તસવીરની આરપારઃ વિસરાતી જતી જાદુગરની કલા…

ભાટી એન.
મનોરંજનનું સાધન ભવાઈ કલા, સર્કસ અને જાદુગર આજે ઓક્સિજન પર ચાલે છે, રગળ ધગળ ચાલે છે, એક જમાનો હતો આવી કલા નિહાળવા લોકો તલ પાપડ હતા!?. ચોક્કસ સાચી વાત પણ જેમ જેમ યુગ પરિવર્તન આવતા અને અત્યાધુનિક ટેક્નિકલ યુગે આવી, આપણી પ્રાચીનકલા અલોપ થવાને આરે છે તો આજે આપણે જાદુગર વિશે થોડી જાણકારી પ્રાપ્ત કરીએ.
જાદુગર એટલે મોટા લાંબા વાળ, માથે અંગ્રેજ જેવી કેપ (ટોપી)કાળો ડ્રેસ પહેરી જાદુગરની એન્ટ્રી થાય ત્યારે ભલભલાની મતિ મુંજાઈ જાય. હોરર સંગીત, હાહાહા જેવી ચીચીયારીઓ સાથે સ્ટેજ પર આવે ત્યારે કોઈ રાજા મહારાજા જેવો એક્સ્ટ્રાઓર્ડિનરી પહેરવેશ. આપણને ખ્યાલ આવી જાય વિશાળ સ્ટેજ પર જાદુની ટેક્નિકલી વિદ્યા એટલે જાદુનું બીજું નામ.
ઝડપથી એક પલકારામાં બધું પરિવર્તન કરી દે અને આપણને થાય કે વાહ જાદુ કરી નાખ્યો પણ તમારી નઝર ચૂકવી દીધી છે? આજ ટેક્નિક એટલે જાદુગીરી જો તેમની પાસે જાદુ હોય તો તેઓ પોતાનું વતન છોડી ગામે ગામે શો નાં કરે સાચું ને!?
જાદુગરને વધુ માર પડ્યો હોય તો તે સોશ્યલ મીડિયાનો?. આવું તારણ કાઢતા વાંકાનેરમાં જાદુગર લઈ આવેલ વિશ્વ વિખ્યાત જાદુગર દીપકભાઈ ચુડાસમા (જાદુગર મંગલ) જેઓ 20 વર્ષથી જાદુગર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
તેઓ કહે છે અમો જાદુગર ચુડાસમાનાં પરિજન છીએ અમારો વારસાગત ધંધો છે, આ અમારી સાતમી પેઢી છે, પણ જાદુ ટ્રીકથી ચાલે છે અમુક નાના જાદુ વિશે સોશ્યલ મીડિયામાં પ્રથમ જાદુ બતાવે પછી તેની ટ્રીક પણ બતાવે એટલે અમારો અમુક અંશે જાદુ ખુલો પડી ગયો છે, પણ મેઈન આઈટમ જે અમારી સ્પેશ્યલ આઇટમો ગોરીલા, સ્પાઇડરમેન, એક માણસનાં આઠ ટુકડા કરવા, હવામાં તરતી છોકરી, ચાલુ પંખાની આરપાર, ચમકતા કાચની આરપાર જેવા અસંખ્ય જાદુ નિહાળવા અમારા ચાહકો છે, ગામો ગામ સિનેમા હોલ જેમ તંબુ નાખી આગળ કલરફુલ હોર્ડિંગ લગાવી તેમાં અમારા મુખ્ય જાદુ બતાવીએ આમ જાદુગર પોતાની આજીવિકા રળે છે.
ગુજરાતના મશહૂર જાદુગરોએ નામના મેળવેલ જેમ કે. લાલ, ચુડાસમા, ને મહમદ છેલ જેવા ઘણા જાદુગરે અનેક વિધ જાદુથી લોકોને મંત્રમુગ્ધ કરેલ છે. જેમાંનો એક ઉદાહરણ આપું તો જાદુગર પાસે એક ટિકિટ ચેકર ગયો કે લાવો ભાઈ ટિકિટ,? ટિકિટ તો નથી? તો શું આ ટ્રેન – બાપા ની સમજી રાખી છે કે? ચલો ઊતરો નીચે.
જી બિલકુલ ઊતરી જાઉં છું પણ પછી આ ટ્રેન ચાલશે કેવી રીતે!? એટલે!? ‘એટલે બહુ જલ્દી સમજાઈ જશે ઉપરનો સંવાદ વર્ષો પહેલા ગુજરાતનાં રેલવે સ્ટેશન ઉપર ભજવાઈ ગયો હતો, જેમાં વગર ટિકિટે મુસાફરી કરનાર સૌરાષ્ટ્રનાં વિખ્યાત જાદુગર હતા. એ હંમેશાં ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચે ટ્રેનમાં જ મુસાફરી કરતા પણ હંમેશાં વગર ટિકિટે. પણ આ વખતે ટિકિટ ચેકર કોક નવો નિશાળીયો હતો.
ટ્રેન ઉપાડવાનો સમય થતાં જ ડ્રાઇવરે ગાર્ડ ને સિગ્નલ દઈ લીવર દબાવ્યું, અરે આ શું થાય છે. લીવર જામ થઈ ગયું હોય તેમ ટ્રેન ઊપડી જ નહીં. ડ્રાઈવરની ઘણી મથામણ છતાંય ટ્રેન હલવાનું નામ જ નહોતી લેતી. આખા સ્ટેશન પર ધમાલ થઈ ગઈ. સ્ટેશન માસ્ટર પણ હાફળા ફાફળા થઈ ને દોડા દોડી કરવા માંડ્યા.
અચાનક તેમની નજર બાંકડા ઉપર પગ ઉપર પગ ચઢાવીને ટેશથી બેઠેલા જાદુગર પર પડી. અરે જાદુગરભાઈ તમે અહીંયા? કોઈની રાહ જુવો છો ના માસ્ટર સાહેબ, હું તો સૌરાષ્ટ્ર જવા માટે ટ્રેનમાં ગોઠવાયો હતો પણ તમારા નવા ટિકિટ ચેકરે મારા બાપાની ટ્રેન નથી એમ કહી ઉતારી દીધો. એ ટી.સી ની ભૂલ થઈ છે, હું તમારી માફી માગુ છું સાહેબ, તમે પાછા બેસી જાવ.
સ્ટેશન માસ્ટરની વાત માનીને જાદુગરભાઈ માન સહિત ફરી પાછા ટ્રેનમાં ગોઠવાયા ને ફરમાવ્યું કે ઇન્શા અલ્લાહ, ઉપાડો હવે ગાડી. જેવું ડ્રાઈવર એ લીવર દાબ્યું કે એક ઝટકામાં તો ટ્રેન ચાલુ થઈ ગઈ.! ગુજરાતનાં સિદ્ધ હસ્ત જાદુગરોથી ગુજરાત રળિયાત છે.



