અજબ ગજબની દુનિયા
ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ગાયના શરીર પર ઝેબ્રા ક્રોસિંગને ‘નોબેલ’ પ્રાઈઝ

સવાસો વર્ષથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ફિઝિયોલોજી અથવા મેડિસિન, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિ માટે એનાયત થતા પ્રતિષ્ઠિત નોબેલ પ્રાઈઝથી તો દુનિયાભરના લોકો વાકેફ છે. પાંત્રીસ વર્ષથી પ્રથમ રમૂજ પૂરી પાડતા અને પછી વિચાર કરવા ફરજ પાડતા આઈજી નોબેલ પ્રાઈઝ પણ એનાયત થાય છે. નોબેલ પ્રાઈઝની પેરડી ગણવામાં આવતું આ પારિતોષિક આ વર્ષે જાપાનની સંશોધકોની ટીમને મળ્યું છે.

ગાયના શરીર પર ઝેબ્રાના શરીર પર હોય એવા કાળા ધોળા પટ્ટા ચીતરવાથી માખીઓ એમના શરીર પર બેસીને કરડવાનું બંધ થઈ શકે એ આશય સાથે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ચિતરામણથી ગાય પર બણબણતી અને ત્રાસ આપતી માખીઓની સંખ્યામાં ઘટાડો થયો અને ગૌમાતાને રાહત થઈ એવો દાવો જાપાની સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.

અલબત્ત, આ અખતરો મોટેપાયે કરવો આસાન નથી એવી કબૂલાત ટીમના લીડર દ્વારા કરવામાં આવી હતી. કુલ 10 વિભાગ માટે આપવામાં આવતા આ પારિતોષિકમાં શરાબના સેવનથી ક્યારેક વિદેશી ભાષા બોલવાની ક્ષમતા વધી જાય છે જેવા વિચિત્ર અને વિચાર કરી મૂકતા સંશોધનનો પણ સમાવેશ છે. વિજેતાઓને ઈનામમાં તગડી રોકડ રકમને બદલે મનુષ્ય શરીરના જઠરની હાથેથી તૈયાર કરવામાં આવેલી પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવે છે.

કથીરમાંથી કંચન, નખથી નગદ નાણું

‘આંગળીથી નખ વેગળા’ અને ‘નખમાંય રોગ નથી’ જેવી અર્થપૂર્ણ કહેવતમાં નખની હાજરી સિવાય નખ સામાન્યપણે બિન ઉપયોગી વસ્તુ ગણાય છે. અલબત્ત, સન્નારી વર્ગ માટે નખ સુંદરતાનો એક હિસ્સો ગણાય છે. જોકે, હાથ -પગની આંગળીઓના ટેરવા ઉપર હાજરી ધરાવતા કેરેટીન પ્રોટીનના બનેલા નખ ચીનમાં નગદ નાણું કમાવી આપતી જણસ સાબિત થઈ રહ્યા છે.

ચીનની આરોગ્ય વ્યવસ્થામાં મહત્ત્વ ધરાવતી ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિનમાં નકામા ગણવામાં આવતા નખને બડે કામ કી ચીજ સમજવામાં આવે છે. શાળાઓથી માંડી ગામડાંઅને નાના શહેરોમાંથી કાપેલા નખ ખરીદી એનામાં રહેલી સર્વ ગંદકી દૂર થઈ જાય એવી ચીવટ રાખી ધોઈ એને સુકવી દેવામાં આવે છે. પછી એ નખનો ભૂકો કરી વિવિધ દવામાં ભેળવી દેવામાં આવે છે.

જોકે, સમસ્યા એવી છે કે પુખ્ત વયનો મનુષ્ય વર્ષે દહાડે માંડ 100 ગ્રામ વજન થાય એટલા જ નખ ઉગાડી શકે છે. પરિણામે મેડિસિન માટે જરૂરી પુરવઠો ભેગો કરવામાં મુશ્કેલી પડે છે. ડિમાન્ડ વધુ ને સપ્લાય ઓછી હોવાથી નખના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તાજેતરમાં ચાઈનીઝ મીડિયામાં પ્રસિદ્ધ થયેલી બાતમી અનુસાર એક ચીની મહિલા એક કિલો નખ 150 યુઆન (આશરે 1900 રૂપિયા)ના ભાવે વેચી રહી છે.

આ મહિલા બાળપણથી નખ ભેગા કરી રહી છે અને હવે એની રોકડી કરી રહી છે. નકામા નખ હવે કામની પ્રોડક્ટ બની ગયા છે અને એનું વેચાણ ઓનલાઈન કરવા માટે દિલચસ્પી વધી રહી છે. એક મિનિટ, પગના નખ ખરીદવામાં નથી આવતા. એટલે ‘હાથથી પગના નખ વેગળા’ એવી કહેવત ચીનમાં હશે?

સંસદ સભ્યને જત જણાવવાનું કે…

આજનો બાળક આવતીકાલનો જવાબદાર નાગરિક છે અને પરમ દિવસે એમાંથી જ કોઈ દેશનું નેતૃત્વ કરવાનો છે એ વાત જો આજનો રાજકારણી સમજી જાય તો દુનિયાની આજ અને આવતીકાલ બહેતર જરૂર બની શકે. આપણા દેશમાં કેટલા સંસદ સભ્ય આ વિચાર સાથે સહમત હશે એ સંશોધનનો વિષય છે, પણ ઈંગ્લેન્ડની હર્ટફર્ડશાયર કાઉન્ટીના હિચીન ટાઉનના સંસદસભ્ય – એમપી એલિસ્ટર સ્ટ્રેધર્નની વિચારસરણી કુમળી વયનાં બાળકોની આંખમાં અંજાયેલા સપનાં જોઈ શકે છે. ગીતકાર શૈલેન્દ્રએ ‘બૂટ પોલિશ’ ફિલ્મ માટે બાળકના સંદર્ભમાં લખેલી દમદાર પંક્તિ ‘આનેવાલી દુનિયા કા સપના સજા હૈ’ની ભાવના સમજી શકે છે.

વાત એમ છે કે થોડા સમય પહેલા કિમ્પટન પ્રાઈમરી સ્કૂલનાં બાળકોએ પત્ર લખી સવાલ કર્યો હતો કે ‘મિસ્ટર એમપી, તમે પર્યાવરણના રક્ષણ માટે શું કરો છો એ અમારે જાણવું છે.’ ગયા અઠવાડિયે મિસ્ટર એલિસ્ટર સ્કૂલમાં ગયા અને બાળકો દ્વારા પૂછવામાં આવેલા વૃક્ષ અને પર્યાવરણની રક્ષા, પ્લાસ્ટિક પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી ઊર્જાના નિર્માણ અંગેના વિવિધ સવાલોના અકળાયા વિના શાંતિથી જવાબ આપ્યા.

વાર્તાલાપ પછી એમપીએ કહ્યું કે ‘બાળકોએ અત્યંત મહત્ત્વ ધરાવતા સવાલ પૂછ્યા. ઉંમરની સરખામણીમાં એમનામાં રહેલી સમજણને સલામ. સમસ્યાઓના સંદર્ભમાં શું થઈ રહ્યું છે એ જાણવાની તાલાવેલી સાથે ત્વરિત પગલાં ભરવામાં આવે એવો એમનો આગ્રહ હતો. આ મુદ્દે નક્કર કાર્ય થાય એવી માગણી હું સરકાર સમક્ષ કરીશ.’ આવા બાળકો અને આવા એમપી વાતાવરણ સાથે દેશના કલેવરને પણ હેલ્ધી બનાવે છે.

બ્લુ વહેલના એકટાણા – ઉપવાસ

ભારતીય રાજકારણમાં ડાબેરી વિચારસરણીની અવસ્થા હવે ‘સાપ ગયા ને લિસોટા રહ્યા’ જેવી છે. જોકે, અનેક લોકો જેને માછલી સમજવાની ભૂલ કરે છે એ મહાકાય સસ્તન દરિયાઈ પ્રાણી વહેલ અને વિશેષ કરીને બ્લ્યુ વહેલ બાબતે ડાબેરીનો મુદ્દો ચર્ચામાં છે. 200 ટન વજનની મહાકાય વહેલ અંગે અમેરિકાની યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સંશોધનમાં રસપ્રદ માહિતી હાથ લાગી છે.

વિવિધ પ્રયોગ અને એના આધારે મળેલી માહિતીના આધારે સંશોધકો એવા તારણ પર આવ્યા છે કે આ તોતિંગ શરીરમાં માત્ર સાત કિલો વજન ધરાવતા મગજમાં ડાબું મગજ ખૂબ જ એક્ટિવ હોય છે. એટલે જ્યારે શિકાર હડપ કરવા એ દરિયાની સપાટી પર આવી છલાંગ મારે છે ત્યારે અનેક વાર એ છલાંગ ડાબી બાજુ મારતી હોવાની જાણકારી મળી છે.

જોકે, મહાસાગરના પાણીનું તાપમાન વધી રહ્યું હોવાથી દરિયામાં રહેલા એના ખોરાકનો નાશ થઈ રહ્યો હોવાથી આ મહાકાય વહેલને પરાણે એકટાણું – ઉપવાસ કરવા પડી રહ્યા છે. આવું જો ચાલુ રહ્યું તો રાજકારણમાં ડાબેરી વિચારસરણીની અવસ્થા થઈ છે એવી જ હાલત મજબૂત ડાબું મગજ ધરાવતી બ્લુ વહેલની થશે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

લ્યો કરો વાત!

‘ઓમ જય જગદીશ હરે’ આરતીમાં ‘તન – મન – ધન ઔર સંપત્તિ સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા’ પંક્તિ દ્વારા સમર્પણની ભાવના વ્યક્ત થાય છે. અલબત્ત, એમાં શ્રદ્ધા હોવી અને એનો અમલ કરવો એ અંગત મુનસફીની વાત છે.

જોકે, સેન્ટ્રલ અમેરિકાના હોન્ડુરસ નામના દેશમાં એક પાદરીએ નિયમિતપણે ચર્ચમાં આવતા ભક્ત પર ‘તેરા તુજકો અર્પણ’ માટે જબરદસ્તી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ધર્મગુરુએ પેલા શ્રદ્ધાળુને એની પ્રોપર્ટી ચર્ચને સોંપી દઈ ગોડ પ્રત્યે શ્રદ્ધા દર્શાવ એમ દબાણ કરી જણાવ્યું છે.

‘પ્રોપર્ટી આપી દીધા પછી મોટો લાભ થશે’ એવું ગાજર પણ દેખાડ્યું છે. આ માગણી સાંભળી ચકરાવે ચડી ગયેલા ભક્તને ભોળવી નાખવા પાદરીએ ‘મને ગોડ દ્વારા આ સંદેશો મળ્યો છે કે તારે તારી મિલકત પ્રભુના ચરણોમાં મૂકી દેવી. અંતે તો ઈશ્વરે જ આપેલું એને પાછું આપવાનું છે તો વિચાર શું કરવાનો?’

જોકે, ભક્તભાઈ ભોળવાઈ નથી ગયા.

આ પણ વાંચો…અજબ ગજબની દુનિયા : દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button