અજબ ગજબની દુનિયા!

હેન્રી શાસ્ત્રી
રસોડાની રાજમાતા, રક્ષાની રાણી
સચ હુએ સપને મેરે, ઝૂમ લે ઓ મન મેરે’, શૈલેન્દ્ર લિખિત આશાના આકાશમાં તેજના લિસોટા જેવી આ પંક્તિનો સાક્ષાત્કાર રાજસ્થાનની મહિલા અંજુ યાદવને થઈ રહ્યો છે. જે હાથ રસોડામાં વેલણ ચલાવી પરિવારની ભૂખ મિટાવી રહ્યાં હતાં એ જ હાથ હવે દંડૂકો ચલાવી સમાજની સુરક્ષા કરવામાં વ્યસ્ત છે. ડીએસપી કોને કહેવાય એની કોઈ કલ્પના ન હોવા છતાં રસોડાની રાજમાતા રક્ષાની રાણી બની ગઈ છે. ખુદ અંજુ યાદવે સોશ્યલ મીડિયા પર ઊંડા અંધારેથી પરમ તેજ તરફની પોતાની સફરનું સુંદર બયાન કર્યું છે.
એના શબ્દો કોઈને પણ માટે પ્રેરણાનું પંચામૃત સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. અંજુજીએ બે તસવીર મૂકી છે. એકમાં સાવ સામાન્ય વસ્ત્રોમાં મોટાભાગનો સમય ઘરની ચાર દીવાલોમાં પસાર કરતી સામાન્ય ગૃહિણી દેખાય છે, જ્યારે બીજીમાં આબદાર પોલીસ ઓફિસર – ડીએસપી વર્દીમાં નજરે પડે છે. 21 વર્ષની ઉંમરે લગ્ન, 24 વર્ષની વયમાં માતૃત્વ અને 25 વર્ષની ઉંમરે વાંકગુના વિના પિયર મોકલી દેવામાં આવી હતી અંજુ યાદવને. ભાંગી પડવાને બદલે પોતાના માતા પિતાને બાળકને ઉછેરવાની જવાબદારી સોંપી શિક્ષણ મેળવ્યું.
રાજસ્થાન એડમિનિસ્ટે્રટિવ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સરકારી શાળામાં શિક્ષિકાની નોકરી મેળવી. આત્મવિશ્વાસ વધ્યા પછી આ વર્ષે આરપીએસ – રાજસ્થાન પોલીસ સર્વિસમાં ઝળકી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ – ડીએસપી બનીકોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી’ પંક્તિની ભાવનાને ચરિતાર્થ કરી છે.
મારી બિલાડીને તારો શ્વાન કનડે, તું તારા રસ્તે ને હું મારા રસ્તે, ઓકે!
કોઈ કામકાજ ફટાફટ પતી જાય એના માટે ચટ મંગની, પટ બ્યાહ’ રૂઢિપ્રયોગ વપરાય છે. જોકે, આજકાલ આપણે ત્યાં અને વિશેષ કરીને મહાનગરોમાં આ રૂઢિપ્રયોગનો વિસ્તાર થઈચટ મંગની, પટ બ્યાહ, તટ તલાક’ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
લગ્નના વર્ષ-બે વર્ષમાં છૂટાછેડાની અરજીની હવે કોઈ નવાઈ નથી રહી. નવાઈ બચી છે ડિવોર્સ માટેનાં કારણોમાં. કલ્પનામાં પણ ન આવે એવાં કારણ સામે આવી રહ્યા છે. પહેલી વેડિગ એનિવર્સરીની ઉજવણીને ત્રણેક મહિના બાકી છે ત્યાં મધ્યપ્રદેશના ભોપાલ શહેરની ફેમિલી કોર્ટમાં પતિનો શ્વાન પત્નીની બિલાડીને કનડગત કરે છે એ કારણસર સાત ફેરા ઉલ્ટા ફરવા માટે બંને પક્ષ તરફથી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
ટૂંકમાં વાત પતિ-પત્નીના પ્રેમમાં પડેલી તિરાડની નથી, કિસ્સો એમના પાળેલાં પ્રાણીઓ વચ્ચેના અણબનાવનો છે. પત્નીએ ફરિયાદ કરી છે કે પતિનો પાળેલો ડોગી એની પાળેલી બિલાડીને હેરાન કરે છે અને વારંવાર હાથ પણ, સોરી પગ પણ ઉપાડે છે. એટલે `ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ બને છે’ એવું કહેવાનું જ બાકી રાખ્યું છે.
બીજી તરફ હસબન્ડનું કહેવું છે કે વાઈફે પોતાના પેટ્સ(પાળેલાં પ્રાણી) સાસરે લાવવા નહીં એવું મેરેજ પહેલા પત્નીને ગાઈ બજાવીને કહેવામાં આવ્યું હતું. મેડમની બિલાડી ઘરમાં ઉધામા મચાવે છે એવી ફરિયાદ પણ સાહેબે કરી છે. મામલો થાળે પાડવા કપલનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, પણ એ વખતે પતિ – પત્ની એકબીજાના પેટ્સના દોષ કાઢતા રહ્યા. સામાજિક એકલતાના વાતવરણમાં પાળેલાં પ્રાણીઓ માટે વધી રહેલા મમત્વને પગલે આવી સમસ્યા આવી રહી હોવાનું ફેમિલી કોર્ટે જણાવ્યું છે.
કમાણી કરોડપતિની, કામકાજ રોડપતિનું…
કોઈ કામ તુચ્છ નથી હોતું. બધા મનના અને વ્યવસ્થાના ખેલ છે. સામાજિક ઢાંચો જ એવો હોય છે કે કેટલાક કામ કરવાની શારીરિક ક્ષમતા કે માનસિક દાનત બધા પાસે નથી હોતી. જોકે, જાપાન જેવા દેશમાં કામને હલકું ગણવાના અભિપ્રાયની બાદબાકી થઈ ગઈ હોય છે. આ દેશ મોડર્ન ટેકનોલોજી તેમ જ વર્ક કલ્ચર-કામકાજ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બાબતે નોખો તરી આવે છે.
અદ્રશ્ય કરોડપતિનું લેબલ મેળવનારા 56 વર્ષના કોઈચી મત્સુબારા ઘરના ભાડા પેટે આર્થિક રોકાણને કારણે વર્ષે દહાડે 3 કરોડ યેન (આશરે 1 કરોડ 80 લાખ રૂપિયા)ની કમાણી કરે છે, પણ તેમ છતાં અંકલ ટોક્યોની એક સોસાયટીમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ચાર કલાકની શિફ્ટમાં ચોકીદારની નોકરી કરે છે. આ કામ માટે તેમને દર મહિને એક લાખ યેન (આશરે 60 હજાર રૂપિયા) પગાર મળે છે.
સામાજિક અને આર્થિક વિષમતાના વાતાવરણમાં ઉછરેલા મિસ્ટર મત્સુબારા સંકડામણનો ભૂતકાળ નથી ભૂલ્યા અને મૂળસોતા ઊખડી ન જવાય એ માટે સાદગીભર્યું જીવન જીવે છે. કરોડપતિ હોવા છતાં રોડપતિની જેમ સસ્તા ભાડાના ઘરમાં રહે છે અને દસેક વર્ષથી પોતાના માટે નવા કપડાં નથી ખરીદ્યા.
મૂળભૂત જરૂરિયાત સંતોષે એવો સાદો સ્માર્ટફોન વાપરે છે અને મોટાભાગની આવનજાવન બે પૈડાંની સાઈકલ પર કરે છે. ચોકીદારીનું કામ પૈસા કમાવા માટે નહીં, પણ શરીર સ્ફૂર્તિલું રહે એ આશયથી કરી રહ્યા છે. સંપત્તિના વરવા પ્રદર્શન વિના લાઈફ મજાની હોઈ શકે એનું કોઈચી મત્સુબારા પ્રભાવી ઉદાહરણ છે.
જણનારીમાં જોર હોય તો સુયાણીની મહેનત લેખે લાગે
કેન્યાનું અર્થતંત્ર છેલ્લાં 15 વર્ષથી ગતિ પકડી રહ્યું છે અને આજની તારીખમાં ઈસ્ટ આફ્રિકાના 19 દેશમાંથી સૌથી સમૃદ્ધ દેશ કેન્યા છે. કેન્યા-તાન્ઝાનિયા સીમા પર આવેલું મસાઈમારા અભયારણ્ય જગવિખ્યાત છે. જોકે, લાંબા અંતરની દોડ (લોન્ગ ડિસ્ટન્સ રનિંગ)માં કેન્યાના દોડવીરો-વારાંગનાઓનો વાવટો છેક 1968થી બુલંદીથી લહેરાયો છે. સફળતાનાં શિખરો સર કરવામાં પુષ સાથે મહિલાઓ પણ ખભે ખભા મિલાવી દોડી છે.
તાજેતરમાં જાપાનના `લવ ઈન ટોક્યો’માં થયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કેન્યાના એથ્લિટોએ 11 મેડલ અંકે કરી સપાટો બોલાવ્યો. આઠ મેડલ સન્નારીઓએ મેળવ્યા છે જેમાં એક નામ છે લિલિયન ઓડીરાનું. 800 મીટરની આ રેસ કેન્યાની જ 24 વર્ષની વર્લ્ડ ચેમ્પિયન મેરી મોરાઆ ફરી જીતી જશે એવું લાગતું હતું, પણ એક પાંચ વર્ષનો અને બીજો ત્રણ વર્ષનો એમ બે બાળકોની માતા લિલિયન છેલ્લાં 20 મીટરની દોડ બાકી હતી ત્યારે વાયુ વેગે આગળ વધી અને કોઈને કશું સમજાય એ પહેલા 1 મિનિટ અને 54.62 સેકંડના નવા વિશ્વવિક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવી લીધો.
બીજા અને ત્રીજા નંબરે બ્રિટિશ એથ્લિટ હતી. બીજા નંબરે રહેલી હન્ટર બેલ પણ પરિણીત છે. 800 મીટરની દોડમાં પહેલી વાર પ્રથમ ત્રણ વિનરે રેસ 1 મિનિટ અને 55 સેક્નડથી ઓછા સમયમાં પૂર્ણ કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય એથ્લિટની કોચ મહિલા છે. નારી સશક્તીકરણનો સાચો અર્થ અહીં સમજાય છે.
લ્યો કરો વાત!
લાંબા કેશ સન્નારીનું આભૂષણ એ વિચારે હવે 360 ડિગ્રીનો ચકરાવો લઈ લીધો છે. હેરકટ અને સ્ટે્રટનિંગ કરેલા હેર આજની યંગ જનરેશનની ફેશન અને જરૂરિયાત બની ગઈ છે. જોકે, આ કેશ કથાએ રશિયામાં એક એવો વળાંક લીધો છે જે જાણી બધા આઘાત નહીં અનુભવે, પણ આશ્ચર્ય તો અનેક લોકોને થયા વિના નહીં રહે.
રશિયન મીડિયાની બાતમી અનુસાર સન્નારીઓ વિગ ખરીદવા બજારમાં દોડાદોડ કરી રહી છે. એમની સાથે સજ્જનો પણ છે. કારણ એવું છે કે નર – નારીને 1990ના દાયકાના કેશ સજાવટના લુકની લગની લાગી છે, પણ એવા દેખાવા માટે વાળ વધારી લાંબા રાખવા પડે અને એ જ વાત બંને પક્ષને મંજૂર નથી. `યે રેશમી ઝુલ્ફેં’ લુક માટે અનેકોએ મુંડન કરાવી લીધું છે, પણ નવેસરથી વાળ ઉગાડવાની કડાકૂટ નથી જોઈતી એટલે વિગ નામનો શોર્ટકટ અપનાવાઈ રહ્યો છે.
આ પણ વાંચો…અજબ ગજબની દુનિયા!: જીવન ચલને કા નામ, શીખતે રહો સુબહ-ઓ-શામ