ઔર યે મૌસમ હંસીં… : બાળકોને લોકકથા કહેતા રહો, કારણ કે…

-દેવલ શાસ્ત્રી
લોકકથા કહેવાના અનેક ફાયદા થાય છે, કારણ કે આ વાર્તાઓ સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોનું વાહક છે. લોકકથાઓ એક પેઢીથી બીજી પેઢી સુધી સંસ્કૃતિ, રીતરિવાજો અને ઇતિહાસનું વહન કરે છે.
લોકકથાઓ એ માત્ર મનોરંજનનું સાધન નથી, એમાં ઘણીવાર પડકાર અને તેના ઉકેલોનું વર્ણન હોય છે. બાળકોને વિવિધ પરિસ્થિતિઓમાં વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા શીખવે છે. એવી કથાઓ સાંભળવાથી બાળકોનું શબ્દભંડોળ વધે છે . આ વાર્તાઓ કહેવાની અને સાંભળવાની કળાને પણ પ્રોત્સાહન આપે છે.
ઉદાહરણ સ્વરૂપે મધ્ય પ્રદેશની એક લોકકથાની વાત કરીએ. આધુનિક યુગમાં માનવસમાજની સૌથી મોટી જરૂરિયાત છે, માનવીય સંવેદના. માણસજાત એના જીદ્દીપણા થકી ગોણ પરિવારની વાતને સાંભળવાની નહીં જેવો બોધપાઠ કેટલા સરળ શબ્દોમાં શીખવા મળે છે.
ઉજ્જૈનના રાજા ભોજની સૌંદર્યવાન પુત્રી રાજમતી એની વિદ્વતા માટે પ્રદેશમાં જાણીતી હતી. રાજા ભોજને ચિંતા રહેતી કે અપ્રતિમ સુંદર ક્ધયા માટે યોગ્ય જમાઇની શોધવો. અનેક રાજાઓના પ્રસ્તાવ આવવા છતાં જામતું ન હતું.
આપણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : તુમ્હારી અમૃતા: મરતાં સુધી શીખતાં જ રહેવાનું?
એકવાર રાજમતી સખીઓ સાથે નદી કિનારે ફરવા ગઇ. કેટલાક યાત્રાળુઓએ અવંતીપુરના રાજા વિશાલદેવની પ્રશસ્તિમાં ગીતો ગાયાં, વિશાલદેવની વીરતા અને પ્રજાવાત્સલ્યના વખાણ સાંભળીને રાજમતી એકતરફી પ્રેમમાં પડી ગઇ. રાજમતીએ પોતાની પસંદગી પિતાને જણાવી.
અહીં એક આડ વાત : ક્ધયા એ યુગમાં પણ પોતાની પસંદગીની વાત પિતા સાથે કરી શક્તી હતી. પિતાને વાંધો ન હતો. એમણે વિશાલદેવની સમક્ષ માંગું નાખ્યું. વિશાલદેવને રાજમતી વિશે જાણ હોવાથી એણે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. રંગેચંગે બંનેના લગ્ન થયાં. દરેક કથાઓની જેમ ખાધું, પીધું ને મજા કરીનો અંત આવી શકે છે, પણ આપણી ખરી લોકકથા અહીંથી શરૂ થાય છે..
લગ્ન પછી બંને મજાથી જીવવા લાગ્યાં પણ રાજમતીને એક વાત ખટકતી હતી કે જે વીરતાની વાતથી પ્રેમમાં પડી એ વીરતાની રાઇ વિશાલદેવના મગજમાં વધારે પડતી હતી. નાનાં – મોટાં રાજ્ય સાથે અચાનક અને અકારણ
લડાઈ કરતાં રહેવાનું અને ચોવીસ કલાક બહાદુરીના નશામાં રહેવાનું અને એનાં આખો દિવસ દરબારીઓ પાસે વખાણ સાંભળ્યા જ કરવાનું જાણે વિશાલદેવને વ્યસન થઈ ગયું હતું.
આપણ વાંચો: અહીં ક્યારેય બાર વાગતા જ નથી, અગિયારની છે બોલબાલા…
બીજી બાજુ બુદ્ધિશાળી અને રાજપરિવારની પરિપક્વ દીકરીને આ બધું વધારે પડતું લાગતું હતું.
વિશાલદેવની તુમાખી રાજમતી સાથે પણ રહેતી, રાજમતી ક્યારેય વિશાલદેવના બહાદુરીના બિનજરૂરી વખાણ કરતી નહીં અને થોડી નારાજ રહેતી. ધીમે ધીમે બંને વચ્ચે અહમ્ની અંટસ વધવા લાગી.
વિશાલદેવ રોજ એક સવાલ રાજમતીને પૂછતો કે મારાથી તાકાતવાન બીજો કોઈ રાજા છે? વાતનો વિષય ગમે તે હોય પણ વિશાલદેવ એ વાતને પોતાની બહાદુરી સાથે જોડી દે.
એક દિવસ ચાંદની રાત્રે દંપતી પ્રેમની વાતો કરતું હતું, રાજમતીએ સહજ કહ્યું કે ચાંદની કેટલી સુંદર પથરાયેલી છે, વાતાવરણને મોહિત કરીને સુખનો અનુભવ કરાવે છે. વિશાલદેવ આદત મુજબ પ્રેમની વાત આગળ વધારવાને બદલે પોતાની બહાદુરીની વાત જોડતા બોલ્યો કે ચાંદની તો મારી બહાદુરીની ગાથાઓની જેમ પૃથ્વી પર ફેલાયેલી લાગે છે..
રાજમતી નિરાશ થઈ ગઇ કે આટલો મોટો રાજા છતાં સમયની નજાકત સમજી શક્તો નથી. એણે સ્ત્રી સહજ મૌન ધારણ કર્યું. અચાનક મૌન ધારણ કરતાં વિશાલદેવના અહમ્ ઘવાયો. એણે વારંવાર એક જ સવાલ પૂછવાનો શરૂ કર્યો કે ‘મારાથી અધિક શક્તિશાળી કોઈ છે ખરું? તારું મૌન કહે છે કે તારા મનમાં અન્ય રાજવીનું નામ છે…’
હવે તો હદ થઈ ગઇ, રાજમતીએ કહી દીધું કે ‘રાજન, ખરાબ ન લગાડો. પૃથ્વી પર અસંખ્ય વીરો હોય છે, કોઇક તો તમારા કરતાં વધારે વીર હશે ’
વિશાલદેવને ઉશ્કેરાટ આવ્યો ને પૂછવાનું ફરી શરૂ કર્યું કે ‘કોણ? એક નામ તો કહે’. રાજમતી માટે હદ થઈ ગઇ, એણે કહ્યું કે એના પિતા દક્ષિણના મલ્લિપુરના રાજા મુકુંદપાલની વીરતા અને ધનવૈભવના ખૂબ વખાણ કરતા. મુકુંદપાલની તલવાર દશ જણા માંડ ઊંચકી શકે છે, પૃથ્વી પર સૌથી વીર અને સમૃદ્ધ કોઈ રાજા હોય તો એ મુકુંદપાલ છે.
વિશાલદેવનો અહમ્ ઘવાયો ને લાવલશ્કર લઇને રસ્તામાં નાના- મોટા રાજાઓને હરાવીને મુકુંદપાલના રાજ્ય પર ઘેરો નાખ્યો. મુકુંદપાલને પહેલેથી સૂચના મળી હતી એટલે એની સેના સજ્જ હતી. બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. મહિનાઓ સુધી લડવા છતાં વિશાલદેવ એક ઇંચ આગળ વધી ન શક્યો.
વિશાલદેવના સૈનિકો થાક્યા, અનાજ પાણી ઘટવા લાગ્યું, પણ જેમતેમ કરીને વિશાલદેવે ઉત્સાહ જાળવી રાખ્યો. કોઈ પણ કારણ વગરની લડાઈ ચાલુ રહી, ધીમે ધીમે વિશાલદેવને સમજાયું કે ફક્ત મારી જીદ માટે આ સૈનિકો તકલીફો ભોગવી રહ્યા છે અને પ્રાણ ન્યોછાવર કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે આ મુસીબત દૂર કરો.
અચાનક એક વ્યક્તિ એને મળવા આવી અને કહ્યું કે રાજા મુકુંદપાલ મળવા માગે છે, તમે હથિયાર અને સૈનિકો વિના એમને નિશ્ર્ચિત સ્થળ પર મળો. પહેલાં તો કોઈ કાવતરાનો ડર લાગ્યો. શક્ય છે કે કોઈ સન્માનજનક ઉપાય મળશે એ વિચારથી હિંમત કરીને વિશાલદેવ મળવા ગયો.
રાજા મુકુંદપાલ આવીને કહ્યું : ‘રાજન, અમે જાણીએ છીએ કે તમારી સેના પાસે પૂરતું ભોજન નથી, થોડા દિવસ યુદ્ધવિરામ કરો. અમે અનાજપાણી અને દવાની સગવડ કરી છે. તમે બધા તાજામાજા થાઓ પછી લડવાની મજા આવશે, આ તો લડાઈ એકતરફી થઈ જશે. આવી જીત અમને યોગ્ય લાગતી નથી.’
વિશાલદેવને ભૂલ સમજાઈ ગઈ અને સાચી વીરતા કોને કહેવાય એનું જ્ઞાન થતાં લડાઈ ખતમ થઇ.
આજ તો ભારતનો સોફ્ટપાવર છે, લોકકથાઓમાં શીખવાનું મૂલ્ય આધારિત શિક્ષણ હોય છે, સત્ય, ન્યાય, દયા, હિંમત અને સહકાર જેવા ગુણો સાથે બાળકોને સારા-ખરાબનો ભેદ સમજાવે છે અને તેમને સારા નાગરિક બનાવવામાં મદદ કરે છે.
ધ એન્ડ :
વડીલો લોકકથાઓ કહે છે ત્યારે તે બાળકો સાથે ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણ સ્થાપિત કરે છે, જે પરિવારના બંધનને મજબૂત કરે છે.