ઈન્ટરવલ

સાગનો વાઘ: ઝાડ પર પૈસા ઉગ્યા નહી પણ ખંખેરી લેવાયા

પ્રફુલ શાહ

પૈસા ઝાડ પર નથી ઊગતા. આવી કહેવત આપણે હજારોવાર સાંભળી-વાંચી-બોલી છે, પરંતુ ઝાડને નામે પારકા પૈસા ખંખેરનારાઓનો અલગ ઈતિહાસ છે. અમુકને યાદ ન આવતું હોય કે કેટલાંકને વિશ્ર્વાસ ન હોય તો ગઈ સદીના નેવુંના દાયકાના ફલેશબૅકમાં જવું પડે.

એ સમયે નાના રોકાણકારો પાસે મૂડી રોકાણની આકર્ષક યોજના પહોંચાડાતી હતી. ધીમે-ધીમે પરંતુ નિયમિતપણે ઓછું રોકાણ કરતા રહો વીસ વર્ષ સુધી. પછી લાંબો સમય એના ફાયદાના ફળ લણતા રહો. લાગેને લલચામણી ઓફર? આમાં મોટેભાગે સાગના વૃક્ષ ઉગાડવામાં રોકાણ કરવા – કરાવવાની જાહેરાત હતી. આ યોજના ટીક કંપનીઓ લાવી હતી.

આમાં એ સમયે બહુ ગાજેલું નામ હતું ચેન્નાઈ સ્થિત કંપની અનુભવ પ્લાન્ટેશન્સ. આ કંપનીએ રોકાણકારોને જે વળતરની ઓફર કરી હતી એ ફિક્સ્ડ ડિપોઝિટ અને રિયલ એસ્ટેટ કરતા વધુ હતું. આને સાથે હજારોએ સાગનાં વૃક્ષનાં વાવેતરમાં રોકાણ કર્યું. આ સાથે પ્લાન્ટેશન્સ માર્કેટમાં ગાંડી તેજી આવી ગઈ હતી.

આટલું જ નહિ, બિલાડીના ટોપની જેમ રાતોરાત પ્લાન્ટેશન્સ કંપનીઓ માર્કેટમાં આવી ગઈ. સૌનો ધ્યેય એક જ હતો રોકાણકારોને કોણીએ ગોળ લગાડવાનો. અને બિચારા નિર્દોષ ઈન્વેસ્ટર્સ ભોળવાઈ પણ ગયા. એક ભ્રામક ગુલાબી ચિત્ર ઊભું કરાયું કે જાણે દેશભરમાં ઠેર ઠેર સાગ-સાગ થઈ જશે અને રોકાણકારો માલા-માલ થઈ જશે.

પરંતુ બહુ જલદી આ પ્લાન્ટેશન્સ તેજીનો ફુગાવો ફૂટી જશે એવી ચેતવણી આર્થિક નિષ્ણાતો ઉચ્ચારવા માંડ્યા હતા. આ સ્વાભાવિક હતું કારણ કે વધુ પડતી ઉત્પાદકતા અને વળતરના દાવા એકદમ અતિરેકભર્યા હતા.

આ છેતરામણા દાવા વચ્ચે એક નક્કર હકીકત સમજવી જરૂરી છે પણ એ ચકાસાવાની કોશિશ કોઈએ કરી નહોતી. હકીકતમાં સાગનાં એક વૃક્ષને સ્વસ્થપણે પૂરેપૂરા વિકસાવામાં ઓછામાં ઓછા 30 થી 40 વર્ષ લાગે તો 20 વર્ષમાં અધધધ વળતર આવે ક્યાંથી?

આ કૌભાંડ પાછળની મોડસ ઓપરેન્ડી કેવી હતી? આ તથાકથિત સાગપ્રેમી કંપનીઓ સાવ ગરીબ ગામના ખેડૂતો પાસેથી પડતર-નકામી જમીન સાવ નાખી દેવાના ભાવમાં ખરીદી લે. પછી આ જમીન મોંઘા ભાવે રોકાણકારોને વેચી દે. કંપનીના બન્ને હાથમાં લાડવાના સુંડલા આવી જાય.

ટૂંકમાં રોકાણકારોએ સાગનાં અમુક વૃક્ષ ઉગાડવા માટે જમીન ખરીદવી પડે. જમીન ભારતના ગમે તે ભાગમાં હોય. મુંબઈ, જામનગર, નાશિક, વિરમગામ, અમદાવાદ, વડોદરા કે નાગપુર સહિતનાં શહેરોના રોકાણકારો થોડા પોતે જઈને જમીન જોવાના હોય કે એની ફળદ્રુપતા ચકાસવાના હોય. વધુ વળતરની લાલચમાં વધુ લોમમલોલ ચાલતું રહ્યું. પણ ક્યાં સુધી પાયા વગરની ઈમારત ટકી રહે?

સાદા, સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આ બહું મોટું રેકેટ હતું, સ્કૅમ હતું. મજાની વાત એ છે કે આ રાતોરાત ઊગી નીકળેલી પ્લાન્ટેશન્સ કંપનીઓએ સાગનાં ઝાડ ઉગાડવા માટે ડ્રિપ ઈરિગેશન (ટપક સિંચાઈ), ખાતર અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું વચન આપીને રોકાણકારોને આંજી નાખ્યા હતા. જો આ પદ્ધતિથી કદાચ ઝાડ 20 વર્ષમાં ઊગી જાય તો પણ સાગનું લાકડું ન મળે, સેપવુડ (રસકાષ્ઠ) મળે. આ લાકડું સાગની જેમ મજબૂત – ટકાઉ હોવાને બદલે હળવું અને નરમ હોય.

આ ઉપરાંત વૃક્ષ અને લાકડાંની ગુણવત્તા અંગે અન્ય મહત્ત્વપૂર્ણ બાબતો હતી, પરંતુ આ રોકાણકારો નહોતા ખેડૂત કે નહોતો તેમને બાગબગીચા સાચવવા – ઉગાડવાનો અનુભવ હતો. હકીકતમાં આ બધાને ખેતી-વન્ય જીવમાં રસ નહોતો કે એ વિકસાવાનો પણ નહોતો. આ રોકાણકારો જાણે નાની – સૂક્ષ્મ બૅન્ક જેવા હતા. આ સૌને રોકાણ અનેકગણું કરવું હતું ને એના પરની આવક પણ કૃષિની આવક તરીકે કરવેરા-મુક્ત ગણાવવી હતી.

આવા રોકાણકારોની સાગવાન અને ધનવાન થવાની પડાપડી અને પ્લાન્ટેશન્સ કંપઈઓના ઘીકેળા વચ્ચે આવી 1998ની 15મી ડિસેમ્બર અને કયારેય ન ઉગનારા સાગ પત્તાના મહેલ કડડભૂસ થવાની શરૂઆત થઈ.
(ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button