પેલી ‘પુષ્પા’વાળા અલ્લુ અર્જુનને ઝક્કાશ ઓફર!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ
આમ તો આ નામ અલ્લુ અર્જુન ધણાને પહેલી નજરે અપરિચિત લાગે મતે તમને સીધો પરિચય કરાવું તો તામિલની બ્લોકબસ્ટર અને બોલીવૂડની ફિલ્મોને ફીણ લાવનારી અને ચંદનચોર વિરપ્પન પર આધારિત ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુને લીડ રોલ કરેલો. હવે તમારા મગજની પેટ્રોમેક્ષ કે હેલોઝન ઝગમગી ઉઠશે અને તમને પુષ્પા કિસીકે સામને નહીં ઝૂકેગા એ ડાયલોગ જરૂર યાદ આવી જશે.
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝે’
બોક્સ ઓફિસ પર કમાણીનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા…
અલ્લુ અર્જુન તામિલ ફિલ્મોમાં સૌથી વધુ મહેનતાણું લેતો અભિનેતા છે. પ્રભુદેવાની માફક ડાન્સિંગ સ્કીલ માટે એ જાણીતો છે .
આપણે ત્યાં ‘પૈસા મારા પરમેશ્વર ને હું પૈસાનો દાસ’ એવું કહેવાય છે. ‘નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ’ એમ પણ કહેવાય છે. આપણા જીવનની મોટાભાગની પ્રવૃત્તિનું ચાલકબળ પૈસા છે.
ફિલ્મોમાં સૌ કોઇ કીર્તિ અને કલદાર માટે કામ કરે છે. અભિનેતા ફિલ્મ ઉપરાંત જાહેરખબર, ઇવેન્ટમાં હાજર રહી ફેન્સ તરફ હાથ હલાવી મોટી રકમ લઇને ચાલતી પકડે છે.ઘણીવાર મેગેઝિન માટે ફોટો શૂટ કરાવવા કલદાર મળે છે તો કેટલાક ઉરાંદઉટાંગ જાહેરાત દ્વારા પોતાની તિજોરી છલકાવી રહ્યો છે.અજય દેવગન, શાહરૂખ ખાન બાદ અક્ષય કુમાર ‘પાન મસાલા’ની એડમાં જોડાયો, જયારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ‘પાન મસાલા’ની જાહેરાતમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
ઘણી સેલિબ્રિટી ગમે તેટલી રકમ ઓફર કરે તો પણ ઠંડા પીણા અથવા ભ્રામક દાવા કરતી જાહેરખબર ધરાર નકારે છે. એમને કલદાર કરતાં ઇમેજની પડી હોય છે.
અલ્લુ અર્જુન અંગત રીતે તમાકુનું સેવન કરતો નથી. તેથી એ નથી ઈચ્છતો કે એના ચાહકો આ જાહેરાત જોઈને પ્રોડક્ટનું સેવન કરવા લાગે.
આ અભિનેતાને પણ ‘પાન મસાલા’ કંપની તરફથી જાહેરાત માટે મોટી રકમ મળી હતી,
પરંતુ અભિનેતાએ ખચકાટ વિના તેને ફગાવી દીધી હતી.
પુષ્પા ફિલ્મમાં મૈં ઝૂકેગા નહીં એવો ડાયલોગ બોલનાર અલ્લુ અર્જુન નામ મુજબ અલેલટપ્પુ લાગે છે. અરે, ભાઇ તારે ફિલ્મની માફક ‘પાનમસાલા’ની એડમાં એકટિંગ કરવાની છે. પછી આવા ચોખલિયાવેડા શા માટે? જાહેરાતની એકટિંગ કર, પૈસા લે અને
બીજા સ્ટાર્સની માફક ચાલતી પકડ. દુનિયા સુધારવાનો ઠેકો લીધો છે? તું આ જાહેરાત નહીં કરે તો બીજો
કોઇ કરશે. બધા રાતોરાત સંત બની જવાના નથી.
બે રૂપિયાની પડીકીની જાહેરાત ત્રણ ત્રણ દિગ્ગજ
એકટર અને હિરોઇન કરે છે. બદલામાં કરોડો
રૂપિયાની એકનંબરી-બેનંબરી ફી મેળવીને તિજોરી
તગડી કરે છે. પછી ભલે એ મસાલા કે પીણા
જેવાં ધીમા મોતનો સામાન કેમ ન હોય? અરે,
અહીં મોત પણ ઇન્સ્ટોલમેન્ટ પદ્ધતિએ મળે છે. અહીં જીવવાની પણ જલ્દી નથી અને મરવાની ઉતાવળ નથી.
જો અલ્લુભાઇ, મસાલા કે પીણાની આડીતેડી જાહેરાત ન કરવી હોય એ તારી મરજી, પરંતુ, આવી જાહેરાત કરવામાં અમારા રાજુ રદીને વાંધો નથી. આમ, તો તારો દેખાવ અને રાજુ રદીનો દેખાવ સેમ ટુ સેમ છે. રાજુ તારી ફીની સરખામણીએ પાન મસાલાની કંપનીને બમ્પર ટુ બમ્પર એક નંબર-બે નંબરમાં ડિસ્કાઉન્ટ દેશે. જાહેરાતમાં કોસ્ટ કટિંગ થશે. ભઇ, અમે ગુજરાતી છીએ. ધંધો અમારા લોહીમાં વહે છે. અમે તારું પણ વિચારીશું. રાજુ રદીને આવી
જાહેરાત અપાવીશ તો તને ૨૦-૩૦ ટકા કમિશન આપશું..!
જાહેરાતની ડીલ કબૂલ મંજૂર કે નહીં એ અમને લેન્ડલાઇન ફોન પર જણાવજે, નહીંતર બીજા ઘણાબધા લાઇનમાં ઊભા છે!
Also Read –