અજબ ગજબની દુનિયા
ઢળતી સાંજે સૂર્યોદય

- હેન્રી શાસ્ત્રી
ઉમંગ – ઉત્સાહ હોય તો ઉંમર જખ મારે એવા પ્રસંગ વાર તહેવારે બનતા હોય છે અને અન્યોને પ્રેરણા આપતા રહે છે. બૌદ્ધિક અને સાંસ્કૃતિક ઊંચાઈ ધરાવતા સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગના ક્રિસ્ટિન થાયને નામના સન્નારી (માજી કે વૃદ્ધા કહેવું અજુગતું લાગે છે) 82 વર્ષની ઉંમરે ‘ઊગતા કલાકાર’ની ઓળખ મેળવી પ્રથમ કાર્યક્રમ આપવા સજ્જ થઈ રહ્યાં છે.
હાલ ચાલી રહેલા એડિનબર્ગ ફ્રિન્જ ફેસ્ટિવલમાં સોલો પરફોર્મન્સ આપી ‘ન કરવા જેવાં બધાં કામ’ કરવાના છે. નહીં કરવાના કામ વિશે કોઈ ગેરસમજ નહીં બાંધી લેતા, કારણ કે 80 વર્ષની ઉંમરે કોઈ ન કરી શકે અથવા હિંમત ન કરવી જોઈએ એવી કોશિશ લેડી ક્રિસ્ટિન કરી રહ્યાં છે. 1960માં ફિઝિયોથેરાપીસ્ટની ડિગ્રી મેળવ્યા ઉપરાંત એડવેન્ચર સ્પોર્ટ્સમાં ખેડાણ કર્યું હોવાથી સાહસિક વૃત્તિ એમનામાં વણાઈ ગઈ હતી. 1980ના દાયકામાં લગ્ન તૂટી ગયા પછી મેડમે ‘એડિનબર્ગના નેશનલ સેન્ટર’ની ડાન્સ ક્લાસની એડવર્ટાઈઝમેન્ટ જોઈ જેમાં લખ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી કલાસીસ. ક્રિસ્ટિનની ઉંમર ત્યારે 68 વર્ષની હતી અને એમણે જાતને સવાલ કર્યો કે ‘હિંમત કરું?’ માંહ્યલાએ હા પાડી અને 20 – 30 વર્ષની ઉંમરની યુવતીઓ જે પ્રકારના ડાન્સ કરે છે એ કરવા સન્નારી તૈયાર થઈ ગયાં છે. ‘મન હોય તો માળવે જવાય’ જેવી કહેવતો આવા જ ઉદાહરણ પરથી બની હશે.
સાચે જ કાયદો…
‘ડેવિડ કોપરફિલ્ડ, ‘ધ પીકવિક પેપર્સ’ જેવી ખ્યાતિ પ્રાપ્ત નવલકથા લખનારા બ્રિટિશ સર્જક ચાર્લ્સ ડિક્ધસની નોવેલ ‘ઓલિવર ટ્વિસ્ટ’માં Law is an ass- કાયદો ગધેડો છે એવું સણસણતું વિધાન એક કેસના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. આ વિધાનનો પરચો સમયાંતરે માણસજાતને મળતો રહ્યો છે. ઉતર પ્રદેશના એક જૂના મારપીટના તારીખ પે તારીખના મામલામાં 29 વર્ષના અંતે અદાલતે સુણાવેલો ફેંસલો ચાર્લ્સ ડિક્ધસના વિધાનનું સ્મરણ કરાવી દે છે. 1996માં મામૂલી ઝઘડામાં બે ચાર અડબોથ લગાવી દેવાનો મામલો અદાલતમાં ગયો અને અનેક સુનાવણી પછી ન્યાયમૂર્તિએ ત્રણ આરોપીને એક એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડી અને 500 – 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ નહીં ભરવામાં આવે તો વધુ 20 દિવસની સજા કરવામાં આવશે. 29 વર્ષ ચાલેલા કેસમાં આવી સજા! કેસના કેટલાક સાક્ષીની ભાળ આજની તારીખમાં મળવી અસંભવ છે. આશ્ર્ચર્યની વાત એ છે કે ત્રણેય આરોપી હયાત છે અને સજા સાંભળી તેઓ દુ:ખી થયા હશે કે હસવું આવ્યું હશે એનું અનુમાન દરેક જણે જાતે બાંધી લેવું. સાચે જ કાયદો….
ગીરની ગાય વગાડે છે ડંકા બ્રાઝિલમાં…
દુધાળા પ્રાણીમાં ગીરની ગાયનું નામ માનવંતું છે. સૌરાષ્ટ્રના ગીર પ્રદેશ ઉપરથી આ જાતનું નામ આપવામાં આવ્યું છે. વિદેશમાં અને ખાસ કરીને બ્રાઝિલ તેમ જ ઑસ્ટ્રેલિયામાં તેની નિકાસ કરવામાં આવી છે. હાલ બ્રાઝિલમાં આપણી ગીર ગાય અને બ્રાઝિલની હોલ્સટીન ગાયના વર્ણસંકરની ઓલાદGirolando ગાય દૂધ આપવામાં ડંકો વગાડી રહી છે. આ બધી ગાય સમગ્ર વર્ષ દરમિયાન અઢળક દૂધ આપે છે. એમાં હેરત પમાડનારી વાત એ છે કે કેટલીક ઓલાદ એક દિવસમાં 100 લિટરથી વધુ દૂધ આપે છે.!
‘કમાઉ દીકરા સૌને વહાલા’ એ ન્યાયે બ્રાઝિલના પશુપાલકો વિક્રમી દૂધ આપતી Girolando ગાયની માલિકી બદલ ગર્વ અને ગૌરવ અનુભવે છે. ફૂટબોલ માટે જગ પ્રસિદ્ધ દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલના પશુપાલકો તેમને ત્યાં આયોજિત ડેરી ટુર્નામેન્ટમાં ગીરની ગાયની ઓલાદ સ્પર્ધામાં ઉતારે છે અને નિયત સમયમાં કોની ગાય વધુ દૂધ આપે છે એની હરીફાઈ કરે છે. બ્રાઝિલના મહત્તમ દૂધ ઉત્પાદક રાજ્ય મિનાસ ગેરેસમાં થયેલી સ્પર્ધામાં ગીરની ગાયની વર્ણસંકર ઓલાદ ત્રણ દિવસમાં 343 લિટર દૂધ આપી નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપવામાં સફળ રહી હતી. ગીરની ગાયના ગીત બ્રાઝિલમાં ગવાઈ રહ્યા છે એ આપણા માટે અતિ આનંદના સમાચાર છે.
ટેનિસની કમાણી ટેનિસમાં સમાવી
ક્રિકેટ ‘સજ્જનોની રમત’ (જેન્ટલમેન્સ ગેમ)નો સિક્કો ધરાવે છે. જોકે, સમયાંતરે ક્રિકેટમાં બદમાશીનું તત્ત્વ ઘૂસી ગયું છે અને આજની તારીખમાં ટેનિસની રમત જેન્ટલમેન્સ ગેમ તરીકે વધુ સ્વીકૃત છે. આ પ્રમાણપત્રને યથાર્થ ઠેરવતા પ્રસંગો વારંવાર જોવા-સાંભળવા મળે છે.
તાજેતરમાં વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં સિંગલ્સના ચેમ્પિયન બનેલા ઈટલીના યાનિક સિનરને પ્રાઈઝ મની પેટે ત્રણ લાખ પાઉન્ડ (આશરે ત્રણ કરોડ 45 લાખ રૂપિયા) મળ્યા. આ પૈસામાંથી મોંઘીદાટ કાર ખરીદવા કે બીજી કોઈ વૈભવી વસ્તુ પાછળ ખર્ચવાને બદલે એણે સમગ્ર રકમ ટેનિસની એકેડેમી બાંધવા માટે દાન કરી દીધી. ટેનિસ રમી એમાં કરિયર બનાવવા ઉત્સુક એવાં ઘણાં બાળકો હોય છે જેમના માટે આ રમતની તાલીમ મેળવવી પહોંચ બહારની વાત હોય છે. એવા બાળકો કોશિશ કરી શકે અને આ રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સપનું સાકાર કરી શકે એ માટે સિનર કટિબદ્ધ છે. એ કહે છે:
‘નાનપણમાં મારા હાથમાં એક જૂનું રેકેટ હતું, પણ હું મોટાં સપનાં જોતો હતો. હવે બીજાં અનેક બાળકોના સપનાં સાકાર થાય એ દિશામાં મેં પગલું માંડ્યું છે.’
હોટેલમાં જમવા જતી વખતે વાનગીના ભાવ જોયા પછી ઓર્ડર આપતા સિનર પાસે એટલા પૈસા છે કે ફરારી- લેમ્બર્ગીની કે મેઝેરાટી જેવી દોઢ બે કરોડ રૂપિયાની કાર ખરીદવી એના માટે મુશ્કેલ નથી, પણ એની પાસે 50 લાખ રૂપિયાની કિંમતની કાર છે. ’પૈસાની કિંમત સમજી શકતા આવા લોકોથી જ ખેલકૂદ વધુ ઉજળું બને છે.
લ્યો કરો વાત!
દાન કોઈ હેતુસર કરવામાં આવે ત્યારે એને દાન કહેવું કે સોદા તરીકે ખપાવવું એવો વિચાર ક્ષણિક આવી જાય ખરો. આયર્લેન્ડના એક ખેડૂતે ચાલીસીની ઉંમરમાં પોતાની સમગ્ર પ્રોપર્ટી વેચી છ લાખ યુરો (આશરે છ કરોડ રૂપિયા) અંકે કર્યા. શેષ જીવન સુખ ચેનથી વિતાવવાને બદલે ભાઈશ્રીએ એકાદ મહિનામાં તો અડધોઅડધ રકમ તો ગરીબોને દાન કરી દીધી છે. ના, આ ભાઈ દાનવીર કર્ણના અવતાર નથી, પણ પ્રભુએ આદેશ આપ્યો હોવાનું કહેવાય છે કે જો તારી સમગ્ર સંપત્તિ દાન કરી દઈશ તો તને સ્વર્ગ મળશે. આ વાત ખેડૂત ભાઈએ ગંભીરતાથી લીધી છે અને ચાર હાથે દાન કરી રહ્યો છે. સ્વર્ગના દરવાજા વિશે તો પ્રભુ જાણે, પણ આ સિલસિલો ચાલુ રહ્યો તો મોઢાના પ્રવેશદ્વારથી અન્નના પ્રવેશનો પ્રોબ્લેમ થશે એટલું નક્કી.
આપણ વાંચો: વહાલામાંથી દવલા ને ભાગેડુ બનેલા ડૉ. તેજાની આંચકાજનક દાસ્તાન…