ઈન્ટરવલ

તસવીરની આરપારઃ વડોદરાના લક્ષ્મી વિલાસ પૅલેસની કલા-શિલ્પ રોનકમાં અભિવૃદ્ધિ કરે છે…

ભાટી એન.

ગુજરાતની આન, બાન, શાન સમાન સંસ્કારનગરી વડોદરાનાં રાજવી ગાયકવાડ દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ તો આપણે જોયો હશે!? પણ તેની કલા, સ્થાપત્યની બારીકાઇથી નહીં જોયું હોય. ભારતનાં વિખ્યાત મહેલમાનો એક આ પેલેસ છે, જીહા તેમ જ ગુજરાતનો મોટામાં મોટો પેલેસ છે, જેની જાળવણી ખૂબ જ કાબિલેદાદ છે, આજે પણ દેશ, વિદેશનાં પ્રવાસીઓ પેલેસને નિહાળવા આવે છે, આ ભવ્યાતિભવ્ય પેલેસની સ્થાપત્ય, કલા, શસ્ત્ર, સરંજામ, તેમની ચિત્ર કલાકારી જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. આજે પેલેસમાં ચિત્રકલા, શિલ્પ કલા હું બતાવાનો છું જેમાં તસવીરમાં જમણી બાજુથી જોઈએ તો શ્વેત સંગેમરની નગ્ન લેડીનું શિલ્પ છે, જે સિંહની બાજુમાં ઊભી છે, અને સિંહનાં મોઢા પર હાથ રાખી ઊભી છે, જે નગ્ન છે છતાં નજાકતા છે.

બીજા ક્રમે જે ડાર્ક ગ્રીન શિલ્પ છે જે પેલેસની મધ્ય ભાગમાં છે, અને જેમાં મહિલાએ આછા વસ્ત્રો પહેરેલા છે, અને ટોપલામાં એક બાળકને બેસાડી કેડે હાથ રાખી ઊભી છે, ત્રીજા ક્રમે પેલેસની દૂર સેન્ટરમાં આરસનાં કુંડા પર બે મોરલા બેઠા છે અને દરેક પ્રવાસી આ સ્ટેચ્યુ જુઅ છે, ચોથા ક્રમે મહેલમાં પ્રવેશતા જ આબેહૂબ ચિત્ર છે જેને જોતા હજુ તાજું બનાવેલ હોય તેવી અનુભૂતિ તંતોતંત થાય ઉપર બારીક નકશીકામ અદ્ભુત છે, જોકે સાચી કલા જોવી હોય તો પેલેસની અંદર મ્યુઝિયમમાં જોવા મળશે, આ સાથે લક્ષ્મી વિલાસ પેલેસ વિશે પણ માહિતી આપું છું.

લક્ષ્મી વિલાસ પેલેસના બાંધકામનો પ્રારંભ મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1878માં કરાવેલો અને 1890 સુધીમાં પૂર્ણ કરેલું. આ પેલેસની દક્ષિણ-ઉત્તર બાજુ બાંધકામ 512 ફૂટ છે. પશ્ર્ચિમ-પૂર્વ 200 ફૂટના વિશાળ ભવ્ય પેલેસનું બાંધકામ 12 વર્ષ સુધી ચાલેલું. તે સમયે 50 લાખ રૂપિયાના જંગી ખર્ચે આ પેલેસ બનેલો. 186 રૂમ ધરાવતા આ પેલેસને બહારથી નીરખતાં ત્રણ વિભાગ જોવા મળે છે: (1) પબ્લિક પોર્ચ (2) મહારાજા પોર્ચ (3) મહારાણી પોર્ચ. કળાકોતરણીની દૃષ્ટિએ પણ આ પેલેસમાં બધા ધર્મોની કોતરણી અને બાંધકામ જોવા મળે છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડે ખરેખર દીર્ઘદ્રષ્ટિ રાખીને આ પેલેસ બનાવ્યો છે. પેલેસમાં દરબાર હોલ, શસ્ત્રાગાર, હાથી હોલ જેવા મોટા વિભાગો છે! ગ્રાઉન્ડ ફલોર સાથે ત્રણ માળ છે. આખા પેલેસની લાદીમાં સફેદ આરસપહાણ વાપરવામાં આવ્યા છે. વિવિધ રંગની કટકીને ચોંટાડીને ચિત્રો બનાવેલાં છે. આ કળાને દૂરથી જોતાં રંગના મિશ્રણથી ચિત્ર બનેલાં હોય એવો ભાસ થાય છે, પણ સાવ નજીકથી નીરખતાં ખ્યાલ આવે કે કાચની રંગીન કટકીમાંથી ચિત્રો બનેલાં છે.

લક્ષ્મી વિલાસ પેલેસના બાંધકામમાં ધર્મ પણ છે અને કળા પણ છે. કાચમાં અંગ્રેજીમાં S.R.G. અંકિત થયેલું એકસાથે જોવા મળે છે. આ તેનું સિમ્બોલ છે. એક વિભાગમાં પિલરમાં હાથીનાં મોઢાં જોવા મળે છે. આથી તેને હાથી હોલ કહેવામાં આવે છે! દરબાર હોલમાં જે મુખ્ય બાબત પર ચર્ચા કરવાની હોય તેની પ્રાથમિક ચર્ચા અહીં કરાતી. પેલેસનો ખૂબ જ વિશાળ ભાગ દરબાર હોલમાં છે, જેની લંબાઈ 95 ફૂટ, પહોળાઈ 44 ફૂટ અને ઊંચાઈ 50 ફૂટ હોવા છતાં એને કોઈ પણ જાતનો ટેકો નથી, જે દરબાર હોલની મુખ્ય વિશેષતા છે.

દરબાર હોલની છતમાં આઠ ઝુમ્મર છે. છતની ચારે બાજુ 600 લેમ્પ છે. છતમાં વેનિસ પદ્ધતિનું પેઇન્ટિંગ છે. ચારે બાજુ સીસમના લાકડાથી બનેલા ઝરૂખા ખૂબ જ બારીક નકશીકામથી શોભે છે. આ ઝરૂખામાં રાજવી ઘરાનાની સ્ત્રીઓ બેસતી હતી. નીચેના ભાગેથી પુરુષો સ્ત્રીઓને ન જોઈ શકે, પણ સ્ત્રીઓ દરબાર હોલની અંદર બધાને નિહાળી શકે એવી સુવિધા ઝરૂખામાં છે. વિશાળ સિંહાસન પર રાજા બિરાજમાન થતા. આવો ભવ્ય મહેલની કલા, શિલ્પો જોવા ચોક્કસ આવજો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button