17 વર્ષની કાનૂની લડાઈ બાદ અંતુલે જાહેર થયા નિર્દોષ!

- પ્રફુલ શાહ
કહેવા માટે કહી શકાય કે બેરિસ્ટ અબ્દુલ રહેમાન અંતુલેની રાજકીય કારકિર્દીને સિમેન્ટ કૌભાંડને લીધે ગ્રહણ લાગી ગયું. કબૂલ કે કલંકિત થયા ને મુખ્ય પ્રધાનની ગાદીય છોડવી પડી પરંતુ ભારતીય રાજકારણની નિર્લજ્જતા જુઓ કે અંતુલેની પોલિટીકલ કેરિઅર પર ફુલસ્ટોપ નહોતું મુકાયું.
સિમેન્ટ પરના સરકારી નિયંત્રણના કાયદાનો ભ્રષ્ટાચાર થકી છેદ ઉડાડવાનું પર્દાફાશ થયું અને અદાલતના ચુકાદાને પરિણામે અંતુલેએ ચીફ મિનિસ્ટરશિપ છોડવી પડી. મોટાભાગના રાજકારણીના ખેલનો આ સાથે અંત આવી જાય. આવી જ જવો જોઈએ. અંતુલેએ ગાદી છોડયા બાદ અદાલતના ચુકાદાને પડકાર્યો હતો. અંતે સુપ્રીમ કોર્ટમાંથી અંતુલેએ ક્લિનચીટ પણ મેળવી હતી.
આ રાજકીય વનવાસને કારણે તેઓ જાહેર જીવનમાં ભૂલાઈ ગયા હતા. કહો કે પ્રજાની નજરમાંથીય ઉતરી ચુકયા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેઓ ફરી સક્રિય થયા હતા. એ મોવડીઓની મીઠી નજર કે દયાભાવ વગર શક્ય બને ખરું? 1985માં તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. પ્રજાની સ્મૃતિ બહુ બટકણીને તકલાદી હોય છે એનો આ એક વધુ પુરાવો.
1989માં તેઓ નવમી લોકસભામાં સંસદસભ્ય તરીકેય જીતીને પહોંચ્યા હતા. 1991માં સંસદમાં ફરીથી ચૂંટાઈ આવ્યા. આ વખતે તેમને ભાગે માત્ર સાંસદ તરીકે લોકસભાની પાટલી ગરમ કરવાનું ન આવ્યું. 1995ના 1996ના મે સુધી તેમને કેન્દ્રીય પ્રધાન તરીકેની જવાબદારી સોંપાઈ હતી.
અંતુલે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના કેબિનેટ પ્રધાન બનાવાયા હતા. એટલું જ નહીં 1996ના ફેબ્રુઆરીથી મે મહિના વચ્ચે તેમને જળ સંસાધન ખાતાનો વધારાનો ચાર્જ પણ સોંપાયો હતો.
જાણે સિમેન્ટ કૌભાંડની અસર સાવ ભૂલાઈ ગઈ હોય એમ એ. આર. અંતુલે 1996માં ફરી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. 2004માં પણ ચૌદમી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમ જ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની સરકારમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો અખત્યાર સોંપાયો હતો.
જોકે રાજકીય કારકિર્દી લંબાવા છતાં લગભગ 30 કરોડના સિમેન્ટ કૌભાંડનો ડાઘ અંતુલેના નામ સાથે કાયમ જોડાયેલો રહ્યો. ઈંદિરા ગાંધીના આ ખાસ વિશ્ર્વાસુએ કટોકટીમાં મેડમજીને દિલથી સાથ આપ્યો હતો.
શરદ પવારની પુલોદ (પુરોગામી લોકશાહી દળ)ની સરકાર પદભ્રષ્ટ કરાયા બાદ નવી કૉંગ્રેસી સરકારની ધૂરા અંતુલેના હાથમાં સોંપાઈ હતી. તેઓ ઝડપભેર કામ કરવા માટે જાણીતા થવા લાગ્યા હતા. એવામાં સિમેન્ટ કૌભાંડની બ્રેક લાગી ગઈ. ગાદી છોડયા બાદ 17-17 વર્ષની લડાઈ બાદ તેઓ નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર મેળવીને જ જંપ્યા પરંતુ કારદિર્કીના પાછલા તબક્કામાં અગાઉ જેવા જોમ-જોશ નહોતા.
2014ની બીજી ડિસેમ્બરે અવસાન પામેલા અંતુલે મહારાષ્ટ્રનો વગદાર મુસ્લિમ ચહેરો હતા અને આજ સુધીના એક માત્ર મુસલમાન મુખ્ય પ્રધાન પણ ખરા જ. કૉંગ્રેસની એ વખતના રાજકીય વ્યૂહમાં એક લઘુમતી અને શિક્ષિત ચહેરા તરીકે તેમનું આગવું સ્થાન અને મહત્ત્વ હતું. મહારાષ્ટ્રના કૌભાંડમાં સિમેન્ટ સ્કૅમ અને અંતુલે ભાગ્યે જ ભૂલાશે. (સંપૂર્ણ)
આપણ વાંચો: પ્રાસંગિકઃ ટ્રમ્પની પરમાણુ હથિયાર પરીક્ષણની જાહેરાત વિશ્વ આખું ભયથી ધ્રૂજે છે…



