
હેન્રી શાસ્ત્રી
14 વર્ષના ‘મોતવાસ’ પછી જીવ આળસ મરડી જાગ્યો
14 વર્ષના વનવાસ પછી શ્રી રામ પાછા ફર્યા બાદ અયોધ્યામાં આનંદોત્સવ શરૂ થયો હતો અને સ્થૂળ રૂપે તેમ જ સૂક્ષ્મ સ્વરૂપે રામરાજ્યની સ્થાપના થઈ હતી. જોકે, રાજસ્થાનના ધૌલપૂર જિલ્લામાં 14 વર્ષના ‘મૃત્યુવાસ’ પછી એક જીવ આળસ મરડીને બેઠો થયો અને વિવાદાસ્પદ પ્રોપર્ટી પોતાના નામે રજીસ્ટર કરવામાં પણ સફળ રહ્યો છે. આ સિરિયલ-સપનામાં જ વિચારી શકાય એવી ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો છે. કોઈ આને ચમત્કારિક ઘટના તો કોઈ એને છેતરપિંડી ગણે છે.
વાત એમ છે કે જિલ્લાના એક ગામના નિવાસી મંત્રરાજના પુત્ર મૂલચંદનું 20 માર્ચ, 2011ના દિવસે અવસાન થયું હતું. એના નામે ડેથ સર્ટિફિકેટ સુધ્ધાં જારી કરવામાં આવ્યું હતું. મૃત્યુના 14 વર્ષ પછી મૂલચંદના નામે જ નકલી દસ્તાવેજોના આધારે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે. મંત્રરાજનો કોઈ વારસ ન હોવાથી એની પ્રોપર્ટી કોના નામે ચડાવવી એનો વિવાદ થવાની સંભાવના તો હતી જ. જોકે, કોઈ ભેજાબાજે મૃત વ્યક્તિને જીવંત બનાવી લીલાલહેર કરવાના મનસૂબા રચ્યા, પણ ફરિયાદ થતા પોલીસે કાર્યવાહીના ચક્રો ગતિમાન કરી દીધા છે.
ચીમળાયેલી નોટ પર ગાંધીજીનો ચહેરો વધુ હસમુખ
‘ડૉક્ટર પૃથ્વી પર વસતા ભગવાન છે’ એવી ઉક્તિને સમર્થન આપતા દાખલા પણ જોવા મળે છે. ઝારખંડના રાંચી શહેરના ન્યૂરો એન્ડ સ્પાઈન સર્જન ડૉ. વિવેક કુમારે કરેલી ટ્રીટમેન્ટથી દર્દીને શારીરિક રાહત તો થઈ, દિલ – દિમાગને તેનાથી અનેકગણી રાહત થઈ અને સરવાળે જે થયું એ જાણી માનવ સમાજને પણ ટાઢક થઈ હશે. થયું એવું કે ઈન્સ્ટિટ્યૂટમાં એક મા માથા પર ગંભીર ઈજા ધરાવતી છ મહિનાની દીકરીને લઈને આવી. એના ચહેરા પર ઈજાની ગભરામણ અને સારવારના પૈસા ચૂકવવાની અસમર્થતાની અકળામણ હતા. ડૉ. વિકાસ જરૂરિયાતમંદોને મદદરૂપ થતા હોવાની જાણ થતા મા એમની પાસે આવી બોલી કે ‘મારી પાસે દીકરીની સારવારના પૈસા નથી.’ ડૉકટરે સ્મિત સાથે વિનામૂલ્ય સારવાર કરી આપવાની તૈયારી દેખાડી. ઈલાજ પછી નીકળતી વખતે ડૉકટરના ખિસ્સામાં ચીમળાઈ ગયેલી એક 50 રૂપિયાની નોટ સેરવી ગઈ એ મા!. ડૉક્ટરે ના પાડતા મા બોલી કે ‘દીકરા, તે મફત ઈલાજ તો કર્યો, પણ અમારા ‘ધન્યવાદ’ છે જે સ્વીકારીશ તો મને રાજીપો થશે.’ આ સાંભળી ડૉક્ટરની આંખો સજળ થઈ અને મમતાનું મૂલ્ય અને આત્મ સન્માનના સરવાળા જેવી એ નોટ મોટા દલ્લા જેવી લાગી. એટલે જ મેલી, ચીમળાયેલી પણ અત્યંત મૂલ્યવાન એવી 50 રૂપિયાની નોટ પર ગાંધીજીનો ચહેરો વધારે હસમુખ લાગે છે.
દાદીમા જોઈએ છે? કલાકના 2 હજાર રૂપિયા રોકડા!
એકવીસમી સદીની આ કમાલ છે. યંગ જનરેશન મબલક કમાણીને પ્રાધાન્ય આપી દરેક વસ્તુ પૈસાના જોરે ખરીદી શકાય એવું માને છે. ઘર, ઘરવખરી, લક્ઝરી આઈટમથી વાત આગળ વધીને વ્હાલ સુધી પહોંચી ગઈ છે. લગ્ન કરવા ઝંઝટ લાગતી હોવાથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતો યુવા વર્ગ હવે ઘરના ભાણાનો સ્વાદ માણવા કે પછી અંગત સમસ્યાનો ઉકેલ મેળવવા કે પછી માથામાં હાથ પસરાવી વ્હાલ કરે અને રાત્રે બાળકોને વાર્તા સંભળાવે એવા દાદીમા ભાડે લેતો
થયો છે.
આ કોઈ કલ્પના નથી બલ્કે જાપાનમાં જોવા મળતી વરવી વાસ્તવિકતા છે. પોતાના ગ્રાહકોને સફાઈ અને અન્ય ઘરકામની તેમજ પાળેલા પ્રાણીની દેખભાળની સર્વિસ પૂરી પાડતી એક જેપનીઝ કંપની એક અનોખી સર્વિસ પૂરી પાડી રહી છે, જેમાં 60થી 94 વર્ષની ઉંમરના દાદીમા કલાકના 3300 યેન (આશરે બે હજાર રૂપિયા)નો ચાર્જ ચૂકવી તેમની હૂંફ મેળવી શકાય છે. એટલું જ નહીં આ કંપની તમારા વતી કોઈ કાર્યક્રમમાં હાજરી આપે એવી વ્યક્તિ અને કંપનીમાંથી રાજીનામું આપવાની વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દેતી પ્રક્રિયા પણ પાર પાડે છે.
ઉંમર 60ની ઉમંગ 16નો…
‘ઉંમર પચપન કી દિલ બચપન’ ફિલ્મમાં ઉંમરને ઉમંગ સાથે કોઈ નિસ્બત નથી એ દર્શાવવામાં આવ્યું હતું. તામિલનાડુમાં 60, 67, 68 વર્ષના ત્રણ વડીલોએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (નીટ)માં સફળતા મેળવી છે અને ડોક્ટર બનવાના સપનાં સાથે ‘એમબીબીએસ’ના કોર્સ માટે અરજી કરી છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે 35 વર્ષથી વધુ ઉંમરના 25 ‘વિદ્યાર્થીઓ’ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં એડમિશન મેળવવા થનગની રહ્યા છે. ઉમંગને ઉંમર સાથે નિસ્બત ન હોય એ અહીં સિદ્ધ થાય છે.
જાણવા જેવી વાત એ પણ છે કે આમાંના કેટલાક ઉમેદવારોને મળેલા માર્ક એમને અનામત શ્રેણી હેઠળ પ્રવેશ માટે તેમ જ સરકારી કોલેજમાં રાહતના દરે અને પ્રાઈવેટ કોલેજમાં વિના મૂલ્યે પ્રવેશ માટે પાત્ર ઠેરવે છે. વડીલોના ઉત્સાહ – ઉમંગને બે હાથની સલામ પણ 60 વર્ષ વટાવી ચૂકેલી આ ત્રિપુટી સખત પરિશ્રમ માગતા આ કોર્સને યોગ્ય ન્યાય આપી શકશે? હાઉસ સર્જરી દરમિયાન 24 કલાકની શિફ્ટમાં કામ કરવાની ત્રેવડ ધરાવે છે ખરા? આ એવા સવાલ છે જેના જવાબ જાણવા જરૂરી છે. બીજી એક મહત્ત્વની વાત એ પણ છે કે જો આ વડીલ વિદ્યાર્થીઓ કોર્સ અધવચ્ચે છોડી દેશે તો એમણે 10 લાખ રૂપિયાનો દંડ અને રાહત વગરની કોર્સ ફી પણ ચૂકવવી પડશે. ટૂંકમાં વિચારપૂર્વક આગળ વધવું એનો સ્પષ્ટ ઈશારો છે.
લ્યો કરો વાત!
ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા હોય કે ન હોય, મંદિર – દેરાસરમાં પ્રવેશતા દરેક વ્યક્તિ પગરખાં ઉતારી જ લે છે. ધર્મ સ્થાનક પવિત્ર ગણાય તેમ જ ચોખ્ખાઈ જળવાઈ રહે એ હેતુ હોય છે. ઉત્તર પ્રદેશના કોઈ ગામમાંથી શહેરના મોલમાં ફરવા આવેલા એક દાદીમા હાથમાં ચપ્પલ પકડી ટહેલતા જોવા મળ્યાં હતાં . પ્રથમ નજરે ‘ગામના લોકો ગમાર હોય’ એવી પ્રતિક્રિયા જન્મે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ‘ગામડાના રહીશો ગમાર નહીં, સંસ્કારી હોય છે અને એટલે ચપ્પલના તળિયે ચોંટેલી ધૂળ – માટી મોલમાં ફેલાય નહીં એટલે હાથમાં પકડીને જાય છે’ એવી અનેક કોમેન્ટ આવી. સાથે એવું કહેનારા પણ હતા કે ‘મોલની ફરસ લીસી હોવાથી લપસી પડવાનો ડર હોવાથી દાદીમાએ સમજદારી દેખાડી છે.’
આ પણ વાંચો…અજબ ગજબની દુનિયા