ઔર યે મૌસમ હંસીં… : પુરાણકથા… ઈતિહાસ-સાહિત્ય ને માનવજાતના અસ્તિત્વ માટે કેટલી પ્રેરણાદાયી?

- દેવલ શાસ્ત્રી
વેદ અને ઉપનિષદ સાથે પુરાણ ભારતીય સનાતન ધર્મ સમજવા માટે મહત્ત્વનો આધાર છે. પુરાણોની સરળ કથાઓ પરથી લખાયેલું સાહિત્ય, નાટકો અથવા સિનેમા દેશ-વિદેશમાં પ્રચલિત છે.ભારતીય સનાતન મુજબ ‘પુરાણ’ શબ્દનો સીધોસાદો અર્થ થાય જે પ્રાચીન – પૌરાણિક હોવા છતાં આધુનિક યુગની સમસ્યાઓને હલ કરવામાં મદદરૂપ થઇ શકે એવું… પુરાણોનું એક લક્ષણ એવું છે કે જે પ્રાચીન યુગમાં પણ આધુનિકતાથી ભરપૂર હતું. વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જેના અભ્યાસથી ભૂતકાળ સજીવ થઇ જાય છે. કેટલાક ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે વેદ સાથે પુરાણોની રચના થઇ છે. પ્રશ્ન એ થાય કે આજે આપણે શા માટે પુરાણોની વાત કરીએ છીએ? ધીમે ધીમે ચોમાસું જામતું જાય છે અને સમગ્ર દેશમાં પર્યાવરણની ચર્ચા અને ચિંતા થતી હોય છે. આપણા ઋષિઓએ પુરાણો થકી પર્યાવરણનું મહત્ત્વ શીખવાડ્યું છે. જગતના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાવરણનું બચવું જરૂરી છે. ભારતીય પુરાણોમાં પર્યાવરણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભવિષ્ય પુરાણમાં લખવામાં આવ્યું છે કે એક વાવ દશ કૂવા બરાબર છે. એક તળાવ દશ વાવ સમકક્ષ છે, એક પુત્ર દશ તળાવ જેટલું મહત્ત્વ ધરાવે છે પણ એક વૃક્ષ દશ પુત્રો જેટલા મહત્ત્વના છે.
ભારતીય પરંપરામાં કેટલાક અભ્યાસ મુજબ મૂળ પુરાણ એક જ હતું. આ પુરાણમાં સમય જતાં વિવિધ વિષયોમાં અભ્યાસ થયો. માનવ અસ્તિત્વ, ભક્તિ, માનવીય સંવેદના, પ્રકૃતિ, અધ્યાત્મ, દેવોનું મહત્ત્વ જેવા વિષયો ઉમેરાતાં ગયા. ધીમે ધીમે પુરાણોની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી અને અઢાર પુરાણો થયા. કેટલાક ગ્રંથોને પુરાણો ગણવા કે કેમ એ અંગે અભ્યાસુઓ વચ્ચે વાદવિવાદ ચાલતો હોય છે. અઢાર પુરાણોની રચના પછી પણ જે રીતે હજારો વર્ષથી વિજ્ઞાન પ્રગતિ કરે છે એ રીતે માનવજીવન સુધારવા માટે પુરાણો પર અવિરત અભ્યાસ થતો રહ્યો. મુખ્ય પુરાણોની પરંપરામાં અઢાર ઉપપુરાણો ઉમેરાતાં ગયા. માનવજીવનમાં સત્ય શોધવાની તાલાવેલીએ બીજા અઢાર ઔપપુરાણ બન્યા.મુખ્ય અઢાર પુરાણ ક્યા છે એ વિવાદનો જવાબ આપવા એક સુંદર શ્ર્લોક લખવામાં આવ્યો હતો. પુરાણ કથાઓની સૌથી મોટી ઉપલબ્ધી તેની ઉત્કૃષ્ઠ ભાષા છે. એ શ્ર્લોક મુજબ મકારથી બે પુરાણો મત્સ્ય અને માર્કેન્ડેય થયા. ભકારથી બે પુરાણો ભવિષ્ય અને ભાગવત બન્યા. બ્ર થી બ્રહ્માંડ, બ્રહ્મ અને બ્રહ્મવૈવર્ત જેવા ત્રણ પુરાણો બન્યા. આજ રીતે વ થી વામન, વિષ્ણુ, વરાહ અને વાયુ પુરાણ બન્યા. અ થી અગ્નિ, પ થી પદ્મ, ગ થી ગરુડ, કૂ થી કૂર્મ અને સ્ક થી સ્કંધ પુરાણની ઉત્પત્તિ થઇ હોવાનું માનવામાં આવે છે. શિવ પુરાણને મુખ્ય પુરાણ માનવાવાળો એક વિશાળ વર્ગ છે.
સવાલ એ છે કે એ યુગમાં આપણા ઋષિઓએ હજારો શ્ર્લોકની રચનાઓ કેવી રીતે કરી હશે જે માનવજીવનના પ્રત્યેક પાસાઓ માટે જરૂરી માર્ગદર્શન આપતાં હોય. મત્સ્ય પુરાણમાં ચૌદ હજાર શ્ર્લોક લખાયેલા છે. સૃષ્ટિના ઉદ્ભવની સાથે ઉત્ક્રાંતિ જેવા વિષયોની કથા લખવામાં આવી છે. આજના વિજ્ઞાનના યુગમાં કોઈ ચેલેન્જ કરે તો આપણે ગૌરવથી કહી શકીએ કે વિજ્ઞાનમાં સમય અને સંજોગો મુજબ પરિવર્તન આવ્યા જ છે તો આ કથાઓ પણ લઘુતમ સાધનો વચ્ચે ઉત્તમ પ્રયાસ હતો. દેવીઓના મહત્ત્વને સમજાવતું હજાર જેટલા શ્ર્લોક ધરાવતું માર્કન્ડેય પુરાણ વાંચવા જેવું છે. ચૌદ હજાર શ્ર્લોકનું ભવિષ્ય પુરાણનો અભ્યાસ એટલા માટે થવો જોઈએ કે વિદેશના ભવિષ્યવેત્તાઓની કથા માટે કલાકો બગડતી જનરેશનને ખબર પડવી જોઈએ કે આપણા વડવાઓએ ભવિષ્ય માટે શું લખ્યું છે. આપણા ઇતિહાસના કેટલાય પાનાં આ પુરાણમાંથી નીકળે છે.
ભારતનું સૌથી લોકપ્રિય અને વિશ્વભરમાં જાણીતું ભાગવત પુરાણમાં બાર સ્કંધ સાથે અઢાર હજાર જેટલા શ્ર્લોક લખવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓ સહિત માનવજીવનને માર્ગદર્શક એવી અનેક ગાથાઓ લખવામાં આવી છે. હજારો કૃષ્ણપદ અને કાવ્યોમાં ભગવાનની લીલાઓનું વર્ણન લખવામાં આવે છે જેના મૂળમાં આ ગ્રંથ છે. લગભગ અઢાર હજાર શ્ર્લોક ધરાવતું બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાજીનું વર્ણન આવે છે. બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં દેવ દેવીઓ તેમ જ શિવ પાર્વતીની અદ્ભુત કથાઓ લખવામાં આવી છે. દેશ અને દુનિયામાં અભ્યાસનો વિષય એવા દરેક પુરાણો પાસે આગવી અને સાહિત્યિક વિશિષ્ટતા છે.
બ્રહ્માંડની રચના વિષે ભાગવતમાં લખવામાં આવ્યું છે કે જે રીતે કુંભારનું પૈડું ફરે છે અને તેના પર કીડીઓ ચાલતી હોય છે. આ કીડીઓ પોતે પણ ફરે છે અને પેલા પૈડાં સાથે પણ ગતિ કરે છે એ જ રીતે આ બ્રહ્માંડ કામ કરે છે. મત્સ્ય પુરાણમાં કહે છે કે પ્રકૃતિ સાથે સંતુલન જાળવવું જરૂરી છે નહીં તો વિનાશ થઈ શકે છે.પુરાણ ગ્રંથના ભગવાન રામ જેવા મહાન રાજાઓ અને ભીષ્મ કે કૃષ્ણ જેવા નેતાઓની કથાઓ આપણને નેતૃત્વના ગુણ શીખવે છે. અગ્નિ પુરાણમાં રાજધર્મની ચર્ચા કરવામાં આવી છે. શિવ પુરાણમાં શિવ-પાર્વતીના સંબંધનો અભ્યાસ કરીએ તો પ્રેમ, સમર્પણ અને પરસ્પર સમજણ એટલે શું એ શીખવે છે. વ્યસ્ત જીવનમાં વ્યક્તિ સંબંધનું મહત્ત્વ ભૂલવા લાગ્યો છે, પુરાણ ગ્રંથો આપણને કુટુંબ અને સમાજ સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. વિષ્ણુ પુરાણમાં ભક્ત પ્રહલાદની કથા દરેક ભારતીયને ખબર જ હોય, આ કથા કે પછી સમુદ્ર મંથનની કથા જિંદગીમાં સંઘર્ષ સમયે કેવી રીતે મનને મજબૂત રાખી શકાય એની પ્રેરણા આપે છે.
વેદો અને ઉપનિષદો જટિલ અને ફિલસૂફીભર્યા હોવાથી સામાન્ય લોકો માટે સમજવું મુશ્કેલ હતું. પુરાણોએ સૌથી મોટો ઉપકાર એ કર્યો કે વેદના જ્ઞાનને કથાઓ, ઉદાહરણો અને સરળ શ્ર્લોકો દ્વારા લોકો સુધી પહોંચાડ્યું. પુરાણોની સૌથી મોટી ખાસિયત તેમની મૌલિક કથાઓ છે. આ કથાઓ માનવજીવનમાં એટલી ઓતપ્રોત થઇ ગઈ છે કે તમે શહેરથી ગામડાં સુધીના જીવનમાં ભક્તિ અને નૈતિકતાનું શિક્ષણ આપે છે.
ધ એન્ડ :
દેવતાઓ આકાશમાંથી બૂમો પાડતાં હતા કે ભગવાન તમારા ક્રોધને રોકો, અટકાવો ત્યાં સુધીમાં તો ભગવાન શિવે કામને ભસ્મીભૂત કરી નાખ્યો હતો (કુમાર સંભવ)
આપણ વાંચો: વ્યંગઃ બે પાકિસ્તાનીએ કંઇ ફતેહની પાર્ટી કરી?