ઔર યે મૌસમ હંસીં… : જિંદગીના રંગના આલિંગનની કવિતા: સૂર્યાસ્ત…

દેવલ શાસ્ત્રી
આપણી આસપાસની માન્યતાઓ તેમ જ સાંભળવા મળતી વાતોમાં `સવાર’ નવી આશા અને જીવનમાં ઉમંગ લઈને આવે છે. બીજી તરફ, આપણા મોટાભાગના સાહિત્ય અને સિનેમાએ સાંજને ઉદાસી, વિરહ અને એકલતા સાથે જોડી દીધી છે.
જાણે કે સૂર્યાસ્ત માનવીના જીવનની ક્ષણભંગુરતાની વાત કરતો હોય છે. સૂર્યનું અસ્ત થવું જીવનના અંતનું પ્રતીક બની ગયું છે, સૂર્યાસ્ત જોતા વ્યક્તિ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પર ચિંતન કરવા લાગે છે.
માણસ સૂર્યાસ્તના રંગો અને પ્રકૃતિની અદાઓથી માણે તો પોતાના તણાવને મુક્ત કરીને આંતરિક શાંતિનો અનુભવ કરી શકે છે સનસેટ વખતે આકાશમાં જોવા મળતા દરેક રંગ, પવન અને પક્ષીઓના અવાજ પર ફોન અને વ્યસ્તતાથી દૂર રહીને શાંતિથી સનસેટનો અનુભવ કરશો તો અલગ અનુભૂતિ થશે.
આપણે હિલ સ્ટેશન પર ફરવા જઈએ છીએ ત્યારે ફરવા માટે કોમન પોઈન્ટનું નામ સાંભળીએ છીએ: `સનસેટ પોઇન્ટ.’ વેકેશન માણવા નીકળ્યા છીએ તો સનસેટ પોઇન્ટની ફોર્મલ મુલાકાત લેવી જોઈએ એવી વાતને મગજમાંથી કાઢીને એકવાર શાંતિથી સનસેટ થતો જોશો તો સમજાશે કે પ્રકૃતિનું સૌંદર્ય કોને કહેવાય.
શહેરી વિસ્તારમાં પ્રદૂષણ વધુ હોય તો સનસેટ વધુ વાઇબ્રન્ટ અને લાલ દેખાય છે, કારણ કે મોટા રજકણો પ્રકાશને વધુ વિખેરી નાખે છે, જ્યારે હિલ સ્ટેશનના શુદ્ધ હવાવાળા વિસ્તારોમાં પ્રકાશના કિરણો હળવા અને સોફ્ટ હોય છે.
સનસેટ પોઇન્ટ પર પર્વતો જાણે વિદાય થતાં સૂર્યને આલિંગન આપી રહ્યા હોય અને સૂર્ય ધીમે ધીમે લાલાશ પકડીને પશ્ચિમના ક્ષિતિજ તરફ ઢળી રહ્યો હોય છે. એવું લાગે કે પંખીઓની ઉડાન વચ્ચે આકાશ એક વિશાળ કેન્વાસ બની જાય છે. સૂર્યના કિરણો નારંગી, લાલ અને સોનેરી રંગોના તરંગોમાં ફેલાવા લાગે છે. કોઈ ચિત્રકારે સૂર્યાસ્ત સાથે આકાશને રંગોની મહેફિલથી સજાવ્યું હોય એવું લાગે.
વિચાર તો કરો કે પૃથ્વી પર વાતાવરણ ન હોત તો સનસેટના રંગો જ ન હોત. સૂર્ય સફેદ અને તીવ્ર દેખાતો હોત અને તે અસ્ત થાય એટલે સીધો અંધકાર થઇ જાત. સનસેટ જોવો એ માત્ર એક દૃશ્યનો આનંદ નથી, પરંતુ એવો અનુભવ છે, જે મન, શરીર અને આત્માને સ્પર્શી શકે છે. સાથીનો હાથ પકડીને સનસેટ માણો તો જીવનના રોમાન્સની બેલેન્સશીટ લાઈફટાઈમ પ્રોફિટેબલ જ લાગશે.
ટાગોરે તો અવારનવાર કહ્યું છે કે સૂર્યાસ્ત તો પ્રકૃતિની દિવ્ય કવિતા છે. ખામોશી સાથે સૂર્યાસ્ત માણવા ખામોશીનું જ અદ્ભુત ગીત યાદ કરો તો સૂર્યાસ્તની કિમત સમજાશે, વો શામ કુછ અજીબ થી યે શામ ભી અજીબ હૈ, વો કલ ભી પાસપાસ થી વો આજ ભી કરીબ હૈ’.
આપણા બાબુમોશાયનું સાંજ માટેનું અદૃભુત નજરાણું એટલેકહીં દૂર જબ દિન ઢલ જાયે, સાંઝ કી દુલ્હન બદન ચુરાયે’ સિનેમાએ સાંજ માટેની અદ્ભુત રચનાઓ સાથે જોડીને રંગીન બનાવી છે.
પ્રેમ અને વિરહની વેદના સાથે સાંજને જોડીને યાદગાર ગીતો આપ્યા છે. ચિત્તચોર’ ફિલ્મનું ગીત દરેક સાંજ પર ગણગણવાનું મન થાય,જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના’થી માંડીને કટી પતંગ’નું તોફાની ગીતયે શામ મસ્તાની મદહોશ કીએ જાએ’
ગુલઝારની કલમે લખાયેલું અને મુકેશ તેમ જ જગજિતના સ્વરે ગવાયેલું ગીત યાદ કરો એટલે સાંજની ખુશ્બૂને ભાવાંજલિ આપી એવું કહેવાય, `શામ સે આંખ મેં નમી સી હૈ, આજ ફિર આપકી કમી સી હૈ’ કોઈકવાર સાંજના નશીલા ગીતોનું કલેક્શન ભેગું કરીને સૂર્યાસ્તની સવારીને યાદગાર કરી શકાય, આપણે ત્યાં સાંજ માટે પ્રાર્થનાઓની પરંપરા પણ હતી.
1988માં આવેલી ક્લાસિક ફિલ્મ કયામત સે કયામત તક’માં સનસેટ જ કથાને આગળ વધારે છે. આમીરખાન સાંજના સમયે માઉન્ટ આબુમાં દોડવા નીકળે છે અને જુહી ફોટા પાડે છે. એક મસ્ત ડાઈલોગ કહે છે,ડૂબતે હુએ સુરજકી કિરણોમેં હર ખૂબસુરત ચીજ ઔર ભી ખૂબસુરત લગતી હૈ’
સ્ક્રીન પર આકાશ પ્રેમના રંગોથી ભરાઈ જાય છે અને સૂર્યાસ્તની વેદના વચ્ચે બન્નેની હત્યા થાય છે અને પાપા કહેતે હે બડા નામ કરેગા’ સાથે ફરી એક ડાયલોગ યાદ આવે છે,ડૂબતે હુએ સૂરજને હમેં પહેલીબાર મિલાયા થા દેખ લેના, યહી ડૂબતા હુઆ સૂરજ હમેં એક દિન હંમેશાં કે લિયે મિલા દેગા’.
`શોલે’ જેવી હિંસાત્મક ફિલ્મના અંતિમ દૃશ્યમાં જયા બચ્ચનના દર્દને વધુ વાસ્તવિક દર્શાવવા સૂર્યાસ્ત પોતાનો રોલ ભજવી જાય છે. અલગ અલગ જગાઓ પર સનસેટની વિશેષતાઓ પણ અલગ હોય છે. રણમાં સૂર્યાસ્ત તેજસ્વી લાગે છે.
ખેતરોમાં તે વિશાળ અને ગરમ લાગે છે, પર્વતોમાં નટખટ અને શાંતિનો અનુભવ કરાવે છે. આજ સનસેટ દરિયામાં રોમેન્ટિક લાગે છે, તમે વાહન ચલાવતા હો અથવા ટે્રનમાં હો ત્યારે સૂર્યાસ્ત પણ મોસમમાં પ્રતિપળ બદલાતો હોય એવું લાગે. જો કે યુરોપ સહિત ઘણા દેશોમાં સનસેટ સાથે ફૂડની રેન્જ અને ડ્રિંક્સની પરંપરા છે, ભારતીય પરંપરામાં સમયસર ડિનર લેવાના રિવાજને કારણે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં વિશાળ રેન્જ છે.
દુનિયાભરના મનોચિંતકો માને છે કે સનસેટ સમયને યાદગાર બનાવવો જોઈએ. શેરશાયરીઓ વચ્ચે ખડખડાટ હસતાં-ખાતાં મિત્રો, પરિવાર કે પ્રેમી સાથે ગાળવામાં આવે તો એ સાંજ આજીવન યાદગાર બને છે. હજુ એવી સાંજ માણવાની બાકી હોય તો એકવાર દોસ્તોને ભેગા કરજો.
આપણે ત્યાં સનસેટના ફોટા પાડવા માટે એસ્થેટિક સેન્સ સૌન્દર્યલક્ષી વિભાવના ઓછી છે, સૂર્યાસ્તના ફોટા પાડવા હોય તો સૂર્યાસ્તના 30-45 મિનિટ પહેલાં સ્થળ પર પહોંચીએ તો લાઈટ પૂરતી હોય છે અને શ્રેષ્ઠ શોટ્સ લેવા માટે પૂરતો સમય મળે છે.
ગોલ્ડન અવર એટલે કે સૂર્યાસ્તની આસપાસનો સમય અને બ્લુ અવર મીન્સ સૂર્યાસ્ત પછીનો હળવા પ્રકાશ સાથેનો સમયના ઉપયોગ સાથે શ્રેષ્ઠ ફોટા પાડી શકાય છે. ફોટા પાડતી વેળા કમ્પોઝિશન કેવી રીતે કરાય એ માટે કંઈ કેટલાઓએ જિંદગી હોમી દીધી છે, એમની પાસેથી શીખજો.
સૂર્યાસ્તના સમયે યાદગાર ફોટા લેવા સફેદ, ઓફ-વ્હાઈટ કે ક્રીમ રંગના કપડાં રોમેન્ટિક લૂક આપે છે. યુવતીઓને હળવાં ઓર્નામેન્ટ સાથે મેક્સી, સ્કર્ટ કે શિફોન સાડી, ફ્લોરલ, બોહેમિયન કે ગુજરાતી બાંધણી કે એમ્બ્રોઇડરી જેવા કલરફુલ ડે્રસ પ્રકૃતિના દૃશ્ય સાથે સુંદરતામાં વધારો કરે છે. ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી પહેરીને એક સાંજ યાદગાર ઉજવી શકાય.
સનસેટને યાદગાર બનાવવા માટે ક્યારેક ગમતાં કપડાં પહેરીને મસ્ત મજાની વાતોની પિકનિક ગોઠવતા રહેવી. સુખની આ ક્ષણોમાં સનસેટ જાતે જ કવિતા બની જાય છે. સૂર્યાસ્તને જુઓ- માણો, અનુભવો અને તમારા હૃદયમાં સાચવો. સૂર્યાસ્તનો જલસો તમારી યાદોનો ગુલદસ્તો બની જશે.
ધ ઍન્ડ:
સૂર્યાસ્ત માટે આપણે હંમેશાં ઇચ્છતા હોઈએ છીએ કે સૂર્ય ડૂબે નહીં. હંમેશાં એ ક્ષિતિજ પર જ ટકેલો રહે, ના ક્ષિતિજની ઉપર કે ના ક્ષિતિજની નીચે. (મેહમત મૂરત ઇલદાન)
આ પણ વાંચો…ઔર યે મૌસમ હંસીં… : દાદર- પ્રાચીન યુગના રહસ્યોથી આધુનિક વૈભવ સુધીની શૈલી