
લંડનની એક હોટલમાં એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર હુમલા(Attack on Air India crew)ની ઘટના બની હતી. લંડનના હીથ્રો એરપોર્ટ ખાતે આવેલી રેડિસન રેડ હોટેલ(Radisson Red Hotel)માં ગુરુવારે રાત્રે ઘૂસણખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેબિન ક્રૂ પર બળાત્કાર થયો હતો. જો કે આ મામલે લંડન પોલીસની તપાસ ચાલુ છે.
આ ઘટના લંડનની જાણીતી રેડિસન રેડ હોટેલ ચેઈનના રૂમમાં બની હતી. એર ઈન્ડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એવા અહેવાલ છે કે મહિલા કેબીન ક્રૂ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે મોડી રાત્રે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે નિવેદન બહાર પાડ્યું હતું. એરલાઈને કહ્યું કે એરલાઈન્સ માત્ર તાત્કાલિક સહાય જ નહીં પરંતુ પીડિત અને તેના સાથીદારોને આઘાતજનક ઘટનામાંથી બહાર આવવામાં મદદ કરવા માટે પ્રોફેશનલ કાઉન્સેલિંગ પણ કરી રહી છે.
એક અહેવાલ મુજબ હુમલાખોરને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. ક્રૂ મેમ્બરને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને હવે ક્રૂ મુંબઈ પરત જઈ ફરી રહ્યું છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, “ક્રૂ મેમ્બર સૂઈ રહી હતી, એક ઘૂસણખોરે તેના રૂમમાં લગભગ 1.30 વાગ્યે તેના પર હુમલો કર્યો. ચોંકી, તે જાગી ગઈ અને મદદ માટે ચીસો પાડી. હુમલાખોરે તેના પર કપડાના હેંગર વડે હુમલો કર્યો અને જયારે તેણે ભાગવાની કોશિશ કરી હુમલાખોરે તેણે પકડીને ફ્લોર પર ઢસડી.”
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “એર ઈન્ડિયા તેના ક્રૂ અને સ્ટાફના સભ્યોની સલામતી, સુરક્ષા અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. એક મોટી આંતરરાષ્ટ્રીય ચીએન દ્વારા સંચાલિત હોટલમાં ઘૂસણખોરીની ગેરકાનૂની ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેના કારણે અમારા ક્રૂના સભ્યોને નુકશાન પહોંચ્યું છે. અમે અમારા સહકર્મીઓ અને તેમની ટીમને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છીએ, અને આ બાબતને કાયદેસર રીતે આગળ ધપાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, અમે ક્રૂનીગોપનીયતાનો આદર વિનંતી કરીએ છીએ.’
અહેવાલ મુજબ એરલાઇનના ક્રૂએ હોટેલમાં અપૂરતી સુરક્ષા, અંધારિયા કોરિડોર, ખાલી રિસેપ્શન અને હોટેલના દરવાજા ખટખટાવતા બદમાશો અંગે વારંવાર ફરિયાદ કરી હતી.
એર ઈન્ડિયાએ કહ્યું કે લંડન પોલીસ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, એરલાઈને ક્રૂ મેમ્બર સાથે બળાત્કાર થયો હોવાના અહેવાલો પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.