આ તો સ્કેમ છે… સ્કેમ છે..!: વી. પી. સિંહને બદલે કાવતરાના ખલનાયકો બરાબરના ખરડાયા…

પ્રફુલ શાહ
બહુ ગાજેલા અને કાગળના વાઘ જેવા સેંટ કિટ્સ કૌભાંડ કેસમાં 1996ની 26મી સપ્ટેમ્બરે સી.બી.આઈ.એ મોટું પગલું લીધું. વરસોના વિલંબ, ઠાગાઠૈયા અને સુપ્રીમ કોર્ટના ઠપકાર બાદ અંતે આ કેન્દ્રીય તપાસ સંસ્થાએ અદાલતમાં આરોપનામું દાખલ કર્યું. આરોપીઓ હતા ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવ, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન કે. કે. તિવારી અને બની બેઠેલા ગૉડમેન ચંદ્રાસ્વામી. જેમના નામ બહુ વગોવાયા હતા એવા વી. પી. સિંહ કે એના દિકરા અજેય સિંહના આરોપમાં નહોતા! આ ત્રણેય વિરુદ્ધ આરોપ હતો કે વી. પી. સિંહની જાહેર છબિ-પ્રતિભા ખરડવા માટે ગુનાહિત ષડ્યંત્ર રચવા અને ફોર્જરી-બનાવટ-કરવાનો.
આ મોટા રાજકીય ધડાકાએ દેશભરમાં કંપારી ફેલાવી હતી. આ તો જાણે શરૂઆત હો એમ અઠવાડિયામાં જ એટલે કે ચોથી ઑકટોબરે નરસિંહ વિરુદ્ધ બિન-જામીનપાત્ર એરેસ્ટ વૉરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ એજ સાંજે દિલ્હી હાઈ કોર્ટે મોડી સાંજે વિશેષ સુનાવણી હાથ ધરીને પી.વી. નરસિંહ રાવને આગોતરા જામીન આપ્યા હતા. કલ્પના કરો કે આ સુનાવણી – ચુકાદાને મીડિયાએ કેવા ગજવ્યા હશે?
ઘણાંએ ધારી લીધું કે આ રાજકીય ખેલ પૂરો થયો ને કેટલાંકને થયું કે લાંબો મધ્યાંતર આવી ગયો. પરંતુ નવમી ઑક્ટોબરે રાવની ધરપકડ થઈ. પણ એકદમ ટેક્નીનકલ અને કહેવા કે નામ પૂરતી. થોડો ટાઈમ કસ્ટડીમાં રખાયા અને કલાકોમાં જામીન મળી ગયા. ન જાણે કેટલાંએ `સમરથ કે દોષ નહિ ગુસાંઈ’ ઉક્તિ યાદ આવી ગઈ હશે. પરંતુ આ પોલિટિકલ સ્કેન્ડલમાં તો બેસ્ટ થ્રીલર વેબસીરિઝ જેવા આંચકા હતા, કહો કેઆંચકા પર આંચકા આવવાના હતા. જામીન અરજી, અરજીનો અસ્વીકાર, વળતી અરજી અને અંતે રાવને રાહત. પરંતુ ધોળા લૂંગડા પર બદનામી-બદમાશીના કાળા ડાઘ તો લાગી જ ગયા.
હવે મામલો શાંત પડી ગયો? ઘણાંએ એવું માની લીધું પરંતુ પી.યુ.સી.એલ. શાંત ન બેઠું. પિપલ્સ યુનિયન ઑફ સિવિલ લિબર્ટીઝે અદાલતમાં માગણી કરી કે ગાંધી પરિવારના એકદમ નિકટના સાથીદાર એવા સતીષ શર્મા અને આર. કે.ધવનના નામ પણ ચાર્જશીટમાં મૂળ ત્રણ નામો સાથે ઉમેરવા જોઈએ, પણ એમ થોડું કોઈના કહેવાથી ગમે તેને આરોપી બનાવી દેવાય? માગણી જરાય અતાર્કિક નહોતી. આના મૂળમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટર સ્વ. એ. પી. નાંદી અને બિઝનેસમેન એચ. સી. નાહરાની જુબાની-કબૂલાત હતી. પરંતુ 1997ના એપ્રિલમાં અદાલતે આ બે નામનો આરોપીઓમાં સમાવેશ કરવાની માગણી ફગાવી દીધી.
કદાચ આ કથિત ષડ્યંત્રને પાછળના સૂત્રધારોને પર્દાફાશ કરવાની એક મહત્ત્વની કડી ગુમાવી દેવાઈ. આ તો હજી શરૂઆત થઈ હોય એવો ઘાટ ઘડાયો.
1997ના જૂનમાં સેં કિટ્સ સ્કૅમની તપાસના કેસમાં અદાલતમાં મોટા મોટા માથાની અવરજવર થતી હતી કાં એમના વકીલોની દોડધામ ચાલુ હતી. આની વચ્ચે એકદમ નિર્ણાયક ચુકાદો આવ્યો. અદાલતે પી. વી. નરસિંહ રાવ અને કે. કે. તિવારીના નામ કેસમાંથી ખારીજ કરી નાખ્યા, કાઢી નાખ્યા. અદાલતને લાગ્યું કે આ બન્ને વિરુદ્ધ નક્કર પુરાવા નથી. સેંટ કિટ્સ સ્કૅમમાં બન્નેના રોલ પર પડદો પડી ગયો કાયમ માટે. આ કનૂની બાબત હતી પણ સમજદારોને ઈશારો પૂરતો હતો.
હવે આ કેસમાં બે નામ રહ્યા. ગૉડમેન ચંદ્રાસ્વામી અને એના સાથીદાર મામાજી. અદાલતે આ બન્ને સામે આરોપ ઘડવાનો આદેશ આપી દીધો. અપરાધમાં ગુનાહિત કાવતરું ઘડવું, બનાવટી પુરાવા ઊભા કરવા અને બનાવટી દસ્તાવેજને સાચામાં ખપાવવાના ગુના હતા. ફરિયાદ પક્ષે સ્પષ્ટ શબ્દોમાં અદાલતને જણાવી દીધું હતું કે આ કાવતરા પાછળ 1989ની લોકસભાની ચૂંટણી અગાઉ વિશ્વનાથ પ્રતાપ સિંહની ઈમેજ ખરડવાનો કારસો હતો.
રાજાસા’બના નસીબ કહો કે ભારતીય મતદારોની સજદારી, એમની ઈમેજ તો ન ખરડાઈ પણ કાવતરાખોરો ઉઘાડા પડી ગયા હતા. પણ અદાલતના આખરી ફેંસલામાં શું આવશે? કોને સજા થશે? કેટલી? ક્યારે? (ક્રમશ:)
આ પણ વાંચો…આ તો સ્કેમ છે… સ્કેમ છે…!: રાજકીય ઊથલપાથલ વચ્ચે ફંગોળાતી રહી સેંટ કિટ્સ કૌભાંડની તપાસ



