શરદ જોશી સ્પીકિંગ: અથ શ્રી ગણેશાય નમ: પણ વિષય શું છે? ઉંદર કે ગણેશજી?

- સંજય છેલ
શ્રી ગણેશાય નમ:
વાત ગણેશજીથી શરૂ કરીએ એટલે ધીમે ધીમે એ ઉંદર સુધી પહોંચી જશે અથવા તો ઉંદરથી શરૂ કરીએ, જે પછી આપોઆપ ગણપતિ દાદા સુધી પહોંચી જશે. કાં તો પછી લખવા-વાંચવા વિશે ચર્ચા માંડવામાં આવે. શ્રી ગણેશ
જ્ઞાન ને બુદ્ધિના દેવતા છે એટલે જ બુદ્ધિશાળી હોવાને લીધે એ એકલા પડી જતા હશે. સૌથી પહેલાં એ જ પૂજાય છે ને સૌથી આખરે પાણીમાં પધરાવવામાં આવે છે. ટૂંકમાં, વાંચવા-લખવા ને વિદ્યા વગેરેની લપ છોડીને આપણે શ્રી ગણેશની કથા પર ડાયરેક્ટલી આવી શકીએ છીએ.
-પણ વિષય શું છે? ઉંદર કે ગણેશજી? શું છે કે આ દેશમાં હરી ફરીને વિષય એક જ હોય છે. ગરીબી….બધા વિષય એમાંથી જ જન્મે છે . નબળી કવિતા લખો કે મહાન નવલકથા એમાં મોટેભાગે વાત તો એની એ જ હશે. ગરીબી હટાઓ'વાળાં ગરીબી હટાવવાની વાતો કરતા રહ્યા, પણ એમણે એ ન વિચાર્યું કે જો ગરીબી હટી ગઈ તો લેખક લખશે કયા વિષય પર? એ લોકોને એમ લાગ્યું કે લેખક લોકો
ગરીબી હટાઓ’ના વિરોધમાં છે! તો પછી એના પર ઊતરી આવ્યા કે ચાલો, સાહિત્યને જ હટાવો! પણ એ નહીં હટે. એ તો શ્રી ગણેશથી શરૂ થયું છે. એના જ એમના આદિ દેવ છે.
`રિદ્ધિ-સિદ્ધિ’ આસપાસ ભલે હોય પણ વચ્ચે લેખનનું કામ ચાલે રાખે છે. ઉંદર, પગ પાસે બેઠો રહે છે. લખાણ નબળું કે ખરાબ થઈ જાય તો શ્રી ગણેશજી ઉંદરડાને કહી દે છે: લે ભૈ, કાતરીને ખાઈ લે….
જોકે, અગાઉ આવું નહોતું થતું. આમાં ઉંદર બિચારો હેરાન પરેશાન રહે છે : મહારાજ, કંઈક ઢંગનું સારું ખાવાનું આપો' . ગણેશજી સૂંઢ પર હાથ ફેરવતા ફેરવતા ગંભીર મુખમુદ્રાથી કહે છે :
લેખકના પરિવારનો સદસ્ય થયો છે તો ખાવા-પીવાની વાત રહેવા દે. ભૂખો રહેતા શીખ..!’
બહુ ઊંચી `સેન્સ ઓફ હ્યુમર’ છે ગણેશજીમાં. (સારા લેખકોમાં હંમેશાં હોય છે.) ઉંદર સુણીને મૂછમાં મલકે છે. એ જાણે કે ગણેશજી પોતે તો ડાયટિગમાં માનતા નથી, ટેસથી જમે છે ને લખતા રહે છે. હવે આમ સતત બેઠા બેઠા લખતાં રહેવાથી શરીરમાં થોડી સ્થૂળતા તો આવી જાય ને?
ઉંદરને સાહિત્યથી શું લેવા દેવા? એને જોઈએ અનાજના દાણા. દાણા કાતરી કાતરીને ખાધા કરે. આમ આદમી જરૂરિયાત જેવી જ એની જરૂરિયાત છે. ખાવાનું, પેટ ભરવાનું દરેક ગણેશ ભક્તને જોઈએ જ. ભૂખ્યે ભજન ના થાય ગણેશા!
લેખન- સાહિત્યમાંથી પૈસા કમાવાના વિરોધ એવા લોકો જ કરે છે, જે લેખકને કોલેજમાં પ્રોફેસરપદું મળી ગયું છે અને નવી સરકારી નીતિથી ઊંચો પગાર મળે છે. જે લેખકો સરકારી ઓફિસર બની બેઠાં છે એમને પેન્શનની સગવડ છે એટલે એવા લોકો `સાહિત્યમાં ક્રાંતિ લાવો… ક્રાંતિ લાવો…’ કહીને ઠેકડા મારે છે એટલે જ ઉંદર અસલી ગણેશ ભક્ત છે : ભૂખ પહેલાં- સાહિત્ય પછી.
રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી વિચારી જુઓ. તમને ખબર છે, ઉંદરને કારણે દેશનું કેટલું અનાજ બરબાદ થાય છે? ઉંદર અનાજનો દુશ્મન છે. દેશનાં ગોડાઉનોમાં ઘૂસેલો ચોર છે. ઉંદરડાઓથી દેશનાં અનાજની રક્ષા કરવી એ આપણી રાષ્ટ્રીય સમસ્યા છે.
ક્યારેય આના પર વિચાર કર્યો છે? આવ્યા મોટા `ગણેશ ભક્ત’?
આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ: સર્વેસર્વા સર્વશ્રી પતિદેવોનો સર્વે…
હા, વિચાર કર્યો છે. સાવ અમથા ગણેશ-ભક્ત નથી બની ગયા. સમસ્યા પર ચિંતન કરવું' એ આપણો જૂનો રોગ છે. હા...હા...હા...તો સાંભળો. તમને ખબર છે કે-
દાને દાને પે લિખા હૈ, ખાનેવાલે કા નામ’. થોડીવાર પહેલાં મેં જે ભાખરી, ગોળકેરીનાં અથાણાં સાથે ટેસથી ઝાપટેલી, એનાં ટુકડા ટુકડા પર `શરદ જોષી’ એમ લખેલું.
આવું કામ કોણ કરી શકે? બોલો? ગણેશજી, બીજું કોણ? એ જ લખી શકે, બીજા કોઈનું ગજુ નથી કે આવું બારીક કામ કરી શકે. એમાં મેહન- , લગન ને ન્યાયની જરૂર પડે. સાહિત્યકારોને સોંપી જુઓ દાણા દાણા પર નામ લખવાનું કામ. બસ થઈ રહ્યું. પછી તો પોતાના યાર-દોસ્ત-ચમચાઓનાં નામ લખી નાખશે, દાણે દાણે! જાણે કે ઘણાં ખાનારનું નામ નહીં પણ સાહિત્યનો ઈતિહાસ લખવાનો હોય કે પછી વિતેલા દાયકાના સાહિત્યની સમીક્ષા કરવાની હોય કે જેમાં પોતાનું નામ ઉમેરવાનું રહી ગયું હોય તો એ પહેલાં લખશે કે હરીફોનું છેકી નાખશે!
સીન જુઓ- ઉપર ગણપતિ દાદા બેઠા છે ફટાફટ દાણા પર નામ લખી રહ્યા છે. અંતર્યામી અધિષ્ઠાતા દેવતા હોવાને કારણે એમને પાક્કી ખબર છે કે ધરતીમાંથી ક્યાં, કયું અનાજ ને કયા દાણા જન્મશે. એમનું કામ છે, દાણા પર નામ લખવાનું, જેથી જે દાણો જેનો હોય એ જ વ્યક્તિને મળે. કામ સતત ચાલુ છે. ઉંદર નીચે બેઠો છે, વચ્ચે વચ્ચે અરજ કરે છે : ` અમારુંયે ધ્યાન રાખજો પ્રભુ,… એવું ના થાય કે તમારા વાહન ઉંદરડાઓને જ ભૂલી જાવ!’
ગણેશજી આ સુણીને મનમાં મલકે છે. એમના દેખાડવાના ને મલકાવામાં દાંત અલગ અલગ છે પછી કેટલાંક દાણા પર ક્યારેક નામ લખવાનું ચૂકી જાય છે. જેના પર નામ નથી લખાયાં, એ બધાં ઉંદરના ! ઉંદર અનાજનાં ગોડાઉનમાં ઘૂસે છે, જે દાણાં પર નામ નથી એને ચાવી જાય છે.
એક દિવસ ઉંદરે કહ્યું : મહારાજ! દાણા દાણા પર મનુષ્યનું નામ લખવાની મહેનત કરો જ છો તો થોડી વધુ કૃપા કરો. તમે પ્રામાણિક લોકોનાં નામ સાથે એડે્રસ (આધાર કાર્ડ) વગેરે વિગત પણ દાણે દાણે લખી નાખોને! શું છે કે ઈમાનદાર માણસે જીવવા ખાવા-પીવા ખૂબ ધક્કા ખાવા પડે છે. ભોપાલથી મુંબઈ અને દિલ્લી સુધી. ઘરનું સરનામું હશે તો કમસેકમ અડધા દાણા તો પહોંચી જશે! પ્રામાણિકોએ પથ પથ પર ભટકીને પ્રદક્ષિણા તો નહીં કરવી પડે!
ખબર નહીં કેમ ઉંદર, બહુ સમાજવાદી કે ગરીબલક્ષી વાતો કરતો હતો. ગણેશજી ભડકીને બોલ્યા: `ચૂપ! બહુ ચૂં ચૂં નહીં કર.’
નામ લખી લખીને ગણેશજી થાકી ગયા એમાં હવે ઉપરથી સરનામાં પણ લખવાનાં? ઉંદરને શું ફરક પડે છે, જીભડી હલાવીને કહી દીધું :
`ન્યાય આપો ભૂખ્યા, ઈમાનદાર લોકોને, બરોબર પેટ ભરીને અનાજ વહેંચો. ગણેશજી કયાં સુધી લખતા રહશે?’
અહીં સવાલ એ છે કે ઉંદરનું શું? એ ઉંદર જે દરેક ધંધા, નોકરી, વ્યવસાય, સરકારી સંસ્થાઓમાં કાતરી કાતરીને આખી સિસ્ટમને કોરી ખાય છે, એમનું શું થશે?
જુઓ એમ જ થયું ને?… કાતરી કાતરીને અમારી કલમ પણ ત્યાં જ જઈને પહોંચી… પ.પૂ.ગણેશજીથી આરંભ કરીને સાવ ઉંદરડા સુધી !
શું થઈ શકે, બોલો? સિવાય કે જોરથી બોલીએ:
`ગણપતિ બાપ્પા મોરિયા. ! ‘
આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ : ભરપૂર પૂર ને સરકારના સૂર : મેઘા બરસે લોકો તરસે….