ઈન્ટરવલ

અજબ! ગજબની દુનિયા…

હેન્રી શાસ્ત્રી

બોટલમાં વિશ્વ ભ્રમણ

આંખે દેખી ન શકતાં માતા – પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવનારા શ્રવણની કથાથી તમે પરિચિત હશો. જોકે, એકવીસમી સદીમાં પેરેન્ટ્સ માટે પ્રેમને બદલે પ્રકોપ વધુ જોવા મળે છે અને માત- પિતાને જાત્રા કરાવવાનું તો દૂર રહ્યું, એમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવાના બનાવ બને છે. આ વાતાવરણમાં સોશિયલ મીડિયામાં માને દુનિયાની જાત્રા કરાવવાનો વાયરલ થયેલો કિસ્સો તમને લાગણીશીલ બનાવી આંખના ખૂણા ભીના કરી દેશે.

યુકેના લિંકનશાયર ડિસ્ટ્રિક્ટના રળિયામણા શહેર સ્કેગનેસમાં એક દીકરીએ અવસાન પામેલી માતાના મનોરથ પૂરા કરવા જે કર્યું છે એ જાણી લોકો આફ્રિન પોકારી ગયા છે ને ગળગળા પણ થયા છે. દુનિયા ઘુમવાની માતાની અદમ્ય ઈચ્છા હતી, પણ માંદગીને કારણે ફરવા નીકળી ન શકી. માતાના અવસાન પછી એની ઈચ્છા પૂરી કરવા દીકરીએ એના અસ્થિ કાચની બોટલમાં બંધ કરી દુનિયા ઘુમવા મોકલી દીધી. બોટલમાં બેટીએ એક ચિઠ્ઠી મૂકી છે જેમાં લખ્યું છે કે `બોટલમાં માની રાખ છે જે વિશ્વ ભ્રમણ કરવા નીકળી છે. જો આ બોટલ તમારા હાથમાં આવે તો એને કોઈ નદી, સરોવર કે સમુદ્રમાં વહેતી મૂકી દેજો અને મા ક્યાં સુધી પહોંચી એ મને જણાવજો.’

આ કિસ્સા અંગે અઢળક પ્રતિક્રિયાઓ આવી છે અને એક જણે લખ્યું છે કે `આ એક બોટલ નથી, દીકરીનો માતૃપ્રેમ અને એક માનું સપનું છે.’

મારા મમ્મી-પપ્પાના લગ્નમાં જરૂરથી આવજો
શહેરમાં આધુનિક વિચારધારા અને ગામડાં એટલે પછાત માનસિકતા એવું જો તમે માનતા હો તો આ કિસ્સો ધ્યાનથી વાંચજો. એકવીસમી સદીમાં મુંબઈ અને અન્ય મહાનગરોના યંગસ્ટર્સમાં લગ્ન વિના લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું વધી રહેલું ચલણ મોડર્ન માઈન્ડસેટ’ કહેવાય છે. જોકે, ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનની ખ્યાતિ ધરાવતા સાપુતારામાં દીકરા કે દીકરીના માંડવામાં જ માતા-પિતા ફેરા ફર્યા હોય એવા વર્ષોથી અનેક ઉદાહરણ નોંધાયા છે. મહેલો અને શાહી નિવાસ માટે પ્રખ્યાત રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં 70 વર્ષ લિવ – ઈન રિલેશનશિપમાં રહ્યા પછી 95 વર્ષના દાદા ઘોડે ચડી 90 વર્ષનાં દાદીમા સાથે ધામધૂમથી લગ્ન કર્યાં છે. એક દિવસ વાતમાંથી વાત નીકળતા સંતાનોને ખબર પડી કે સંજોગોવશાત માતા પિતા લગ્ન નહોતા કરી શક્યા એટલે વરઘોડો કાઢીનાણાવટી રે સાજન બેઠું માંડવે’ના સૂર સાથે મંડપમાં હાથમાં હાથ સોંપી સાત ફેરા ફરી વિવાહ સંપન્ન થયા. અજબ પ્યાર કી ગજબ કહાની જેવા લગ્નમાં દીકરા- દીકરીએ જ સ્નેહભીના આમંત્રણ મોકલી વિવાહ યાદગાર બનાવી દીધા. હાજર મહેમાનોની એક આંખમાં આનંદ હતો તો બીજી આંખમાં આશ્ચર્ય ડોકિયાં કરી રહ્યું હતું.

ઘડિયા લગ્ન લો, ઘોડિયું બંધાવો, વસતિ વધારો
વસતિ ઘટાડો એકવીસમી સદીની અનોખી સમસ્યા છે જે જાપાન અને ચીન જેવા દેશોમાં સતાવી રહી છે. અનેક વર્ષ પોપ્યુલેશનમાં નંબર વન રહેલું ચીન હવે ભારત પછી બીજા ક્રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી એની વસતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો આગળ પણ જારી રહેવાનો હોવાથી દેશના વિકાસ પર ધ્યાનસ્થ રહેતા નિષ્ણાતો ચિંતામાં પડી ગયા છે.

સમસ્યાનો ઉકેલ લાવવા ચીનના સિચવાન પ્રાંતના આરોગ્ય અધિકારીઓએ એક `લોલીપોપ’ બહાર પાડ્યો છે. યુવાનોને મેરેજ માટે 25 દિવસની રજા મંજૂર કરવામાં આવી છે અને માતા બનેલી મહિલાને 150 દિવસ – પાંચ મહિનાની મેટરનિટી લીવ ઓફર કરવામાં આવી છે. પેટર્નિટી લીવ પણ 20 દિવસથી વધારી 30 દિવસ કરવામાં આવી છે. ટૂંકમાં ઘડિયા લગ્ન કરો અને ઝટ ઘોડિયું બંધાવો , જેથી દેશની વસતિ વધે એ આશય સાથે આ ઈન્સેન્ટિવ – પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, સંતાન ઉછેર કેવળ સ્ત્રીની જવાબદારી નથી, સહિયારી જવાબદારી છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે.

ટીચર ટીચર, છોડિયું પજવે છે… છોરાંઓ કરે છે શિકાયત! `મમ્મી, મને રાહુલે માર્યું અને ટીચર, ઓલો આકાશ અમારી સામે ચાળા કરે છે,’

ઘરમાં અને વર્ગમાં છોરીઓ દ્વારા છોરાઓ સામે થતી અનેક ફરિયાદો આપણા દૈનિક જીવનનો હિસ્સો રહી છે. જોકે, હાય રામ કુડિયોં કા હૈ ઝમાના…’ હોવાથી ફરિયાદીમાં બદલાવ જોવા મળી રહ્યો છે. રોમિયોગીરી માટે બદનામ ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાની એક શાળામાં જુલિયેટગીરીની ફરિયાદ આવી છે. સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને પત્ર લખી કલાસની વિદ્યાર્થિનીઓ સતામણી કરતી હોવાની કમ્પ્લેન કરી છે. પ્રિન્સિપાલને સંબોધી લખેલા પત્રમાં છોરાઓએ જણાવ્યું છે કેવર્ગની છોડિયું લલ્લા, પાગલ, ઔકાત મેં રહો (હેસિયતમાં રહો) જેવું કહીને અમને પજવે છે. વર્ગમાં આ બધીયું શોરબકોર કરે છે, ગીતો ગાય છે. ડાયલોગબાજી કરે છે અને અમારા મોઢા જોઈ ખીલખીલાટ હસે પણ છે.

પત્રના વિષયમાં સાત `અ’ વર્ગની વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓની માફી માગવી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ગમાં બૂમાબૂમ કરતી વિદ્યાર્થિનીઓના નામ પણ પત્રના અંતે લખવામાં આવ્યા છે. અજબ દુનિયામાં ગજબ ઘટના બનતી રહે છે.

લ્યો કરો વાત!
તુંડે તુંડે મતિર્ભિન્ના એમ કેસનું અર્થઘટન પણ અલગ અલગ જજ દ્વારા જુદું જુદું થતું હોય છે. ઘરેલુ હિંસાના એક કેસમાં પતિનો શારીરિક અને માનસિક અત્યાચાર વેઠનારી મહિલાને સેશન્સ જજ દ્વારા પાંચ લાખ રૂપિયાનું વળતર અને માસિક ભરણપોષણની રકમ એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આદેશને પડકારી મહિલાએ અપીલ કરી હતી. ફરી સુનાવણી થઈ. બીજી અદાલતે વળતરની રકમ પાંચ લાખથી વધારી એક કરોડ કરી નાખી અને માસિક ભરણપોષણ પેટે દોઢ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. મહિલાનો પતિ અને તેનો પરિવાર ધનવાન છે અને મહિલાએ 20 વર્ષના લગ્નજીવનમાં જે ત્રાસ અને અપમાન સહન કર્યા છે એ સામે પાંચ લાખ રૂપિયાનું વળતર નજીવું કહેવાય એવું અદાલતનું કહેવું હતું. એટલે વળતરની રકમ 20 ગણી વધારી દીધી. બોલો…!

આપણ વાંચો : અજબ ગજબની દુનિયા : દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button