ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : સ્પીકર ફોન ચાલુ કરીને વાતો કરવી કેટલી યોગ્ય?

  • દેવલ શાસ્ત્રી

મોબાઈલનો સ્પીકર ફોન ચાલુ કરીને વાત કરવી એ આધુનિક સમયની સુવિધા છે, પરંતુ તેના સાથે કેટલીક મહત્ત્વની વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જેથી અન્યને અસુવિધા ન થાય અને વાતચીતની ગોપનીયતા જળવાઈ રહે.

માણસજાતની દેખાડા કરવાની વૃત્તિ અથવા પોતે બીજાઓ કરતાં વિશેષ છે એટલું સિદ્ધ કરવા માટે સામી વ્યક્તિની પરવાનગી વગર સ્પીકર ફોન પર વાતો કરતો હોય છે. સામાન્ય સંજોગો માં સ્પીકર ફોન પર વાત કરવી હોય તો વાત કરનારની સંમતિ હોવી જરૂરી છે, પણ યહાં કૌન કીસ કી સુનતા હૈ?

આપણી પાસે મોબાઈલ આવી ગયો પણ તેના એટીકેટ મહદઅંશે પહોંચ્યા નથી. ત્રણ દાયકાથી મોબાઈલનો વપરાશ કરીએ છીએ ત્યારે આ વિષય સાવ આઉટડેટેડ હોવો જોઈએ, છતાં સ્પીકર ફોનને લઈને આજે પણ ઠપકો આપવો પડે એવી સ્થિતિ હોય છે.

ઘણીવાર મિત્રોનો ફોન આવે એટલે થાય કે વાતમાં ખાનગી રાખવા જેવું કશું નથી અને અચાનક દોસ્તીના દાવે એ અપશબ્દ વાપરે ત્યારે મિત્રની બિનજરૂરી ઇમેજ પરિવારમાં ખરડાવવાનો આપણને અધિકાર હોતો નથી. ક્યારેક કોઈ એવી વાત નીકળી જાય જે બધા માટે જાણવી જરૂરી હોતી નથી, છતાં સ્પીકર મહત્ત્વના એટીકેટનો મુખ્ય ભાગ છે.

જ્યારે તમે સ્પીકર ચાલુ કરો છો તો સામેવાળી વ્યક્તિને તરત જ કહો કે હું સ્પીકર પર વાત કરી રહ્યો છું અથવા જો અન્ય લોકો હાજર હોય તો અમારી આસપાસ અન્ય લોકો છે… તેથી વાત સ્પીકર પર છે. આનાથી સામેવાળાને તેમની વાતની ગોપનીયતા વિશે જાગૃત કરી શકાય છે અને એ તે મુજબ વાત કરી શકે છે.

જો તમે કોઈની સાથે હો અને સ્પીકર પર વાત કરવા માગતા હો, તો બીજી વ્યક્તિને પરવાનગી પૂછવી જ જોઈએ. જો તમે જાહેરમાં હો તો બીજી વ્યક્તિને કહો કે તમે સ્પીકર પર છો અને અન્ય લોકો સાંભળી શકે છે, જેથી સામેવાળો વ્યક્તિગત વાતો ટાળી શકે.

ઘણા નિષ્ણાતો માને છે કે બિનજરૂરી સ્પીકર વાપરવું એ અસભ્ય છે. જો તમે વેહિકલ ચલાવતા હોય અથવા તમારો હાથ કોઈ કામમાં વ્યસ્ત ન હોય તો સ્પીકર બંધ રાખવું જોઈએ.

ઘણીવાર વ્યક્તિ એવું માનતી હોય છે કે સ્પીકર ફોન પર વાત કરવાથી લોકોની નજરમાં ખાસ બની શકે છે, હકીકતમાં મહદંશે કોઈને તમારી વાતમાં રસ હોતો નથી. જાહેર સ્થળો જેમ કે બસ, ટ્રેન, કાફે કે ઓફિસમાં સ્પીકર પર વાત કરવી ટાળો, કારણ કે તે આસપાસના લોકોને વિરોધ કરી શકે છે અને એમને તમારી વાતચીત સાંભળવી પડે છે જે એ ઈચ્છતા નથી.

સાથે એ પણ ખ્યાલ રાખો કે સ્પીકર પર વાત કરતી વખતે અવાજની ક્વોલિટી ખરાબ થઈ શકે છે, તેથી શાંત જગ્યાએ રહીને વાત કરવામાં પણ મજા આવશે. આપણે કોઈ આરજે કે સોશ્યલ મીડિયાના ઈન્ફ્લૂએન્સર નથી કે આપણી વાતોથી કોઈ ઈમ્પ્રેસ થાય. ઘણાને આદત હોય છે કે પોતે બધા કરતાં વિશેષ છે, મારે એક મીટિંગ ચાલે છે કે હું કોઈ અગત્યની મીટિંગની તૈયારી કરી રહ્યો છું વગેરે વાત બીજાઓની હાજરીમાં કરવી.

સાયકોલોજીની ભાષામાં જેને ‘નાર્સિસિઝમ’નું એક સ્વરૂપ ‘નાર્સિસ્ટિક’ પર્સનાલિટી ડિસઓર્ડરનું લક્ષણ છે. વ્યક્તિ અન્યની અસુવિધા પર ધ્યાન આપતા નથી અને તેમનું વર્તન ‘અસભ્ય’ લાગે છે. એ માની લે છે કે તેમની વાતચીત અન્યને બોર નહીં કરે, પરંતુ વાસ્તવમાં તે અન્યને ત્રાસ આપે છે. આ વર્તન ‘ઈગોસેન્ટ્રીઝમ એગોસેન્ટ્રિઝમ’નું પરિણામ છે, જ્યાં વ્યક્તિ પોતાની વ્યસ્તતા અથવા ઇમેજ પર એટલું ધ્યાન કેન્દ્રિત કરે છે કે અન્યની અસુવિધા ભૂલી જાય.

અગાઉ એક અમેરિકન સર્વેમાં 78 ટકા લોકોએ જાહેરમાં સ્પીકર વાપરવા પર નફરત વ્યક્ત કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે દર ચોથી વ્યક્તિને સ્પીકર ફોન પર વાત કરવી ગમે છે એવું પણ તારણ આવ્યું હતું.

કોર્પોરેટ જગતમાં આમ તો સ્પીકર પર વાત કરવી એ અસભ્યતા માનવામાં આવે છે, બીજા સાથીઓ ડિસ્ટર્બ થઇ શકે છે. આમ છતાં મીટિંગના ભાગરૂપે સ્પીકર ફોન પર વાત કરતાં હોઈએ તો હાજર રહેલી દરેક વ્યક્તિનો તેના હોદ્દા સાથે પરિચય કરાવવો જોઈએ.

બાકી કેટલાક તો જાહેરમાં સામી વ્યક્તિને એવા પ્રશ્ન પૂછે કે જેનો જવાબ આપવો પણ મુશ્કેલ બની જાય… ‘તું ફલાણાંને લગ્નમાં બોલાવવાનો છે કે નહીં’ જેવા સવાલ કે પછી અંગત જીવનને લગતા સવાલ પૂછીને શરમમાં નાખવાની મજા અમુક નમૂના માણે છે.

સામાન્ય સંજોગોમાં સ્પીકર ફોન પર વાત કરતી વેળાએ કમસેકમ દશ ફૂટનું અંતર રાખવાની ટેવ પાડવી જોઈએ. સ્પીકર ચાલુ રાખવાની કેટલાય લોકો મજા લેતા હોય છે એવી રીતે એક અલગ વર્ગ છે જે કોઈક અજ્ઞાત મનોવૈજ્ઞાનિક કારણોસર સ્પીકર ફોનથી ડરતો હોય છે. કોઈ વ્યક્તિ સ્પીકર ફોન પર વાત કરતી જોઈને ગુસ્સે થઇ જતી હોય છે.

આવી વ્યક્તિને મુખ્યત્વે ક્રોનિક કમ્પ્લેઈનર અથવા હાઈપર-ક્રિટિકલ પર્સનાલિટી કહેવાય છે, જેમાં એ અન્યના વર્તન અને એટીકેટની ભૂલો પર સતત ફોકસ કરે છે અને તેની ફરિયાદ કરતા રહે છે. સરળ શબ્દમાં સતત ફરિયાદ કરતી વ્યક્તિને સાયકોલોજીમાં પર્સનાલિટી ટ્રેઈટ તરીકે જોવામાં આવે છે, જેમાં એ અન્યના વર્તનને પોતાને પસંદ હોય એ રીતે ફિક્સ કરવા માગતા હોય છે.

બીજાની ભૂલની ફરિયાદ કરતા રહેવું એ પણ સમસ્યારૂપ છે. મોબાઈલ યુગમાં આવી ભૂલોને એક બે વખત ટોક્યા પછી માફ કરવાની અથવા એ તરફ બેધ્યાન રહેવાની આદત લોકોએ કેળવવી જોઈએ.

સ્પીકર ફોનની સમસ્યા વીડિયો કોલ કરતી વેળા વધુ સતાવતી હોય છે. વિદેશથી સંતાનનો ફોન આવે એટલે હરખપદૂડા માતા-પિતા જાહેરમાં ઠપકો આપવા કે અંગત વાતો કરવા લાગે છે. રેસિપીની ચર્ચાઓ બીજા સાંભળે એ રીતે કરે છે, જેથી બીજાઓને પોતાના સંતાન વિદેશમાં છે એ ખબર પડે. કેટલાક લોકોને અર્ધજાગૃતપણે એવું લાગે છે કે એ પોતે જ એકલા દુનિયાના કેન્દ્રમાં છે અને તેમની વાતચીત સૌથી મહત્ત્વપૂર્ણ છે.

ધ એન્ડ
કેટલાક લોકોને લાગે છે કે જો પોતે મોટેથી નહીં બોલે તો સામેવાળી વ્યક્તિને સંભળાશે નહીં…

આપણ વાંચો:  શરદ જોશી સ્પીકિંગઃ પૂનમની રાત ને પગારની વાત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button