાજા રણજિતસિંહના વરદ્ હસ્તે થયેલ, આ પેલેસને 118 વર્ષ થયા છે આ પેલેસનું જૂનું નામ રણજિત વિલાસ પેલેસ છે પણ અત્યારે વાંકાનેર પેલેસ કહીને બોલાવે છે. ઓડિશાના મહારાજા અને વાંકાનેરના જમાઈ ‘પૂર્ણચંદ્ર ભંજદેવ’ના નામ પરથી ગેસ્ટહાઉસ છે. વાંકાનેર રાજવી પરિવારની ‘મોટીવાડી’ ચાર માળની કલાત્મક ચોરસ વાવ છે. તેમાં અલભ્ય ‘શિવજી’ની અલભ્ય છે. આખી વાવ પથ્થરથી મઢેલ છે. જેમ જેમ પાણી નીચું જતું જાય તેમ તેમ આરામ કરવા નીચેના માળે રાજવી લોકો જતા. ઉનાળામાં ઉષ્ણતામાનનો પારો આકાશે આંબે છે તે વેળા એ.સી. જેવી શીતળતા આ વાવમાં મળે છે! ‘મોટીવાડી’ની બાજુમાં સ્વિમીંગ પુલ મસ્ત મજાનો અફલાતુન સ્વિમીંગ પુલ છે. તે જમાનામાં બનેલ સ્વિમીંગ પુલ લાજવાબ છે. તેમાં આરસની મૂર્તિ નિહાળતા મનમોહક લાગે છે. વાંકાનેરનો ‘રણજીત વિલાસ પેલેસ’ને મોટીવાડી વિસ્તારમાં અસંખ્ય હિન્દી-ગુજરાતી ફિલ્મના શૂટિંગ થયા છે! તાજમહેલ જેવો લાગતો વાંકાનેરના પેલેસમાં ‘પનાહ’ ફિલ્મમાં ટાઈટલમાં આ પેલેસ બતાવાય છે. થોડા વર્ષો અગાઉ ‘મટરૂકી બીજલીકા મંડોલા’નું ઘણું બધું શૂટિંગ થયું હતું. પેલેસની બાજુમાં આવેલ જનાના મહેલ છે તે રાજકોટના ઠાકોર લાખાજીરાજના નામ પરથી ‘લાખેન્દ્ર વિલાસ વિંગ’ તરીકે ઓળખાય છે. બાજુમાં ગેસ્ટહાઉસ છે, જેનું નામ કચ્છના મહારાજા શ્રી ખેંગારજીના નામ પરથી ‘ખેંગાર ભુવન’ રાખવામાં આવ્યું છે. મચ્છુ નદીનાં કિનારે ગેસ્ટહાઉસ છે તે પણ ભવ્યતાતિભવ્ય છે, જેને લોકો ‘મોટીવાડી’ તરીકે ઓળખે છે.

આપણ વાંચો:  ઔર યે મૌસમ હંસીં… : પુરાણકથા… ઈતિહાસ-સાહિત્ય ને માનવજાતના અસ્તિત્વ માટે કેટલી પ્રેરણાદાયી?

વાંકાનેર અત્યારે કૂદકે ને ભૂસકે પ્રગતિના પંથે દોડી રહ્યું છે. વાંકાનેર સિટી પાઘડી પન્ને વસેલ છે, આપને આ આર્ટિકલ સાથે મચ્છુ નદી, પતાળિયો નદી કાંઠે વસેલું વાંકાનેરનો ડ્રોન ફોટો અદ્ભુત બતાવું છું તેમજ પ્રજા વાત્સલ્ય રાજવી મહારાણા શ્રી કેશરીદેવસિંહ ઝાલા પણ વાંકાનેરનાં વિકાસમાં સિંહફાળો આપે છે, યુવાન રાજવી પ્રજા પ્રેમી છે, તેમ જ ફરવા લાયક ગાયત્રી મંદિરને ગઢિયા ડુંગર પર બિરાજમાન કાલીકા માતાની ટેકરીએ રવિવારે મેળા માફક મેદની ઉમટી પડે છે. પગથિયા ચડીને કાલિકામાતાના મંદિરે શ્રદ્ધાળુઓ જાય છે. ‘ગઢિયા ડુંગર’ પરથી વાંકાનેરને નિરખવાની મજા અલૌકિક છે. તેનો નજારો નયનરમ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button