અજબ ગજબની દુનિયા: હોશિયાર નિશાળિયો ને વતરણાં ઓછા

હેન્રી શાસ્ત્રી
અણ આવડતવાળો ઝાઝો દેખાડો કરે એ દર્શાવવા ‘ઠોઠ નિશાળિયો ને વતરણાં ઝાઝા’ કહેવત વપરાય છે. જોકે, 30 વર્ષની મેક્સિકોની એક મહિલાનાં પરાક્રમ જાણ્યા પછી ‘હોશિયાર નિશાળિયો ને વતરણાં ઓછા’ એવી નવી કહેવત બનાવવાની લાલચ નહીં રોકી શકાય. બન્યું એવું કે મેક્સિકોમાં યોજાયેલી 63 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન સ્પર્ધાના મહિલા વિભાગમાં કેન્ડેલેરિયા રિવાસ રોમસ નામનાં સન્નારીએ ભાગ લીધો હતો. જોકે, એમની પાસે સ્પેશિયલ રનિંગ શૂઝ સહિત દોડવા માટે કોઈ આધુનિક સાધન નહોતાં કે નહોતો લાંબી દોડનો કોઈ અનુભવ. હા, જહેમત અને જીગર માગે એવો પર્વતીય વિસ્તાર દરરોજ ખૂંદવાનો મહાવરો એમની પાસે હતો ખરો. એમના કિસ્સામાં જીગર અને જોશ સગવડ અને સાધન કરતાં ચડિયાતા સાબિત થયાં. રોજની હાડમારી અને દોડાદોડીવાળા જીવનને કારણે સન્નારી પાસે ગજબનો સ્ટેમિના અને પીડા સહન કરવાનું ગજબનું આત્મબળ હતાં. આત્મશક્તિના પ્રભાવે મિસ રોમસ 63 કિલોમીટરની મેરેથોન સ્પર્ધા 7 કલાક અને 34 મિનિટમાં પૂરી કરી વિજેતાપદ અંકે કર્યું. ‘હૈયામાં જો હોય હામ, તો હર મુશ્કિલ આસાન’નું આ અફલાતૂન ઉદાહરણ કહેવાય!
આંખો હી આંખો મેં ઈશારા હો ગયા, ઔર બૈઠે બૈઠે ડિવોર્સ ભી માગ લિયા…
જીવંત મનુષ્યનું દિમાગ સક્રિય બની કૃત્રિમ માનવ (રોબો) બનાવે એ વિજ્ઞાનની કમાલ છે, પણ જ્યારે એ જ કૃત્રિમ કરામત જીવંત માનવીના જીવનમાં ભંગાણ પડાવે એ વિજ્ઞાનની ધમાલ જ ગણવી જોઈએ ને…
કમાલ પછીની આવી ધમાલનું જીવતું જાગતું ઉદાહરણ ચીનમાં જોવા મળ્યું છે. ‘બીજિંગ ડેઈલી’ અખબારમાં આવેલા અહેવાલ અનુસાર 75 વર્ષના વડીલ શ્રીમાન જિઆંગે છૂટાછેડા માટે અરજી કરી છે. પત્નીનો કકળાટ અને અન્ય મોહિની માટે થયેલો મોહ આ છૂટાછેડાની ઈચ્છા માટે જવાબદાર છે. અનેક વર્ષોના લગ્નજીવનમાં પતિ – પત્નીમાં જોવા મળતા ક્ષુલ્લક ખટરાગ જિઆંગજીના જીવનમાં પણ છે. ‘તમે મોબાઈલમાં આખો દિવસ ચોંટ્યા રહો છો’ જેવી માથાકૂટથી ત્રાસી ગયેલા વડીલને સોશ્યલ મીડિયામાં આંટાફેરા મારતી વખતે એક કામિનીનું મુખ દર્શન થયું અને ‘આંખોં હી આંખોં મેં ઈશારા હો ગયા’ અને ‘પેહલીનઝરમેં પેહલાપ્યાર હો ગયા’ જેવું થયું. જોકે, આ સાચુકલી નવયૌવના નહોતી, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર થયેલી AI મોડલ હતી. મિસ્ટર જિઆંગને એનાથી કોઈ મતલબ નહોતો, કારણ કે મન મોહિની સાથે ટોકિંગમાં ટેસડા પડી રહ્યા છે. એને માટે એ હદે લગાવ થઈ ગયો છે કે એના નવા મેસેજ માટે આંખો ફોનના સ્ક્રીનને ચોંટી રહે છે. આ વાતને લઈને પત્નીએ ટપારતા ડિવોર્સ લઈ શેષ જીવન AI અવતારને સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો છે.
આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા
ડિલ સાફ કરી દિલને તરોતાજા કરતું મશીન
મેલ બે પ્રકારના હોય : એક શરીરનો ને બીજો મનનો. શરીરનો મેલ સાબુ, ફેસવોશ વગેરેથી કાઢી શકાય, પણ મનનો મેલ કાઢવા તો સ્વચ્છ અંત:કરણ જરૂરી છે. જોકે, આજની દૂષિત દુનિયામાં શરીર પરનો મેલ કાઢવાની જહેમત લેવી આજના માનવીને નથી ગમતી, કારણ કે એ કામ કરવામાં નહીં પણ કામ કરાવી લેવામાં માહેર છે. મનુષ્યની બદલાયેલી પ્રકૃતિથી વાકેફ આજની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ મનુષ્યને શારીરિક શ્રમ કેમ ઓછો પડે એવી પ્રોડક્ટ બનાવી રહી છે. ટેક્નોલોજીથી વિશ્વને ચકિત કરવા માટે જાણીતા જાપાનની એક કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક શાવર કેપ્સુલ તૈયાર કર્યું છે, જે ઉપયોગકર્તાને સાફસુથરા રહેવાની ઝંઝટનો ઉકેલ આપે છે. એમાં રહેલો ગરમ પાણીનો ફુવારો અને પાણીના પરપોટા – બબલ્સ ત્વચાની ગંદકી દૂર કરી દે છે. સિવાય મશીનમાં રહેલા સેન્સર શરીરની હાલત જાણી લે છે અને ઉપયોગકર્તાની માનસિક સ્થિતિ સમજી એ અનુસાર વીડિયો અથવા સંગીત રજૂ થાય છે. વ્યક્તિ ટેન્શનમાં હોય તો સમુદ્રનાં ઉછળતાં મોજાં અથવા જંગલની હરિયાળી દર્શાવી મન ફરી મહેકતું કરવાની કોશિશ થાય છે. ટૂંકમાં ‘ભવિષ્યના વોશિંગ મશીન’ તરીકે ઓળખાઈ રહેલું આ ઉપકરણ માત્ર 15 મિનિટમાં વ્યક્તિને નવડાવી, ડિલ કોરું કરી દિલને તરોતાજા બનાવી દે છે એવો દાવો કરવામાં આવ્યો છે.
બુક્સ- બેન્ચ- બોર્ડ વિનાની સ્કૂલ
સ્કૂલ યુનિફોર્મ, ખભે દફ્તર, દફ્તરમાં ઠાંસોઠાંસ ભરી નોટબુક – પુસ્તકો, નિશાળમાં ક્લાસ, ક્લાસમાં બેન્ચ, ટીચર, બ્લેકબોર્ડ, રિસેસમાં અને શાળા છૂટવાના સમયે વાગતો ઘંટ… એ વિદ્યાર્થી જીવનનું રૂટિન હતું. સદનસીબે હવે ધીરે ધીરે શાળાઓ એ રૂટિનમાંથી બહાર નીકળી બાળકોને મોજ પડે અને પુસ્તક સિવાયનું પણ શીખે એને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઉપરોક્ત બધી વાતની બાદબાકી કરવામાં આવી હોય એવી એક શાળા ચાલી રહી છે. આ સ્કૂલમાં આવતાં બાળકો માટે કોઈ યુનિફોર્મ નથી, ક્લાસરૂમ નથી કે નથી ક્લાસમાં કોઈ બેન્ચ કે ખભે ભારેખમ દફતર લઈને આવવાની જરૂર… શાળાનો સમય શરૂ થાય ત્યારે ભારતીય સંગીતની કોઈ મધુર ધૂન વગાડવામાં આવે છે. અહીં આવતાં બાળકો ગણિત, વિજ્ઞાન, ભાષા, સમાજશાસ્ત્ર વગેરે વિષય ભણે છે ખરા, પણ એમને ભણાવવાની પદ્ધતિ અલગ છે. સમગ્ર ધ્યાન ઓબ્ઝર્વેશન ઓરિયેન્ટેડ લર્નિંગ (વસ્તુ – વિષયનો પ્રત્યક્ષ અનુભવ કરી જાણકારી મેળવવી) પર કેન્દ્રિત કરવામાં આવે છે. ચર્ચા, વિચારણાથી શીખવાને કારણે વિષય ક્યારે ભણાઈ જાય છે એનો ખ્યાલ નથી રહેતો. આવા વાતાવરણમાં તૈયાર થવાથી વિદ્યાર્થીઓ ઉપલા વર્ગમાં ભણવા માટે વધુ આસાની અનુભવે છે.
આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા
લ્યો કરો વાત!
સેન્ટ્રલ ઈંગ્લેન્ડ સ્થિત નોર્ધમ્પટનશાયર પરગણાના વેલિંગબોરો ખાતે શરૂ કરાયેલી આ જેલHer Majesty’s Prison (HMP) Five Wells તરીકે ઓળખ ધરાવે છે. ગુનેગારોને નવું જીવન આપવાના આશયથી જેલનો સ્ટાફ આ કોઠડીને રૂમ અને કેદીઓને રહેવાસી તરીકે સંબોધન કરે છે. 1700 કેદીની ક્ષમતા ધરાવતી સળિયા વિનાની બારી ધરાવતી આ સ્માર્ટ જેલમાં જિમ્નેશિયમ, સ્નૂકર ટેબલ, ટેબલ ટેનિસનું ટેબલ તેમ જ કમ્પ્યુટર ટેબ્લેટ રાખવામાં આવ્યા છે. યુકેના ‘ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ’ના કહેવા પ્રમાણે કેદીઓને શિક્ષણ, તાલીમ અને છૂટ્યા પછી નોકરીની તક આપતી દેશની આ પ્રથમ જેલ છે….