મગજ મંથન : વ્યવહારલક્ષી શિક્ષણ મેળવવા શું કરવું ?

- વિઠ્ઠલ વઘાસિયા
ગયા અઠવાડિયે આપણે વ્યવસાયલક્ષી શિક્ષણની વાત કરી…. આજે વ્યવહારલક્ષી શિક્ષણની વાત કરીએ. એને આપણે ‘જીવનલક્ષી’ શિક્ષણ પણ કહી શકીએ.
આ શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ ‘સંસ્કાર સિંચન’નો છે. આ પ્રકારના શિક્ષણમાં પહેલાથી નક્કી કરેલા અભ્યાસક્રમ નથી હોતા, પણ શિક્ષકના અનુભવ એ વિદ્યાર્થીનો અભ્યાસક્ર્મ બને છે. આ પ્રકારના શિક્ષણની શરૂઆત કુટુંબથી થાય છે, માટે માતા-પિતા, દાદા-દાદી તરફથી મળતો સંસ્કાર વારસો વિદ્યાર્થીના જીવન ઘડતરનો પાયો બને છે. આથી કુટુંબના સભ્યોને આ પ્રકારના શિક્ષણના શિક્ષકો કહી શકાય.
માતા-પિતા તરફથી મળતાં નીતિના બોધપાઠ જીવનમાં બહુ મોટું કામ કરે છે. આમાં, વળી માતાનો તો મુખ્ય ફાળો હોય છે.. કદાચ એટલે જ કહ્યું એ કે ‘એક માતા સો શિક્ષકોની ગરજ સારે.’ માતા હંમેશાં વ્યવહારલક્ષી શિક્ષણ આપે છે. દાદા-દાદી વાર્તાઓ કહીને બાળકની કલ્પના શક્તિનો વિકાસ જે રીતે કરી શકે છે તે આજની કાર્ટૂન ફિલ્મોથી થઈ શકતો નથી. પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા, માનસિકતા, શક્તિ- એ બધું કુટુંબના વડીલો પાસેથી મળે છે. સદાચાર, સદગુણ અને સભ્યતા વગર કોઈ પણ પ્રકારનું શિક્ષણ અધૂરું છે. વ્યવસાયલક્ષી શિક્ષણ વડે પ્રાપ્ત થયેલી બુદ્ધિથી આપણે તો એટલા આગળ નીકળી ગયાં છે કે સંયુક્ત કુટુંબો હવે ટીવી સિરિયલોમાં જ જોવા મળે છે! હવે તો દરેકની એક ‘પ્રાઈવેટ’ લાઈફ હોય છે અને દરેક કપલને સ્વતંત્રતા જોઈએ છે. આ બધાને પરિણામે જીવનલક્ષી અભ્યાસના મૂળ કપાઈ ગયાં છે અને લોકો મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માંડ્યા છે, એ બેવકૂફીની ચરમસીમા છે. ઘણાં બાળકોનો ઈંચ અત્યારે ખૂબ ઊંચો છે, પણ એમને ક્યાં, શું બોલવાનું એનો વિવેક નથી. તેનું કારણ વ્યવહારલક્ષી શિક્ષણનો અભાવ છે. કુટુંબીજનો દ્વારા જો આ પ્રકારનું વ્યવસ્થિત શિક્ષણ મળે તો જીવનની દિશા બદલાઈ જાય. આ પ્રકારના શિક્ષણનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી, તેમજ આ શિક્ષકોનું ઋણ કદાપિ ચૂકવી શકાતું નથી.
આ પણ વાંચો: મગજ મંથન : આશાવાદી વ્યક્તિ કયારેય સંજોગો સામે હાર સ્વીકારતો નથી
બીજું, જીવનલક્ષી શિક્ષણ પુસ્તકોથી પ્રાપ્ત થાય છે. પુસ્તકો જેવો કોઈ મિત્ર નથી તથા તેમના જેવો કોઈ સાથી નથી. પુસ્તકો એક અ-વેતન શિક્ષકની ગરજ સારે છે.. સારાં પુસ્તકોનું વાચન વ્યક્તિમાં ચોક્કસ ચરિત્રનું નિર્માણ કરી શકે. મહાપુરુષોની આત્મકથા અને એમના અનુભવો કેટલાયનાં જીવન અજવાળી શકે. ગમે તેટલી વ્યસ્તતામાંથી સમય કાઢીને આપણે થોડો સમય પુસ્તકો સાથે વિતાવવો જોઈએ. પુસ્તકથી ડિપ્રેશન આદિ રોગો દૂર થાય છે. તમામ પૂર્વગ્રહોથી મુક્ત બનીને, પોતાનું જ્ઞાન એક બાજુએ મૂકીને, લેખકની શૈલીથી પુસ્તક વાંચવું જોઈએ અને તેમાંથી યોગ્ય લાગે એટલા સદવિચાર ગ્રહણ કરવા જોઈએ. પુસ્તકો મનોરંજનથી લઈને મનોવિકાસ સુધીના કામ એકલા હાથે કરી શકે એમ છે. યુવાનોએ વ્યવહારલક્ષી શિક્ષણ મેળવવા માટે નીતિનાં પુસ્તકોનું વાચન શ્રેષ્ઠ છે.
અત્યારે આપણે મોબાઈલ તરફ આંધળી દોટ મૂકી છે. પરિણામે પુસ્તકો તરફથી પ્રાપ્ત થતા વારસાથી વંચિત રહી ગયા છીએ. મોબાઈલ વ્યક્તિમાં સંસ્કાર સિંચન કરી શકતો નથી. એ તો ફક્ત મનોરંજનનું જ માધ્યમ છે. જ્યારે પુસ્તકો મનોરંજનની સાથે સાથે વ્યક્તિને મનોમંથન પણ કરાવે છે.
આ પણ વાંચો: મગજ મંથન : સફળતાની સીડીનાં ત્રણ પગથિયાં: પ્રેરણા-પ્રોત્સાહન ને પ્રયાસ
વ્યવહારિક જ્ઞાન મેળવવા માટેનો ત્રીજો માર્ગ ‘સંગ’ છે. આપણે ત્યાં ગુજરાતીમાં ‘જેવો સંગ તેવો રંગ’ એમ કહેવામાં આવે છે. ‘સંગ’ શબ્દના ઘણા અર્થો કરી શકાય. ઘણી વાર વ્યવહારલક્ષી શિક્ષણ મિત્રો પાસેથી પણ પ્રાપ્ત થતું હોય છે. સારો સંગ કરવાથી વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગી જાય છે. સારા મિત્રો પોતાના અનુભવથી બીજા મિત્રનું સંસ્કાર સિંચન કરે છે. સંગની મનુષ્યના વિચારો પર સીધી અસર થાય છે અને વિચારો જ તો મનુષ્યનું ઘડતર કરે છે!
સુસંગ પણ એક શિક્ષકનું કામ કરે છે અને જીવનનું શિક્ષણ આપે છે. કોઈને આ શિક્ષણ ‘અનુભવ’થી પ્રાપ્ત થાય છે, કોઈને ‘સેવા’થી, કોઈને ‘દેશ વિદેશના પ્રવાસો’થી પણ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ ઘટના, કોઈ પ્રસંગ અથવા કોઈ વ્યક્તિ શિક્ષકના રૂપમાં નિમિત્ત બની જાય છે.
આ પણ વાંચો: મગજ મંથન: ઈશ્વર સાથે જોડાવાનું સબળ સાધન છે : પ્રાર્થના
વ્યવહારલક્ષી શિક્ષણ વગર વ્યવસાયલક્ષી શિક્ષણ અધૂરું છે. વળી, આ પ્રકારનું શિક્ષણ જીવનભર ચાલતું રહે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘જીવન એક પાઠશાળા છે.’ બંનેનો સમન્વય આપણા જીવનને ઉજાગર કરી શકે. જેમણે જ્ઞાનમાર્ગ સુધીની યાત્રા કરવાની હોય એમણે વ્યવહારલક્ષી પગદંડી પર ગયા વગર છૂટકો નથી. અર્વાચીન યુગમાં શિક્ષણની આ પરિભાષા સમજવી આપણે ખૂબ જરૂરી છે.