અજબ ગજબની દુનિયા (10-12-2025)

હેન્રી શાસ્ત્રી
સ્પેનિશ સન્નારીને પાણીચું મળ્યું, કારણ કે…

10થી 5ની સરકારી નોકરીમાં અગિયારેક વાગ્યે પહોંચી, પોણા પાંચે કામ બંધ કરી દેવું ‘નિયમસર’ ગણાતું એના અનેક કિસ્સા આપણા દેશમાં જાણીતા છે, પણ મોડા આવી વહેલા નીકળી જતા કર્મચારીએ નોકરી ગુમાવી હોય એવું તો ભાગ્યે જ બનતું, ઊલટાનું આ આદત અપનાવનારા કર્મચારી સ્માર્ટ ગણવામાં આવતા. જોકે, બપોરની ઊંઘ (બપોરીયું) માટે પ્રખ્યાત યુરોપિયન દેશ સ્પેનમાં નોકરીના સમય સંદર્ભે સૌ ઉલટી ગંગા વહી હોય એવું પ્રકરણ બહાર આવ્યું છે.
કર્મચારી નિયમિતપણે કે છાસવારે ડ્યૂટીના સમય કરતાં મોડો આવતો હોય અને વોર્નિંગ આપ્યા પછી પણ આદત સુધારી ન હોય તો એને ઘરે બેસવા કહી દેવામાં આવે એ સમજી શકાય એવી વાત છે, પણ એક સ્પેનિશ મહિલાએ સમય કરતાં બહુ વહેલા ઓફિસમાં આવવાથી નોકરી ગુમાવી છે. એક ડિલિવરી કંપનીમાં કામ કરતી મહિલાનો ઓફિસ રિપોર્ટિંગ ટાઈમ સવારના સાડા સાતનો હતો, પણ મેડમ દરરોજ સવારે પોણા સાત-સાતની વચ્ચે ઓફિસ પહોંચી સાથી કર્મચારી કરતાં શિફ્ટ વહેલી શરૂ કરી દેતા હતા.
મેનેજમેન્ટને આ વાત પસંદ નહોતી. વહેલા આવી કોઈ કામ તો નથી હોતું એવી મેનેજમેન્ટની દલીલ હતી. મેડમને વારંવાર ચેતવણી આપવામાં આવી, પણ મહિલાએ એને ગણકારી નહીં. અંતે ‘ગંભીર ગેરવર્તણૂક’નું કારણ આપી બોસે એને પાણીચું આપી દીધું. રોષે ભરાયેલી મહિલાએ કંપની સામે કેસ કર્યો અને તાજેતરમાં અદાલતે કંપનીની તરફેણમાં ચુકાદો આપી મહિલા કર્મચારીએ ઓફિસ શિસ્તનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું છે. ટૂંકમાં વહેલા આવવાનું ડહાપણ મહિલાને ભારે પડ્યું.
કાંગારુંનો કૂદકો, સ્ટાર્કનો સપાટો

સ્વબચાવ માટે કૂદકો મારી ભાગવું એ પ્રાણી સ્વભાવ છે અને પ્રગતિ માટે કૂદકા મારવા એ માનવ સ્વભાવ છે. કૂદકા માટે પ્રખ્યાત કાંગારું ઓસ્ટ્રેલિયાની ઓળખ છે અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં લાંબા કૂદકા મારવા માટે ખ્યાતનામ છે. હાલ ચાલી રહેલી ‘એશિઝ’ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમે કૂદકો મારી સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાં કાંગારું ટીમનો એક અનોખો વિક્રમ તરફ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યો છે.
પહેલી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ કરેલા 500ના સ્કોરમાં એક પણ સેન્ચુરી નહોતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઈ ટીમ 500 કે તેથી વધુ રન કરી ઓલઆઉટ થઈ હોય અને એક પણ ખેલાડીએ સેન્ચુરી ન ફટકારી હોય એવું આ ત્રીજી વખત જ બન્યું છે. અગાઉ 1997-98માં સાઉથ આફ્રિકા- ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં આફ્રિકાના 517ના સ્કોરમાં એક પણ સદી નહોતી. સર્વોચ્ચ સ્કોર આઠમા નંબરે આવેલ બ્રાયન મેકમિલન (87 નોટ આઉટ)નો હતો.
બીજો પ્રસંગ 2023-24માં શ્રીલંકા-બાંગ્લાદેશ ટેસ્ટમાં થયો હતો. લંકાના 531ના સ્કોરમાં હાઈએસ્ટ રન ત્રીજા નંબરે આવેલા કુશલ મેન્ડિસ (93)ના હતા. ત્રીજો પ્રસંગ તાજેતરની એશિઝ ટેસ્ટનો છે જેમાં ઓસ્ટ્રેલિયાના 511ના સ્કોરમાં સૌથી વધુ રન મિચેલ સ્ટાર્ક (77)ના હતા. આ રન તેણે નવમા નંબરે રમવા આવી કર્યા હતા. આ રેકોર્ડમાં સૌથી નીચા નંબરે બેટિંગ કરી સૌથી વધુ રન કરવાનો વિક્રમ પણ તેના નામે જમા થયો છે. સિવાય મેચમાં 8 વિકેટ પણ ઝડપી અસાધારણ યોગદાન આપ્યું છે.
મળે છે ‘પતિ’ ભાડા પર, કલાકના 4 હજાર

18 લાખની વસતિ ધરાવતો યુરોપિયન દેશ લેટવિયા એક વિચિત્ર દુકાળનો સામનો કરી રહ્યો છે. દેશ વરસાદના નહીં વરરાજાના દુકાળમાં સપડાયો છે. સત્તાવાર આંકડાકીય માહિતી અનુસાર દેશમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષ કરતાં 15.5 ટકા વધુ હોવાને કારણે પુરુષોની અછત સર્જાઈ છે. અવળી જીવનશૈલીને કારણે લેટવિયન પુરુષોની જીવાદોરી દેશની મહિલાઓ કરતાં ટૂંકી છે. પચાસના થવા પહેલા અનેક પુરુષ પતી જવાથી ‘પતિ’ની અછત ઊભી થઈ છે.
પુરુષોની અછત ઊભી થવાને કારણે લેટવિયામાં એક અલાયદી સંસ્કૃતિ વિકસી છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ અથવા ફોન પર દેશની સ્માર્ટ સિંગલ વુમન કલાકના દરે ભાડા પર મળતા પતીની સર્વિસનો લાભ લઈ રહી છે. બુકિંગ થઈ ગયા પછી એક કલાકની અંદર પુરુષ આવે છે અને પ્લમ્બિંગ, સુથારીકામ, રિપેરિંગ, ટીવી બેસાડવું સહિત જરૂરિયાત મુજબના ઘરકામ કરી આપે છે.
આજની તારીખમાં એવી જબરદસ્ત ડિમાન્ડ છે કે અનેક પુરુષ એક બે મહિના માટે બુક થઈ ગયા હોય છે. ‘રેન્ટ માય હેન્ડી હસબન્ડ’ સર્વિસ ‘પતિ’ મોકલી આપી કલાકના 45 ડોલર (આશરે 4 હજાર રૂપિયા) અને આખા દિવસની સર્વિસ માટે 280 ડોલર (આશરે 25 હજાર રૂપિયા) ચાર્જ કરે છે. નવેમ્બરમાં તો એવી જબરી માંગણી નીકળી કે કેટલીક સન્નારીઓને ના પાડવી પડી, બોલો….
આને કારણે એક વિચિત્ર પરિસ્થિતિ પેદા થઈ છે. ઓફિસમાં કામ કરતી એક લેટવિયન મહિલાનું કહેવું છે કે ‘મારા સહ કર્મચારીમાં 98 ટકા મહિલા છે. મહિલાના વિકાસ સંદર્ભે હરખાઈ જવા જેવી વાત છે, પણ ઓફિસમાં પુરુષો પણ સારી સંખ્યામાં હોવા જોઈએ. સ્ત્રી – પુરુષનું સંતુલન જળવાઈ રહે અને અમને પણ પુરુષો સાથે વાતચીત કરવાનો આનંદ મળે. તમને જાણીને અચરજ થશે કે મારી ઓફિસની અનેક મહિલાના બોયફ્રેન્ડ વિદેશી છે.’ આ ખુલાસામાં દેશનું સ્ત્રીધન વિદેશ જતું રહેશે એવો છુપો ભય પણ છે.
મને પાનખરનો છે બહુ હરખ, કારણ કે…

‘મારી ડાળખીમાં કોઈ પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો!’ કવિ અનિલ જોશીના કાવ્યની આ અમર પંક્તિના ભાવથી વિપરીત લાગણી જાપાનના હિરોકાવા શહેરમાં જોવા મળે છે, વિશેષ કરીને નવેમ્બર મહિનામાં. વૃક્ષ પરના લીલાંછમ પાંદડાં પીળા પડી ખરી જાય છે અને વૃક્ષ શણગાર વિનાની સન્નારી જેવું ભાસે છે. પાનખર ગમગીનીની મોસમ છે. સર્જન પછી વિસર્જનનો કાળ છે.
જોકે, આ સમયમાં હિરોકાવા શહેર રાવણના સોનાની લંકાના ટ્રેલર જેવું ભાસે છે. અહીં, 18, 22 કે 24 કેરેટ ગોલ્ડની કોઈ વાત નથી, પણ ‘ગિન્ગકો’ નામના વૃક્ષ શહેર સોનેરી સિટી બનાવી દે છે એની વાત છે. દર વર્ષે પાનખરમાં ગિન્ગકો વૃક્ષ પરથી પીળા પર્ણ જમીન પર ખરી પડે છે ત્યારે સમગ્ર વિસ્તારમાં એક સોનેરી કાર્પેટ બિછાવી હોય એવો આભાસ પેદા થાય છે. આ ‘સોનેરી’ જાદુઈ નજારો જોવા વિદેશી સહેલાણીઓની ફોજ હિરોકાવા શહેરમાં ઠલવાય છે.
10 ગ્રામ સોનાનો ભાવ એક લાખ 30 હજાર થઈ ગયો હોવાથી એ ખરીદવું અનેક લોકો માટે દુર્લભ બની ગયું છે. હિરોકાવામાં લટાર મારવાથી સોનાના પ્રદેશમાં ફરી રહ્યા હોવાનો આનંદ લઈ શકાય છે. ગીતકાર રાજીન્દર કૃષ્ણનું ગીત ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’ યાદ આવી જાય. ‘મારી ડાળખીમાં સોનેરી પાંદડાં છે, મને પાનખરનો છે બહુ હરખ’ એવી પંક્તિ કોઈ કવિ જીવને સૂઝે તો નવાઈ ન લાગવી જોઈએ.
લ્યો કરો વાત!
માનસિક તકલીફ ધરાવતા બાળકોને તેમ જ તેમના વાલીઓએ કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે એ તો જે સહન કરતું હોય એ જ જાણે. ડિસ્લેક્સિયા, અટેન્શન ડેફિસિટ, હાયપર એક્ટિવિટી ડિસઓર્ડર સહિત કેટલીક સમસ્યા આ બાળકોને પજવતી હોય છે. આ પ્રકારની તકલીફથી પીડાતા મનોરોગીઓ ને સારવાર માટે એક રાહત આપે એવી બાતમી એ છે કે ઔષધના વપરાશ સિવાયનો એક વિકલ્પ સામે આવ્યો છે.
‘ન્યુરો ફીડબેક’ તરીકે ઓળખાતી વૈકલ્પિક સારવાર પદ્ધતિમાં બ્રેન વેવ્ઝનો અભ્યાસ કરી બાળકોની યાદશક્તિ જેવી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. આ ઉપચાર પદ્ધતિ કરતા લોકોનો દાવો છે કે મગજને યોગ્ય રીતે તાલીમ આપવાની અમુક તકલીફો દૂર કરી શકાય છે.



