તસવીરની આરપારઃ અડાલજ વાવ: 360 ડિગ્રીમાં અદ્ભુત તસવીરી ને ઇતિહાસ

ભાટી એન.
આજનો યુગ કૅમેરાની કલાનો છે. જી હા, અત્યારે તમામ કૅમેરામેન છે, કેમ કે તમામનાં હાથમાં મોબાઈલ છે. આમ તો સામાન્ય કૅમેરા આપણે જોતા હોઈએ પણ ઈન્સ્ટા 360 જે કૅમેરામાં બે લેન્સ આવે છે આગળ, પાછળ જેનાથી આખું ચિત્ર ગોળાકાર 360 ડિગ્રીમાં જોઈ શકાય છે તો આજે ગુજરાતની વિશ્વ વિખ્યાત અડાલજ ગામનાં પાધરમાં આવેલ અડાલજ વાવ જેને રૂડીબાઇની વાવ તરીકે ઓળખાય છે, જેનો ઇતિહાસ પણ જાણીએ.
અડાલજનું મૂળ (જૂનું) નામ ગઢપાટણ હતું, જેના પ્રાચીન અવશેષો આજે પણ ભૂગર્ભ જણાય છે. પૂર્વે વીરસિંહ વાઘેલાએ દંડાહી દેશમાં અડાલજને રાજધાની બનાવી વેબુદેશના સામંતી ઠાકોરને હરાવી તેની પુત્રી લાલબા સાથે ક્ષાત્રીય લગ્ન કર્યાં, તે લાલબા પોતાના રૂપ અને સૌંદર્ય તથા રૂડા કાર્ય કરવાથી રૂડીબાઈ નામે ઓળખાયાં. સંવત 1550માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડવાથી રાણીનું દિલ દ્રવી ગયું તેથી તેમણે રાજ્યના ખજાનામાંથી પાંચ લાખ ટંકા (સુવર્ણ મુદ્રા) ખર્ચી મંદિર જેવી દેદીપ્યમાન વાવ બનાવડાવી, જેથી પ્રજા સુખી થઈ.
સંવત 1555 માઘ માસની પાંચમ અને બુધવારે રેતિયા પથ્થર વડે ભવ્યાતિભવ્ય વાવનો શિલાન્યાસ કર્યો. રાણીના નામ પરથી આ વાવ ‘રૂડાબાઈની વાવ’ તરીકે ઓળખાય છે. જોકે આજે તો ‘અડાલજની વાવ’તરીકે વિશ્વવિખ્યાત છે. આજે ‘અડાલજની વાવ’થી વિશ્વવિખ્યાત થઈ છે. અમદાવાદ અને ગાંધીનગર નજીક હોવાથી પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ આ વાવને નામના મળી છે.
વિશાળ પથ્થરની કોતરેલી કમાનો ચોરસ ભાત ઊપસાવે છે. પાંચ માળ સુધી પગથિયાં છે, જેથી તેને પગથિયાવાળી વાવ પણ કહે છે. વાવમાં પ્રવેશવા માટે ત્રણ જગ્યાએ દ્વાર છે. અંદર પ્રવેશતાં વચ્ચે એક ફળિયું આવે છે, જ્યાં ગોળાકાર કળાકૃતિથી મંડિત ફરતા પથ્થરો નયનરમ્ય લાગે છે. સૂરજનાં કિરણોનો લહાવો અતુલ્ય છે. ત્યાંથી થોડે દૂર જતાં જ કળાખચિત ઝરૂખા આવે છે. ચોમાસામાં સમગ્ર વાવ પાણીથી ભરપૂર હોય છે. એ વખતે ઝરૂખામાં બેસીને શીતલહેરની મજા માણી શકાય છે. બરાબર વાવની સામે ઊભા રહેતાં ઊડે સુધી ચોરસ આકૃતિનો ભાસ જે ભાસ થાય છે તે જ ‘અડાલજ વાવ’ની અતુલ્ય ઓળખાણ છે.



