અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
શોપિંગથી બચવાની કરામત ભારે પડી
‘આ સાડીમાં બે કલર બતાડો અને આ કલરમાં બે સાડી બતાવો’ જેવી પત્નીની શોપિંગ સ્ટાઈલ પર ખુવાર થતા પતિની મનોદશા કેવી હોય છે એ દરેક હસબન્ડ સારી પેઠે જાણતો હોય છે. લગ્ન ન થયા હોય એવા બોયફ્રેન્ડ પોતપોતાની ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ મોલમાં ઢસડાતા જ હોય છે. આ ‘આફત’માંથી બચવા દરેક બોયફ્રેન્ડ કે હસબન્ડ બનતી કોશિશ કરતો હોય છે. જોકે, એક રશિયન પતિદેવે પત્ની સાથે શોપિંગમાં જવાનું ટાળવા અપનાવેલો નુસખો જાણી તમને બે ક્ષણ માટે ચક્કર આવી જશે અને ‘ઐસા ભી હોતા હૈ’ જેવા ઉદગાર તમારા મોઢામાંથી સરી પડશે.
રશિયાના ક્રાઝનિયાસ શહેરની પોલીસે દાખલ કરેલા કેસની વિગતો અનુસાર પત્ની સાથે ખરીદી કરવા ન જવું પડે એ માટે પતિએ પોતાની જ કારને નુકસાન પહોંચાડી એની ચોરી થઈ હોવાનું નાટક કર્યું હતું. શોપિંગમાં નહીં જવાનું કારણ પતિએ જણાવતા પત્નીએ પોલીસને ફોન કરી પતિની કાર ઘરના પાર્કિંગમાંથી ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી.
જોકે, થોડી વાર પછી પત્નીએ જ પોલીસને જાણ કરી કે શહેરના અન્ય સ્થળેથી કાર મળી ગઈ છે. કારની ચકાસણી કર્યા બાદ પોલીસે પતિની પૂછપરછ કરતા દાળમાં કાળું હોવાની શંકા પડી. ‘આ માણસ ખોટું બોલે છે’ એવો વહેમ પડ્યો અને વધુ ને વધુ સવાલો કરતા જે જવાબ મળ્યા અને પુરાવા ચકાસ્યા બાદ પોલીસને ખાતરી થઈ ગઈ કે પતિએ જ કાર ચોરીનું નાટક કર્યું હતું. પતિએ ગુનો કબૂલી લીધો અને આ સ્ટંટ કરવા માટે તેને બે વર્ષની જેલની સજા થઈ જશે અને કદાચ એમાંથી એ બચી જાય પણ પત્નીની નજરમાં ઊતરી ગયો છે એમાંથી એ બેઠો થઈ શકશે?
આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા: પેટ કરાવે વેઠપેટનો ખાડો પૂરવા માણસ કોઈ
ઓસ્ટ્રેલિયાના રણ વિસ્તારના અજાયબ દેડકા
દેડકો એટલે જમીન અને પાણીમાં રહેતો અને કૂદાકૂદ અને તરતો રહેતો જીવ. ફેફસાં અને ત્વચા વડે શ્વસન કરતા દેડકાની સાત હજારથી વધુ પ્રજાતિ એન્ટાર્કટિકાને બાદ કરતાં દરેક ખંડમાં ફેલાયેલી છે. જોકે, ‘ટર્ટલ ફ્રોગ’ તરીકે ઓળખાતી દેડકાની પ્રજાતિ ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે અને એ સુધ્ધાં પશ્ર્ચિમ ઓસ્ટ્રેલિયામાં. આ દેડકો પૃથ્વી પરથી નામશેષ થશે એવી ભીતિ હતી, પણ હવે એને માથે રહેલું પ્રાકૃતિક જોખમ ટળી ગયું છે.
મોટાભાગના દેડકાના પાછલા પગ મજબૂત હોય છે, પણ ટર્ટલ ફ્રોગના આગલા બે પગ સશક્ત હોય છે, જેની મદદથી એ રેતાળ વિસ્તારમાં માટી ખોદી ઊંડે સરકી ત્વચાને ભેજવાળી રાખે છે. દેડકાની અન્ય એક પ્રજાતિ સુધ્ધાં ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા અન્ય વિશિષ્ટ અને વિચિત્ર કહી શકાય એવા પ્રાણીમાં સ્થાન ધરાવે છે.
‘ક્વેકીંગ ફ્રોગ્લેટ’ જેવું નામ આ દેડકાને ચોક્કસ કારણસર મળ્યું છે. આ દેડકો અવાજ કરે ત્યારે બતકના અવાજ જેવો સ્વર સાંભળવા મળતો હોવાથી અને એ અવાજ અંગ્રેજીમાં ‘ક્વેક… ક્વેક’ કહેવાતો હોવાથી આ દેડકો ‘ક્વેકીંગ ફ્રોગ્લેટ’ તરીકે ઓળખાય છે. ઓસ્ટ્રેલિયામાં વસતા 80 ટકા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયા સિવાય બીજે ક્યાંય કરતાં ક્યાંય જોવા નથી મળતા અને આ વિશિષ્ટ ફોજમાં આ બંને દેડકા અચરજ જન્માવે છે.
આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા: અજબ દુનિયાના ગજબ દેશ એવા ચીનમાં આંખો ચકળવકળ થઈ જાય
ઢોલ-મંજીરા-હાર્મોનિયમ ટ્રાફિકનું ગજબનાક નિયમન!
ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન સમગ્ર દેશને સતાવતી સમસ્યા છે. ટેકનોલોજીના વિકાસને પગલે નિયમો તોડતા ચાલકોને ઝડપી લેવામાં હવે પહેલા કરતાં વધુ આસાની રહે છે. કેટલાક લોકો નિયમોની ગંભીરતા સમજાય એ માટે રમૂજી કે હળવાશભર્યા અભિગમ પણ અપનાવતા હોય છે.
કેટલાંક વર્ષ પહેલા મધ્ય પ્રદેશના મંડલા શહેરમાં યોગેશ રાજપૂત નામના સુબેદારે જનતામાં ટ્રાફિક અંગે જાગરૂકતા લાવવા કાર્ટૂનના પોસ્ટર શહેરમાં ઠેકઠેકાણે મૂકી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને એ પ્રયાસને ઠીકઠીક સફળતા મળી હતી. તાજેતરમાં ઉત્તર પ્રદેશના બાંદા શહેરમાં પોલીસ પાર્ટીએ ઢોલ, મંજીરા અને હાર્મોનિયમના સથવારે સડકના એક કિનારે ‘મિની ઓર્કેસ્ટ્રા’ તૈનાત કરી ટ્રાફિક નિયમનની કોશિશ કરી હતી.
બુંદેલખંડ ક્ષેત્રની લોક સંસ્કૃતિ અને પરંપરા દર્શાવતા બુંદેલી ગીત ગાઈ – વગાડી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ આખા નવેમ્બર મહિનામાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘છૈલા છેડો ન બીચ ડગરિયા’ જેવા મધુર અને લોકપ્રિય ગીતના માધ્યમથી ટ્રાફિક પાલનનો આદેશ વાહન ચાલકોને ગરમ ગરમ શીરાની જેમ ગળે ઊતરી રહ્યો છે અને ટ્રાફિક શિસ્ત સુધરી રહી છે એવો દાવો ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
તેરી ઝુલ્ફોં સે જુદાઈ તો નહીં માંગી થી…
વાળ ઉતારવા અને વાળ ઊતરવાના શાબ્દિક અર્થમાં અંતર ભલે હોય, બંનેનો ભાવાર્થ પીડા આપનાર છે. વાળમાં રૂક્ષ ભાવ છે, જ્યારે કેશ શબ્દમાં કલાત્મકતા છે, જે નારીનું આભૂષણ ગણાતા વાળ સાથે સંકળાયેલી છે. યુએસના મિઝૂરી રાજ્યના ઈન્ડિપેન્ડન્સ નામના શહેરમાં સદીઓ જૂના કેશનો વિશિષ્ટ સંગ્રહ ધરાવતા ‘લૈલા કૂહૂન મ્યુઝિયમ’ ને કાયમ માટે તાળું મારવાનો પીડા આપનારો દુ:ખદ નિર્ણય લેવો પડ્યો છે.
1956માં શરૂ થયેલા વિશ્વના એકમાત્ર કેશ મ્યુઝિયમમાં 1850ની આસપાસના વિક્ટોરિયન યુગની સન્નારીઓના સુંદર અને કલાત્મક રીતે ગૂંથાયેલા કેશની સજાવટ ઉપરાંત કેટલાક ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ, હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મેરિલીન મનરોની વાળની લટ તેમજ ઈસુ ખ્રિસ્તના વાળના અવશેષ હોવાનો દાવો કરતી જેવી અનેક કેશ કૃતિઓ આકર્ષણ છે. જોકે, ગમ સાથે ખુશીની વાત એ છે કે લૈલા મેડમનું આ કલેક્શન યુએસના વિવિધ મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં પણ કલા પ્રેમીઓ એનો આનંદ લઈ શકે.
હેર ડ્રેસર (વાળ સજાવટ)નું કામ કરતી હતી લૈલા કૂહૂન 1956માં જૂતા ખરીદવા બજારમાં ચક્કર મારી રહી હતી ત્યારે અચાનક એની નજર ‘વિક્ટોરિયન હેર રીથ’ (વિક્ટોરિયન યુગની વાળ સજાવટ)ની ફ્રેમ પર પડી. લૈલાએ એ ખરીદી લેતા એ દિવસે કેશ સજાવટના કલેક્શનના શોખનો જન્મ થયો અને સંગ્રહની શરૂઆત થઈ.
જેણે મ્યુઝિયમને જન્મ આપ્યો. કેશ કલાત્મકતા માટે લૈલાની રુચિ વધી અને તેણે ‘હિસ્ટ્રી ઓફ હેર આર્ટ’ નામનું પુસ્તક લખ્યું અને અનેકને કેશ ગુંફન શીખવી નવા હેર આર્ટિસ્ટ તૈયાર કર્યા. જોકે, ગયા નવેમ્બરમાં 92 વર્ષની ઉંમરે મિસિસ કૂહૂનનું અવસાન થયા પછી એમના પરિવારે મ્યુઝિયમ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. હસરત જયપુરી સાહેબની પંક્તિઓનું સ્મરણ થયું ‘તેરી ઝુલ્ફોંસે જુદાઈ તો નહીં માંગી થી, કૈદ માંગી થી રિહાઈ તો નહીં માંગી થી.’
લ્યો કરો વાત!
ઈશ્વરના વામન-વિરાટ સ્વરૂપ વિશે સાંભળ્યું હશે, પણ ધર્મ સ્થાનકની આવી કોઈ જાણ નહીં હોય. આલીશાન બાંધકામ હોય કે નાનકડો ગોખલો, ઈશ્વરને સ્કવેર ફૂટ સાથે નિસ્બત નથી હોતી. અમેરિકાના અલ્બામા રાજ્યના એક રહેવાસીએ વિશ્વનું સૌથી ટચૂકડું દેવળ-ચર્ચ બાંધ્યું હોવાનો દાવો કરી ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ સમક્ષ અરજી કરી હતી.
4 ફૂટ પહોળાઈ, 5 ફૂટ ઊંડાઈ અને જમીનથી ટાવર સુધી 19 ફૂટની ઊંચાઈ ધરાવતું આ ચર્ચ સ્પેનમાં આવેલા વિશ્વના સૌથી નાના દેવળ કરતાં 7 ચોરસ ફૂટ નાનું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દેવળમાં એક સાથે ત્રણ જ વ્યક્તિ અંદર પ્રવેશી ધર્મધ્યાન કરી શકે છે. વિશ્વનું સૌથી વિશાળ ચર્ચ વેટીકન સિટીમાં છે. ‘સેન્ટ પીટર્સ બેસિલિકા’ તરીકે ઓળખાતું આ ધર્મસ્થાનક 15160 સ્ક્વેર મીટર (1,63,000 ચોરસ ફૂટ)માં પથરાયેલું છે.



