ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

  • હેન્રી શાસ્ત્રી

અજબ દુનિયાના ગજબ દેશ એવા ચીનમાં આંખો ચકળવકળ થઈ જાય, બુદ્ધિ બહેર મારી જાય કે આશ્ચર્યથી મોઢું પહોળું થઈ જાય એવી ઘટના વારંવાર બનતી રહે છે. ચીનના ગ્વાંગડોંગ પ્રાંતમાં ઓસડિયાં (હર્બલ મેડિસિન) વેચવાની દુકાન ચલાવતી બે વ્યક્તિના સંદર્ભમાં રમૂજ અને આશ્ચર્ય જગાવતું એક જબરું કુતૂહલ લોકોમાં પેદા થયું છે.

વાત એમ છે કે 25-27 વર્ષની આ બંને વ્યક્તિ વારસાગત હર્બલ મેડિસિન વ્યવસાયનો અનેક દાયકાનો અનુભવ ધરાવતા પરિવારો સાથે નાતો ધરાવે છે. આ યુવા જોડીનું કામકાજ જામી નહોતું રહ્યું એટલે બિઝનેસને ધક્કો મારવાના ઈરાદાથી તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રમોશનલ ક્લિપ દર્શાવવાની શરૂઆત કરી.

જોકે, થયું એવું કે લોકોને તેમની પ્રોડક્ટ કરતાં અનેકગણી રુચિ તેમનામાં અને ખાસ કરી તેમના મુખારવિંદમાં પડી. આ બંને વ્યક્તિ વાસ્તવમાં પતિ -પત્ની છે, પણ સોશ્યલ મીડિયા ક્લિપમાં તેમના દેખાવમાં રહેલું અદ્ભુત સામ્ય જોઈ લોકોના દિમાગ એવા ચકરાવે ચડી ગયા કે પતિને રમૂજી ક્લિપ બનાવી લોકોને અચંબામાં મુકવાનો વિચાર આવ્યો. પતિ-પત્નીએ એકસરખા તૈયાર થઈ સેમ ટુ સેમ ચશ્માં અને ડ્રેસ પહેર્યા. બંનેને જોઈ ‘આ બેઉ પતિ-પત્ની છે કે જોડિયા બહેનો?’ એવી પ્રતિક્રિયા આવી.

દેખાવનું આ સામ્ય બિઝનેસ પોલિસીનો મુદ્દો બની ગયો છે અને મજાની વાત તો એ છે કે આ અજાયબી જોવા માટે અનેક લોકો તેમના બિઝનેસ પેજને ફોલો કરી રહ્યા છે અને એમાંથી કસ્ટમર મળવાને કારણે તેમના ધંધામાં બરકત આવી છે. ક્યારે કયો તુક્કો કામ કરી જાય એ સમજવું મુશ્કેલ હી નહીં, નામુમકિન હૈ, બરાબર ને?

કંસારો ને વાંદો: એક નામ, બે ઓળખ

પ્રાણી જગત અનેક વિસ્મયતાઓથી ખીચોખીચ ભરેલું છે. વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે નામમાં શું બળ્યું છે? પણ નામનો મહિમા અપરંપાર છે. નામનું સૌથી મહત્ત્વનું કામ છે ઓળખ આપવાનું. હાથી નામ પડતા વિરાટ કદનું પ્રાણી નજર સામે તરવરે તો કીડી બોલતા નાનકડા જીવનો ખ્યાલ આવે. કોયલ બોલતા કાનમાં ઘંટડી વાગવા લાગે તો સિંહના નામ સાથે ત્રાડ સંભળાય.

અલબત્ત, ઘણી વાર એક જ નામ એકથી વધુ ઓળખ પણ ધરાવતા હોય છે. કંસારો નામ પડતા કલાઈનું-કાંસાનું કામ કરનાર માણસનું જ સ્મરણ થાય. જોકે, જાણવા જેવી અને જાણીને સ્મરણમાં રાખવા જેવી વાત એ છે કે કંસારો એક નાના કદનું પક્ષી પણ છે. આ પક્ષી ‘ટુકટુક’ તરીકે પણ ઓળખાય છે. માથા પર શોભતા ચળકતા રંગોને કારણે સુંદર દેખાય છે.

તેના ગળામાંથી નીકળતો ટુકટુક અવાજ તાંબા-પિત્તળના વાસણ બનાવતા કારીગર (કંસારા) દ્વારા સતત હથોડી ટીપવાથી થતા અવાજ જેવો હોવાથી તેને આ નામ મળ્યું છે. હવે વાંદા વિશે વિચારો. પહેલા તો સહેજ ઘૃણા થાય, સ્ત્રી વર્ગ ડરી જાય અને નજર સામે રાતી પાંખવાળો જીવ તરી આવે. જોકે, ગુજરાતમાં ‘વાંદો’ એક પ્રકારની પરોપજીવી વનસ્પતિનું પણ નામ છે.

આ એક પ્રકારનો વેલો છે જે મોટાભાગે આંબાના ઝાડ ઉપર થાય છે. તેના ફળ પીળાં ગુલાબી અથવા સિંદૂરી રંગનાં થાય છે. મોકાણ એ છે કે જે ઝાડ ઉપર તે ચડે છે તે ઝાડનાં ફળ નાશ પામે છે. જોકે, કંસારો આ વનસ્પતિનાં ફળ ખાસ આરોગે છે. વાંદાનો ઉપદ્રવ હોય તો ત્યાં આ પક્ષીની હાજરી જરૂર હોય છે.

ફાસ્ટ બોલરના દેશમાં સ્પિનરનો વિક્રમ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની એ દરમિયાન સેમિ ફાઈનલમાં સર્વોચ્ચ સ્કોર નોંધાવી મેચ જીતવાનો વિશ્વ વિક્રમ કર્યો અને એ સિવાય એક ઈનિંગ્સમાં બે સેન્ચુરી જેવા રેકોર્ડ સુધ્ધાં નોંધાવ્યા. ગયા મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે ઈન્ટરનેશનલમાં ફાસ્ટ બોલિંગ માટે પ્રખ્યાત વેસ્ટ ઈન્ડિઝની ટીમના સ્પિનરોએ પૂરી પચાસ ઓવર બોલિંગ કરી જેવો અનોખો વિશ્વ વિક્રમ પણ નોંધાયો.

આગઝરતી ફાસ્ટ બોલિંગ માટે નામના ધરાવતા વેસ્ટ ઇન્ડિઝની ટીમના ઘણા ઝડપી બોલરોએ ક્રિકેટ વિશ્વ ગજાવ્યું છે. અલબત્ત, ગણ્યાગાંઠ્યા સ્પિનરો પણ પ્રભાવ પાડવામાં સફળ રહ્યા છે. એમાં સૌથી પહેલું નામ આવે ઓફ સ્પિનર લાન્સ ગીબ્સનું. વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડ ચેમ્પિયન ટીમના ભૂતપૂર્વ સુકાની ક્લાઈવ લોઈડનો કઝીન ગિબ્સ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટની સિદ્ધિ મેળવનાર પ્રથમ સ્પિનર છે.

1958થી 1976 દરમિયાન રમનાર ગિબ્સે ટેસ્ટ ક્રિકેટમાં હેટ-ટ્રીક પણ મેળવી છે. ગિબ્સ ઉપરાંત વિન્ડિઝના બે સ્પિનરે ખ્યાતિ મેળવી જેમાં સોની રામાધીન અને જેક નોરેગાનો સમાવેશ થાય છે. રામાધીન ટોપી પહેરી બોલિંગ કરવા માટે જાણીતા હતા જ્યારે જેક નોરેગા એક ઈનિંગ્સમાં નવ વિકેટ ઝડપનારા વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ અને એકમાત્ર સ્પિનર જ નહીં એકમાત્ર બોલર છે. ભવ્ય ફાસ્ટ બોલરની પરંપરા હોવા છતાં એક પણ ઝડપી બોલર વેસ્ટ ઈન્ડિયન બોલર ટેસ્ટની એક ઈનિંગ્સમાં નવ વિકેટ નથી લઈ શક્યો એ ક્રિકેટની ગજબ વાત જરૂર કહેવાય.

સંતાનોનું ગોઠવવા ગયા પછી વેવાઈ પણ…!

કવિ ઈન્દીવરજીએ ‘પ્રેમગીત’ ફિલ્મ માટે દિલમાં પ્રેમનું ઝરણું, સાગર અને સમુદ્ર વહેવડાવતું એક બેમિસાલ રોમેન્ટિક સોન્ગ લખ્યું છે: ‘હોઠોં સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો’.

એ ગીતમાં આગળ પંક્તિ આવે છે કે ‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન.’ આ પંક્તિઓનો પડઘો પાડતાં અનેક ઉદાહરણ દેશ-વિદેશમાં જોવા મળ્યા છે, જેમાં સિક્સટીના આધેડે સિક્સ્ટીનની તરૂણી સાથે કે 75ના દાદીએ 25 વર્ષના નવલોહિયા સાથે પ્રેમના બંધનમાં બંધાઈ પરણી પણ ગયાં હોય.

તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ‘લવ કે લિયે કુછ ભી કરેગા’ની મજેદાર ઘટના જોવા મળી છે. 45 વર્ષની મહિલાનો દીકરો અને પચાસેક વર્ષના ગૃહસ્થની દીકરીના ગોળધાણા ખાધા અને સગાઈની તારીખ નક્કી કરવામાં આવી. જોકે, સગાઈ થાય એ પહેલા દિલના દરિયામાં મોટી ભરતી જેવી ઘટના બની. દીકરાની મા ઘરમાંથી ગાયબ થઈ ગઈ.

થયું એવું કે દીકરા-દીકરીના મેળાપ વખતે બંને વેવાઈની બે આંખો ચાર થઈ અને ‘દિલ તો હૈ દિલ, દિલ કા ઐતબાર ક્યા કીજે, આ ગયા જો કિસી પે પ્યાર ક્યા કીજે’ વાગવા લાગ્યું. વેવાણ- વેવાઈ ‘ચલ કહીં દૂર નિકલ જાએ’ની ધૂન પર સવાર થઈ ભેગા રહેવા લાગ્યાં.

ચિંતાતુર મહિલાના પરિવારે પોલીસ ફરિયાદ કરી અને છાનબીન કરતા દીકરાને ખબર પડી કે મમ્મી તો સસરાના સંગાથના સપનાં જોઈ રહી છે. સંતાનોનું ગોઠવવા જતાં વેવાઈ વેલા ગોઠવાઈ ગયા. અલબત્ત, પોલીસ કમ્પ્લેન થઈ હોવાથી મહિલાને એના ઘરે સોંપી દેવામાં આવી. હવે ગામવાળાના મહેણા ટોણાંને કારણે મમ્મીએ સીતાની જેમ કોઈ પરીક્ષા આપવી પડે છે કે કેમ એ જોવાનું રહ્યું.

લ્યો કરો વાત!

ટાપુઓના દેશ તરીકે ઓળખ મેળવનાર ફિલિપિન્સ સાંસ્કૃતિક વૈભવ માટે ખ્યાતનામ છે. સાત હજારથી વધુ ટાપુ ધરાવતા આ દેશમાં કેટલાક જ્વાળામુખી પર્વતો છે તો સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્યની ભરમાર છે. જોકે, એશિયાના એકમાત્ર ખ્રિસ્તી દેશ (85 ટકા લોકો ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે) તરીકે જાણીતા આ દેશની આશ્ચર્ય અને આંચકો આપતી વાત એ છે કે અહીં મૃત વ્યક્તિના સંદર્ભમાં વિચિત્ર પ્રથા જોવા મળે છે.

ટિંગ્વિન નામની જાતિમાં તો મૃત વ્યક્તિને સરસ મજાના કપડાં પહેરાવી ખુરશી પર બેસાડવામાં આવે છે. કેટલાંક અઠવાડિયાં સુધી આ રીતે મૃતદેહ રાખવામાં આવે છે અને ઘણી વાર તો એના હોઠ વચ્ચે સિગારેટ ખોસી એ સળગાવવામાં આવે છે. મૃતદેહને બેઠી હાલતમાં જ પછી દાટી દેવામાં આવે છે. આવા ઉદાહરણ સાબિત કરે છે કે સાચે જ દુનિયા અજબગજ બની છે.

આપણ વાંચો:  તસવીરની આરપારઃ ગજરૂપ સાગર સવંગિયા માતાજીનું ક્લાત્મક મંદિર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button