ઔર યે મૌસમ હંસીં… : નવા વર્ષમાં શીખવા જેવું લેશન: આર્ટ ઓફ વોર...
ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : નવા વર્ષમાં શીખવા જેવું લેશન: આર્ટ ઓફ વોર…

દેવલ શાસ્ત્રી

જે રીતે દેશ-દુનિયા અને સામાજિક કોર્પોરેટ જગતમાં ઝડપભેર બદલાવ થઇ રહ્યા છે એ જોતા એક પુસ્તકનો નિયમિત અભ્યાસ થવો જોઈએ. અઢી હજાર વર્ષ પહેલાં એક પ્રખર ચીન યોદ્ધા સુન ત્ઝુ દ્વારા આલેખાયેલા ‘આર્ટ ઓફ વોર’ નામનું એક નાનકડું પુસ્તક વાંચવા જેવું છે. એના પ્રથમ પ્રકરણમાં જ અસ્તિત્વના જંગમાં કેવું આયોજન હોવું જોઈએ એ વાતે સન ત્ઝુ કહે છે કે યુદ્ધ જીતવા માટે પાંચ મુખ્ય તત્ત્વનું વિશ્લેષણ કરવું જરૂરી છે: મોરલ લો, હેવન, અર્થ, કમાન્ડર એન્ડ મેથડ એન્ડ ડિસિપ્લિન…

આખા પુસ્તકનો પહેલો નિયમ જ નૈતિકતાથી શરૂ થાય છે. નેતા જાહેરજીવનમાં એટલો નીતિવાન હોવો જોઈએ કે પ્રજા એના પર ભરોસો મૂકે સરદાર પટેલની એક હાકલ પર રજવાડા રાજ છોડી દે એ નૈતિકતા હોય કે પછી ધીરુભાઈ પર ભરોસો મૂકતો શેર હોલ્ડર હોય કે પછી મારી-તમારી નોકરી ધંધા અને પરિવારના નેતાની લીડરશિપ પર મૂકતો ભરોસો જીત હંમેશાં ભરોસાની જ થશે. તમારા સાથીઓને ભરોસો નહીં હોય તો એ જંગ જીતવી મુશ્કેલ છે.

હેવન એટલે એવાં પરિબળ. જે તમારા હાથમાં નથી. પછી એ વાવાઝોડું હોય કે દુનિયાના માર્કેટમાં થતી અફડાતફડી આ પરિબળોની ગણતરી કરતાં રહેવી અને ફાયદો લઇ શકાય એવી સ્ટ્રેટેજી બનાવવી.

મટિરિયલ સપ્લાય કરતી વખતે આપણે કહીએ કે ‘શું થાય ખૂબ વરસાદ હતો…’ તો એ ભૂલ આપણી છે. કોર્પોરેટ જગતમાં ભૂલની માફી માટે એક જ નિયમ છે, બહાર નીકળો એટલે જ સન ત્ઝૂ કહે છે, દરેક યુદ્ધ લડાઈ પહેલાં જ જીતાઈ કે હરાઈ જતું હોય છે.

ત્રીજું પરિબળ એટલે ધરતી… તમારી પાસે સંસાધનો કેટલાં છે, બજારમાં ટકવા તમે કેટલા સક્ષમ છો ફરીથી તમારી ધરતી મીન્સ કોર્પોરેટ જગત બહુ ક્રૂર હોય છે, તેના પર પગ મૂકતા પહેલા વિચારજો. ફક્ત સોશ્યલ મીડિયા કે અધૂરી માહિતીઓના આધારે માહોલ નક્કી કરવો નહીં.

ચોથી વાત કમાન્ડરની છે. કમાન્ડર એ લીડરની ક્ષમતાઓ માટે છે. સન ત્ઝૂ કહે છે કે લીડરમાં પાંચ ગુણ હોવા જોઈએ: બુદ્ધિ, વિશ્વાસપાત્રતા, માનવતા, જોખમ લેવાની હિંમત અને ડિસિપ્લીન. તમારી પાસે આ બધું છે તો પછી ટકી રહેવા માટે તમે કેવી મેથડનો ઉપયોગ કરશો એ અંતિમ ક્વોલિટીની વાત છે.

કોર્પોરેટ જગત માટે પહેલા જ પ્રકરણમાં શાનદાર વાત કરી છે: જો તમે આક્રમક છો તો લડાઈને જેમ બને તેમ ઝડપભેર જીતવાનો પ્રયાસ કરો અને તમે સંરક્ષક છો તો સામાને થકવી નાખે એટલી લડાઈને લંબાવો હરીફ આપોઆપ ભાગી જશે.

કોર્પોરેટ જગતમાં ઝડપી માર્કેટ કબ્જે કરવું, ધીમે ધીમે તાકાત વધારવા જશો તો દશ હરીફો પેદા થશે. સુન ત્ઝુ કહે છે: ‘દુશ્મનના દેશને અખંડિત કબજે કરવું શ્રેષ્ઠ છે. તેને તોડી નાખવું નહીં.’ અને હા, લડાઈ વગર દુશ્મનને ભ્રમમાં નાખીને જીતતા શીખવું એ સૌથી મોટી કળા છે હરીફના સપ્લાય જેવા માર્કેટ પર કબ્જો જમાવવો.

સરવાળે જીતને તમારું મુખ્ય લક્ષ્ય બનાવો, લાંબા થકવી નાખે તેવા અભિયાનને નહીં એટલે જ કહે છે કે, જગતના બધા યુદ્ધ છેતરપિંડી પર આધારિત છે અને દુશ્મનને ભ્રમમાં રાખવા જોઈએ, જેમ કે તમે નબળા હો ત્યારે મજબૂત દેખાવો અને મજબૂત હો ત્યારે નબળા…

કોર્પોરેટ જગતમાં તમારી તાકાત તમારા હરીફ કરતાં દસ ગણી હોય તો માર્કેટનો મોટો હિસ્સો ખૂંચવી લો, પાંચ ગણી હોય તો જબરજસ્ત હરીફાઈ આપો, પરંતુ જો સમાન હો તો ટક્કર આપો અને તમે હરીફ કરતાં નબળા હો ને તો લડવા જશો તો જે છે એ પણ ગુમાવશો!

માટે સન ત્ઝૂ કહે છે: પાણીની જેમ બનો, પરિસ્થિતિ અનુસાર માર્ગ બદલતા રહેવું. અર્થાત્ તમે લડત હારવાના હો તો ફટાફટ માર્ગ બદલી નાખો. પરિસ્થિતિ જોઈને કોઈપણ પ્રકારનું અભિમાન રાખ્યા વગર સતત બદલાવની તૈયારી રાખો તો જ ટકી શકાય.

સન ત્ઝૂ નવ પ્રકારની વિષમ પરિસ્થિતિઓનું વર્ણન કરે છે: (1) પોતાની માર્કેટની તૈયાર ભૂમિ પર લડવું, (2) સ્ટેબલ માર્કેટ પરની લડાઈ (3) હરીફાઈથી ભરપૂર માર્કેટની ભૂમિ પર જંગ, જ્યાંથી તમે શેર છીનવી લેવા માગો છો (4) કોઈ પડદા પાછળ છુપાયા વગર માર્કેટ શેર માટે ખુલ્લમખુલ્લા લડી લેવું (5) વિવિધ માર્ગ ભેગા થતા હો એવા કન્ફયુઝડ માર્કેટમાં શેર મેળવવા લડવું

(6) તમે ધારો છો એના કરતા અતિશય મજબૂત હરીફાઈની માર્કેટમાં ટકવાની લડાઈ (7) ક્રૂર કોર્પોરેટ જગતની મુશ્કેલ ભૂમિ (8) જ્યાં તમે ફસાયેલા છો એ દુનિયામાંથી બહાર નીકળવાની લડાઈ અને અંતિમ લડાઈ એટલે જ્યાં અસ્તિત્વ માટેનો જંગ છે, જીવન-મરણના અંદેશા વચ્ચે લડવું આખી વાતનો બોધપાઠ એટલો જ છે કે પરિસ્થિતિને જાણ્યા પછી તમારી વ્યૂહરચના બનાવો. દરેક માર્કેટ અને પરિસ્થિતિ માટે અલગ રણનીતિ અપનાવો.

સુન ત્ઝુનું ‘આર્ટ ઓફ વોર’ કહે છે કે માર્કેટ મેળવવા જબરદસ્ત હરીફાઈ કરો પણ એ હરીફાઈના અંતે ટકી રહેવાની તાકાત રાખજો., નહીંતર એ આગ તમને જ ભરખી જશે અંતિમ અધ્યાયમાં લેખક એક જ વાત પર મહત્ત્વ આપે છે કે માહિતીની શક્તિ પર ધ્યાન આપો. પછી માહિતીનો ઉપયોગ અને વિશ્લેષણ કરીને ઉપયોગ કરતા શીખો.

માહિતી એકઠી કરવાથી કલ્યાણ નહીં થાય પણ આ ખર્ચાળ વિષય માટે ઇન્વેસ્ટમેન્ટ-રોકાણ કરો ક્રૂર દુનિયામાં ટકી રહેવું હોય તો સાથીઓ તેમ જ કર્મચારીઓની માનસિક તંદુરસ્તી માટે ટ્રેનિંગથી માંડીને ટકવા તેમ જ લડવા સુધી તૈયાર કરો-અને અંતે, શ્રેષ્ઠ જીત એ છે જે લડ્યા વિના મળે જ્યાં દુશ્મન મજબૂત હોય ત્યાં બચો, જ્યાં નબળો હોય ત્યાં પ્રહાર કરો કોર્પોરેટ જગતમાં ઊંચી જગ્યાએ બેસીને પ્રહાર કરો.

ધ એન્ડઃ
જગતની બધી માહિતી, લડાઈ અને માર્કેટની હરીફાઈઓ છેતરપિંડી પર આધારિત છે નેતાએ પોતાના લોકો માટે નૈતિક રહેવું પણ લડાઈમાં જીત માટે બધા રસ્તા અજમાવવા. ફરીથી જિંદગી એ શીખવા જેવી આ ‘આર્ટ ઓફ વોર’ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button